લવ જેહાદ રોકવા મહાત્મા ગાંધી ભાજપની સરકારોની વહારે
અતીતથી આજ; ડૉ.હરિ દેસાઈ
·
આંતરધર્મીય લગ્નો
રોકવાના નામે પરાપૂર્વથી રાજકારણ ચમકાવવાના પ્રયાસો
·
કોંગ્રેસની સરકારોએ
ધર્માંતરવિરોધી કાયદા ઘડ્યા હોય ત્યારે કયા મોઢે વિરોધ કરે
·
હરિલાલને અબદુલ્લા
કરનાર રામદાસની સાવરકર-હેડગેવાર થકી ઘરવાપસી થઇ
Dr.Hari
Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily of Surat and
Sardar Gurjari Daily of Anand. You may visit haridesai.com to read more columns
and comment.
ગુજરાત સરકારે હમણાં “સારી જીવનશૈલી, દૈવી કૃપા અથવા અન્યથા”
“કપટયુક્ત સાધનો” થકી ધર્મપરિવર્તન કરાવીને કે છેતરીને બળજબરીપૂર્વક લગ્ન કરનાર કે કરાવનાર સામે બિનજામીનપાત્ર ગુનો નોંધી ત્રણથી દસ વર્ષની કેદની સજા અને પાંચ લાખ રૂપિયા
સુધીના દંડની જોગવાઈ કરતું વિધેયક વિધાનસભામાં પસાર કરાવ્યું. સત્તાપક્ષની બહુમતી
હોવાને કારણે અને વિપક્ષી કોંગ્રેસના બોદા વિરોધ વચ્ચે “ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય
અધિનિયમ, ૨૦૦૩”માં સુધારા કરાવતું “ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધરા) વિધેયક, ૨૦૨૧”
સત્તાપક્ષના અનુકૂળ રાજ્યપાલના હસ્તાક્ષર થતાંની સાથે જ અમલી બને. ભારતીય બંધારણ
એના નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ ૨૫ અન્વયે આપે છે
એટલું જ નહીં,ધર્મના પ્રચાર અને ધર્મહીન રહેવાનો અધિકાર પણ બંધારણ બક્ષે છે. જોકે
દેશભરમાં હિંદુઓ કે આદિવાસીઓ ખ્રિસ્તી કે મુસ્લિમ થતાં ધર્માંતરણથી રાષ્ટ્રાંતર
થતું હોવાની ફિલસૂફીને અનુસરનારા વર્તમાન સત્તાધીશો અને એમની નાગપુરી માતૃસંસ્થા ધર્મપરિવર્તન
અને આંતરધર્મીય લગ્નોને રોકવા ભારે આક્રમક થઈને, લવ જેહાદનો નારો લગાવીને, આવાં લગ્નોને
ખાળવા કાયદા બનાવવાની તરફેણમાં છે. એવું નથી કે આવા કાયદા આજે ભાજપની સરકારો જ
બનાવીને કંઈક નવું કરી રહી છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ પણ ધર્મપરિવર્તન
રોકવા માટે કાયદા બનાવ્યા છે. એ છતાં જેમ ધર્માંતરણ અટક્યું નથી, એમ આંતરધર્મીય
(ઇન્ટરફેઈથ) લગ્નોને લવ જેહાદ જાહેર કરીને રોકવાની કોશિશો છતાં આવાં લગ્નો અટક્યાં
નથી. ઉલટાનું, ભાજપ કે સંઘ પરિવારના જે લોકો ભારે ઉહાપોહ મચાવે છે એમના ઘરઆંગણે જ આવાં
આંતરધર્મીય લગ્નો થતાં રહ્યાં છે. અત્યાર લગી કોંગ્રેસે જે મહાત્મા ગાંધી પર
પોતાની મક્તેદારી ચલાવી છે એ ગાંધીને ભાજપ હવે હાઇજેક કરી રહ્યો છે. લવ જેહાદના
મુદ્દે ભાજપ કે સંઘ પરિવારને મહાત્મા ગાંધીનું નામ વટાવવાની ફાવટ આવી જાય તેમ છે. “હિંદુ-મુસ્લિમ
લગ્નને એક મ્યાનમાં બે તલવાર ગણાવીને અયોગ્ય લેખાવતા” મહાત્મા ગાંધી આવતા દિવસોમાં
લવ જેહાદના વિરોધીઓના આઇકન બની જાય તો નવાઈ નહીં.
ધર્મપરિવર્તનની ભૂમિકા
બધાં જ ધર્મ પરિવર્તન એ કંઈ લાલચ કે છેતરપીંડીથી થાય એવું નથી હોતું.
દેશમાં સૌપ્રથમ ઈ.સ. ૫૧માં કેરળમાં સેન્ટ થોમસના આગમન સાથે જ પાંચ ઉચ્ચવર્ણીય નામ્બુદિરી
બ્રાહ્મણ પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો કે કેરળના મહારાજા ચેરામન પેરુમલે મહંમદ
પયગંબર સાહેબની હયાતીમાં જ ઇસ્લામ કબૂલ્યો એ કાંઈ જબરજસ્તી કે લાલચથી શક્ય નહોતું
બન્યું. ચેરામનના આદેશથી ઈ.સ. ૬૨૯માં બંધાયેલી દેશની સૌપ્રથમ મસ્જિદ એવી ચેરામન
જુમ્મા મસ્જિદની સુવર્ણમઢિત પ્રતિકૃતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોંશે હોંશે સાઉદી
અરબના રાજાને ભેટ ધારે છે.મુસ્લિમ શાસકો કે બ્રિટિશ શાસકોના સમયગાળામાં ઇસ્લામ કે
ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનું વલણ જોવા મળ્યું, છતાં આજે પણ દેશમાં ૮૦ ટકા જેટલી
વસ્તી હિંદુ છે. આ હકીકત દર્શાવે છે કે કટ્ટરવાદી શાસકોએ જુલ્મો કરીને ધર્મ
પરિવર્તન કરાવ્યાં હોય તો પણ એ ઝાઝાં થયાં નહોતાં. મુઘલ બાદશાહ ઔરંગઝેબના
સમયગાળામાં પણ માત્ર ૮ ટકા મુસ્લિમ વસ્તી હતી અને એમના દરબારમાં બાદશાહ અકબર જેવા
ઉદાર ગણાતા મુઘલ શાસકના સમય કરતાં વધુ હિંદુ દરબારી અને સેનાપતિ સહિતના અધિકારી હતા, એ ઈતિહાસવિદોએ નોંધ્યું છે. વિવિધ
કારણોસર ધર્મપરિવર્તન થતાં રહ્યાં છે. પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદઅલી ઝીણાના
દાદા મોટી પાનેલીના લોહાણા ઠક્કર પરિવારના હોવા છતાં એમણે ઇસ્લામ કબૂલ્યો હતો.
સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની અને કોંગ્રેસના અધ્યક્ષ રહેલા આચાર્ય કૃપાલાનીના બે
ભાઈએ સપરિવાર ઇસ્લામ કબૂલ્યો હતો. એમાંના એક તો પ્રતિષ્ઠિત મૌલાના ગણાતા હતા.
બંગાળમાં ઉચ્ચ બ્રાહ્મણ વર્ગના અનેક ભણેલા ગણેલા
મહાનુભાવોએ પણ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. કોંગ્રેસના પહેલા અધ્યક્ષ
વ્યોમેશ ચંદ્ર બેનરજી ખ્રિસ્તી હતા. ગુજરાતી
કવિ મણિશંકર રત્નજી ભટ્ટ “કાન્ત”
પણ ખ્રિસ્તી થયા પછી તેમણે ઘરવાપસી કરી હતી. મહાત્મા ગાંધીના સૌથી મોટા પુત્ર
હરિલાલને મૌલવી અબદુલ્લા રામદાસે ઇસ્લામ કબૂલ કરાવ્યો હતો. એ પછી હરિલાલ ફરી હિંદુ
પણ થયા હતા. ગાંધીજીના વર્ધા આશ્રમમાં
રહેતા મહાર (દલિત) રામદાસ મહાત્મા સાથે સારો ઘરોબો ધરાવતા હતા, પણ કોઈ હોટેલ
માલિકે અપમાનિત કર્યા ત્યારે એમણે ઇસ્લામ કબૂલ્યો. એમણે હજારો મહારોને ઇસ્લામ
કબૂલાવ્યો એટલે તેમને મૌલવીનો ખિતાબ મળ્યો. આ જ અબદુલ્લા રામદાસે હરિલાલને ઇસ્લામ
કબૂલાવ્યો હતો, પણ આર્ય સમાજ થકી એમની
શુદ્ધિ કરાવાઈ હતી. એ વેળા સ્વાતંત્ર્યવીર સાવરકર અને ડૉ.કેશવ બલિરામ હેડગેવારની
હાજરીમાં તેઓ ફરી હિંદુ થયા હતા. ૧૯૫૬માં
ડૉ.બાબાસાહેબ આંબેડકરે પાંચ લાખ અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યારે આ
રામદાસે પણ “દલિતોના આત્મસમ્માન કાજે” બૌદ્ધ ધર્મ કબૂલ્યો હતો.
આંતરધર્મીય લગ્નોનું પ્રચલન
પરાપૂર્વથી વિવિધ ધર્મનાં સ્ત્રી-પુરુષ વચ્ચે લગ્નસંબંધ યોજાતા જોવા મળે છે. રાજવી પરિવારોમાં તો એને
વ્યૂહાત્મક લેખવામાં આવતા. આજના રાજકીય પરિવારોમાં પણ એ ઘણા મોટા પ્રમાણમાં જોવા
મળે છે. ધર્મ એ અંગત બાબત હોવા છતાં આંતરધર્મીય લગ્નોને લવ જેહાદમાં ખપાવી દેવામાં
આવે છે. આ લવ જેહાદની બૂમરાણ મચાવનારાઓના પક્ષ કે પરિવારમાં પણ આંતરધર્મીય લગ્નો
ઊડીને આંખે વળગે તેવાં છે. ભાજપના બોલકા કટ્ટર હિંદુવાદી સાંસદ અને અગાઉ જનસંઘના
સાંસદ પણ રહેલા ડૉ.સુબ્રમણિયન સ્વામીનાં પત્ની રોક્સાના પારસી છે. એમની દીકરી
સુહાસિની દેશના વિદેશ સચિવ અને વિદેશ
મંત્રી રહેલા કોંગ્રેસી નેતા સલમાન હૈદરના પુત્ર નદીમ હૈદર સાથે પરણેલાં છે.
સુહાસિની હૈદર ચેન્નાઈના “ધ હિંદુ” દૈનિકનાં ડિપ્લોમેટિક એડિટર છે. હજુ હમણાં સુધી
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) રહેલા સંઘના વરિષ્ઠ પ્રચારક રામલાલ ગુપ્તાનાં
ભત્રીજી શ્રેયા ગુપ્તાનાં લખનઉમાં ફૈઝાન કરીમ સાથે લગ્ન થયાં ત્યારે ઉત્તર
પ્રદેશના રાજ્યપાલ રહેલા રામ નાઈક ઉપરાંત કેન્દ્રના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી
ઉપરાંત યોગી સરકારના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહિતના મંત્રીઓ પણ હાજર
રહ્યા હતા. ડૉ.વિજાહત કરીમ અને કોંગ્રેસી નેતા ડૉ.સુર્હિતા ચેટરજી કરીમના દીકરા
સાથે શ્રેયાનાં લગ્ન લવ જેહાદ ના ગણાય !
સ્વયં નકવી શિયા મુસ્લિમ છે. તેમણે હિંદુ કન્યા સીમા સાથે પ્રેમલગ્ન કરેલાં છે. વાજપેયી સરકારમાં મંત્રી રહેલા અને અત્યારે
બિહારમાં ભાજપી ક્વોટામાંથી મંત્રી શાહનવાઝ હુસૈને હિંદુ કન્યા રેણુ સાથે પ્રેમ
લગ્ન કરેલાં છે. બિહારના વર્ષો સુધી નાયબ મુખ્યમંત્રી રહેલા અત્યારના ભાજપી સાંસદ
સુશીલ મોદીને મુંબઈથી પટણા જતાં ટ્રેનમાં ખ્રિસ્તી સહયાત્રી જેસી જ્યોર્જ સાથે પ્રેમ થયો અને પરણી ગયાં. એ લવ જેહાદ ના
ગણાય ! આવાં તો ઢગલાબંધ ઉદાહરણ આપી શકાય.
એક મ્યાનમાં બે તલવાર
આખું આયખું હિંદુ-મુસ્લિમ એકતાનું રટણ કરનારા મહાત્મા ગાંધીએ પોતાના
બીજા ક્રમના દીકરા મણિલાલને એ જેની સાથે બાર વર્ષથી પ્રેમમાં હતો એ મુસ્લિમ કન્યા
ફાતિમા ગુલ સાથે લગ્ન કરવા દીધાં નહોતાં. એટલું જ નહીં, ગાંધીજીએ તો એટલે સુધી
લખ્યું કે એક મ્યાનમાં બે તલવાર રહી ના શકે. ફાતિમા દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના
મિત્ર અને દક્ષિણ ગુજરાતના પ્રતિષ્ઠિત મુસ્લિમ અગ્રણી એવા યુસુફ ગુલની કન્યા હતી. મણિલાલની દોહિત્રી ઉમા
ધૂપેલિયાએ “મણિલાલ ગાંધી: ગાંધીઝ પ્રિજનર?” પુસ્તકમાં પોતાના નાનાનું દિલ તોડનારી
આ ઘટનાનું વર્ણન કર્યું છે. મણિલાલે ૧૯૨૬માં ફાતિમા સાથે લગ્ન કરવાની ઈચ્છા અંગેનો
એક પત્ર ભાઈ રામદાસ મારફત પિતાને પાઠવ્યો. કસ્તૂરબા તો આંતરજાતીય અને આંતરધર્મીય
લગ્નનાં વિરોધી હતાં, પણ મહાત્મા તો અન્યોનાં આંતરધર્મીય લગ્નોને ટેકો આપનારા હતા.
આમ છતાં મણિલાલ ફાતિમા સાથે લગ્ન ના કરે એવી ભૂમિકા તેમણે લીધી હતી.લગ્ન કરીને
ફાતિમા હિંદુ ધર્મ અપનાવે એ પણ ગાંધીને મંજૂર નહોતું કારણ ધર્મ એ કોઈ કપડું બદલવા
જેવી વાત નથી. બાળકો કયો ધર્મ પાળશે, એ બાબત પણ એમને પ્રશ્ન હતો. આંતરધર્મીય
લગ્નમાં કોઈને માતાનો ધર્મ પાળવાની વાતને યોગ્ય ગણાવનાર ગાંધીજીની કાશ્મીરી પંડિત
પરિવારનાં ઇન્દિરા ગાંધી અને મૂળ ભરૂચના પારસી પરિવારના ફિરોઝ ગાંધીનાં લગ્ન અંગે ભૂમિકા નોખી હતી. વળી,
જે મહાત્માએ આખું આયખું હિંદુ-મુસ્લિમ એકતાની વાત કરી એમના પરિવારમાં આજ દિવસ સુધી
એકેય સભ્યનાં લગ્ન કોઈ મુસ્લિમ સાથે થયાં નથી! એટલું જ નહીં, બાપુએ કાયમ નિયમ
બનાવ્યો હતો કે પોતે એવાં લગ્નોમાં હાજરી આપશે જેમાં એક પાત્ર દલિત હોય. હજુ નવેમ્બર ૨૦૧૬માં મ્રત્યુ પામેલા
ગાંધીજીના વૈજ્ઞાનિક પૌત્ર કનુ રામદાસ ગાંધીનાં હયાત પત્ની શિવલક્ષ્મીના એકમાત્ર
અપવાદ સિવાય આજ લગી ગાંધીજીના પરિવારમાં અન્ય એકેય દલિત સાથે કોઈએ લગ્ન કર્યાં
નથી. મહાત્મા ગાંધી માટે પણ કહી શકાય કે પરોપદેશે પાંડિત્યં સર્વેષાં નૃણામ્ એટલે
કે બીજાઓને ઉપદેશ કરવામાં મણા શેં રાખવી? જોકે
મહાત્મા ગાંધીની કેટલીક વાતો લવ જેહાદનો ઉહાપોહ મચાવનારાઓને અનુકૂળ આવે તેવી છે
એટલું તો ખરું.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૪ એપ્રિલ ૨૦૨૧)
No comments:
Post a Comment