Wednesday 10 March 2021

Kerala Election and Gold/Dollar Smuggling Scam

 

બોફોર્સ પછી કેરળના સુવર્ણકાંડને ટેકે રાજકીય વૈતરણી પાર કરવાના ઉધામા

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         માર્ક્સવાદી મુખ્યમંત્રી વિજયનને ગોલ્ડ કાંડ સાથે જોડવાના કસ્ટમ્સના દાવા થકી ગરમાટો

·         ૨૦૧૬માં ભારે ઉધામા છતાં ભાજપને ૧૪૦માંથી એક જ બેઠક મળ્યાનો બદલો લેવાના વ્યૂહ   

·         કેન્દ્રના ભાજપી મંત્રી મુરલીધરન સામે સોનાની દાણચોરી અંગે માર્ક્સવાદીઓએ પ્રશ્નો કર્યા

·         ભેંસ ભાગોળે ને છાસ છાગોળે છતાં ભાજપમાં અત્યારથી મુખ્યમંત્રીપદ માટે ધમાધમ શરૂ

Dr.Hari Desai write weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily of Surat and Sardar Gurjari Daily of Anand. You may read Dr.Desai’s columns on haridesai.com and comment.

ચૂંટણીમાં જે પાણીએ મગ ચડે એની કવાયતમાં સૌ રમમાણ છે. આગામી ૬ એપ્રિલે કેરળની વિધાનસભાની ૧૪૦ બેઠકોની ચૂંટણી માટે મતદાન થશે. ૨ મેના રોજ એનું કેવું પરિણામ આવે છે એ ભણી દેશ અને દુનિયાની નજર રહેવાની. કેરળ ભારતનું સૌથી વધુ ભણેલી પ્રજાનું (૯૬.૨% સાક્ષરતા દર ધરાવતું) રાજ્ય છે. ભલે એ બટુક રાજ્ય છે, પણ ૫ એપ્રિલ ૧૯૫૭ના રોજ એની રચના થઇ ત્યારથી એ સતત ચર્ચામાં રહ્યું છે. કેન્દ્રમાં કોઈપણ પક્ષ કે પક્ષોના મોરચાની સરકાર હોય, કેરળની રાજધાની તિરુઅનંતપુરમમાં વારાફરતાં ડાબેરી મોરચા અને કોંગ્રેસી મોરચાની સરકાર આવતી રહી છે. વર્ષ ૨૦૧૬માં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર હોવાની સાથે એ વેળાના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપી મુખ્યમંત્રીઓ અને નેતાઓએ  વિધાનસભાની એ ચૂંટણી વેળા કેરળમાં રીતસર ધામા નાંખ્યા હતા. કેરળના ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ કર્યા હતા છતાં ૧૪૦માંથી રોકડી એક બેઠક જ ભાજપને મળી હતી. ડાબેરી મોરચા (એલડીએફ)ની પીનરાઈ વિજયનની સરકાર બની. વર્ષ ૨૦૧૧થી ૨૦૧૬ લગી સત્તારૂઢ રહેલા કોંગ્રેસી મોરચા (યુડીએફ)એ વિપક્ષે બેસવાનો વારો આવ્યો હતો. આ વખતે ચિત્ર જરા બદલાયેલું છે. જોકે ચૂંટણી અંગેના સર્વે અહીં ફરીને ડાબેરી મોરચાની સરકાર બનતી નિહાળે છે, પણ કોંગ્રેસ પોતાના રાજ્યના લોકસભા સભ્ય એવા રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંગઠિત બનીને ડાબેરી મોરચા અને ભાજપી મોરચાને મહાત આપવાની વેતરણમાં છે.

રાજકીય જોડાણોમાં વિરોધાભાસ

ક્યારેક ૬૪ કરોડ રૂપિયાની કટકીવાળું બોફોર્સકાંડ વડાપ્રધાન રાજીવ ગાંધીની નૈયા ડૂબાડનાર સાબિત થયું હતું એવું જ કંઇક કેરળમાં ૧૪ કરોડ રૂપિયાનું ડોલર/ગોલ્ડ કાંડ સાબિત થાય એવી પણ રાજકીય પક્ષોને અપેક્ષા છે. મુશ્કેલી કે વિવશતા જુઓ કે અહીં કોંગ્રેસ અને ભાજપ જોરશોરથી  માર્કસવાદી મુખ્યમંત્રી વિજયન અને તેમના મંત્રીઓ જ નહીં વિધાનસભાના અધ્યક્ષ સહિતના ડાબેરી નેતાઓ પર યુએઈથી ડિપ્લોમેટિક બેગમાં સોનું અને અમેરિકી ડોલર આણવાના કૌભાંડમાં સંડોવણીસૂચક  સહિયારા હુમલા કરે છે. પશ્ચિમ બંગાળમાં આ જ વખતે વિધાનસભા ચૂંટણીમાં ડાબેરીઓ અને કોંગ્રેસીઓ હાથ મિલાવીને પહેલાં તૃણમૂલ કોંગ્રેસનાં મુખ્યમંત્રી મમતા બેનરજીને ઘરભેગાં કરવાની વેતરણ સાથે જ ભાજપને પોતાના રાજ્યમાં પરાસ્ત કરવાનો ખેલ ખેલી રહ્યા છે. ગત ચૂંટણીમાં ગૌરીઅમ્મા જેવાં વયોવૃદ્ધ માર્ક્સવાદી નેતા અને નાયર સમાજની ધાર્મિક સંસ્થા સાથે રાજકીય જોડાણ કરીને પણ ભાજપએ  તિરુઅનંતપુરમમાં ભગવો લહેરાવવાની કરેલી કોશિશ સફળ નહોતી રહી એટલે આ વખતે બમણા જોરથી કેન્દ્રના ગૃહમંત્રી શાહે જૂનાં જોડાણોમાં ધાર્મિક સંતો-મહંતો અને ૮૮ વર્ષના મેટ્રોમેન ઈ. શ્રીધરન જેવાં પ્રતિષ્ઠિત વ્યક્તિત્વોને જોડવા ઉપરાંત નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) અને કસ્ટમ્સના સાણસામાં મુખ્યમંત્રી વિજયન અને એમના પક્ષના મજબૂત નેતાઓને લાવીને પણ ચૂંટણી જીતવાની કવાયત આદરી છે. માર્ક્સવાદી પક્ષે બે મુદતથી ધારાસભ્ય રહેલાઓને ચૂંટણી લડવાથી બાકાત રાખવા ઉપરાંત તેના ૯૭ વર્ષના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદન સહિતના નેતાઓને પણ ચૂંટણી મેદાનમાંથી બાકાત રાખીને જંગ જીતવાની કવાયત આદરી છે. દાવાઓ અને પ્રતિદાવાઓ તેમ જ ચૂંટણી ટાણે જ રાજનેતાઓને કેન્દ્રીય એજન્સીઓનાં તેડાં દેશના સૌથી વધુ શિક્ષિત રાજ્યના મતદાતાઓ પર કેવી અસર કરશે; એનું ચિત્ર હજુ અનિશ્ચિત લાગે છે.

શ્રીધરન અને મુરલીધરન મૂરતિયા

કોંકણ રેલવે અને દિલ્હી મેટ્રો જેવા મહત્વના પ્રકલ્પો પૂર્ણ કરવાનો યશ જેમને શિરે જાય એવા ૮૮ વર્ષના મૂળ કેરળના એવા ઈ.શ્રીધરન હજુ ૨૫ ફેબ્રુઆરીએ જ ભાજપમાં જોડાયા છે. એમણે આંખોમાં કેરળના ભાજપી મુખ્યમંત્રી બનવાનાં સ્વપ્ન આંજ્યાં છે. અખબારી મુલાકાતોમાં આ વાત કહેવા પણ માંડી હતી. ભાજપની  ટોચની નેતાગીરીએ એમને   લાલજાજમ પાથરીને આવકાર્યા. એમના જેવા પ્રામાણિક વ્યક્તિત્વની છબીનો લાભ ઉઠાવવાનો પ્રયાસ આદર્યો એટલે શ્રીધરનને તો મુખ્યમંત્રીપદના અભરખા જાગ્યા. મુખ્યમંત્રીપદના જૂના ભાજપી ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરન છે. ભાજપમાં અત્યારે સર્વોચ્ચ ધારે તેને જ મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરે તેમ હોવાથી કોઈ ઝાઝું બોલી શકે નહીં, પરંતુ  પોતાના પક્ષે કોઈને હજુ મુખ્યમંત્રીપદના ઉમેદવાર નક્કી કર્યા નથી, એવું મુરલીધરને જરૂર જાહેર કર્યું. શ્રીધરન માટે આ સંકેત હતો એટલે એમણે ફેરવી તોળાતાં પક્ષ જે કામ આપશે એ સ્વીકારવાની પોતાની તૈયારી હોવાનું કહીને પોતે વતનની નજીકના વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા ચાહે છે એવું પણ કહ્યું. શ્રીધરનને સ્ટાર પ્રચારક  બનાવાય અને પછી રાજ્યસભામાં લઇ જવાનું ગોઠવાય એવું પણ બને. મુખ્યમંત્રી વિજયન અને એમના પાંચ મંત્રીઓને સોનાની દાણચોરી અંગેના પ્રકરણમાં સંડોવવાના કેન્દ્રીય એજન્સીઓના ચૂંટણી સમયના પ્રયાસોને પણ કેરળના સત્તાધારી પક્ષે પડકારવા માંડ્યા છે.

વિજયનનો ભાજપ પર પલટવાર

ભાજપની નેતાગીરીએ તબક્કાવાર વિજયયાત્રાઓ કાઢવાનાં આયોજનો કર્યાં છે. આની  સામે માર્ક્સવાદી પક્ષે સોનાની દાણચોરીમાં પોતાના પક્ષના નેતાઓને સંડોવવાના કેન્દ્રીય એજન્સીઓના પ્રયાસો સામે વિરોધ નોંધાવવા માટે વિરોધ કૂચનાં આયોજન પણ કર્યાં છે. ભાજપના મેળાવડાઓ અને માર્ક્સવાદી કાર્યક્રમોમાં એકમેક પર પ્રશ્નો કરીને આક્ષેપ કરવાની કોશિશો જોરશોરથી ચાલી રહી છે. છેલ્લે રવિવાર, ૬ માર્ચના રોજ ગૃહમંત્રી શાહે મુખ્યમંત્રી વિજયનને સવાલો કરતાં પૂછ્યું કે શું સોનાની દાણચોરી કે ડોલરની દાણચોરીના પ્રકરણમાં સામેલ વ્યક્તિ મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ નહોતી કરતી? મુખ્યમંત્રી વિજયન આની સામે કેન્દ્રના  ભાજપી મંત્રી મુરલીધરન  સોનાની દાણચોરી સાથે સંડોવાયેલા હોવા અંગેના સવાલ ઉઠાવ્યા છે.  કેન્દ્રનાં નાણા મંત્રી સંસદમાં ડિપ્લોમેટિક બેગમાં ૧૪ કરોડ રૂપિયાનું  સોનું અને ડોલર આવ્યાનું નિવેદન કરતાં હતાં ત્યારે મુરલીધરન કેમ એ ડિપ્લોમેટિક બેગમાં આવ્યાનું નકારતા હતા? વિજયનના આવા નિવેદનને કેન્દ્રના મંત્રી બાલીશ લેખાવે છે. ગત જુલાઈ ૨૦૨૦માં  યુએઈથી સોનાની અને ડોલરની દાણચોરીનું પ્રકરણ જુગલબંધીનું નિમિત્ત બન્યું છે. જેલવાસી  સ્વપના સુરેશ નામની મહિલાએ મુખ્યમંત્રીનું નામ લીધું છે. મુખ્યમંત્રી એને પડકારતાં કેન્દ્રીય એજન્સીઓના તાબામાં રહેલી આ મહિલા પર આવું કહેવા માટે દબાણ કરાયાનું કહે છે. વિજયન તો એટલે સુધી કહે છે કે કેન્દ્રીય એજન્સીઓ ભાજપની પ્રચાર એજન્સીઓ તરીકે કામ કરતી લાગે છે. વળી, મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતી વ્યક્તિ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે તો એ મુખ્યમંત્રીના ઈશારે થતી હોવાનું તારણ કેમ કાઢી શકાય, એવો સવાલ પણ ડાબેરી નેતાઓ કરી રહ્યા છે.

ગુનાખોર ધારાસભ્યોની બોલબાલા

ચૂંટણી દરમિયાન કે એ પૂર્વે ખૂબ ગાજેલા દાણચોરી પ્રકરણ પછી ચૂંટણી પરિણામો કેવાં આવશે એ કહેવું કઠીન છે. આમ પણ, કેરળમાં રાજકીય હિંસાનું સાતત્ય જળવાયેલું છે. આરએસએસ અને માર્ક્સવાદી કાર્યકરો વચ્ચે દાયકાઓથી ચાલતા રહેલા ખૂનામરકીના ખેલ બંને પક્ષોના કાર્યકરોને અદાલતી ચુકાદાઓને પગલે  જેલવાસમાં પરિણમતા રહ્યા છે. વેરની વસુલાતની લોહિયાળ પરંપરા અખંડ ચાલતી રહી છે. ઉપરાંત, એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને ઈલેક્શન વોચના વડા મેજર જનરલ અનીલ વર્મા (નિવૃત્ત) થકી રજૂ કરાયેલા અહેવાલ અનુસાર, કેરળના ૧૩૨ ધારાસભ્યોના અભ્યાસને આધારે તેમાંના ૮૬ એટલેકે ૬૫% ધારાસભ્યો સામે ગુના  નોંધાયેલા હોવાનું એમણે પોતાનાં સોગંદનામાંમાં કબૂલ્યું હતું. એમાંના ૨૧ સામે તો ગંભીર ગુના નોંધાયેલા છે. ૬ ધારાસભ્યો સામે હત્યાના પ્રયાસના ગુના નોંધાયેલા છે. આમાં સીપીઆઇ(એમ)ના કુલ ૫૬ ધારાસભ્યોમાંથી ૫૧, સીપીઆઇના ૧૯માંથી ૧૨, કોંગ્રેસના ૨૦માંથી ૯, મુસ્લિમ લીગના કુલ ૧૮માંથી ૫ અને કુલ ૬ અપક્ષમાંથી ૪ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. સૌથી વધુ શિક્ષિત રાજ્યમાં મતદાનની ટકાવારી ૭૫ ટકાથી વધુ રહે છે. વર્ષ ૨૦૧૧ની ચૂંટણીમાં ૭૫.૧૨% મતદાન થયું હતું, પણ એ ૨૦૧૬ની ચૂંટણીમાં ૭૭.૫૩% હતું. એવું નથી કે ૯૬.૨% જેટલો સાક્ષરતા દર ધરાવતા સૌથી શિક્ષિત રાજ્યમાં શિક્ષિત ધારાસભ્યોને જ ચૂંટવાનું ચલણ નથી. ઓછું ભણેલા ઘણા છે: ૫૪ ધારાસભ્યો તો માત્ર પાંચમાથી બારમું પાસ થયેલા છે. જયારે સ્નાતક થયેલા કે વધુ ભણેલા  ૭૭ ધારાસભ્યો છે.  ૧૪૦ ધારાસભ્યોમાં માત્ર ૮ મહિલા ધારાસભ્યો છે.  શિક્ષિત રાજ્ય અને જાગૃત રાજ્ય કેરળ આજે ભલે “ગોડ્સ ઓન કન્ટ્રી” તરીકે ઓળખાતું હોય, પણ ગુનાખોરી અને શિક્ષણની બાબતમાં વિધાનસભાનું ચિત્ર આ વખતની ચૂંટણીમાં બદલાશે કે કેમ એ પણ મહાપ્રશ્ન છે.

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૮ માર્ચ ૨૦૨૧)

 

No comments:

Post a Comment