પાંચ પ્રદેશો પર રાજકીય સવારીનો ભગવાનો સંકલ્પ
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
Dr.Hari
Desai writes weekly column for Gujarat Guardian Daily of Surat and Sardar Gurjari
Daily of Anand.You may read his columns on haridesai.com too.
·
ભગવા ફેંટા સાથેના
કોંગ્રેસીઓને “આઝાદ” કરી પોતીકા કરવા વહેતી મૂકાયેલી લાલચ
·
પશ્ચિમ બંગાળમાં
માર્કસવાદી અને કોંગ્રેસ ભાઈ-ભાઈ, કેરળમાં સામસામે હોવાનો લાભ
·
પુડુચેરીમાં સરકાર
ગબડાવી રાષ્ટ્રપતિ શાસન પછી લક્ષ્ય ફોર્ટ સેન્ટ જ્યોર્જ પર કબજાનું
· આસામ-પુડુચેરી કબજે કરી બંગાળી-તમિળ પ્રજાને આકર્ષવામાં હજુ ઉણા ઉતરવાના ખેલ
ભારતીય જનતા પક્ષના નેતાઓમાં આજકાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અવતારી પુરુષ સ્થાપિત કરવાની સ્પર્ધા ચાલતી હોવાનું અનુભવાય છે. મોદી ચૂંટણી જીતાડવાનો ચમત્કાર કરી શકે છે એટલે ક્યારેક એમના સ્પર્ધક મનાતા મધ્ય પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ હવે મોદીને ભગવાન ગણાવવાની શરૂઆત કરી છે. એ માટે એમણે વિધાનસભા મંચનો ઉપયોગ કર્યો છે. એમ તો ગુજરાતમાં પણ ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકીએ અમારી સાથેની એક ટીવી ડિબેટમાં નરેન્દ્ર મોદીને ભગવાનના સ્થાને મૂકવાની કોશિશ કરી હતી.
કેન્દ્રમાં સત્તાધારી પક્ષ સાથે રહીને વિકાસ સાધવાની મધલાળ દર્શાવીને
ખાસ કરીને હજુ પોતાના કબજામાં નહીં આવેલાં રાજ્યોને સર કરવાનાં આયોજન સાથે
માર્ચ-એપ્રિલ ૨૦૨૧માં પશ્ચિમ બંગાળ, આસામ, તમિળનાડુ અને કેરળ એ ચાર રાજ્યો અને પુડુચેરી
કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયાનું સ્પષ્ટ છે. ચૂંટણી
જાહેર તો દેશની બંધારણીય સંસ્થા ગણાતું ચૂંટણી પંચ કરે છે, પરંતુ એના મુખ્ય આયુક્ત
સહિતના ત્રણેય આયુક્તોની વરણી જે તે કેન્દ્ર સરકારના પ્રભાવ હેઠળ અને અનુકૂળતા
મુજબ થાય છે. સ્વાભાવિક છે કે એટલે જ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ
પ્રશ્ન ઉઠાવ્યા છે કે મારા રાજ્યમાં આઠ આઠ તબક્કામાં ચૂંટણીના મતદાનનું આયોજન વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના ઈશારે કરવામાં આવ્યું છે કે કેમ? તમિળનાડુ, કેરળ અને
પુડુચેરીમાં એક જ તબક્કામાં, આસામમાં ત્રણ
તબક્કામાં અને બંગાળમાં આઠ આઠ તબક્કામાં મતદાનનું આયોજન કરવાની જાહેરાત ચૂંટણી
પંચે કરી છે એટલે સવાલ તો ઉઠવાના. એનો ઉત્તર પણ કદાચ તૈયાર હશે કે આ રાજ્યમાં
હિંસક અથડામણોની દહેશત વધુ છે. પશ્ચિમ બંગાળમાં દાયકાઓથી રાજ કરતા ડાબેરી મોરચાને
પરાસ્ત કરીને છેલ્લી બે ચૂંટણીમાં ભવ્ય
વિજય મેળવનાર તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીને હંફાવવા માટે આ વખતે
ભાજપે તો બરાબર કમર કસી છે, પણ સાથે જ માર્કસવાદી મોરચો અને કોંગ્રેસ પણ
મમતાદીદીને ઘરભેગાં કરવાની વેતરણમાં છે. કેરળમાં ડાબેરી મોરચાની સરકાર છે. વિપક્ષે
કોંગ્રેસી મોરચો છે, પણ બંગાળમાં કેરળના બંને રાજકીય શત્રુ સાથે છે. આ વિરોધાભાસનો
લાભ લેવા ભાજપ થનગને છે. ભાજપને રાજકીય શત્રુની છાવણીમાંથી પોતાની છાવણીમાં આવે એ
એકદમ શુદ્ધવિશુદ્ધ લાગે છે, એની કનેનું લોહચુંબક વિપક્ષમુક્ત ભારત માટે ઝંખે છે
ત્યારે માર્ગદર્શક મંડળમાં સ્થાન પામનાર લાલકૃષ્ણ આડવાણીની “ભાજપના
કોંગ્રેસીકરણ”વાળા શબ્દોનું સહજ સ્મરણ થઇ આવે છે. જોકે જે પાણીએ મગ ચડે એની
વાહવાહી કરવામાં અને સત્તાને જ પરમેશ્વર
માનવામાં રમમાણ વર્તમાન સત્તાધીશો હવે અટલ
બિહારી વાજપેયીના ભાજપના નથી એ સ્પષ્ટ થઇ ગયું છે. સાથે જ કોંગ્રેસમાં સદગત
વડાપ્રધાન રાજીવ ગાંધી અને વર્તમાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્ર રાહુલ
ગાંધી સામેની નારાજગીનો લાભ ઉઠાવવા માટે ભાજપની નેતાગીરીએ એમના પર આકરા પ્રહારો
કરીને એમને ઘેરવાનું અખંડ રાખ્યું છે. કોંગ્રેસે રાજ્યસભામાંથી નિવૃત્ત કરેલા વિપક્ષના
નેતા ગુલામનબી આઝાદ સહિતના અસંતુષ્ટ કોંગ્રેસી નેતાઓ ભણી મધલાળ આગળ કરવાની ભાજપી
નેતાગીરીની ચાલ કોંગ્રેસની ગૂંચવાયેલી
નેતાગીરીને વધુ ગૂંચવે છે.
રાજકીય ગોઠવણો પછી જાહેરાત
કોંગ્રેસને સતત ફટકા પડતા રહ્યા છે. કોંગ્રેસી નેતા-કાર્યકરોનું મનોબળ
નબળું પડતાં કે પછી બારણે સીબીઆઇ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) ટકોરા મારે
એનો ડર એમને સતાવતો હોવાથી ભાજપમાં જોડાવાના પારસમણિ ભણીની એમની દોટ બાકી રહેલાં
રાજ્યો કે સંસ્થાઓ પર કબજો જમાવવા માટે ભાજપને દોડવા માટે ઢાળ બક્ષે છે. હમણાં જે
રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ એ રાજ્યોમાં ભાજપના પ્રચારના તબક્કા,
ઓપરેશનોની કવાયત કે પછી સાથી પક્ષો સાથેની ગોઠવણોની કામગીરી પૂરી થયેલી છે. હવે
પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકો માટે આઠ તબક્કામાં મતદાન થવાનું છે: ૨૭ માર્ચ, ૧,૬, ૧૦, ૧૭,૨૫ અને ૨૯ એપ્રિલે
મતદાન થશે અને ૨ મેના રોજ મતગણતરી થવાની
છે. તમિળનાડુ (૨૩૪ બેઠકો ), કેરળ (૧૪૦ બેઠકો) અને પુડુચેરી(30 બેઠકો)માં ૬ એપ્રિલે
મતદાન થશે. આસામ(૧૨૬ બેઠકો)માં ૨૭ માર્ચ, ૧ અને ૬ એપ્રિલના રોજ મતદાન અને ૨ મેના
રોજ મતગણતરી થશે. વિધાનસભાની આ વખતની ચૂંટણીઓ પછી ભાજપને આસામમાં તો પોતાની સરકાર
રચવાના સકારાત્મક સંકેત અપનેવાલે સર્વેક્ષણ એજન્સીઓ આપે છે,પણ પશ્ચિમ બંગાળ,
તમિળનાડુ અને કેરળમાં આ જ સર્વેક્ષણ એજન્સીઓ પ્રતિકૂળ ચિત્ર દર્શાવે છે. પશ્ચિમ
બંગાળમાં મમતા ફરી સરકાર બનાવશે એવું સર્વે કહે છે. કેરળમાં ડાબેરી મોરચાની અને તમિળનાડુમાં
દ્રમુક-કોંગ્રેસની સરકાર બનવાની શક્યતા વર્તાય છે. જોકે ચૂંટણી માટેના મતદાનની
તારીખ નજીક આવતાં સુધીમાં આ ચિત્ર બદલવાની અપનેવાલે સાથે ગોઠવણ હોય પણ ખરી.
ભાજપનું સૌથી વધુ ધ્યાન પશ્ચિમ બંગાળ પર રહ્યું છે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી
અમિત શાહ અને પક્ષના અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત પક્ષ અને કેન્દ્રીય કેબિનેટનું
ધ્યાન કોલકાતામાં કોઈપણ ભોગે સરકાર બનાવવા ભણી છે. કોંગ્રેસ સરકાર પડ્યા પછી પુડુચેરીમાં જઈને ગૃહમંત્રી અમિત શાહે તો વિદાય
લઇ ચૂકેલા મુખ્યમંત્રી નારાયણસામીએ ગાંધી પરિવારને કેન્દ્ર સરકારનાં ફાળવેલાં નાણામાંથી
૧૫,૦૦૦ કરોડ રૂપિયા કટ-મની તરીકે આપ્યાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસના ગાંધી પરિવાર
પર બેફામ આક્ષેપ કરવામાં ભાજપને ફાવટ આવી ગઈ છે, પણ એ અંગે અદાલતી ખટલા દાખલ કરવા
કે તેમની ધરપકડ કરવાની જરૂર કેમ પડી નથી એ સમજાતું નથી. ઈટાલીમાં નાણા લઇ ગયાની કે
સ્વિસ બેંકોમાં નાણા રોક્યાની વાતો જાહેરસભાઓમાં કરવામાં આવે છે પણ કોંગ્રેસ
પરિવારનાં મોભી સોનિયા ગાંધી કે એમના પુત્ર રાહુલ ગાંધી મુક્ત કેમ ફરે છે એનો
ઉત્તર કેન્દ્ર અને રાજ્યોમાં બેઠેલી ભાજપ સરકારોમાંથી કોઈ વાળતું નથી. કોંગ્રેસના
પરિવારવાદ કે વંશવાદની વાત કરનારા ભાજપી
નેતાઓ પોતાના પક્ષમાં ફાટફાટ થતા પરિવારવાદ કે વંશવાદને ભૂલી જાય છે.
મોદી લોર્ડ રામ, શાહ લોર્ડ હનુમાન
ભારતીય જનતા પક્ષના નેતાઓમાં આજકાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અવતારી
પુરુષ સ્થાપિત કરવાની સ્પર્ધા ચાલતી હોવાનું અનુભવાય છે. મોદી ચૂંટણી જીતાડવાનો
ચમત્કાર કરી શકે છે એટલે ક્યારેક એમના સ્પર્ધક મનાતા મધ્ય પ્રદેશના વર્તમાન
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ હવે મોદીને ભગવાન ગણાવવાની શરૂઆત કરી છે. એ માટે
એમણે વિધાનસભા મંચનો ઉપયોગ કર્યો છે. એમ તો ગુજરાતમાં પણ ભાજપના પ્રવક્તા કિશનસિંહ
સોલંકીએ અમારી સાથેની એક ટીવી ડિબેટમાં નરેન્દ્ર મોદીને ભગવાનના સ્થાને મૂકવાની
કોશિશ કરી હતી. આ ચલણ આવતા દિવસોમાં વધતું જાય એવું લાગે છે. ક્યારેક ગુજરાતમાં
કોઈ મોદીનું મંદિર બનાવવા માંગતું હતું ત્યારે નરેન્દ્રભાઈએ ટ્વીટ કરીને એ અંગે
નારાજગી વ્યક્ત કરી હતી. હવે તો રાષ્ટ્રપતિ રાજનાથ કોવિંદના શુભ હસ્તે મોટેરા સ્ટેડિયમને
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ અપાયા પછી આવો છોછ કદાચ નહીં રહે. ક્યારેક ગુજરાતના
મુખ્યમંત્રી મોદીની જેમ જ ત્રણ-ત્રણ મુદત
માટે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા શિવરાજસિંહ વડાપ્રધાનપદની હોડમાં હતા. હવે તો
એપોતાના પર મોદીકૃપા કાયમ રહે એ માટે વિધાનસભામાં કહી બેઠા કે જો નરેન્દ્રભાઈ મોદી
ભગવાન રામ છે તો અમિતભાઈ શાહ ભગવાન હનુમાન છે! રાજકારણમાં ભક્તિનો મહિમા અપરંપાર
હોય છે. અત્યારે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ દેવકાંત બરૂઆના શબ્દોનું સ્મરણ થઇ આવે
છે. બરૂઆએ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની તુલના ભારત સાથે કરતાં કહ્યું હતું: “
ઇન્દિરા ઈઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઈઝ ઇન્દિરા.” જોકે વર્તમાનમાં ઇન્દિરા ગાંધીની
ઈમરજન્સીની ખૂબ ટીકા કરવામાં આવે છે પણ ભાજપના કેટલાક કેશુભાઈ પટેલ જેવા નેતાઓએ જ
મોદીયુગને અઘોષિત ઈમરજન્સી જેવો લેખાવ્યો હતો એ પણ સહજ યાદ આવે છે. કોંગ્રેસ હોય
કે ભાજપ, રાજકારણમાં ભક્તિનો મહિમા વધે એટલે સરમુખત્યારીની શક્યતા વધે, એવી ચેતવણી
તો બંધારણસભામાં બંધારણનો અંતિમ મુસદ્દો
રજૂ કર્યા પછી ૨૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરે આપી હતી. તેમના
શબ્દો હતા:“ધર્મમાં ભક્તિ એ આત્માના મોક્ષનો માર્ગ હશે, પણ રાજકારણમાં ભક્તિ કે
હીરો-વર્શિપ એ ગર્તા ભણીનો અને અંતે તાનાશાહી (ડિક્ટેટરશિપ)નો માર્ગ છે.”
આઝાદનાં રીસામણાં-મનામણાં
રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદને ફરીને રાજ્યસભામાં નિયુક્ત
નહીં કરવાના મુદ્દે અનેકવાર કેન્દ્રમાં મંત્રી અને જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી
રહેલા આઝાદને નારાજગી થઇ આવવી સ્વાભાવિક હતી.પક્ષ
સત્તામાં ના હોય ત્યારે એને મજબૂત કરવાને માટે જમ્મૂમાં કોંગ્રેસના એ
અસંતુષ્ટ નેતાઓ માથે ભગવી પાઘડી બાંધીને યોજાતા શાંતિ સંમેલનમાં અન્યાયનો કકળાટ કરે ત્યારે ભાજપને તો મજા જ પડે. આઝાદને
રાજ્યસભામાંથી વિદાય આપવાના ભાષણમાં વડાપ્રધાન મોદી ગળગળા થઇ ગયા, આંસુ સારી બેઠા
અને કોંગ્રેસ ગુલામનબીને રાજ્યસભે નહીં લાવે તો અમે લાવીશું, એવું કહી બેઠા.
મુશાયરામાં પણ ભાજપના નેતાઓએ આઝાદનાં ઓવારણાં લીધાં. કાશ્મીરમાં કાળો બરફ પડશે
ત્યારે ભાજપમાં જોડાઇશ, એવું કહી પોતે ભાજપમાં જોડાવાના નથી એવું પણ ગુલામનબીએ
કહ્યું. અત્રે સ્મરણ રહે કે ગલ્ફ વોર વખતે કાશ્મીરમાં કાળો બરફ પડ્યો હતો. જોકે આઝાદ
પક્ષના મોવડીમંડળને સંકેત આપતા રહ્યા કે
મારું મહત્વ સ્વીકારો. રાહુલબાબા સામે તીર તાકવામાં ભાજપ સાથે કોંગ્રેસના એ ૨૩
નેતાઓ જેમણે આખું આયખું કોંગ્રેસ થકી હોદ્દા અને પ્રધાનપદાં ભોગવ્યાં છે એ બધા હવે
કોંગ્રેસને મજબૂત કરવાના નામે કે સમાંતર
પક્ષ રચવા માટે જમ્મૂમાં મળે છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા કમલનાથ હજુ
મનામણાંના પ્રયાસોમાં છે, પણ ૧૦, જનપથ માટે તો જાણે મોતી ભાંગ્યાની અવસ્થા છે. કોંગ્રેસમાંથી
અલગ થવાના અને ફરી સાથે આવવાના અગાઉ પણ ઘણા ખેલ ભારતીય રાજકારણના મંચે નિહાળેલા
છે. ભાજપનું ગોત્ર પણ કોંગ્રેસ જ છે. જનસંઘના સંસ્થાપક રહેલા ડૉ.શ્યામાપ્રસાદ
મુકરજી ૧૯૨૯માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજકીય કારકિર્દી આરંભી હતી.
જનસંઘ-ભાજપની માતૃસંસ્થા આરએસએસના સંસ્થાપક સરસંઘચાલક ડૉ.કેશવ બલિરામ હેડગેવાર પણ
આજીવન કોંગ્રેસી રહ્યા. આમ છતાં, વર્તમાન ભાજપી નેતાગીરી કોંગ્રેસમુક્ત ભારતના
નારા લગાવીને ભાજપને કોંગ્રેસયુક્ત કરે છે. સત્તાપિપાસા અસંતુષ્ઠ કોંગ્રેસી
નેતાઓને સીધા ભાજપમાં જોડાવા પ્રેરે છે અથવા તો અલગ પક્ષ રચીને ભાજપ સાથે ઘર
માંડવા પ્રેરે છે. આ તબક્કે ૧૯૯૯માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો
મુદ્દો ઉઠાવી પત્ર લખનાર ત્રિપુટી શરદ પવાર, પૂર્ણો સંગમા અને તારિક અનવરને કોંગ્રેસમાંથી
તગેડી મૂકાયા ત્યારે તેમણે અલગ રાજકીય પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ રચ્યો હતો. જોકે
એ જ વર્ષે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે સાથે મળીને સરકાર રચી
અને ૧૫ વર્ષ સાથે મળી રાજ કર્યું હતું. વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ લગી કેન્દ્રમાં પણ કોંગ્રેસ અને
રાષ્ટ્રવાદી કોંગ્રેસે સાથે મળીને સરકાર ચલાવી. અત્યારે મહારાષ્ટ્રમાં પણ આ બંને
પક્ષો ઉપરાંત ક્યારેક ભાજપ સાથે સરકાર
ચલાવનાર શિવસેના પણ સાથે મળીને સરકાર
ચલાવે છે. રાજકીય સમીકરણો ક્યારે કેવો આકાર લે એ કહેવું મુશ્કેલ છે. જોકે અત્યારની
કોંગ્રેસની યાદવાસ્થળીનો લાભ લેવાનો
પ્રયાસ ભાજપ કરે એ સ્વાભાવિક છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૮
ફેબ્રુઆરી ૨૦૨૧)
No comments:
Post a Comment