Wednesday, 24 March 2021

RSS has New Sarkaryavah and younger Team

 

તપસ્યાની શતાબ્દી ભણીના સંઘનાં બદલાતાં સત્તાલક્ષી કલેવર

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         દિલ્હીને પ્રતિકૂળ ડૉ.મનમોહન વૈદ્યને બદલે અનુકૂળ દત્તાત્રેય હોસબાલે સરકાર્યવાહ

·         જનસંઘ-ભાજપની માતૃસંસ્થા સંઘ અને પરિવારમાં સેવા કરતાં સત્તા માટે મચેલી દોટ

·         કેન્દ્રમાં સિંહાસન ટકાવવાને પરિવારનાં સંગઠનો થકી નીતિવિષયક યુ-ટર્નની ભૂમિકા

·         વડાપ્રધાન મોદીને ૨૦૨૪માં ફરી ચૂંટવા કર્ણાટકની સંતોષ-હોસબાલે જોડી નિર્ણાયક  
Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari Daily of Anand and Gujarat Guardian Daily of Surat. You may visit haridesai.com for his more columns and comment.

જનસંઘ (સ્થાપના:૧૯૫૧) અને ભારતીય જનતા પક્ષ (સ્થાપના:૧૯૮૦)ની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ: સ્થાપના:૧૯૨૫)ના સરકાર્યવાહ (મહામંત્રી-ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર)ના હોદ્દે ૨૦ માર્ચ ૨૦૨૧ના રોજ સંઘની સંસદ એટલે કે અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ બૈંગલુરુ ખાતેની બેઠકમાં કર્ણાટકના શિમોગા ક્ષેત્રના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા મિતભાષી અને છ ભાષા જાણનાર વિદ્વાન ૬૫ વર્ષીય દત્તાત્રેય હોસબાલેની પસંદગી કરી. હોસબાલે સંઘમાં નવી પરંપરાઓ સ્થાપે એ અપેક્ષિત મનાય છે.  ૨૭ સપ્ટેમ્બર ૧૯૨૫ના રોજ ડૉ.કેશવ બલિરામ હેડગેવાર નામક નાગપુરના કોંગ્રેસી અગ્રણીના ઘરે બાળાજી હુદ્દાર સહિતના  ૨૫ જેટલા મિત્રોએ મળીને સંઘની સ્થાપના કરી હતી. જોકે સંઘનું નામકરણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરીકે ૧૭ એપ્રિલ ૧૯૨૬ના રોજ ડોક્ટરજીના ઘરે મળેલી બેઠકમાં જ થયું. એના હોદ્દેદારો એટલે કે મુખ્ય જવાબદારીનું વહન કરનારાઓનું નિર્ધારણ છેક ૧૯૨૯માં થયું: ડૉ.હેડગેવાર સરસંઘચાલક (પ્રમુખ), બાળાજી હુદ્દાર સરકાર્યવાહ (મહામંત્રી) અને માર્તંડરાવ જોગ સરસેનાપતિ વરાયા. પાછળથી સરસેનાપતિનો હોદ્દો રદ કરાયો હતો. અત્રે એ નોંધવું ઘટે કે સંઘના સંસ્થાપક સરકાર્યવાહ બાળાજી હુદ્દાર પાછળથી સંઘની વિચારધારાથી વિપરીત એવી માર્કસવાદી વિચારધારાના પ્રભાવમાં આવીને કમ્યૂનિસ્ટ નેતા બન્યા હતા. હુદ્દાર કમ્યૂનિસ્ટ થયા પછી પણ તેમને આજીવન કોંગ્રેસી રહેલા ડૉ.હેડગેવારે સંઘની શીતશિબિરમાં તેડાવ્યા હતા. સામાન્ય રીતે  કમ્યૂનિસ્ટ વિચારધારાના આ સંગઠનમાં હવે કમ્યૂનિસ્ટ શાસન પદ્ધતિ અપનાવાઈ રહ્યાની અને સંઘને બદલે સરકારનું મહત્વ વધતું જતું હોવાની ચર્ચા જૂના સ્વયંસેવકોમાં છે. જોકે સંઘના મંચ પરથી એનો સ્વીકાર કરાતો નથી.

સરસંઘચાલકોની નિવૃત્તિ પરંપરા

દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર પટેલે ગાંધીજીની હત્યા સંબંધે સંઘ પર પ્રતિબંધ લાદ્યો હતો. એ વેળાના સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી) થકી આ પ્રતિબંધ ઊઠાવી લેવા અને એમને જેલમુક્ત કરવા સંબંધી કરેલા પત્રવ્યવહારને પગલે સંઘનું બંધારણ રજૂ કરવા ઉપરાંત રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગાને કબૂલ રાખવા સહિતની શરતો મૂકાઈ હતી. એ બંધારણ (૧ ઓગસ્ટ ૧૯૪૯) અને એ પછીના સુધારિત બંધારણ (૧૧ માર્ચ ૨૦૦૦) મુજબ, સંઘના સરસંઘચાલક  આજીવન અથવા ઈચ્છે ત્યારે એ હોદ્દેથી અનુગામીને નિયુક્ત કરીને નિવૃત્ત થઇ શકે છે.અત્યાર સુધી સંઘના કુલ છ સરસંઘચાલકો અને એક કાર્યવાહક સરસંઘચાલક થયા છે.સરકાર્યવાહના હોદ્દેથી સરસંઘચાલક થયાનો ઈતિહાસ પણ છે. ડોક્ટરજી સત્યાગ્રહમાં ભાગ લેવા ગયા ત્યારે તેમનો જેલવાસ પૂરો થયો ત્યાં લગી તેમણે હંગામી ધોરણે ડૉ.લ.વા.પરાંજપેને સરસંઘચાલકનો હોદ્દો સોંપ્યો હતો. ૧૯૪૦માં ડૉ.હેડગેવારનું નિધન થતાં ગુરુજી એમના હોદ્દે આવ્યા. એ પછી મધુકર દત્તાત્રય દેવરસ ઉર્ફે  બાળાસાહેબ દેવરસ આવ્યા. એમના અનુગામી  અનુક્રમે રજ્જુભૈયા અને સુદર્શનજી હતા. બાળાસાહેબ, રાજ્જુભૈયા અને સુદર્શનજીએ જીવતેજીવ પોતાનો હોદ્દો ત્યજીને અનુગામીની નિમણૂક કરવાની પરંપરા સ્થાપી છે. વર્તમાન સરસંઘચાલક ડૉ.મોહનજી ભાગવત પછીના ક્રમે સંગઠનમાં સરકાર્યવાહ હોસબાલે આવે છે.છેલ્લાં ૧૨ વર્ષથી સરકાર્યવાહ રહેલા સુરેશ ભૈયાજી જોશી હવે ૭૩ના થયા. નવી પેઢીને નેતાગીરી (સંઘની પરિભાષામાં “જવાબદારી”) સોંપવાના ભાગરૂપે હોસબાલેની પસંદગી થઇ છે.  સર્વાનુમત વરણી એ સંઘ  પરિવારની પરંપરા હોવા છતાં એને ચૂંટાયા એવું જાહેર કરાય છે. આગામી મે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફરી વરણી માટે મૂળ કર્ણાટકના જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) અને રાજ્યસભા સાંસદ એવા સંઘના પ્રચારક બી.એલ.સંતોષ  અને હોસબાલે બેઉની જોડી ખૂબ અનુકૂળ અને નિર્ણાયક સાબિત થશે. સાથે જ સંઘના શતાબ્દી વર્ષ ૨૦૨૫ની ઉજવણી વેળા પણ કેન્દ્ર અને રાજ્યોમાં સત્તારૂઢ રાજકીય સંતાન સાથેના તાદાત્મ્યને જોવામાં આવશે કારણ અત્યારે ત્રણ વર્ષ માટે વરાયેલા હોસબાલે વધુ મુદત જરૂર મેળવશે. સંઘને ક્લાસના સંગઠનમાંથી માસ સંગઠન બનાવવામાં યોગદાન આપનારાં ચાર મુખ્ય સંગઠનો વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી), ભારતીય મજદૂર સંઘ (બીએમએસ), ભારતીય કિસન સંઘ (બીકેએસ) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) પર વડાપ્રધાન મોદીને અનુકૂળ લેખાતા હોદ્દેદારો મૂકાયા પછી હવે સંઘમાં હોસબાલેની વરણી પણ મોદીની અનુકૂળતા મુજબની જ લેખાય છે. હોસબાલેની સાથે જ સહ-સરકાર્યવાહની જવાબદારી સંભાળતા ડૉ.મનમોહન વૈદ્યને વર્તમાન હોદ્દે જ રખાયા છે. એમનું નામ પણ સરકાર્યવાહ તરીકે ચર્ચામાં હતું, પણ ગુજરાતમાં પ્રાંત પ્રચારક રહેલા ડૉ.વૈદ્ય વડાપ્રધાન મોદી સાથે સમાન વેવલેન્થ પર નથી એટલે હોસબાલેની પસંદગી થયાનું મનાય છે.   

અભાવિપનું ચલણ વધ્યું

સામાન્ય રીતે સંઘના સરકાર્યવાહ પ્રચારક તરીકે સંઘની વિવિધ જવાબદારીઓ સંભાળતા હોય અને એ હોદ્દે આવે છે. જોકે સંઘના પૂર્ણકાલીન અને અપરિણીત પ્રચારકોની સંખ્યા વધતાં સંઘ પરિવારનાં સંગઠનોમાં પ્રચારકોને સંઘ સાથે કડીરૂપ કામ કરવા માટે સંગઠન મંત્રી તરીકે મોકલવાની પરંપરા સ્થપાઈ હતી. ૧૯૭૮માં અભાવિપના અ.ભા. મહામંત્રી ચૂંટાયેલા હોસબાલે અંગ્રેજીમાં અનુસ્નાતક છે. છ ભાષાઓના જાણકાર છે: કન્નડ, હિંદી, મરાઠી, સંસ્કૃત,તમિળ અને અંગ્રેજી. સંઘના ગણવેશમાં પરિવર્તન કરીને ચડ્ડીને સ્થાને પેન્ટ દાખલ કરાવવામાં દત્તાજીની મહત્વની ભૂમિકા હતી.  હોસબાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં દોઢેક દાયકાથી કાર્યરત રહ્યા પછી એમને આ નવી જવાબદારી સોંપાઈ છે. ઇજનેરી શાખાના સ્નાતક  સંતોષ અને હોસબાલે હવે મહત્વના હોદ્દે મૂકાયા પાછળ દક્ષિણ ભારતમાં ભાજપનો પ્રભાવ વધારવાની રાજકીય ગણતરી મોદી ધરાવતા હોવાનું મનાય છે. ભાજપને  ક્યારેક બ્રાહ્મણ-બનિયા પક્ષ કહેવામાં આવતો હતો. હવે એનો અન્ય કોમોમાં અને ખાસ કરીને હિંદુ વોટબેંકમાં પ્રભાવ વધ્યો એટલે એ દેશ પર શાસન કરવા સુધી પહોંચી શક્યો છે. સંઘ અને સંઘ પરિવારનાં સંગઠનોના હોદ્દેદારોમાં મહત્વના તમામ હોદ્દે સામાન્ય રીતે બ્રાહ્મણ- વણિક જ મૂકાયા છે. સંઘના વડાઓમાં એક માત્ર પ્રા.રાજેન્દ્ર સિંહ સિવાયના તમામ સરસંઘચાલકો બ્રાહ્મણ જ રહ્યા છે.સંઘ અને સંઘ પરિવારનાં સંગઠનો વચ્ચે સંકલન રહે એટલા માટે પ્રચારકોને ડેપ્યુટેશન પર મોકલાય છે. ક્યારેક પાછા પણ બોલાવાય છે. રામ માધવ ક્યારેક મોદીના લાડકા દૂત હતા. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા. કાશ્મીર ઓપરેશન પાર પાડ્યાં. ઇશાન ભારતનાં રાજ્યોમાં પણ.  આસામમાં અગાઉની તરુણ ગોગોઈના વડપણવાળી કોંગ્રેસ સરકારમાં સૌથી ભ્રષ્ટ નેતા તરીકે ભાજપનો જ મારો સહ્યા પછી ભાજપના પારસમણિથી શુદ્ધ થયેલા હેમંત બિસ્વા સરમા સાથે રામ માધવને અંટસ પડી હતી. માધવને પરત સંઘમાં કાર્યકારિણીમાં સમાવાયા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) રામલાલ અગ્રવાલને પણ સંઘમાં પરત તેડાવાયા છે. લવ-જેહાદના ઉહાપોહ વચ્ચે આ જ રામલાલનાં ભત્રીજીનાં લખનઉમાં કોઈ મુસ્લિમ યુવક સાથેનાં લગ્નમાં ભાજપના ઘણા નેતાઓ પણ મહાલી આવ્યા હતા. સંઘ એની શતાબ્દી નજીક પહોંચ્યો છે અને કેન્દ્ર અને રાજ્યોમાં એના રાજકીય સંતાન ભાજપની સત્તાની બોલબાલા છે ત્યારે પણ એની સામે નવો પડકાર ખેડૂતોના આંદોલને સર્જ્યો છે. હવે દેશમાં તૈયાર થયેલી ખેડૂત વોટબેંક ભાજપના હાથમાંથી સરકી રહ્યાનો ઈલાજ કરવા માટેનું ચિંતન સંઘમાં શરૂ થયું છે. જોકે એનાં સંગઠનોની કેન્દ્રમાં સત્તામાં આવ્યા પહેલાંની ઘોષિત નીતિઓમાં યુ-ટર્ન આવતાં અને કોઈપણ ભોગે સત્તા સિંહાસન ટકાવી રાખવા ઉપરાંત સત્તા સાથે જોડાયેલા રહેવાની મહેચ્છા સાથે સંઘ પરિવારમાં ઉમટેલા નવા ફાલ  સામે જૂના અને નિષ્ઠાવંત વિચાર સાથે જોડાયેલા લોકોનું નિષ્કિય થવું ચિંતાનો વિષય છે.

સંઘની બદલાતી નીતિઓ

કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી સંઘ પરિવારનાં સંગઠનોની જે નીતિ વિષયક ભૂમિકા હતી એમાં ખાસ્સું શીર્ષાસન જોવા મળે છે. જૂના સ્વયંસેવકો આ મુદ્દે દ્વિધા અનુભવી રહ્યા છે. જોકે કેન્દ્ર અને રાજ્યોમાં સત્તાની મશીનરી કામે લગાડીને સત્તા વિસ્તાર તો થઇ રહ્યો છે, પણ વિચારધારાનો બલિ ચડાઈ રહ્યાનું ચિત્ર ઉપસે છે. અત્યારે વિપક્ષે કોંગ્રેસ કે પ્રાદેશિક પક્ષો નબળા છે એટલે બહુ મુશ્કેલી નથી, પરંતુ હિંદુ વોટબેંક સામે ઉપસી રહેલી ખેડૂત વોટબેંકને રાષ્ટ્રવિરોધી ગણાવવા કે વખોડવા છતાં સંઘ પરિવારનાં સંબંધિત ક્ષેત્રનાં સંગઠનો જે ભૂમિકા લઇ રહ્યાં છે એનાથી વિરોધાભાસો સ્પષ્ટ થયા વિના રહેતા નથી.અભાવિપ, બીએમએસ, કિસાન સંઘની ભૂમિકા તેમ જ વિદેશી મૂડીરોકાણ સહિતના મુદ્દે આ  સંગઠનોના મસીહા દત્તોપંત ઠેંગડીની પ્રગટ ભૂમિકાથી વિપરીત દિશા રહી છે. વર્તમાન કેન્દ્ર સરકાર સંઘની અગાઉની ભૂમિકાથી વિપરી૫ત ભૂમિકા  લઇ રહ્યા છતાં સંઘ પરિવાર મૂકપ્રેક્ષક ભૂમિકામાં છે અથવા એનો બોદો બચાવ કરે છે. સંરક્ષણ અને વીમા ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણનો સંઘ અને ઠેંગડીના અગાઉના વિરોધને હવે ભૂલાવી દેવાયો છે. વિદ્યાર્થી પરિષદે અગાઉ શિક્ષણના ખાનગીકરણનો વિરોધ કર્યો હતો, હવે એ સિવાય કશું નથી. કિસાન સંઘ (૧) કોન્ટ્રાક્ટ ફાર્મિંગના વિરોધમાં હતો. (૨) ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) માટે કાયદાની માંગણી કરતો હતો. અત્યારે તો સંઘની નિશ્રામાં ઠેંગડીજીની ભૂમિકાથી ઉલટી દિશા જ સરકાર પકડી રહી છે. વિશ્વ હિંદુ પરિષદની ભૂમિકા કાયદો બનાવીને રામ મંદિરના વિવાદને ઉકેલવાની હતી. અદાલત થકી એનો ઉકેલ અપેક્ષિત નહોતો. સુપ્રીમ કોર્ટ કનેથી ચુકાદો મેળવીને રામ મંદિર અયોધ્યામાં બંધાય એનો હરખ સંઘની પ્રતિનિધિ સભા પણ ખાસ ઠરાવથી કરે છે. કાયદો બનાવ્યો નહીં. હવે કાશી અને મથુરાના મુદ્દા લેવાશે. મજદૂર સંઘની ભૂમિકા (૧) કોન્ટ્રાક્ટ લેબર વિરુદ્ધની હતી અને (૨) જૂની પેન્શન પ્રથા પરત દાખલ કરવાની હતી. અત્યારે ઉલટી ગંગા વહી રહી છે. બાંગલાદેશી ઘૂસણખોરોને તગેડવાની ભૂમિકા પણ મંદી પડી ચૂકી છે. સંઘની મૂળ વિચારધારાથી અવળી દિશામાં જ પગલાં લેવામાં આવતાં હોય ત્યારે પ્રજા ક્યાં લગી મૂકપ્રેક્ષક બનીને બેસી રહેશે, એ પ્રશ્ન પણ રહે  જ છે.

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૧ માર્ચ ૨૦૨૧)

No comments:

Post a Comment