Sunday 10 January 2021

Politics of Changing name of Aurangabad to Shambahjinagar

 

નામાંતરનું બેપાંદડે થયેલું સત્તાકારણ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         ચૂંટણી ટાણે ઔરંગાબાદ વિ. શંભાજીનગર

·         મરાઠવાડા વિદ્યાપીઠનું નામાંતર આંદોલન

·         સત્તારૂઢ મોરચામાં તડાં પડવાનાં એંધાણ

દાયકાઓથી અમદાવાદનું કર્ણાવતી નામાંતર કરવાની ઝુંબેશને નામે મત મેળવવાની ફાવટ ધરાવતા ભારતીય જનતા પક્ષને મહારાષ્ટ્રના ઔરંગાબાદનું શંભાજીનગર કરવાનું વચન આપીને અત્યારના સત્તારૂઢ મોરચામાં પૂળો મૂકવાની તક જરૂર મળી ગઈ છે. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સત્તામાં હોય ત્યારે આ નામાંતર કરવાનું સૂઝતું નથી; પણ અત્યારે મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ સત્તામાં છે ત્યારે મુઘલ શહેનશાહ ઔરંગઝેબના નામે મરાઠવાડાના શહેરના પડેલા  ઔરંગાબાદ નામને  છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ શંભાજીના નામે  શંભાજીનગર કરવાની ઝુંબેશે શિવસેના અને કોંગ્રેસને સામસામે લાવીને મૂકી દીધા છે. કોંગ્રેસને એની મુસ્લિમ મતબેંક અસદુદ્દીન ઓવૈસીના એમઆઈએમ ભણી ના વળી જાય  એટલે ઔરંગાબાદ રાખવું છે. શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેના વખતથી આ મહાનગરને શંભાજીનગર ગણાવવાનું ચલણ છે. ભાજપ એ સાથે સંમત છે, પણ કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકારનું ગૃહમંત્રાલય એને શંભાજીનગર જાહેર કરતું નથી. હમણાં તો શિવસેનાના વડા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શંભાજીનગર એરપોર્ટને શંભાજીનું નામ આપવાની કેન્દ્રને આગ્રહભરી વિનંતી કરી છે. ભાજપવાળા પહેલાં શંભાજીનગર કરાવવાનો આગ્રહ રાખે છે, પણ અગાઉ ભાજપ-સેનાની સરકાર હતી ત્યારે એ ના કરાયું. બીચ મેં મેરા ચાંદભાઈની જેમ કેન્દ્રની ભાજપના વડપણવાળી  સરકારમાં મંત્રી અને રિપબ્લિકન (આઠવલે)ના સુપ્રીમો રામદાસ આઠવલે તો શંભાજીનગર કરવા સામે પોતાના પક્ષનો વિરોધ હોવાનું સ્પષ્ટ કરીને આ નામાંતર વિવાદમાં શિવસેના, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસની સરકાર તૂટી પડવાની  ભવિષ્યવાણી પણ કરે છે.અગાઉ આ આઠવલે રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવારની કોંગ્રેસ સરકારમાં પણ મંત્રી હતા.

વાજપેયી સરકારે નકાર્યું હતું

અમદાવાદનું કર્ણાવતી કરવાના નામે ઝુંબેશ ચલાવીને મહાનગરપાલિકા ચૂંટણી જીતનાર ભાજપ રાજ્યમાં અને કેન્દ્રમાં સત્તારૂઢ હતો ત્યારે આવું નામાંતર શક્ય નહીં હોવાની સરકારી ભૂમિકા સ્વીકારે છે, પરંતુ ચૂંટણી નજીક આવે ત્યારે એ મુદ્દો પાછો અચૂક તાજો કરાય છે. અલાહાબાદને પ્રયાગરાજ કરાય કે અન્ય શહેરોને મૂળ નામ અપાય એ લોકપ્રિય જરૂર બને, પણ  સંબંધિત નગરોના લોકો માટે સુખસગવડો વધારવામાં આવે તો જ ગનીમત. હકીકતમાં મુઘલ કે અંગ્રેજ શાસન  સમયનાં નામો બદલવાનાં રાજકારણ લોકોને જે તે પક્ષ ભણી આકર્ષે જરૂર છે; પણ એ માત્ર રાજકારણનો જ હિસ્સો જ બનીને રહે છે. કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીના વડપણવાળી સરકાર હતી ત્યારે અમદાવાદનું કર્ણાવતી કરવાની દરખાસ્ત ફગાવી હતી.એ પછી પણ ચૂંટણી માથે હોય ત્યારે એ મુદ્દો ઝળકે ખરો.યુનેસ્કોમાં અમદાવાદને હેરિટેજ શહેરનો દરજ્જો અને કરોડોનું ફંડ મેળવવા માટે એ જ ભાજપ રાજ્ય અને મહાનગરપાલિકામાં શાસનમાં હોય ત્યારે અહમદશાહે નગર વસાવ્યું ત્યારથી ઈતિહાસ રજૂ કરે છે.  વાસ્તવમાં અમદાવાદ સુલતાન અહમદશાહે વસાવ્યું અને એ પહેલાં રાજા કર્ણદેવના નામે એને કર્ણાવતી કરવા જતાં આ નગર તો આશા ભીલ નામના આદિવાસી રાજવીનું હતું એ વાત ઈતિહાસમાંથી  પ્રગટે અને સંઘ પરિવારના સાહિત્યમાં પણ ક્યારેક એને આશાવલ કહેવામાં આવ્યું હોય તો એનું નામ આશાવલ કેમ નહીં, એવો પ્રશ્ન ઊઠે ત્યારે મૂંઝવણ જરૂર ઊભી થાય છે. રસ્તા, પાણી અને મકાનના મુદ્દે રાજકીય પક્ષો પ્રજાની સુખાકારી કઈ રીતે વધારી શકે એને બદલે સદીઓ પહેલાં થઇ ગયેલા ઔરંગઝેબ કે કર્ણદેવ કે પછી શિવાજી મહારાજ કે શંભાજી મહારાજના નામે અત્યારે રાજકારણ  ખેલે ત્યારે એમની દ્રષ્ટિ કેટલી કૃપણ છે એ સમજાય છે. ઓછામાં પૂરું આજે પણ શંભાજી હિંદુઓને રાજી કરવા અને ઔરંગઝેબ મુસ્લિમોને રાજી કરવા ખેંચતાણો સર્જે ત્યારે રાજકીય પક્ષોની  વધુ  દયનીય સ્થિતિ આકાર લે છે.

મરાઠવાડા વિદ્યાપીઠ નામાંતર

મહારાષ્ટ્રમાં દલિત વસ્તી વધુ હોવાથી એને રાજી કરવાના નામે વસંતદાદા પાટીલની સરકાર વખતે  જુલાઈ ૧૯૭૮માં મરાઠવાડા વિદ્યાપીઠને ડૉ.બાબાસાહેબ આંબેડકર નામ આપવાના નિર્ણય તમામ તબક્કે લેવાયા પછી  દલિત-દલિતેતર રમખાણો અને હિંસા ફાટી નીકળી. નામાંતરના વિરોધમાં ગોવિંદભાઈ શ્રોફ અને શિવસેના સહિતના રાજકીય પક્ષો જ નહીં, કોંગ્રેસ અને અન્ય પક્ષોના તથાકથિત બિન-દલિતો પણ જોડાયા હતા. આ સંઘર્ષ દોઢ દાયકા લગી ચાલ્યો (૧૯૭૮થી ૧૯૯૪) અને મરાઠવાડા વિદ્યાપીઠના નામાંતરને બદલે એના નામવિસ્તારને મુખ્યમંત્રી શરદ પવારે અને એ જ ગોવિંદભાઈ શ્રોફે સ્વીકારવા બંને પક્ષના આંદોલનકારીઓને સમજાવ્યા હતા. એટ્રોસીટી સહિતના પોલીસ ખટલાઓ પાછા ખેંચાયા અને મરાઠવાડા વિદ્યાપીઠનું નામ “ડૉ.બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા વિદ્યાપીઠ” કરવામાં આવ્યું હતું. આ દોઢ દાયકામાં દલિતો અને કથિત સવર્ણોનાં દિલ કેટલાં આળાં થયાં એ સમજી શકાય છે. એ જ ગાળામાં ડૉ.બાબાસાહેબે લખેલા પુસ્તક “રિડલ્સ ઇન હિંદુઈઝમ” (હિંદુ ધર્મના કૂટપ્રશ્નો ) સામે પણ ભારે હોબાળો મચ્યો હતો.

નવ મહિના પૂર્વે પ્રસ્તાવ કેન્દ્રને

મહારાષ્ટ્રમાં આજકાલ જે નામાંતર વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે રાજ્યની કેબિનેટમાં ઔરંગાબાદને શંભાજીનગર કરવાનો ઠરાવ આવશે તો કોંગ્રેસ એનો વિરોધ કરશે એવી ભૂમિકા કોંગ્રેસના નેતા અને સરકારમાં મંત્રી બાળાસાહેબ થોરાત સહિતનાએ લીધી છે. હકીકતમાં તો ગત માર્ચ મહિનામાં તો આ ઠરાવ કેન્દ્ર સરકારને પાઠવી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ કે શંભાજી મહારાજનો વિરોધ કરીને રાજકારણ કોઈ પક્ષ ખેલી શકે નહીં. આવા સંજોગોમાં કોંગ્રેસની સ્થિતિ તો ભૂંડી થાય એવું ભાજપની નેતાગીરી અને ખાસ કરીને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ તથા ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંતદાદા પાટીલ કરી રહ્યા છે. વાસ્તવમાં ૪ માર્ચ ૨૦૨૦ના રોજ કેન્દ્ર સરકારને ઔરંગાબાદનું નામ શંભાજીનગર કરવાનો ઠરાવ રાજ્ય સરકાર વતી પાઠવવામાં આવ્યો હોય તો કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના ગૃહમંત્રી અમિત શાહ આ નામાંતર કેમ સ્વીકારતા નથી, એવો સવાલ કરવાને બદલે કોંગ્રેસ અને શિવસેના બંને એકમેક સાથે જંગે ચડ્યાનું ચિત્ર ઉપસે છે.  આ વિવાદે તો રાજ્યની સત્તારૂઢ મહાવિકાસ આઘાડી તૂટી જાય એવા સંજોગો સર્જ્યા છે. નવાઈ એ વાતની છે કે એક બાજુ, પવાર આ આઘાડી તૂટે નહીં અને ભાજપ સામે મજબૂત રહે એવા પ્રયાસોમાં રહે છે ત્યારે કોંગ્રેસ અને શિવસેના એકમેક સામે તીર તાકે છે. આ જુગલબંધી છે કે વાસ્તવમાં ખટરાગ છે એ આવતા દિવસોમાં સ્પષ્ટ થઇ જશે. એક વાત નક્કી છે કે તમામ રાજકીય પક્ષો પ્રજાના કલ્યાણના મહત્વના મુદ્દા લેવાને બદલે માત્ર ચૂંટણી જીતવા અને સત્તામાં ટકી રહે માટે માત્ર ગોલાલડાઈ આદરતા હોવાનો દેખાડો કરે છે. આ ખેલમાં પ્રજા ભોળાભાવે અટવાયા કરે છે.

તિખારો

કોનું ગજું કે નાવનું સાગરમાં નામ લે?

તોફાન ખુદ સુકાન હતું, કોણ માનશે?

-     વજ્ર માતરી

ઈ-મેઈલ:  haridesai@gmail.com    (લખ્યા તારીખ:  ૮ જાન્યુઆરી ૨૦૨૧)

 

No comments:

Post a Comment