માઉન્ટબેટનને અખંડ ભારતને આઝાદી આપવાનો નિર્દેશ હતો
ઈતિહાસ ગવાહ હૈ : ડૉ.હરિ દેસાઈ
·
ભાગલા માટે માત્ર
ઝીણા અને મુસ્લિમ લીગ જ નહીં, હિંદુ પાર્ટી ગણાતી કોંગ્રેસ પણ જવાબદાર
·
મૌલાના આઝાદે
વિભાજનનો ઝંડો ઝીણાએ ઊંચક્યા છતાં એના ખરા ઝંડાધારી સરદારને ગણાવ્યા
·
ગાંધી,નેહરુ અને
સરદારના પાપે પાકિસ્તાન થયાની ડૉ.રામમનોહર લોહિયાની વાત પણ અર્ધસત્ય
·
લોહિયાએ નોંધ્યું છે
કે જનસંઘના પૂર્વઅવતારવાળાઓ તો બ્રિટન અને મુસ્લિમ લીગના મદદગાર
બ્રિટિશ વડાપ્રધાન ક્લેમન્ટ એટલીએ બ્રિટિશ ઇન્ડિયાના નવા ગવર્નર જનરલ
અને વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટબેટનને માર્ચ ૧૯૪૭માં દિલ્હી પાઠવ્યા ત્યારે એમને
લેખિતમાં જણાવ્યું હતું કે જૂન ૧૯૪૮ સુધીમાં બ્રિટિશ ઇન્ડિયા અને ભારતીય રજવાડાં સહિતના એક સંઘરાજ્ય એટલે કે અખંડ
ભારતને આઝાદી આપવાનું કામ તેમણે કરવાનું છે. તેમને સર્વાનુમત સાધવા ઓક્ટોબર ૧૯૪૭ સુધીની મુદત પણ અપાઈ હતી. જો
સર્વાનુમત સધાય નહીં તો બીજા વિકલ્પ અંગેનો અહેવાલ રજૂ કરવા જણાવાયું હતું. ૨૩
માર્ચ ૧૯૪૦થી મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની રટ લઇ બેઠેલા મોહમ્મદઅલી ઝીણા કે અન્ય
કોઈ મુસ્લિમ નેતાને, સ્વતંત્ર અખંડ ભારત જાળવવા, વડાપ્રધાન બનાવવા નેતાજી
સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધી તૈયાર હતા. ઝીણાએ એ વાત ગંભીરતાથી લીધી નહોતી. નેહરુ-સરદાર
સહિતના કોંગ્રેસી નેતાઓને પણ એ ફોર્મ્યૂલા માન્ય નહોતી. અંગ્રેજો જાય એ પછીના શાસન
બાબતે ભારતીય નેતાઓ વચ્ચે કોઈ સર્વાનુમત થયો નહીં. મુસ્લિમોને અલગ રાષ્ટ્ર માટે
મુસ્લિમ લીગના આજીવન પ્રમુખ ઝીણા આગ્રહી હતા. ઉપરાંત વચગાળાની સરકારના કટુ અનુભવે
લીગનો પીછો છોડાવવા આતુર કોંગ્રેસી સહિતના નેતાઓના પ્રતાપે ભાગલા અનિવાર્ય બન્યા.
અખંડ ભારતના આગ્રહી અકાલી દળના નેતા માસ્ટર તારાસિંહનો મત હતો કે જો મુસ્લિમોને પાકિસ્તાન
અપાય તો શીખોને પણ અલગ રાષ્ટ્ર મળવું જોઈએ. દક્ષિણમાં પેરિયાર ઈ.વી. રામાસામીને
અલગ દ્રવિડનાડુ જોઈતું હતું. ૧૬ ઓગસ્ટ ૧૯૪૬ના કોલકાતાના નરસંહારના ખલનાયક હુસૈન
શહીદ સુહરાવર્દી અને સરતચંદ્ર બોઝને સ્વતંત્ર સમાજવાદી બંગાળ દેશ ખપતો હતો. સરદાર
પટેલ અને નેહરુને સ્વતંત્ર બંગાળ મંજૂર નહોતું. નેહરુએ ૨૩ મે ૧૯૪૭ના રોજ વાઇસરોયને
જણાવ્યું હતું કે અમને અખંડ બંગાળ મંજૂર છે જો તે સંપૂર્ણ ભારતમાં રહેવાનું હોય
તો. અડધું બંગાળ અને અડધું પંજાબ પાકિસ્તાનમાં જશે એવું લાગતાં ૮ માર્ચ ૧૯૪૭ના રોજ
કોંગ્રેસે પંજાબ અને બંગાળના ભાગલાના સમર્થનમાં ઠરાવ કર્યો હતો. જોકે સ્વતંત્ર
બંગાળ સામે ગાંધીજીનો વિરોધ નહીં હોવાનું મે-જૂન ૧૯૪૭ દરમિયાન સ્પષ્ટ થતું હતું.
વિકૃતિસભર ઈતિહાસ
આવા સંજોગોમાં કોની શી ભૂમિકા હતી એ વિશે ઘણા વિરોધાભાસો જોવા મળે છે.
ઈતિહાસનાં તથ્યો શોધીને નીરક્ષીર કરવા જતાં કેટલાંક ચોંકાવનારાં તથ્યો સામે આવે
છે. ઈતિહાસનાં તથ્યોને મારીમચડીને પોતાને અનુકૂળ દર્શાવવાનો દરેક યુગના દરબારી
ઈતિહાસકારો કે ઐતિહાસિક નવલકથાકારોનો પ્રયાસહકીકતમાં ઈતિહાસને વિકૃત કરી મૂકે છે.
એનું સૌથી તાજું ઉદાહરણ સમાજવાદી નેતા ડૉ.રામમનોહર લોહિયાલિખિત “ગિલ્ટી મેન ઓફ ઇન્ડિયાઝ
પાર્ટિશન’ (ભારત કે વિભાજન કે ગુનહગાર)ના અંશોને રજૂ કરવાની મનોરુગ્ણ માનસિકતા છે.
મૂળ પુસ્તક વાંચનારા કે મૂળ દસ્તાવેજો જોનારા જૂજ હોય ત્યારે એ પુસ્તકના અનુકૂળ
અંશોને રજૂ કરવાનું વાવાઝોડું વહેતું કરાય છે. હકીકતમાં રાષ્ટ્રપિતા મહાત્મા
ગાંધીને શિરે ભાગલાનો દોષ ઢોળવા અને એમના હત્યારા નથુરામ ગોડસેના મહિમામંડન
માટે યોજનાબદ્ધ રીતે આ વિકૃતિસભર ઈતિહાસ
સામાન્ય પ્રજાને પીરસવામાં આવે છે. સમાજવાદી ડૉ.લોહિયા પોતે જે કોંગ્રેસમાં હતા એ જ કોંગ્રેસ
તથા તેના નેતાઓ મહાત્મા ગાંધી, પંડિત નેહરુ અને સરદાર પટેલને શિરે ભાગલાના દોષનો
ટોપલો સેરવીને એમણે જાણે કે મહાન સદકાર્ય કર્યું હોય એવું દર્શાવાય છે.
બ્રિટિશ અને લીગના મિત્રો
વર્ષ ૧૯૬૦માં અલાહાબાદના કિતાબિસ્તાને પ્રકાશિત કરેલા ડૉ.લોહિયાના આ જ
પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધાયેલા શબ્દો લોકનજરથી ઓઝલ રાખવામાં આવે છે: “અખંડ
ભારતના ઘાંટા પાડનારા અત્યારના જનસંઘના અને એમના પૂર્વઅવતારના નેતાઓએ વાસ્તવમાં
બ્રિટન અને મુસ્લિમ લીગને પાર્ટિશનમાં મદદ કરી છે. તેમણે મુસ્લિમોને એક દેશમાં
હિંદુઓ સાથે રાખવાની દિશામાં કશું કર્યું નથી. ભારતમાં જે મુસ્લિમોના વિરોધી એ
પાકિસ્તાનના મિત્ર છે. જનસંઘીઓ અને હિંદુ ધોરણે અખંડ ભારતીયો પાકિસ્તાનના
મિત્રો છે.” કમ્યૂનિસ્ટો પણ ભાગલાના
સમર્થક હતા. પોતાને ભાગલાના વિરોધી અને સરદાર પટેલને ભાગલાના ખરા ઝંડાધારી
ગણાવવાનું પોતાના પુસ્તક “ઇન્ડિયા વિન્સ ફ્રીડમ”માં અનુકૂળ રીતે મૂકનારા મૌલાના
આઝાદ વાસ્તવમાં સરદાર પટેલ પ્રત્યે દ્વેષભાવ
ધરાવતા હતા. એનું એક કારણ નેહરુ
કેબિનેટમાં મૌલાનાને લેવા સામે સરદારનો વિરોધ હોવાનું પણ ગણાવી શકાય.. મૌલાનાના આ પુસ્તકના
ઉત્તર સ્વરૂપે ડૉ.લોહિયા પોતાનું પુસ્તક “ગિલ્ટી મેન ઓફ ઇન્ડિયાઝ પાર્ટિશન”
લખ્યું. તેમણે આ પુસ્તક ૧૯૬૦માં લખ્યું ત્યારે એ કોંગ્રેસ અને નેહરુના વિરોધી હતા.
૧૯૬૨માં નેહરુ સામે ચૂંટણી લડીને પરાજિત થયા હતા.ડૉ.લોહિયા નોંધે છે કે કોંગ્રેસની
નેતાગીરી ઉંમર અને લડતના થાકને કારણે
પોતાની હયાતીમાં જ સત્તાનો ભોગવટો કરવા આતુર હતી એટલે ભાગલા કબૂલવા તૈયાર હતી.
કારોબારીમાં ભાગલા સંમત
પોતાને સાચા અખંડ ભારતસમર્થક ગણાવનારા ડૉ.લોહિયાની જનસંઘ એટલે કે
વર્તમાન શાસક પક્ષ ભારતીય જનતા પક્ષના
પૂર્વાવતારની ભૂમિકાને બદલે ગાંધીજી અને નેહરુને જ ભાગલાના દોષિત ગણાવવાની
ગાજવીજ આજકાલ ખૂબ ચાલે છે. વાસ્તવમાં ડૉ.લોહિયા અને જયપ્રકાશ નારાયણને કોંગ્રેસની ૨
જૂન ૧૯૪૭ની કારોબારીમાં નિમંત્રવામાં
આવ્યા હતા, જેમાં કોંગ્રેસે ભાગલાનો સ્વીકાર કર્યો. એ બેઠકમાં જે.પી. કે લોહિયા પણ
ભાગલાના વિરોધમાં ઝાઝું અસરકારક બોલ્યા નહીં હોવાનું એ નોંધે છે. વિરોધમાં માત્ર
ગાંધીજી, ખાન અબ્દુલ ગફારખાન અને એમના મોટાભાઈ ડૉ.ખાન જ બોલ્યાની વાત કહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ આચાર્ય કૃપાલાની ઘેરાતી આંખે બેસી રહ્યા. મૌલાના આઝાદ ખૂણામાં
બેસીને સતત સિગારેટ ફૂંકતા રહ્યાનું લોહિયા નોંધે છે. જોકે પોતાના પુસ્તકમાં
મૌલાના પોતે એકલાએ જ પાકિસ્તાનના ઠરાવનો વિરોધ કર્યાનો દાવો કરે છે. લોહિયા આ
દાવાને હાસ્યાસ્પદ ગણાવે છે. મહાત્મા
ગાંધી પોતાની લાશ પર દેશના ભાગલા થાય એવા મતના હતા. છતાં પોતાના બંને પટ્ટશિષ્ય
એવા કોંગ્રેસી નેતાઓ પંડિત જવાહરલાલ અને સરદાર વલ્લભભાઈએ ભાગલા માટે જીભ કચરી
હોવાથી એને સમર્થન આપવા તેમણે આગ્રહ કર્યો હતો. ૩ જૂનની બપોરે સાડા બાર વાગ્યે
ભાગલાનો સ્વીકાર કરવા અંગેનો કોંગ્રેસ
અધ્યક્ષ કૃપાલાનીનો પત્ર વાઇસરોયને સુપરત કરાયો. લીગની કારોબારી સુધી એ અંગે મત
નહીં રજૂ થાય, એવું ઝીણાએ જણાવ્યું. એમણે તો ડોકું જ ધૂણાવવાનું હતું. મુસ્લિમ
લીગી ઝીણા અંગ્રેજોની રમત રમી રહ્યા હતા. ઝાઝી મહેનત વિના જ પાકિસ્તાન મેળવી
શક્યા.૧૪-૧૫ જૂનની કોંગ્રેસ મહાસમિતિમાં કારોબારીના ઠરાવને ૧૫૭ વિરુદ્ધ ૨૭ મતે,
સરદાર પટેલના સમજાવટ ભાષણને પગલે, માન્ય કરાયો. સરહદના ગાંધી બાદશાહ ખાન અને એમના
મોટાભાઈ ડૉ. ખાન સાહેબ આ બેઠકથી અળગા
રહ્યા. સિંધના ચોઈથરામ ગિદવાણી, મૌલાના હાફિઝુર રહેમાન અને ડૉ.સૈફુદ્દીન કિંચલુએ
વિરોધ કર્યો, પણ સરદારે “આ ભાગલા પાડશું કે અનેક ભાગલા પાડશું, તેની વચ્ચે પસંદગી
કરવાની છે” “આઝાદી આવી રહી છે. ભારતનો ૭૦થી ૮૦ ટકા જેટલો ભાગ આપણી પાસે રહ્યો
છે.આપણે બુદ્ધિશક્તિથી તેને મહાન બનાવી શકીશું. લીગ બાકીના વિસ્તારનો વિકાસ કરશે”
એમ કહીને બહુમતી સભ્યોને સમજાવી લીધા હતા. અમેરિકાનિવાસી પાકિસ્તાની ઇતિહાસકાર
આયેશા જલાલ તો ભાગલાને કોંગ્રેસની યોજના ગણાવે છે.
સરદાર પટેલનું યોગદાન
સરદાર પટેલે બંધારણ સભામાં કહ્યું હતું કે હા, કોંગ્રેસ ભાગલાની
જવાબદારી સ્વીકારે છે. જોકે મુસ્લિમ લીગ સાથે સરકારમાં રહેવાના અનુભવે, અમે
ભાગલાના વિરોધી હોવા છતાં, પાકિસ્તાનનો ટૂકડો આપીને પણ માથાનો દુખાવો ખાળવા તૈયાર
થયા હતા. ભવિષ્યમાં પાકિસ્તાન પાછું ફરવાનું એ નક્કી લાગે છે. અત્યારે ગૃહયુદ્ધના
સંજોગોને ટાળવા માટે પાકિસ્તાન આપીને પણ ૭૦થી૮૦% ભારતીય પ્રદેશ આપણી પાસે રહેવાનો
હતો. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભાગલા થયા. ભારત અને પાકિસ્તાન સંઘ અસ્તિત્વમાં
આવ્યા.દેશી રજવાડાં અંગ્રેજ અંકુશમાંથી મુક્ત થયાં. ૫ જુલાઈએ પોલિટીકલ
ખાતાને સ્થાને રિયાસત ખાતું (મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ્સ) રચાયું. એના મંત્રી સરદાર
પટેલ અને સચિવ વી.પી.મેનને કામે વળીને ૫૬૫માંથી ૫૬૨ દેશી રજવાડાં ભારતમાં જોડાય
એવું ૧૫ ઓગસ્ટ સુધીમાં ગોઠવી લીધું હતું. પાકિસ્તાનમાં ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ લગી એકેય
રજવાડું જોડાવા તૈયાર નહોતું. રેડક્લિફ પંચે ૧૭ ઓગસ્ટે સરહદો નક્કી કરી. સરહદોની
બંને બાજુ સ્થળાંતર અને ખૂનામરકી સર્જાઈ. હવે
ભારતીય શાસકો સામે જ નહીં, પાકિસ્તાની શાસકો સામે પણ મોટો પડકાર ડોકાતો હતો.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૯ માર્ચ ૨૦૨૧)
No comments:
Post a Comment