Sunday, 28 February 2021

And Akhand Bharat Again

 

અખંડ ભારતનું ભૂત ફરી ધૂણ્યું

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         સંઘસુપ્રીમો ભાગવતનું હૈદરાબાદબૌદ્ધિક

·         દેશમાં ૮૦ કરોડ હિંદુ,૬૦ કરોડ મુસ્લિમ

·         તેલંગણ વિધાનસભા  ચૂંટણી પૂર્વે  ટંકાર

Dr.Hari Desai writes weekly column for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.28 February 2021. Web Link: https://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=685875

“પાકિસ્તાન અનિશ્ચિત રાજ્ય છે” એવું જણાવીને રાષ્ટ્રીય સ્વયંસેવક સઘ(આરએસએસ)ના  દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)એ ૨૪ ઓગસ્ટ ૧૯૪૯ના રોજ દિલ્હીમાં પત્રકાર પરિષદમાં ઘોષણા કરી હતી કે “જો ભાગલા એ સ્થાયી હકીકત હોય તો અમે એને અસ્થાયી કરીને રહેવાના છીએ. વિશ્વમાં કોઈ સ્થાયી હકીકત હોતી નથી. વ્યક્તિની ઇચ્છાશક્તિ એને સ્થાયી કે અસ્થાયી બનાવી શકે છે.” વર્ષો સુધી અખંડ ભારતની કલ્પના માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સત્તાવાર વેબસાઈટ પર ગુરુજીના કથન  તરીકે વહેતી રહ્યા છતાં અત્યાર લગી એ વાતને લગભગ સુષુપ્તાવસ્થામાં જ રાખવામાં આવી હતી. હમણાં  એકાએક તેલંગણ વિધાનસભાની ચૂંટણી પૂર્વે સંઘના વર્તમાન સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના હૈદરાબાદ ખાતેના બૌદ્ધિકમાં અખંડ ભારતની વાત  જોરશોરથી પ્રગટી. કહેવામાં તો આવે કે સંઘસુપ્રીમોનો પ્રવાસ એકાદ વર્ષ અગાઉ નક્કી થતો હોય છે, પણ એમાં કયા મુદ્દા ચર્ચવા કે વહેતા મૂકવા એ સંઘના વિચારકો ખૂબ ગણતરીપૂર્વક નક્કી કરવામાં મદદ કરે છે. સંઘના રાજકીય સંતાન જનસંઘથી લઈને વર્તમાન ભારતીય જનતા પક્ષ સુધીની મજલમાં સમગ્રપણે સંઘ પરિવારનો સક્રિય સહયોગ મળવો સ્વાભાવિક છે. અખંડ ભારતની કલ્પના ખરા અર્થમાં ભૌગોલિક નહીં, ભાવનાત્મક છે; એવા ખુલાસા વારંવાર કરવામાં આવે છે.

મુસ્લિમો માટે એકાએક પ્રેમ

હમણાં હમણાં તો ત્રિપુરાના સંઘનિષ્ઠ ભાજપી મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવે તો કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને ટાંકીને કહ્યું પણ ખરું કે ભાજપ શ્રીલંકા અને નેપાળ પર ભાજપનું રાજ સ્થાપવા માંગે છે. વાત વહેતી મૂકવી અને પછી વાળી લેવી એ સંઘનિષ્ઠ ભાજપના નેતાઓની વિશેષતા છે. એમને આઘાત-પ્રત્યાઘાતની ફોર્મ્યૂલામાં સવિશેષ રસ પડે છે. અખંડ ભારત એટલે  ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બ્રિટિશ ઇન્ડિયામાંથી છૂટા પડેલા ભારત, પાકિસ્તાન અને પછીથી પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગલાદેશ તરીકે જાણીતા થયેલા પ્રદેશને  ગણાવી શકાય.જોકે સંઘ પરિવારમાં તો વાત આટલે અટકતી નથી: વર્તમાન ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, નેપાળ, તિબેટ, ભૂટાન, મ્યામા (બર્મા), અફઘાનિસ્તાન જ નહીં, શ્રીલંકાને  પણ અખંડ ભારતનો હિસ્સો ગણાવાય છે. જેને જેમ ઠીક લાગે એમ અખંડ ભારતનો નકશો બનાવી દે છે. હકીકતમાં આપણે જે અખંડ ભારતની વાત કરીએ છીએ તે ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશ જ ગણાવી શકાય છે. ડૉ. ભાગવતને હવે આ વિસ્તારોનું એકીકરણ કરવાનું યોગ્ય લાગે છે. અત્યાર લગી પાકિસ્તાન ભણી વિષવમન કરવામાં કોઈ મણા રાખી નથી, મુસ્લિમો પ્રત્યે સદભાવ રાખવાનો અભાવ દર્શાવાયો છે છતાં ડૉ.ભાગવતને હવે આ પ્રદેશોને ભેગા કરવામાં રસ પડ્યો છે. એ પણ એવા સમયે જયારે મુસ્લિમો પ્રત્યે ૧૯૨૫માં  સંઘની સ્થાપનાથી લઈને અત્યાર લગી કોઈ પ્રેમભાવ નહીં હોવા છતાં ત્રણેય દેશોને જોડવા જતાં ૮૦ કરોડ હિંદુઓ સામે ૬૦ કરોડ મુસ્લિમોની વસ્તીવાળો સંગઠિત દેશ અખંડ ભારત લેખવામાં આવે છે.

સરદારનું એકતાનું  સ્વપ્ન

ભાગલા માટે એકલા મહાત્મા ગાંધી કે પંડિત જવાહરલાલ નેહરુને જવાબદાર લેખવાની પરંપરા ચલાવાય છે. આમ છતાં, સ્વયં સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી ટાણે ભાગલા કેમ અનિવાર્ય બન્યા હતા એ બાબત  બંધારણસભામાં અને પોતાના વિશ્વાસુ સાથી  અને વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના સંસ્થાપકોમાંના એક એવા ક.મા.મુનશીને કહેલા શબ્દો ખૂબ સૂચક હતા કે પોતે ભાગલાના વિરોધી હોવા છતાં કેમ છેવટે ભાગલા સ્વીકારવા માટે તૈયાર થવું પડ્યું હતું. ગૃહયુદ્ધ ખાળવા અને વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગ સાથેના કટુ અનુભવે વલ્લભભાઈને તો ડિસેમ્બર ૧૯૪૬માં જ ભાગલાને સ્વીકારી લેવાના વિચાર માટે તૈયાર કરી મૂક્યા હતા.સરદારે તો કહ્યું હતું કે ભારતની એકતા માટે ભાગલાનો સ્વીકાર કરવો અનિવાર્ય છે. એમણે તો એવું પણ ભવિષ્ય ભાખ્યું હતું કે પાકિસ્તાન ફરીને ભારત સાથે જોડાશે. બે દુશ્મન જર્મની એક થતાં હોય, બે યમન એક થતાં હોય અને બે કોરિયા એક થવા માટે મંત્રણાઓ કરવા તૈયાર થતાં હોય તો ભારત સાથે પાકિસ્તાન અને બાંગલાદેશ મળી શકે. એટલે વલ્લભભાઈની વાત અશક્ય નહોતી.  નેતાજી સુભાષબાબુએ અને ગાંધીજી તેમ જ રાજાજીએ તો પાકિસ્તાનની માંગણી પડતી મૂકે તો કાઇદઆઝમ મોહમ્મદ અલી ઝીણાને વડાપ્રધાન બનાવવા અને અખંડ ભારતને જાળવવા માટેની તૈયારી પણ દર્શાવી હતી.  હિંદુ મહાસભાના અધ્યક્ષ સ્વાતંત્ર્યવીર સાવરકર અને કાર્યાધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી ભલે ભાગલાના વિરોધમાં હોય અને આરએસએસ પણ ભાગલાનો વિરોધ કરતો હોય, પણ એમની આઝાદીની લડાઈ કે અંગ્રેજો સાથેની મંત્રણાઓમાં કોઈ ઝાઝી વજૂદ નહીં હોવાનું સાવરકરવાદી ઇતિહાસવિદ ડૉ.શેષરાવ મોરે પોતે પણ નોંધે છે. વળી, મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાએ તો અંગ્રેજોની કૃપા હેઠળ બંગાળ, સિંધ અને વાયવ્ય પ્રાંતમાં સંયુક્ત સરકારો એવા તબક્કે ચલાવી જયારે કોંગ્રેસના મોટાભાગના નેતાઓ જેલમાં હતા.

મુસ્લિમો પ્રત્યે ઘૃણા અને એકીકરણ

આજના સંજોગોમાં “સબ કા સાથ, સબ કા વિકાસ”નો નારો ભલે લગાવાતો હોય પણ જે સંગઠનોની ગળથૂથીમાં મુસ્લિમો પ્રત્યે ઘૃણા છે એ એકાએક મુસ્લિમ બહુલપાકિસ્તાન અને બાંગલાદેશને પોતાનામાં જોડવા માટે તૈયાર થાય કઈ રીતે એ મોટો સવાલ છે. ભારતમાં ૨૦ કરોડ મુસ્લિમો છે, પાકિસ્તાનના ૨૦ કરોડ મુસ્લિમો અને બાંગલાદેશના ૨૦ કરોડ મુસ્લિમો અખંડ ભારતમાં સમાવાય તો ૮૦ કરોડ હિંદુઓ અને ૬૦ કરોડ મુસ્લિમો  સ્વીકાર્ય બની રહેશે કે? વાતોનાં વડાં કરવાં અને આદર્શની વાતો વહેતી મૂકી લવજેહાદની કે પરાવર્તન કે શુદ્ધિ થકી મુસ્લિમોને હિંદુ બનાવવાની ઝુંબેશો આદરવાની હોય તો આ વિરોધાભાસો વચ્ચે કોમી એખલાસની ભાવના પાંગરે ક્યાંથી? વળી પાછું કહેવાય એવું કે હિંદુ ધર્મના શરણમાં અખંડ ભારત શક્ય બને તો શરણાગતિ સ્વીકારીને પાકિસ્તાન કે બાંગલાદેશ ભારતમાં પાછાં ફરે એ શક્ય નથી. બંને અલગ સાર્વભૌમત્વ રાષ્ટ્રો છે અને એ પોતાને ભારતમાં ભેળવે એ શક્ય નથી. દક્ષિણ એશિયાઈ દેશોના સંગઠન સાર્કને મજબૂત કરવાની જરૂર છે ત્યાં એ લગભગ ઠપ છે. અખંડ ભારતની કલ્પના સાથે જનસંઘના સંસ્થાપક મહામંત્રી અને સંઘના પ્રચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયે  એક પુસ્તિકા લખી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીનદયાળના સમગ્ર વાંગ્મયનું લોકાર્પણ કર્યું હતું. પંદરમાંના બીજા ગ્રંથમાં આ અખંડ ભારત અંગેની પુસ્તિકાનો સમાવેશ છે. શક્તિપીઠો જ્યાં છે એ ભારતનો પ્રદેશ ગણાવીને અખંડ ભારતની કલ્પના સાકાર કરવા જતાં તો પાકિસ્તાન, શ્રીલંકા, મ્યામા (બ્રહ્મદેશ),  તિબેટ એટલે કે ચીનનો હિસ્સો, બાંગલાદેશ તથા નેપાળ પણ એમાં આવે. અફઘાનિસ્તાન પણ. આ બધી કોરી કલ્પનાઓ દિલને બહેલાવવા માટે બરાબર છે. હકીકતમાં આ બધા દેશો સાથે મધુર સંબંધ જાળવીને ભારત અને ત્યાંની પ્રજા વચ્ચે સમજણના સેતુ રચાય એ બરાબર લેખાય,; અન્યથા અખંડ ભારતની આ બધી વાતો આજના તબક્કે ચૂંટણીલક્ષી જ બની રહેવી સ્વાભાવિક છે.

તિખારો

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો –

મંઝિલ સુધી પહોંચતાં પગભર બની ગયો !

-     ‘આદિલ’ મન્સૂરી

ઈ-મેઈલ: haridesai75@gmail.com       (લખ્યા તારીખ: ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧)

No comments:

Post a Comment