Wednesday, 3 February 2021

Netaji Subhas Chandra Bose: Myths and Facts

 

“દેશનાયક” નેતાજીની જન્મજયંતીની ઉજવણીનું “પરાક્રમ”

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના મંત્રીઓ અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે. ભાજપના પૂર્વ અવતાર જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીની ભોમકા પર ભગવો ફરકાવવા માટે હિંદુત્વનું કાર્ડ ખેલવામાં પણ પાછી પાની કરાતી નથી. અત્યારે તો માહોલ એવો રચાયો છે કે જાણે આવતીકાલે જ ચૂંટણી છે. જોકે હજુ ચૂંટણી આડે ત્રણ-ચાર મહિના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રના મહત્વના મંત્રીઓ તથા ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના નેતાઓ અત્યારે મુખ્યમંત્રી મમતા બેનરજી સામે જંગે ચડ્યા છે. હમણાં નેતાજી સુભાષચન્દ્ર બોઝ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને ઉજવણીઓની બોલબાલા છે. દેશનાયક તરીકે કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે જે મહાન ભારતીય સપૂતને નવાજ્યા હતા એ નેતાજી સુભાષચંદ્ર બોઝ (૨૩ જાન્યુઆરી ૧૮૯૭ કટક-૧૮ ઓગસ્ટ ૧૯૪૫ તાઈપેઈ)ના જન્મદિવસ ૨૩ જાન્યુઆરીને દર વર્ષે “પરાક્રમ દિવસ” તરીકે મનાવવાનું કેન્દ્ર સરકારે હમણાં જાહેર કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દિવસની ઉજવણી માટે ખાસ કોલકાતા ગયા.પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ એ દિવસે ભવ્ય કૂચનું આયોજન કરીને “દેશનાયક દિવસ” મનાવ્યો. નેતાજીની ૧૨૫મી જન્મજયંતી વર્ષની ઉજવણીનો સંકલ્પ ભારત સરકાર અને પશ્ચિમ બંગાળ સરકારે કર્યો છે. નેતાજીના આવા પ્રસંગોની ઉજવણી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહ્યાને કારણે રાજકીય લાભ મેળવવાની રાજકીય પક્ષોની હોંશ હોય એ પણ સ્વાભાવિક છે. સામાન્ય રીતે “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા” તેમ જ “ચલો દિલ્હી” કે પછી “જય હિંદ”ના તેમના નારા સાથે જ લશ્કરી પોશાકમાં સજ્જ નેતાજીની તસવીર બાળપણમાં સૌને પ્રભાવિત કરતી હતી, પણ જયારે રાજકીય અન્યાય અને વિસરાયેલા નાયકોને ન્યાય તોળવાને નામે વર્તમાનમાં રાજકીય દ્વંદ્વ ખેલાય ત્યારે ઇતિહાસની શી વલે થાય એ પણ જોવું રહ્યું. વાસ્તવમાં વર્તમાન સમયમાં આઝાદીના લડવૈયા એવા એક નેતાને બીજા નેતા સામે મૂકવાની ગણતરી સાથેની કવાયતો ચાલે છે ત્યારે આપણે તથ્યોનું નીરક્ષીર કરવું અનિવાર્ય થાય છે.

આઇસીએસ છોડી ગાંધીજીને મળ્યા

નેતાજી બોઝ ઇન્ડિયન સિવિલ સર્વિસ (આઇસીએસ)માં ચોથા ક્રમે આવ્યા પણ અંગ્રેજ સરકારની સેવા કરવાને બદલે એ સેવામાંથી રાજીનામું આપીને દેશ કાજે કાજે ૧૬ જુલાઈ ૧૯૨૧ના રોજ  સ્વદેશ પરત ફર્યા. એ જ દિવસે મુંબઈમાં મહાત્મા ગાંધીને મણિભવનમાં મળવા ગયા હતા. એમણે તેમને કોલકાતામાં ચિત્તરંજન દસ “દેશબંધુ”ને મળવાની સલાહ આપી. દેશબંધુ સાથે જોડાઈને કોલકાતાના મુખ્ય વહીવટી અધિકારી બન્યા અને કોંગ્રેસમાં પંડિત નેહરુના સમાજવાદી વિચારોની જેમ જ ડાબેરી ઝોકના નેતા બન્યા. ક્યારેક ગાંધીજીની નેતાગીરીને નિષ્ફળ ગણાવવાનું યુરોપમાં બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ સાથે ૧૯૩૩માં સંયુક્ત નિવેદન કરનારા સુભાષને મહાત્મા ગાંધીએ જ ૧૯૩૮ માટે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા, એ વાત રખે ભૂલાય. સુરત પાસેના હરિપુરામાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત નેહરુ સહિતના તમામ કોંગ્રેસી નેતાઓએ સુભાષનાં ઓવારણાં લઈને તેમના અધ્યક્ષપદે વિઠ્ઠલભાઈ નગરમાં કોંગ્રેસનું અધિવેશન સંપન્ન કર્યું હતું.

મહાત્માને સૌપ્રથમ રાષ્ટ્રપિતા કહ્યા

ફરીને ૧૯૩૯ માટે કોંગ્રેસઅધ્યક્ષપદ માટેની ચૂંટણી નેતાજી ના લડે એવા ગાંધીજીના અને સરદાર પટેલ સહિતના નેતાઓના આગ્રહને અવગણીને સુભાષે અધ્યક્ષ બનવા ઉમેદવારી કરી. મૌલાના આઝાદ એમની સામે ચૂંટણી લડવામાં પાણીમાં બેઠા ત્યારે મહાત્મા ગાંધીના પ્રતિનિધિ તરીકે ડૉ.પટ્ટાભિ સીતારમૈયા લડ્યા અને હાર્યા. ગાંધીજીએ એને પોતાની વ્યક્તિગત હાર લેખાવી, પરંતુ એ વેળા “હું બીજાઓનો વિશ્વાસ સંપાદિત કરી શકું,પણ  ‘દેશના મહાનતમ વ્યક્તિ’ (મહાત્મા ગાંધી)નો વિશ્વાસ ના પામી શકું તો એ ટ્રેજેડી ગણાય”, એવું નેતાજીએ કહ્યું હતું. સમયાંતરે એ કોંગ્રેસથી વિમુખ થયા. અલગ ડાબેરી પક્ષ ફોરવર્ડ બ્લોક પણ સ્થાપ્યો. જર્મની ગયા. ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવવાના પ્રયાસો આદર્યા. તાનાશાહ હિટલરની મદદ લેવામાં કે જાપાનની મદદ લેવામાં એમને કશું ખોટું લાગ્યું નહોતું. જર્મનીથી ફેબ્રુઆરી ૧૯૪૩માં પોતાના અનન્ય મુસ્લિમ સાથી આબિદ હાસ સફરાણી સાથે સબમરીનમાં પ્રવાસ ખેડવાનું પરાક્રમ આદરીને એ વાયા જાપાન  સિંગાપુર પહોંચ્યા. ઓગસ્ટ ૧૯૪૩માં જ એમને સિંગાપુરમાં આઝાદ હિંદ ફોજના સરસેનાપતિનો હોદ્દો સંભાળ્યો. જાપાન અને બ્રિટિશ વિરુદ્ધ દેશોના સહયોગથી એમણે ભારતમાંથી અંગ્રેજોને ખદેડવા માટે રંગૂન-બર્માથી જંગ આદર્યો. ઇશાન ભારત તથા આંદામાન નિકોબાર સુધી વિજય કૂચ આદરી. જે મહાત્મા ગાંધી સાથે મતભેદ હતા એ જ મહાત્માને ૬ જુલાઈ ૧૯૪૪ના રોજ રંગૂનથી કરેલા રેડિયો પ્રસારણમાં “ફાધર ઓફ અવર નેશન” (રાષ્ટ્રપિતા) તરીકે સૌપ્રથમવાર સંબોધન કરીને દિલ્હીમાં વાઇસરોય હાઉસ પર ત્રિરંગો ફરકાવવાના સંકલ્પને પરિપૂર્ણ કરવા  આશીર્વાદ માંગ્યા હતા. કમનસીબે ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ નેતાજીનું તાઈપેઈ ખાતે વિમાન દુર્ઘટનામાં એમનું અવસાન થયું. એ વેળા એમની સાથે એમના અત્યંત વિશ્વાસુ સાથી અને એડીસી  કર્નલ હબીબુર રહમાન ખાન હતા. એ પછી નેતાજી જીવતા હોવાની માન્યતાઓ ખૂબ પ્રચલિત રહી, પરંતુ જાન પર ખેલનારો અને અનેકવાર જેલવાસ તથા નજરકેદ ભોગવનાર  આવો નરબંકો ક્યાંય છૂપાઈને રહે એ માન્યામાં આવતું નથી.

સરદાર-નેહરુએ કાળજી લીધી

આઝાદી પછી પંડિત નેહરુ અને સરદાર પટેલે મહાત્માની વાતને કાન દેવાનું બંધ કર્યું હતું ત્યારે બાપુને તેમનો આ “બળવાખોર પુત્ર” (સુભાષ) જરૂર યાદ આવતો હતો. નેતાજીના પરિવારમાં ઓસ્ટ્રીયન મૂળનાં પત્ની એમિલી અને દીકરી અનિતાની કાળજી સરદાર પટેલ અને પંડિત નેહરુએ મળીને લીધાના પત્રવ્યવહાર છતાં નેહરુને ભાંડવાની નીતિરીતિ ચાલતી રહી છે. અનિતા તો હવે પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત છે અને જર્મનીમાં જ રહે છે. સમયાંતરે બોઝ પરિવાર સાથે કોલકાતા આવીને રહે પણ  છે. નેતાજીના મોટાભાઈ સરતચન્દ્ર બોઝના પરિવારજનો અત્યારે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપમાં વહેંચાઇ ગયાં છે. પશ્ચિમ બંગાળમાં ગમે તે પક્ષ જીતે, પણ નેતાજી બોઝ તો સૌ ભારતવાસીઓના હોવાની અનુભૂતિ સદાય રહેશે. વડાપ્રધાન મોદીને નેતાજીના નિવાસનો પરિચય કરાવનાર સુગત બોઝ એ સરતના દીકરા શિશિરના પુત્ર. સુગત ઓક્સફર્ડમાં પ્રાધ્યાપક છે અને તૃણમૂલના લોકસભાના સભ્ય રહ્યા છે.

ગુજરાત-ગુજરાતીઓ સાથે નાતો

નેતાજી સુભાષચન્દ્ર બોઝનો નાતો છેક મહાત્મા ગાંધી, વિઠ્ઠલભાઈ પટેલ, સરદાર પટેલ જ નહીં, બીજા પણ  અનેક ગુજરાતીઓ સાથે રહ્યો છે. વિદેશમાં સરદારસિંહ રાણા સાથેના  નેતાજીના સંબંધો પણ હજુ વણખેડાયેલા જ છે.  મહાત્મા ગાંધીની જેમ જ નેતાજી હિંદુ-મુસ્લિમ-શીખ એકતાના પ્રણેતા જ નહોતા, એમના અનન્ય સાથીઓ અને મદદકર્તાઓમાં પણ તમામ ધર્મના લોકો હતા. નેતાજીનું નામ લઈને હિંદુ વિરુદ્ધ મુસ્લિમનું રાજકારણ ખેલાવાનો પ્રયાસ કરનાર એ વાત વિસરી જાય છે કે નેતાજીની આઝાદ હિંદ બેંક સ્થાપવા માટે ૧૯૪૪માં એક કરોડ રૂપિયાના ભંડોળનું દાન કરનાર મૂળ ધોરાજીના મુસ્લિમ અગ્રણી અને બર્માનિવાસી મેમણ અબ્દુલ હબીબ યુસુફ મારફણી હતા. કમનસીબી તો જુઓ કે દેશભરમાં જ નહીં, દુનિયાભરમાં નેતાજીની ૧૨૫મી જન્મજયંતી મનાવવાની એક બાજુ વડાપ્રધાન મોદી ઘોષણા કરે છે,પણ બીજી બાજુ ગુજરાત સરકાર ધોરાજીમાં આ મહાન દાતાના નામે રોડનું નામકરણ કરવા માટે અંજુમન એ ઇસ્લામ મેમણ જમાત, ધોરાજીના પ્રમુખ હાજી અફરોઝભાઈ લકડકુટ્ટા અને પત્રકાર નયન એચ. કુહાડિયાની ૨૪ નવેમ્બર ૨૦૨૦ની  અરજી અંગે કોઈ પગલાં લેતી નહીં હોવાનું જણાવાય છે. વાત આટલે અટકતી નથી. સુરતના ગુલામ હુસૈન મુસ્તાક રાંદેરી તો નેતાજીના લશ્કરમાં ભરતી અધિકારી તરીકે કાર્યરત રહ્યા છે. નેતાજીના અંતિમ દિવસ સુધી એમની સાથે અત્યંત નિષ્ઠાવાન સાથી તરીકે મુસ્લિમો જ હતા. એમને કોલકાતાથી અલોપ થઈને પેશાવરમાં પ્રગટ થયા અને જર્મની પહોંચ્યા ત્યાં લગી અને ત્યાં પણ મુસ્લિમો, હિંદુ અને શીખ એમના માટે જાન ન્યોછાવર કરવા તૈયાર હતા. આવા નેતાજીના નામે રાજકારણ ખેલતા પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી એવા કૈલાસ વિજયવર્ગીસ મુખ્યમંત્રી મમતા બેનરજી પર “30 ટકાને રાજી કરવા” એટલે કે મુસ્લિમોને રાજી કરવાનું રાજકારણ ખેલવાનો  આક્ષેપ મૂકે ત્યારે નેતાજીના મૂળ વિચારભાવને હાની પહોંચે એ સ્વાભાવિક  છે.

ઈ-મેઈલ: haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૨૫ જાન્યુઆરી ૨૦૨૧)

No comments:

Post a Comment