કહીં ભૂખ બેતાબ હુઈ તો આઝાદી કી ખૈર નહીં
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
·
મહાત્માની
દાંડીકૂચનું સ્મરણ
·
આઝાદીના જનનાયકોમાં
નેહરુ
·
મોદી થકી અમૃતપર્વનો
શુભારંભ
Dr.Hari Desai
writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar Daily’s Sunday Supllement
“UTSAV”.14 March 2021. Web Link: https://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=686781
દેશભરમાં આઝાદીનું અમૃતપર્વ વર્ષભર ઉજવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની
સરકારે નિર્ણય કર્યો. એની ઉજવણીનો શુભારંભ
અમદાવાદના સાબરમતી આશ્રમમાં ૧૨ માર્ચ ૨૦૨૧ના દિવસે સ્વયં વડાપ્રધાન મોદીએ જ કરાવ્યો.રાષ્ટ્રપિતા
મહાત્મા ગાંધી થકી ૯૧ વર્ષ પૂર્વે દાંડીકૂચ માટે પ્રસ્થાન કર્યું એ જ દિવસને તેમણે પસંદ કર્યો. સંયોગ પણ જુઓ કે
મોરેશિયસ અંગ્રેજો પાસેથી આઝાદ થયું એ દિવસ પણ ૧૨ માર્ચ ૧૯૬૮ હતો. મહાત્મા ગાંધીએ
દાંડીકૂચ આરંભી એ દિવસને ભારતીય મૂળના પ્રભાવ હેઠળના મોરેશિયસની આઝાદીનો દિવસ પસંદ
કરાયો હતો. કાર્યક્રમ સરકાર અને સત્તાપક્ષ બેઉનો સુમેળ સાધીને થતો હોય ત્યારે
સ્વાભાવિક છે કે એના આયોજન અંગે ચણભણ થવાની. અગાઉ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારો
અને સત્તાપક્ષ આવું કરતો જ હતો. જોકે
વડાપ્રધાન અમદાવાદ આવ્યા એ જ દિવસે ગાંધીવાદી (મહાત્મા તો ગાંધીવાદ કે ગાંધીવાદી
કોઈને ગણાતા નહોતા) કહેવાતા લોકો ખાનગી ખૂણે અને ક્યાંક પ્રગટપણે “રઘુપતિ રાઘવ
રાજા રામ સબકો સન્મતિ દે ભગવાન”ને ભજવા કરતાં કેમેરા કે સ્માર્ટફોનમાં એ કેવા
ઝીલાય છે એની વધુ ચિંતા કરતા જણાયા. કેટલાક કોંગ્રેસી નેતાઓની અટકાયત પણ થઇ.આઝાદીના
આ અમૃતપર્વે વર્તમાન શાસકોને પ્રિય એવા કવિવર રામધારી સિંહ “દિનકર”ની પંક્તિનું
સ્મરણ કરાવવું પ્રાસંગિક થઇ પડે છે: “આઝાદી રોટી નહીં,મગર, દોનોં મેં કોઈ બૈર
નહીં,પર, કહીં ભૂખ બેતાબ હુઈ તો આઝાદી કી ખૈર નહીં”.
પરોપજીવી ગાંધીવાદીઓ
ભલે મોદી પોતાના પક્ષના રાજકીય લાભ ખાતર આવાં આયોજનો કરાવતા હોય, પણ એ
નિમિત્તે આઝાદીના ઈતિહાસને નવી પેઢી સમક્ષ મૂકીને એ ગૌરવશાળી પળોને તાજી કરાવે
એમાં કશું ખોટું નથી. જેમને એમાં ઈતિહાસ કે ઘટનાઓનું વિકૃતીકરણ જણાતું હોય તેમણે
અધિકૃત બાબતોને પ્રજા સમક્ષ મૂકવા તૈયાર રહેવું ઘટે. સાબરમતી આશ્રમથી લઈને નવસારી
જિલ્લાના દાંડી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યક્રમો યોજાશે. બે સદીના
અંતરાલ બાદ અંગ્રેજો કનેથી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ દેશને આઝાદી મળી ત્યારથી અત્યાર
લગી ૭૫ વર્ષના ગાળાને વર્ષ ૨૦૨૨માં અમૃત પર્વ તરીકે ઉજવવા માટે વડાપ્રધાન અને એમની
સરકારે ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કર્યું છે. પોતાને ગાંધીવાદી ગણાવનારા અને પરોપજીવી
થઈને સરકારી અનુદાનો પર નભનારાઓ મહાત્માના બોધનું પોત ખોઈ બેઠા હોય ત્યારે
ગાંધીજીના વિચાર અંગે નીરક્ષીર કોણ કરશે એ મહાપ્રશ્ન તો ઊભો જ છે. અત્યાર લગી
મહાત્મા ગાંધીની મક્તેદારીના દાવા સાથે સરકારી અનુદાનો પર નભવાનું અને પરોપજીવી
થઈને મહાત્માના આદેશો અને વિચારોને અભેરાઈએ ચડાવી દીધાં હોય તેમણે સ્વાભાવિક છે કે
જે કોઈ સત્તાધીશ હોય એના ડમરુના તાલે નર્તન કરવું પડે.
ગાંધીવિચારનું શીર્ષાસન
વાત જરા કડવી લાગે તેવી છે, પણ “સત્યં અપિ અપ્રિયં બૃયાત્”માં માનનારા
અમારા જેવાએ તો કોઈ અપેક્ષા વિના જ
સત્યોક્તિ કરવી પડશે. ગાંધીમૂલ્યોને કેટલા ગાંધીવાદીઓ પાળીને ગાંધીવાદી
સંસ્થાઓ ચલાવે છે એ સત્તાધીશોના ચોપડે સુપેરે નોંધાયેલું જ છે. એટલેસ્તો, અત્યાર
લગી ગાંધીજીનું નામ વટાવનારાઓ સત્યના ઉચ્ચારણ માટે જાહેરમાં આવવાની હિંમત કરવાને
બદલે સત્તા સાથે હાથ મિલાવી પોતાનાં હિત જાળવવામાં જ રમમાણ છે. મહાત્મા ગાંધીનાં
એકાદશ વ્રત અને રચનાત્મક કાર્યક્રમો કેટલી ગાંધીવાદી સંસ્થાઓ પ્રમાણિકતાથી પાળે છે
એ તપાસનો વિષય તો બને જ છે. મહાત્માએ તો સ્વાવલંબી અને સ્વનિર્ભર સંસ્થાઓની કલ્પના
મૂકી હતી. અત્યારે તો તેમની કલ્પનાની આવી સંસ્થાઓ શોધવી મુશ્કેલ છે. સરકાર જ્યાં
નાણા આપે છે, અનુદાન આપે છે કે મફતના ભાવે જમીન ફાળવે છે એ સંસ્થાઓના વહીવટની
તપાસ-ચકાસણીનો અધિકાર એને મળવો સ્વાભાવિક છે. આજનો સત્તાપક્ષ જૂના કોંગ્રેસી નેતાઓ
મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નેતાજી સુભાષચન્દ્ર બોઝ, લાલબહાદુર શાસ્ત્રી કે
કે.કામરાજને હાઈજેક કરીને પોતાનાં રાજકીય તરભાણાં ભરવાની કોશિશ કરે છે એ હકીકત છે,
કારણ એમની પાસે આઝાદીના સંગ્રામમાં પોતાના આગવા કહી શકાય એવા નેતાઓ નથી. પ્રશ્ન એ
થાય કે જેમના આ નેતાઓ રહ્યા છે એ કોંગ્રેસ પક્ષ પોતાના નેતાઓને કોઈ હાઈજેક કરી જાય એટલી હદે એમની અવગણના કરે
ત્યારે જ કોઈને એની ફાવટ આવે. ગુજરાત કોંગ્રેસ ૩૧ ઓક્ટોબરની ઉજવણીના કાર્યક્રમની
પત્રિકામાં સદગત વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના નામની નીચે સરદાર પટેલનું નામ છાપે
ત્યારે એ દુષ્કૃત્ય કરનારની અક્કલનું પ્રદર્શન થયા વિના રહે નહીં. મહાત્મા ગાંધીના નામના ટેકે દાયકાઓ સુધી સત્તાનો
ભોગવટો કરનારાઓ રાષ્ટ્રપિતાના વિચારોને અંગત અને જાહેર જીવનમાં અમલમાં લાવ્યા હોત
તો આજના જેવી દુર્દશા વહોરવાનો વખત આવ્યો ના હોત.
મોદીને નેહરુનું સ્મરણ
સરકારમાં બેઠેલાઓની રોજબરોજની નિષ્ફળતાઓ માટે હજુ પણ પ્રથમ વડાપ્રધાન
પંડિત જવાહરલાલ નેહરુને શિરે દોષનો ટોપલો ઓઢાડવાની પરંપરા અખંડ છે. એનાથી
ગિન્નાયેલા નેહરુ-ગાંધીના ભાજપી વંશજ અને સાંસદ ફિરોઝવરુણ ગાંધીએ પણ પોતાના
પૂર્વજે દાયકા કરતાં વધુ સમય બ્રિટિશ જેલમાં ગાળ્યો અને આઝાદીની લડાઈમાં મહાત્મા
ગાંધી અને સરદાર પટેલ સાથે ખભેખભો મિલાવીને કામ કર્યાનું કહેવું પડ્યું હતું. વડાપ્રધાન
મોદીએ ગાંધી આશ્રમમાં ૧૨ માર્ચે લોકમાન્ય
ટિળક અને નેતાજી બોઝ સાથે જ મંગલ પાંડે, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, રાણી
ચેન્નમા, રાણી ગાઈદિન્લ્યૂ, પૃથ્વીસિંહ આઝાદ, ઉપરાંત પંડિત નેહરુ, સરદાર પટેલ,
મૌલાના આઝાદ, બાબાસાહેબ આંબેડકર,અશફાક ઉલ્લાખાન, ખાન અબ્દુલ ગફારખાન, સ્વાતંત્ર્યવીર
સાવરકર જેવા અનેક જનનાયકોએ અંગ્રેજો સામેની લડતમાં પથદર્શકનું યોગદાન કર્યાની વાત
કરી. નેહરુ વિશેના એમના ઉલ્લેખે સૌના કાન
સરવા કર્યા. કારણ? સામાન્ય સંજોગોમાં તેઓ નેહરુ વિશે બહુ આદરભાવ સાથેની ટિપ્પણી
કરતા સાંભળવા મળતા નથી. ઉપરાંત, એમના આ જ કાર્યક્રમની સરકારી જાહેરાતમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલની નીચલી
હરોળમાં નેતાજી બોઝ, ચંદ્રશેખર આઝાદ અને લોકમાન્ય ટિળકની છબીઓ મૂકાઈ હોય તથા પંડિત
નેહરુ એમાં અદ્રશ્ય હોય ત્યારે વડાપ્રધાન થકી પંડિત નેહરુના નામ પછી સરદાર પટેલના
નામનો ઉલ્લેખ થવો ઘણો સૂચક છે.
ગાંધીજન અને સંઘીજન
મહાત્મા ગાંધીના નામ વિના દેશ કે વિદેશમાં કોઈપણ ભારતીય રાજનેતાને
ચાલે તેમ નથી. એટલો બધો આ અહિંસાના પૂજારી એવા મોહનદાસ કરમચંદ ગાંધીનો પ્રભાવ છે.
ક્યારેક ભાજપ અને એના પૂર્વઅવતાર જનસંઘના બે આરાધ્યપુરુષ ડૉ..કેશવ બલિરામ હેડગેવાર
અને ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી પણ કોંગ્રેસી હતા એટલું જ નહીં, એમણે મહાત્મા ગાંધીના
આદેશોનું પાલન કરવાનું સ્વીકાર્યું હતું. જોકે એમના અને ગાંધીજીના રસ્તા ફંટાયેલા
હતા. મહાત્મા ગાંધીની હત્યા પછી તો સંઘ પર પ્રતિબંધ મૂકીને દેશના ગૃહમંત્રી સરદાર પટેલે એ બંધી ઉઠાવવા માટે સંઘના લિખિત
બંધારણ રજૂ કરવા તેમ જ રાષ્ટ્રધ્વજને
સ્વીકારવા સહિતની શરતો કબૂલ કરાવી હતી. મહાત્મા ગાંધી,સરદાર પટેલ અને પંડિત નેહરુ
અહિંસાવાદી હતા; જયારે સંઘ-જનસંઘ-ભાજપની નેતાગીરી ક્રાંતિકારીઓને જ સવિશેષ મહત્વ
આપવામાં માનતી હતી. બંને છાવણી વચ્ચે મતભેદ રહ્યા. એટલે સુધી કે જનસંઘના સંસ્થાપક
મહામંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયે તો મહાત્માને રાષ્ટ્રપિતા ના જ કહેવાય તેમજ
વર્તમાન બંધારણ ભારતીય ગણી શકાય નહીં એવી ભૂમિકા લીધી હતી. હજુ પણ મહાત્મા ગાંધીને
રાષ્ટ્રપિતા ગણવામાં સંઘ પરિવારમાં છોછ અનુભવાય છે, ભલે સાઠના દાયકામાં ગાંધીજીને
સંઘની પ્રાર્થનામાં પ્રાતઃ સ્મરણીય ગણાવાતા હોય. એવું જ મહાત્મા ગાંધીને સંઘ વિશે
કોઈ ઝાઝો પ્રેમભાવ નહોતો. બાપુ સંઘને હિટલર અને મુસોલિની સાથે સરખાવતા હોવાનું
એમના સચિવ રહેલા પ્યારેલાલ પાંચ દાયકા પહેલાં પ્રકાશિત તેમના “મહાત્મા ગાંધી:
પૂર્ણાહુતિ”ના ચોથા પુસ્તકમાં પ્રસંગો વર્ણવતાં નોંધે છે. હવે ગાંધીજન અને સંઘીજન
બેઉ વચ્ચેના આ ભેદ છતાં પારસ્પરિક ગરજના પ્રતાપે વર્તમાન સત્તાધીશો સાથે મેળ
બેસાડવાના ગાંધીજનના પ્રયાસો અનુભવાય છે. આવા તબક્કે મહાત્મા ગાંધીના નીડર સત્યના
ઉચ્ચારણની હિંમત કોણ દાખવી શકે એ જાણવાની જ ઉત્સુકતા રહેવી સ્વાભાવિક છે.
રાષ્ટ્રપિતા ગાંધીને માટે તો સત્ય એ જ ઈશ્વર હતો. એટલે એ માર્ગે ગાંધીજન જ નહીં સંઘીજન પણ ચાલે એટલી
અપેક્ષા.
તિખારો
રોટી ઔર સ્વાધીનતા
આઝાદી તો મિલ ગઈ,મગર, યહ ગૌરવ કહાં જુગાએગા?
મરભુખે ! ઇસે ઘબરાહટ મેં તૂ બેચ ન તો ખા જાએગા?
આઝાદી રોટી નહીં,મગર, દોનોં મેં કોઈ બૈર નહીં,
પર, કહીં ભૂખ બેતાબ હુઈ તો આઝાદી કી ખૈર નહીં.
-રામધારી સિંહ “દિનકર”
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૨ માર્ચ ૨૦૨૧)
No comments:
Post a Comment