આસામમાં ભાજપી મોરચા સામે મહાગઠબંધન
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
·
દિશપુર સર કરવાનો મોદી-શાહનો સંકલ્પ
·
ભાજપની છાવણીમાં મિત્રપક્ષનો ઉમેરો
·
કોંગ્રેસ અજમલ અને ડાબેરીઓ સાથે જંગે
ત્રણ મહિના પછી આવી રહેલી આસામ વિધાનસભાની
ચૂંટણીમાં મેદાન મારવા માટે ફરીને ભારતીય જનતા પક્ષે કમર કસી છે. એક જ સપ્તાહમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને આસામમાં જનસભાઓને સંબોધવા
જાય અને એ પહેલાં શાહના દિલ્હી નિવાસસ્થાને ચૂંટણી પહેલાં જ પક્ષ સાથેનાં જોડાણોને
પાકાં કરી લેવાય એ રાજધાની દિશપુર પર ફરી સત્તાનો ઝંડો લહેરાવવા માટેની તૈયારી જ
ગણવી પડે. આસામના સૌથી લાંબા સમય માટે કોંગ્રેસી મુખ્યમંત્રી રહેલા તરુણ ગોગોઈનું
હજુ ગયા નવેમ્બર મહિનામાં જ મૃત્યુ થયું હોવાને કારણે આ વખતે કોંગ્રેસને ગોગોઈની
ખોટ સાલશે. વર્ષ ૨૦૧૬માં સતત ૧૫ વર્ષ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે ભાજપ-અહોમ ગણ
પરિષદ- બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના મોરચા સામે પરાજય સ્વીકારવો પડ્યો હતો. એમાંથી
બોધપાઠ લઈને કોંગ્રેસે આ વખતે અબજોપતિ અત્તર
સમ્રાટ અને સાંસદ મૌલાના બદરુદ્દીન અજમલના પક્ષ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ તેમજ
ડાબેરી પક્ષોના મહાગઠબંધનનું આગોતારું આયોજન કરીને ભાજપી મોરચા સામે મજબૂત પડકાર
તો ઊભો કર્યો છે. આસામમાં મુસ્લિમ વોટબેંક અંકે કરવા માટે કોંગ્રેસે મૌલાના અજમલ
સાથે કરેલું જોડાણ એને ફાયદો કરાવી શકે છે. જોકે મોદી સરકારે અગાઉ કોંગ્રેસી
મુખ્યમંત્રી રહેલા કેશબ ચંદ્ર ગોગોઈના પુત્ર અને દેશના મુખ્ય ન્યાયાધીશપદેથી
નિવૃત્ત થયેલા જસ્ટિસ રંજન ગોગોઈને રાજ્યસભામાં નિયુક્ત કરાવવા ઉપરાંત સદગત
કોંગ્રેસી મુખ્યમંત્રી તરુણ ગોગોઈને પદ્મભૂષણ એવોર્ડ આપવાની કરેલી જાહેરાત કંઈક
અંશે આસામી પ્રજાને રાજી કરવાના હેતુસરની લેખાવી શકાય. આજે રાજ્યમાં બંને છાવણીઓ
માટે સ્થિતિ કસોકસની ગણાવી શકાય તેવી છે.
બાંગલાદેશી ઘૂસણખોરોનો મુદ્દો
વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ આસામની પ્રજા
માટે સંવેદનશીલ કહી શકાય તેવા મુદ્દે એટલે કે રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીપત્રક અને નાગરિકતા
(સુધારાણા) કાયદા અંગે જનસભાઓમાં બોલવાનું
ટાળે છે. આ બંને મુદ્દે કેન્દ્ર સરકારે ઇશાન ભારતનાં ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય
લોકતાંત્રિક મોરચા (એનડીએ)ના પક્ષો દ્વારા શાસિત તમામ રાજ્યોમાં ભારે વિરોધનો
સામનો કરવો પડ્યો હતો. મોદી તો વર્ષ ૨૦૧૪માં બાંગલાદેશી ઘૂસણખોરોને ખળિયાપોટલા બાંધી તગેડાવા માટે તૈયાર રહેવાની જાહેર ચેતવણી આપતા હતા. આ વખતે
તેમની આસામ મુલાકાત વેળા આ વાત સાંભળવા ના મળી અને એની ખાસ નોંધ ત્યાંનાં અખબારોના તંત્રી
લેખોમાં પણ લેવાઈ, પણ શાહે એ મુદ્દો ખૂબ ગજવ્યો. કોંગ્રેસ અને મૌલાનાની પાર્ટીના
જોડાણનો અર્થ બાંગલાદેશી ઘૂસણખોરો માટે મોકળું મેદાન એવું કેન્દ્રના ગૃહ મંત્રી
કહી રહ્યા હતા. હકીકતમાં છેલ્લાં છ વર્ષથી
કેન્દ્રમાં અને પાંચ વર્ષથી રાજ્યમાં તેમના પક્ષનું શાસન હોવા છતાં દેશમાં ગેરકાયદે
વસતા બાંગલાદેશીઓને પાછા મોકલવાના તેમના શાસનના સત્તાવાર આંકડા (મોદી સરકારે જ
સંસદમાં રજૂ કરેલા) કરતાં કોંગ્રેસના શાસનમાં પ્રતિ વર્ષ અનેક ઘણાને પરત પાઠવાયાનું
ઉડીને આંખે વળગે છે. વળી, દેશમાં વિદેશી ઘૂસણખોર ઘૂસી ના આવે તેને રોકવાની
જવાબદારી કેન્દ્ર સરકાર હસ્તકના વિભાગોની જ છે.વડાપ્રધાનો પી.વી.નરસિંહરાવથી લઈને અટલ બિહારી વાજપેયીની
સરકારોએ સંસદમાં રજૂ કરેલા આંકડા મુજબ, દેશમાં દોઢથી બે કરોડ જેટલા ગેરકાયદે ઘૂસી આવેલા
બાંગલાદેશીઓ વસે છે. બાંગલાદેશની વર્તમાન શેખ હસીના સરકાર તો કોઈ બાંગલાદેશી
નાગરિક ભારતમાં ગેરકાયદે ઘૂસી આવ્યાનો સાફ ઇનકાર કરે છે.
ભાજપ અને એજીપીની ભૂમિકા
આસામમાં તો દાયકાઓથી બાંગલાદેશી ઘૂસણખોરો સામે
આંદોલનો ચાલ્યાં અને ભાજપના મિત્રપક્ષ અહોમ ગણ પરિષદ (એજીપી)નો જન્મ પણ આ જ મુદ્દા
પરનાં આંદોલનોના પ્રતાપે જ થયો હતો. એજીપીનાં ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય અને મુંબઈ
યુનિવર્સિટીમાં આ લેખકનાં સહાધ્યાયી રહેલાં અલકા દેસાઈ સરમાએ જણાવ્યું હતું કે
બાંગલાદેશી ઘૂસણખોર કોઈપણ ધર્મનો હોય, એ હિંદુ હોય કે મુસ્લિમ, તેને પાછા તગેડવાની એજીપીની ભૂમિકા છે. ભાજપની ભૂમિકાથી એજીપીની
ભૂમિકા જુદી પડે છે,છતાં સત્તાની મોહિની તેમને સાથે રાખે છે. ૧૯૮૫માં વડાપ્રધાન
રાજીવ ગાંધીની સરકારે આંદોલનકારી વિદ્યાર્થીઓ સાથે કરાર કર્યા અને એ પછી ઓક્ટોબર
૧૯૮૫માં એજીપીની રચના થઈ.એ પછીની ચૂંટણીમાં એજીપીને વિધાનસભાની ૧૨૬ બેઠકોમાંથી ૮૫
બેઠકો મળી હતી. આજે એ માત્ર ૧૪ બેઠકોમાં સમેટાઈ ગઈ છે. સૌથી લાંબો સમય સત્તાનો
ભોગવટો કરનાર કોંગ્રેસ પણ અત્યારે વિધાનસભામાં માત્ર ૩૨ બેઠકો ધરાવે છે. હજુ
વિતેલા સપ્તાહમાં જ એના એક ધારાસભ્ય જમાલુદ્દીન એહમદનું મૃત્યુ થયું. ગૃહમાં ભાજપની સંખ્યા ૬૧ની છે. એના સાથી પક્ષ રહેલા
એજીપી અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ કને અનુક્રમે ૧૩ અને ૧૧ બેઠકો છે.અન્ય એક
ધારાસભ્યનો ભાજપના વડપણવાળી સરકારને ટેકો રહ્યો છે. જોકે ડિસેમ્બર ૨૦૨૦માં બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટને તડકે મૂકીને
ભાજપ થકી યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ સાથે જોડાણ કરવામાં આવ્યું. કોંગ્રેસ અને
મિત્ર પક્ષોને તોડીને તેના પ્રભાવી નેતાઓને પોતાની સાથે જોડવાની ફાવટ ભાજપને આવી
ગઈ છે. એજીપીના નેતા રહેલા સર્વાનંદ સોનોવાલને ભાજપના અધ્યક્ષપદ પર નીતિન ગડકરી
હતા ત્યારે ભાજપમાં લઇ આવ્યા હતા. એ મોદી સરકારમાં મંત્રી રહ્યા અને ૨૦૧૬થી આસામના
મુખ્યમંત્રી છે. અત્યારે ઇશાન ભારતમાં
ભાજપના સૌથી પ્રભાવી નેતા ગણાતા હેમંત બિસ્વા સરમા તો તરુણ ગોગોઈની સરકારમાં
મંત્રી હતા ત્યારે ભાજપના નેતાઓ એમને સૌથી ભ્રષ્ટ નેતા લેખાવતા હતા. ભાજપનો પારસમણિ સ્પર્શ્યા પછી એ વાતો વિસારે પડાય છે.
મુસ્લિમ વોટબેંકનો પ્રભાવ
વર્ષ ૨૦૦૫માં મૌલાના અજમલના પક્ષની સ્થાપના સુધી
મુસ્લિમ વોટબેંક પર કોંગ્રેસની મક્તેદારી હતી એટલું જ નહીં આસામમાં એકથી વધુ વખત
મુખ્યમંત્રી તરીકે મુસ્લિમ નેતા વરાયા હતા. અત્યારે ૩૫% જેટલા રાજ્યના મતદારો મુસ્લિમ હોવાને કારણે રાજ્યના રાજકારણને
એટલી હદે પ્રભાવિત કરે છે કે અન્ય રાજ્યોમાં મુસ્લિમોને ઉમેદવારી આપવામાં કંજૂસાઈ
કરનાર ભાજપ પણ આસામમાં મુસ્લિમોને ટિકિટ આપવા ઉપરાંત વિધાનસભામાં અમીનુલ હક
લાસ્કરને નાયબ અધ્યક્ષ તરીકે પણ મૂકાવે
છે. રાજ્યમાં સ્થાનિક મુસ્લિમો અને બહારના બંગાળી
મુસ્લિમો વચ્ચે ભાગલા પડાવવાનું રાજકારણ પણ ચાલે છે. જેલવાસી અખિલ ગોગોઈનો
નવો પક્ષ અને બીજા પૂંછડિયા પક્ષોના પ્રતાપે આ વખતે ચિત્ર અત્યારથી કળવું મુશ્કેલ
છે. મુખ્ય સ્પર્ધા ભલે ભાજપી મોરચા અને કોંગ્રેસી મહાગઠબંધન વચ્ચે થવાની હોય,
કેન્દ્ર સરકાર ભાજપ હસ્તક હોવાથી રાજ્યને “ઘૂસણખોરમુક્ત” અને “પૂરમુક્ત” કરવા માટે
વધુ પાંચ વર્ષ અમને તક આપો, એવી રજૂઆત ભાજપની નેતાગીરી કરી રહી છે. જંગ ખરાખરીનો
છે, પણ કોંગ્રેસી મોરચામાં ટિકિટ વહેંચણી મુદ્દે ખટરાગ ઊભો થાય તો ભાજપી મોરચો એનો
સ્વાભાવિક લાભ ઉઠાવશે. ભાજપ અને એજીપી વચ્ચે પણ બધું સમુસૂતરું છે એવું નથી. વચ્ચે
તો એજીપી સરકારમાંથી નીકળી ગયા પછી રીસામણાં મનામણાં થયા પછી એણે ફરી સરકારમાં
સામેલ થવાનું પસંદ કર્યું હતું. અહોમ ગણ પરિષદ અનેક વખત તૂટ્યો, ફરી સંધાયો અને
ફરી ફરી તૂટવાની શક્યતા રહે છે. જોકે હવે એનો લાભ ભાજપ જ ઉઠાવે છે અને ભવિષ્યમાં
પણ એ લાભ લે તેવી શક્યતા છે. રાજ્યની
પ્રજા આસામની વર્તમાન સરકારની કામગીરીથી કેટલી ખુશ કે નારાજ છે એનું નીરક્ષીર
આગામી વિધાનસભા ચૂંટણીમાં થવું સ્વાભાવિક છે.
તિખારો
ધરતી કો બૌનોં કી નહીં,
ઊંચે કદ કે ઇંસાનો કી જરૂરત હૈ.
નએ નક્ષત્રોં મેં પ્રતિભા કે બીજ
બો લેં,
કિંતુ ઇતને ઊંચે ભી નહીં,
કિ પાંવ તલે દૂબ હી ન જમે,
કોઈ કાંટા ન ચુભે,
કોઈ કલી ન ખિલે.
ન વસંત હો, ન પતઝડ,
હો સિર્ફ ઊંચાઈ કા અંધડ,
માત્ર અકેલેપન કા સન્નાટા.
મેરે પ્રભુ !
મુઝે ઇતની ઊંચાઈ કભી મત દેના.
ગૈરોં કો ગલે ન લગા સકૂં,
ઇતની રુખાઈ કભી મત દેના.
-
અટલ
બિહારી વાજપેયી
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૯ જાન્યુઆરી ૨૦૨૧)
No comments:
Post a Comment