Wednesday 17 February 2021

West Bengal Elections:From Netaji to Dinesh Trivedi

 

વિપક્ષમાં ધાડ પાડીને તરભાણાં છલકાવી દેવાનું રાજકારણ

અતીતથી આજ ડૉ.હરિ દેસાઈ

·         તૃણમૂલ કોંગ્રેસમાં હવે દિનેશ ત્રિવેદીનો અંતરાત્મા સળવળી ભાજપ ભણીસ્વનું હિતદર્શન નિહાળે છે

·         જમ્મૂ-કાશ્મીરને યોગ્ય સમયે ફરી રાજ્યનો દરજ્જો આપવાનું ગાજર લટકાવી આઝાદને ય નિમંત્રણ

·         એકમેકના વિરોધી ઈતિહાસપુરુષોને એક સાથે ખભે ઊંચકી જે પાણીએ મગ ચડે એ પકવવાના ખેલ

·         નેતાજી સુભાષનાં પુત્રી અનીતાની રેંકોજીમાંનાં અસ્થિની ડીએનએ તપાસની માંગણી હજુ અસ્વીકૃત

પશ્વિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી આવવામાં છે. આવે ત્યાં સુધીમાં તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીની પાર્ટી અને કેબિનેટમાં ધાડ પાડીને પોતાનાં તરભાણાં છલકાવી દેવા ઉત્સુક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો  ભારતીય જનતા પક્ષ યેન કેન પ્રકારેણ પશ્ચિમ બંગાળ પર પોતાનું શાસન સ્થાપવા માંગે છે. ચૂંટણી આડે હવે ઝાઝો સમય નથી અને તબક્કાવાર વિકેટો ખેરવીને ભાજપ પોતાનો ગઢ મજબૂત કરે છે. છેલ્લે છેલ્લે તૃણમૂલના રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદીનો અંતરાત્મા રાજ્યસભાની ચાલુ બેઠકે જાગી ઊઠ્યો. પોતાના રાજ્યમાં હિંસાના માહોલમાં મૂકપ્રેક્ષક બની રહેવાનું એમને કઠતું હોવાની અનુભૂતિ થઇ. મુખ્યમંત્રી મમતાની છત્રછાયામાં રેલવે મંત્રી થયા  અને ભાજપના ઉમેદવાર સામે  લોકસભાની છેલ્લી ચૂંટણી હાર્યા પછી પણ મમતાએ એમને રાજ્યસભે મોકલ્યા, પણ હવે ગૂંગળામણ અનુભવતા હોવાનું જણાવીને મુક્ત અભિવ્યક્તિ માટે એમણે ભાજપ ભણી ગતિ કરવામાં પોતાનું શ્રેય લેખ્યું છે. મૂળ કચ્છના ત્રિવેદી હવે પોતાનાં રાજકીય ગુરુ મમતાદીદી સામે જુમલાઓનું રાજકારણ ખેલવામાં છે ત્યારે વક્રદ્રષ્ટાઓટીકાનાં તીર છોડતાં કહેવા માંડ્યા છે કે ગોધરા-અનુગોધરા વખતે ગુજરાતી નેતાએ મૌન સેવવાનું કેમ પસંદ કર્યું હતું. નાચવું ના હોય એટલે આંગણું વાંકું એવી એક ઉક્તિ આપણે ત્યાં છે રાજકારણમાં રંગ બદલનારાઓના વ્યવહારમાં ચરિતાર્થ થતી રહે છે. કોંગ્રેસના ૨૩ નેતાઓએ લખેલા પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એમના પુત્ર રાહુલ ગાંધી સામે કથિત અસંતોષ વ્યક્ત કરનારાઓમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે નિવૃત્ત થતા ગુલામનબી આઝાદને ભાજપ ભણી વાળવા નાટકીય અંદાજમાં વડાપ્રધાન મોદીથી લઈને પક્ષના નેતાઓ થકી હાથ ધરવામાં આવેલા પ્રયાસો પર આઝાદે એવું કહીને પાણી ફેરવ્યું કે કાશ્મીરમાં કાળો બરફ પડે ત્યારે પોતે ભાજપમાં જોડાશે એટલે કે ક્યારેય ભાજપમાં નહીં જોડાય. જોકે ઘણા વાત ભૂલી ગયા લાગે છે કે વર્ષ ૧૯૯૧માં ગલ્ફ વોર વખતે કાશ્મીરમાં કાળો બરફ પડ્યો હતો! ગૃહમંત્રી  અમિત શાહે યોગ્ય સમયે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિતરાજ્યને ફરીને રાજ્યનો દરજ્જો અપાશે એવું સંસદમાં કહીને આઝાદ હિ અનેક મુસ્લિમ નેતાઓ માટે  ગાજર જરૂર લટકાવ્યું છે, પણ ભાજપની રાજકીય ચાલને સમજીને એમાં સામેલ થાય એવા નેતાઓમાં આઝાદ હજુ નહીં હોવાના સંકેત અત્યારે તો આપે છે. કાલ ઊઠીને શું થાય કહેવું મુશ્કેલ છે.

ભાજપની ૨૦૦ વિ. ટીએમસીની ૨૫૦

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટાણે ક્યારેક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે અહમદ પટેલનું નામ ઉછાળીને  હિંદુ મતબેંકને મજબૂત કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો. હકીકતમાં ક્યારેય કોંગ્રેસે પોતાના મુસ્લિમ નેતાને કેન્દ્રમાંથી ગુજરાત મોકલવાનું વિચાર્યું સુદ્ધાં નહીં હોય, પણ ભાજપની કળાકારીગરી ગણતરીપૂર્વકની હોય છે. પ્રકારની ફોર્મ્યૂલા પશ્ચિમ બંગાળમાંય વડાપ્રધાન મોદી અને  ગૃહમંત્રી અમિત શાહ અપનાવી રહ્યા છે. એમણે દીદી પોતાના ભત્રીજા અભિષેક બેનરજીને મુખ્યમંત્રી બનાવવા માંગે છે એવી વાત વહેતી મૂકી છે. જોકે બંગાળનાં વાઘણ ગણાતાં મમતાદીદીએ કહ્યું કે અમિત શાહ પહેલાં પોતાના પુત્ર જય શાહની વાતનો જવાબ તો આપે. કેન્દ્રના મંત્રી શાહ કોલકાતામાં ભાજપનું શાસન સ્થપાય નહીં ત્યાં લગીને પગ વાળીને નહીં બેસવાનો સંકલ્પ કરીને બેઠા છે. એમણે ઘોષણા કરી છે કે વિધાનસભા ચૂંટણી આવતાં લગી તો તૃણમૂલમાં દીદી એકલાં રહેશે. વિધાનસભાની ૨૯૪ બેઠકોમાંથી ભાજપ ૨૦૦ બેઠકો જીતશે, એવો દાવો પણ તેઓ કરી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેકનું કહેવું છે કે દિનેશ ત્રિવેદી છોને ભાજપના આઈસીયુમાં જતા, તૃણમૂલ તો રાજ્યની આગામી ચૂંટણીમાં ૨૫૦ કરતાં વધુ બેઠકો જીતશે. દાવા પ્રતિદાવાઓ ચાલ્યા કરશે. ભાજપની નેતાગીરી તૃણમૂલ નહીં, માર્ક્સવાદી તથા કોંગ્રેસના જોડાણમાં પણ ફાચર મારીને પોતાની જીતનો માહોલ અંકે કરવા કૃતસંકલ્પ છે. કેન્દ્રની એજન્સીઓનો ખુલ્લેઆમ દુરુપયોગ થઇ રહ્યાનો આક્ષેપ તૃણમૂલ કરે છે.

નેતાજીના પરિવારમાં રાજકીય વિભાજન

વડાપ્રધાન મોદી યુરોપના પ્રવાસે ગયા ત્યારે સુભાષનાં યુરોપવાસી પરિવારજનો સાથે મુલાકાત કરીને રાષ્ટ્રનેતાના મૃત્યુના રહસ્ય પરથી પડદો ઊંચકવા માટે ભારત સરકારે ગુપ્ત રાખેલી ફાઈલો જાહેર કરવાની આશા જન્માવી હતી. જોકે પાછળથી વડાપ્રધાન કાર્યાલયે અગાઉની ક્રૉંગ્રેસી સરકારોની પરંપરા જાળવીને સુભાષચંદ્રને લગતી ફાઈલો જાહેર કરવાનો નન્નો ભણી દીધો. તબક્કે પશ્વિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોગઠી મારીને સુભાષને લગતી રાજ્ય સરકાર કને રહેલી ગુપ્ત ફાઈલોને જાહેર કરવાનું ઘોષિત કર્યું એટલું નહીં, એમણે ફાઈલો સુભાષના પરિવાર સહિતનાઓ માટે ખુલ્લી પણ કરી દીધી. સ્વાભાવિક રીતે ભીંસમાં મૂકાયેલા વડાપ્રધાન મોદીએ સુભાષનાં પરિવારજનો સાથે મુલાકાત કરીને એમને સમજાવી લેવાની કવાયત આદરી છે, પણ મમતાએ વ્યૂહનો પહેલો કોઠો જીતી લીધો હતો.વડાપ્રધાને પણ ૩૦૦ ફાઈલો ખુલ્લી મૂકી. મમતાની તૃણમૂલ કૉંગ્રેસે વર્ષ ૨૦૧૪ની  લોકસભાની ચૂંટણીમાં સુભાષના મોટાભાઈના પૌત્ર અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઈતિહાસના પ્રાધ્યાપક સુગત બોઝને ઉમેદવારી કરાવીને લોકસભે મોકલ્યા હતા.. સુગતનાં માતા કૃષ્ણા શિશિર બોઝ પણ સાંસદ હતાં.મુખ્યમંત્રી મમતા સામે સુભાષના પરિવારના ચંદ્રકુમાર બોઝને ભાજપે વર્ષ ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરાવી હતી. જોકે હાર્યા હતા એટલું નહીં, અત્યારે નારાજ પણ ચાલી રહ્યા છે.

હિટલર, મુસોલિની અને જાપાનને ટેકે

સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ અને વચગાળાની સરકારમાં બે મહિના માટે  પ્રધાન રહેલા સરતચંદ્ર બોઝનાં વંશજોમાં કૉંગ્રેસી સાંસદથી લઈને ફૉરવર્ડ બ્લૉક(સુભાષની પાર્ટી)નાં સાંસદ રહ્યાં છે. પશ્વિમ બંગાળમાં સુભાષચંદ્રનું નામ ઍન્કૅશ કરવા માટે તમામ રાજકીય પક્ષો મેદાને પડ્યા છે. આઈસીએસ સેવામાંથી રાજીનામું  આપીને ભારત પાછા ફર્યા બાદ મુંબઈના બંદરે ઉતરીને નેતાજી   જુલાઈ ૧૯ર૧ના રોજ સીધા ગાંધીજીને મળવા લેબર્નમ રોડસ્થિત મણિભુવન ગયા હતા. સુભાષ સુરત પાસેના હરિપુરા ખાતે ૧૯૩૮માં સરદાર પટેલની નિગરાની હેઠળ મહાસભાનું(કૉંગ્રેસનું) અધિવેશન મળ્યું ત્યારે એના અધ્યક્ષ હતા, પરંતુ એમની ગાંધીજીની અહિંસક કામગીરી સાથે અંટસ પડતાં ત્રિપુરી(જબલપુર પાસે)ના કોંગ્રેસના  અધિવેશનના અધ્યક્ષપદ સુધી તો ગાંધી-સરદાર સાથે ભારે ખટરાગને પામ્યા હતા. અંતે ફૉરવર્ડ  બ્લોકસ્થાપીને એમણે કોંગ્રેસને  રામરામ કર્યા હતા. પછી તો એમણે વિદેશમાં રહીને ભારતીય આઝાદી માટે સંઘર્ષ કરવાનું પસંદ કર્યું હતું. સુભાષે અંગ્રેજોને દેશવટો દેવા જર્મન તાનાશાહ ઍડોલ્ફ હિટલર અને ઈટલીના સરમુખત્યાર બૅનિટો મુસોલિનીથી લઈને જાપાન સહિતનાની મદદ લેવાનું પસંદ કર્યું. કાયમ ઠગાયાના અનુભવ પછી આઝાદ હિંદ ફોજના સરસેનાપતિ હતા ત્યારે ઑગસ્ટ ૧૯૪પમાં એમનું મૃત્યુ થયું કે ગુમનામીમાં સરી પડ્યા. પોતાને સુભાષના સમર્થક ગણાવનારાઓએ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ભાંડણલીલા ખૂબ કરી છે. ભાજપના નેતા ડૉ.સુબ્રમણિયન સ્વામી કહે છે કે સુભાષને નેહરુએ રશિયન તાનાશાહ સ્ટાલિન મારફત મોતને ઘાટ ઉતાર્યા, તો ત્રણ-ત્રણ તપાસપંચો નિયુક્ત થયા છતાં સુભાષના મૃત્યુના રહસ્ય પરથી પડદો ઊંચકાયો નથી.

ગાંધી-સરદાર વિ. વિઠ્ઠલભાઈ-સુભાષ

હવે પશ્વિમ બંગાળ સરકારે અને કેન્દ્ર સરકારે  ખુલ્લી મૂકેલી ફાઈલોમાંથી નવાં રહસ્ય પ્રગટશે એવી અપેક્ષા રહ્યા પછી પણ પંડિત નેહરુ અને ગાંધીજીની ટીકાઓ, સુભાષની આડશે, કરનારાઓએ ઈતિહાસનાં કેટલાંક તથ્યો પર નજર કરવાની જરૂર ખરી.ગાંધીજી અને સરદાર બેઉ અહિંસક રાજનીતિના માર્ગેથી ચૂકવાનું નાપસંદ કરનારા. સુભાષ દેશનિકાલના દિવસોમાં ઑસ્ટ્રિયાના વિયેનામાં કાર્યરત હતા ત્યારે તબીબી સારવાર માટે ત્યાં વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ (ભારતીય ધારાસભાના પ્રથમ હિંદી પ્રમુખ અને સરદાર પટેલના મોટાભાઈ) પણ હતા. ૧૯૩૩માં વિઠ્ઠલભાઈ અને સુભાષે ગાંધીજી રાજનેતા તરીકે નિષ્ફળ રહ્યાનું સંયુક્ત નિવેદન કર્યું હતું. સુભાષે વિઠ્ઠલભાઈની સારી એવી સેવા કરી. ૧૯૩૩માં વિઠ્ઠલભાઈનું વિયેનામાં મૃત્યુ થયું ત્યારે સુભાષ થકી પ્રભાવિત કરાયેલું એમનું વસિયતનામું પ્રકાશમાં આવ્યું. સરદાર પટેલ અને સ્વયં ગાંધીજીને વસિયતનામા અંગે શંકા પડતી હતી એટલે સરદારે તો નાસિક જેલમાં હતા ત્યારે વસિયતનામાના વહીવટકર્તા ગોરધનભાઈ આઈ.પટેલની રીતસર ઉલટતપાસ લીધી. વસિયતનામામાંથી એક લાખ રૂપિયા સુભાષને પરદેશમાં સ્વતંત્રતાની ચળવળનો પ્રચાર કરવા માટે આપવાની જોગવાઈ હતી. સરદાર કે એમના પરિવારને વિઠ્ઠલભાઈનાં નાણાંમાં રસ નહોતો, પણ સચ્ચાઈ જાણવી-નાણવી જરૂરી હતી. ગોરધનભાઈએ મુંબઈની વડી અદાલતમાં એને ૧૯૩૯માં પડકાર્યું. સરદારની શંકા સાચી પડી. અદાલતે વસિયતનામું બનાવટી લેખીને  એને રદ જાહેર કર્યું. સુભાષ અપીલમાં ગયા. ત્યાં પણ હાર્યા. વાતે સરદાર અને સુભાષ વચ્ચે કટુતા આણી હતી. જોકે વિઠ્ઠલભાઈનાં નાણાં સરદારે ટ્રસ્ટમાં આપી દીધાં, પણ કોંગ્રેસના  બબ્બેવાર રાષ્ટ્રીય પ્રમુખ થયેલા સુભાષચંદ્ર બોઝ સાથે નીતિવિષયક બાબતોમાં વાદવિવાદ થયાની સાથે વસિયતનામા પ્રકરણે પણ બળતામાં ધી હોમ્યું.

વિતેલા યુગના નેતાઓની મોટાઈ

વલ્લભભાઈએ નેહરુને ફેબ્રુઆરી ૧૯૩૯ના રોજ લખેલા પત્રમાં સુભાષના વ્યવહાર વિશેની વેદના વ્યક્ત કરી હતીઃ ‘‘મને ઘૃણા તો વાતથી થાય છે કે પોતાને ડાબેરી ગણાવનારાઓએ જે પગલાં લીધાં અને એમાં પણ વિશેષ તો અધ્યક્ષ(સુભાષચંદ્ર બોઝ) દ્વારા જે વલણ અપનાવાયું, એેણે તો હદ કરી છે. બ્રિટિશ સરકાર સાથે મળીને આપણે ષડ્‌યંત્ર રચી રહ્યા છીએ એવો આક્ષેપ તેમણે કર્યો.. આવું તો આપણા શત્રુઓએ પણ કર્યું નથી. તેમણે આપણી ઈમાનદારીને બિરદાવી છે, પરંતુ આપણા અધ્યક્ષે(સુભાષચંદ્ર બોઝ) આપણને ઈમાનદારીનું શ્રેય આપ્યું નહીં.’’ ગાંધીજીના આગ્રહથી સુભાષચંદ્ર બોઝ વિરુદ્ધ ડૉ.પટ્ટાભિ સીતારામૈયા ચૂંટણી લડ્યા અને હાર્યા. પછી કારોબારીના સરદાર સહિતના ૧૩+ (નેહરુ-પાછળથી) સભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં. જોકે પાછળથી સુભાષે પણ કોંગ્રેસ  છોડી હતી, પણ નેહરુ-સરદાર સામેનો એમને ડંખ કાયમ રહ્યો.સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ સરતચંદ્ર બોઝ કોંગ્રેસ  અને ગાંધીજીથી દૂર હડસાયેલા રહ્યા એટલું નહીં, સુભાષનાં લગ્નને પણ સ્વીકારવા તૈયાર નહોતા. નેહરુ-સરદાર સામેની સુભાષની કટુતા સર્વવિદિત હતી. આવા તબક્કે ઑગસ્ટ ૧૯૪પમાં સુભાષના મૃત્યુના સમાચાર આવ્યા. સુભાષનાં પત્ની ઍમિલી અને દીકરી અનિતા બોઝ માટે આર્થિક સહાય કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે આઝાદી પછી નેહરુ અને સરદારે અંગત વિખવાદને વચ્ચે લાવ્યા વિના રસ લીધો. સરતચંદ્ર બોઝે  તો સુભાષનાં પત્ની-દીકરીના નામનું નાહી નાંખ્યું હતું ત્યારે એમની કાળજી લેવામાં સરદાર અને નેહરુએ પિતૃવત્‌ ફરજ નિભાવી હોવાના દસ્તાવેજી પુરાવા તો આજ પહેલાં પ્રગટ થયા છે.  વિતેલા યુગના નેતાઓ કેટલા મહાન હતા એનાં ઉદાહરણ આપણને આજના વામનોના યુગમાં ડગલે ને પગલે મળે છે. મહાત્મા ગાંધી સાથે મતભેદ પછીય સુભાષે ગાંધીજીને સૌપ્રથમ રાષ્ટ્રપિતા કહ્યા હતા અને મહાત્માએ સુભાષને દેશભક્તોના દેશભક્ત કહ્યા છે.

એમિલી-અનીતાને નેહરુ-સરદારની હૂંફ  

સુભાષના મોટાભાઈ સરતચંદ્રના દીકરા શિશિરના પુત્ર અને પૂર્વ સાંસદ ડૉ.સુગત બોઝ નેતાજી સાથે ઍમિલીનાં ગુપ્ત લગ્ન ૧૯૩૭માં થયાનું પુસ્તકમાં નોંધે છે, પણ ઈન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ તે ૧૯૪રમાં થયું હતું. અનિતાનો જન્મ ર૯ નવેમ્બર ૧૯૪રના રોજ થયો હતો. ૧૯૪૪માં નેતાજી વારંવાર પોતાના લગ્નનો ઈનકાર કરતા રહ્યા હતા. તેમણે ચીન જવાના વીઝાની અરજી કરતાં પોતાને અપરિણીત-સિંગલ જાહેર કર્યા હતા. બોઝ પરિવારમાં  વાતની નવાઈ નથી. તૃણમૂલના સાંસદ રહેલા  સુગત બોઝ લોકસભાની વેબસાઈટ પર પોતાને સિંગલ ગણાવતા રહ્યા છે, પરંતુ અમેરિકામાં પાકિસ્તાની ઈતિહારકાર પ્રા.અયેશા જલાલ તેમનાં પત્ની અથવા પાર્ટનર ગણાવાય છે. જુલાઈ ૧૯૪૮માં વડાપ્રધાન નેહરુ અને નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ વચ્ચેના પત્રવ્યવહારમાં સુભાષબાબુની પત્ની અને દીકરી માટે આઝાદ હિંદ ફોજ નિધિમાંથી આર્થિક જોગવાઈ કરવાની વ્યવસ્થા કરાઈ હતી. સ્વયં સરદાર નિધિના અધ્યક્ષ હતા. નેહરુએ સરદારને લખ્યું છેઃ સુભાષબાબુની પુત્રીની સહાય માટે ટ્રસ્ટમાં કેટલાક રૂપિયા અલગ રાખવાનો તમારો વિચાર મને ગમ્યો. સરતબાબુએ તો કાંઈ કરવાનું છોડી દીધું છે.ગાંધીજીના કટુઆલોચક અને તાનાશાહોની મદદ લઈને હિંસાના માર્ગે આઝાદી મેળવવાના સમર્થક એવા સુભાષચંદ્ર બોઝના પરિવારની સરદાર પટેલ અને નેહરુએ ખેવના કરી છે. ભૂલાભાઈ દેસાઈના પુત્ર ધીરુભાઈ દેસાઈ વેળા સ્વિટ્‌ઝલૅંડમાં ભારતીય રાજદૂત હતા. એમને મદદ  સુભાષના પરિવારને પહોંચાડવાની જવાબદારી સરદારે સોંપી હતી. સુભાષ સાચા દેશભક્ત હતા એટલે નેહરુ-સરદાર પણ એમના રસ્તા ફંટાયા છતાં તેમના પરિવારની હિફાઝત કરવા કૃતસંકલ્પ હતા. પણ એવા તબક્કે જ્યારે સુભાષના મોટાભાઈના પરિવારે સુભાષનાં પત્ની અને દીકરીની ખેવના કરવાનું લગભગ છોડી દીધું હતું. પરિવારનું ૧૯૪૮માં પુનઃમિલન કરાવવાનું નિમિત્ત પણ સરદાર બન્યા હતા વાસ્તવિકતા છે. નેતાજીના પરિવારના નામે અત્યારે રાજકારણ ખૂબ ખેલાય છે, પણ જાપાનના પેલા બૌદ્ધ રેંકોજી મંદિરમાં અસ્થિકળશમાં રખાયેલાં ફૂલની ડીએનએ તપાસ કરવાની માંગણી અનીતા કરી રહ્યાં છે; પણ ભારત સરકાર ટાળી રહી છે. અગાઉ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અસ્થિકળશનાં દર્શને ગયાં હતાં. ઈતિહાસપુરુષોને અન્યાય થયાની વાતો કરવાનું રાજકારણ બંધ કરીને પ્રજાલક્ષી સેવાનું આચરણકારણ આરંભાય જરૂરી છે.                                                                                        

-મેઈલ:haridesai@gmai.com            (લખ્યા તારીખ: ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧)

1 comment:

  1. Haribhai, I admire your writings.

    You may also write about the circumstances of Boze's victory. It was Sitaramaiah's blunder about merging Andhra and Madras presidency which driven the voles away. Also, the circumstances in which Sardar withdrew in favor if Maulana and Maulana decided not contest against Boze being a Bengali.

    It is believed that some part of Quabailis who invaded Kashmir were ex Azad Hind Fauj Muslims who went to that side of India after partition.

    And Saratchandra wanted separate Bengal country and how Shayama Prasad had to aunch agitation against the idea.


    ReplyDelete