ગુજરાતના રાજકારણમાં તૃતીય મોરચાનો નવતર પ્રયોગ
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
·
મુખ્યમંત્રીઓના અલગ પક્ષ કાઠું કાઢી શક્યા નથી અને વીંટો વળી ગયાનો ઈતિહાસ
·
૧૯૬૦થી રાજ્યને માથે
મહેણું છે એ ભાંગવા કેજરીવાલના પક્ષનું આગોતરું મલ્લયુદ્ધ
·
માયાવતીની બસપા ઓવૈસીના
એમઆઈએમ અને છોટુભાઈના બીટીપીની અજમાઇશ
Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian
(Surat), Sardar Gurjari (Anand) and Gujarat Samachar (London).
મુંબઈ રાજ્યમાંથી
સંયુક્ત મહારાષ્ટ્ર અને મહાગુજરાત ચળવળને પગલે ૧૯૬૦માં ગુજરાતની સ્થાપના થઇ
ત્યારથી એને માત્ર બે મુખ્ય પક્ષોનું રાજકારણ જ માફક આવ્યું છે. વચ્ચે વચ્ચે
ત્રીજા પક્ષનો ઝગારા મારતો ઉદય થયો હશે, પણ એ એટલો જ જલદી અસ્ત પામ્યાનો ઈતિહાસ
રહ્યો હોવા છતાં છાસવારે ત્રીજા પક્ષ કે ત્રીજા મોરચાના અખતરા થયા કરે છે. ભલભલા
બળૂકા આંદોલનકારીઓ કે મુખ્યમંત્રીઓએ પણ બે
મુખ્ય પક્ષથી ફારેગ થઈને ત્રીજો પક્ષ રચ્યો તો એ ટૂંકા ગાળામાં જ કોઈ મુખ્ય
પક્ષમાં વિલીન થઇ ગયો અથવા પક્ષ ચલાવવાની નાણાકીય ત્રેવડના અભાવે લુપ્ત થઇ ગયો. ઈતિહાસ
નજર સામે છે પણ રાજકારણના રસિયાઓને ત્રીજો પક્ષ રચવાના અને બે-ચાર બેઠકોમાં સમેટાઈ
જવાના અનુભવ કરવાના ધખારા જરૂર ઉપડે છે. વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં જ આવી રહેલી સ્થાનિક
સ્વરાજની ચૂંટણીઓથી લઈને આવતા વર્ષે આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં બે મુખ્ય પક્ષ
ઉપરાંત ત્રીજા મોરચા કે ત્રીજો પક્ષ રુમઝુમ પગલે આવી રહ્યાનો અણસાર જ નહીં, ગાજવીજ
અત્યારથી આરંભાઈ ચૂકી છે. બંધારણ કથા કરીને યુવાનોમાં પોતાના ભણી ઘણા મોટા વર્ગને
આકર્ષવામાં સફળ રહેલા સરકારી ક્લાર્ક એવા પટેલ યુવાન ગોપાલ ઈટાલિયા પોલીસ કોન્સ્ટેબલ બની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરે કે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું
ફેંકે એટલા માત્રથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એમને પોતાના પક્ષના
ગુજરાતના પ્રમુખ બનાવી દે ત્યારે આશ્ચર્ય થાય છે. ભાજપને ફાયદો પહોંચાડતી મુસ્લિમ
પાર્ટી એમઆઈએમના સુપ્રીમો અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ભાજપની જ બી-ટીમ
ગણાતા ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા સાથે મળીને ગુજરાતમાં
ચૂંટણીઓ લડવા સજ્જ થાય ત્યારે કેવું ચિત્ર ઉપસશે એની ચર્ચા થવી સ્વાભાવિક છે. ગુજરાતી
પ્રજા પોતાના માટે કયો ઘોડો વિનમાં છે એનો આગોતરો અણસાર મેળવીને કોંગ્રેસ કે
ભાજપને જ પસંદ કરતી રહી છે. આક્રમક નેતાઓ તાળીઓ જરૂર પડાવે, પણ વ્યવહારમાં શાણી
ગુજરાતી પ્રજા પોતાના લાભમાં કયો પક્ષ કામ કરશે એ સમજી વિચારીને જ મતદાન કરે છે. ગુજરાત
મેળવવામાં મહાયોગદાન ભલે ઇન્દુલાલ યાજ્ઞિકનું રહ્યું હોય પરંતુ આ ચંચળ અને આક્રમક
નેતાની મહાગુજરાત જનતા પરિષદ, નૂતન
મહાગુજરાત જનતા પરિષદ કે અન્ય મોરચા જલદી
લુપ્ત થઇ ગયા. સ્વતંત્ર પક્ષ તો મુખ્ય વિપક્ષ બન્યો અને ભાઈકાકા મુખ્યમંત્રી
બનાવામાં હતા અને મૃત્યુ પામ્યા. એ પક્ષ પણ અલોપ થઇ ગયો. રાજકારણમાં વાકપટુ હોવા
માત્રથી સફળ થવાતું નથી, એના માટે પરદા પાછળનાં આયોજનો અને લખલૂટ નાણાં પણ અનિવાર્ય બને છે. કેટલાક નેતાઓ આગિયાની જેમ ચમકીને અલોપ થઇ જતા
હોય છે. કેટલાક લાંબો સમય રાજકારણમાં ટકી રહેવા માટે પ્રજાની વચ્ચે રહીને એમના
પ્રશ્નો ઉકેલાય એટલા સારુ મુખ્ય પક્ષમાં ભળી જવાનું પસંદ કરે છે.
દિલ્હી-પંજાબમાં
‘આપ’નો ચમત્કાર
સાવ એવું નથી કે
ગુજરાતમાં બે દાયકા કરતાં વધુ સમયથી શાસન કરી રહેલા ભારતીય જનતા પક્ષ સામે
કોંગ્રેસ સિવાયનો કોઈ અન્ય પક્ષ પડકાર બનીને ઉપસી ના શકે.દિલ્હી વિધાનસભામાં સતત
૧૫ વર્ષ સુધી બહુમતી મેળવનાર કોંગ્રેસ પક્ષને સંઘ સમર્થિત અણ્ણા હજારેના આંદોલનને
પગલે ઉપસેલા અરવિંદ કેજરીવાલના આમ આદમી પક્ષે ધૂળ ચટાડી હતી. એટલું જ નહીં, કેન્દ્રમાં
ભાજપના સર્વોચ્ચ નેતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય છતાં દિલ્હીમાં કેજરીવાલ
બબ્બેવાર મુખ્યમંત્રી બંને અને કોંગ્રેસ તથા ભાજપનું વિધાનસભામાં નામું નંખાઈ જાય
એવું અકલ્પનીય પરિણામ મળ્યું જ છે, પણ પંજાબને સર કરવામાં મોટા ઉપાડે ચંડીગઢ ગયેલા
કેજરીવાલ વિધાનસભામાં મુખ્ય વિપક્ષ બનાવી શક્યા અને ૧૦-૧૦ વર્ષથી રાજ કરતા
અકાલી-ભાજપના જોડાણને સાવ દયનીય અવસ્થામાં લાવીને મૂકી શક્યા હતા. ગુજરાતમાં આમ
આદમી પાર્ટીનાં પ્રારંભથી જ પગરણ જરા નકારાત્મક જ લાગ્યાં છે. સ્વયંસેવી સંસ્થા ચલાવનારા આપને પણ ચલાવી શકે
એવા ભ્રમ સાથે ગણતરના સુખદેવ પટેલને એનું સુકાન સોંપ્યા પછી સુખદેવે પક્ષની બાંધણી
કરવાને બદલે મારી ટીમમાં “અમિત શાહે મોકલેલા માણસો ગોઠવાઈ ગયા” એવું ગાણું ગાયા કર્યું. પક્ષ છોડ્યો અથવા નીરસ થયા અને
ભાજપના ધારાસભ્ય રહેલા ડૉ.કનુભાઈ કલસરિયાને સુકાન સોંપાયું. એમનાથી પણ પક્ષની
બાંધણી શક્ય ના બની. વળી સુખદેવનો વારો આવ્યો. એ પછી અમદાવાદ ભવન્સ કોલેજના પ્રાચાર્ય રહેલા સુરત નિવાસી
આદર્શવાદી કિશોર દેસાઈને એનું સુકાન આપ્યું. એ પછી એકાએક ઈટાલિયા પ્રગટ્યા.
કડકારામો માટે
રાજકારણ નથી
ગાંઠનાં ગોપીચંદ
કરી શકે એવા લોકો રાજકારણમાં ચાલે ત્યાં સીધાસાદા અને નાણા વિનાના તેમજ જેમના
પ્રવક્તા ટીવી ચેનલો પર માત્ર દસ-દસ
રૂપિયાના પ્રજાના નિધિમાં પક્ષ ચલાવવા ઈચ્છુક હોય ત્યારે પેલા સાંઢ જેવા પક્ષોને
પહોંચી વળવાનું કેમ શક્ય બને? સત્તાવાર રીતે પણ ભાજપને અબજો રૂપિયાનાં ડોનેશન મળે
છે અને કોંગ્રેસની તિજોરી પણ સૂકીભઠ્ઠ થઇ ગઈ હોય અને ઓછામાં પૂરું કોંગ્રેસના ફંડ
રેઈઝર અહમદ પટેલ પણ ગુજરી ગયા હોય ત્યારે હોટ ફેવરિટ ભાજપ જ ગણાય એ સ્વાભાવિક છે.
કડકારામો પણ ચૂંટણી જીતતા એ જમાના ગયા. વળી, માત્ર સારું ભાષણ કરીને લોકોને મત
આપવા પ્રેરી શકાય એ પણ જમાનો ગયો. સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શબ્દોનું
સ્મરણ થઇ આવે છે કે લોગ સુનને કે લિએ તો
બહોત આતે હૈં લેકિન વોટ નહીં દેતે.” કોંગ્રેસનું માળખું સખળડખળ છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદી જેવા પ્રભાવી વક્તા અને વ્યૂહકાર છે. એમના પક્ષનું માળખું પ્રદેશના
અધ્યક્ષ સી.આર.પાટીલ જેવા આક્રમક નેતાથી લઈને ગ્રામીણ સ્તર સુધી લોકસંપર્ક ધરાવતી
પક્ષ કાર્યકરોની ફોજ તેની કને છે. કોંગ્રેસ ભણી સહાનુભૂતિ ધરાવનારો મોટો વર્ગ ભલે
હોય પણ પોતાનાં કામ કરાવવા અને કઢાવવા માટે સત્તારૂઢ પક્ષ ભાજપ સાથે મને કમને પણ
જોડાણ રાખવામાં જ લાભ હોવાનું ગુજરાતી પ્રજા માને એ સ્વાભાવિક છે.ક્યારેક
કોંગ્રેસના મહારથી માધવસિંહ સોલંકી
૧૯૮૫માં વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨માંથી વિક્રમી ૧૪૯ બેઠકો મેળવીને ફરી મુખ્યમંત્રી
થયા હતા. ડિસેમ્બર ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચાણક્ય અમિત
શાહના ૧૫૦ કરતાં વધુ બેઠકો મેળવવાના
દાવાથી વિપરીત ભાજપને પૂરી ૧૦૦ બેઠકો પણ ના મળી. રોકડી ૯૯ બેઠકો મળ્યા પછી
કોંગ્રેસના ઉધારીના ધારસભ્યોને ચાર કલાક કે બાર કલાકમાં મંત્રી બનાવીને બહુમતીના
આંકડાને વધારવાની જરૂર પડી. હવેના ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ તમામ બેઠકો
જીતવાનો દાવો કરે છે, પણ કોંગ્રેસના મત તોડવામાં બીટીપી, એમઆઈએમ અને આપ થકી ભાજપને
કેટલો પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ ટેકો મળે છે એના પર કોણ કેટલી જિલ્લા પંચાયતો કે
તાલુકા પંચાયતો જીતે છે એનો મદાર છે. વર્ષ ૨૦૧૫માં આંદોલનત્રિપુટીનો લાભ
કોંગ્રેસને મળ્યો હતો. આ વખતે શું થાય છે એ ભણી સૌની મીટ ખરી. વિધાનસભાની ચૂંટણી આડે હજુ બે વર્ષ છે. કયો
પક્ષ કેટલું જોર મારે છે એ જોવું રહ્યું.
ચીમનભાઈ,
શંકરસિંહ અને કેશુભાઈ
અગાઉનાં વર્ષોમાં
અપક્ષ કે સમાજવાદી એવા મજબૂત નેતાઓ કોંગ્રેસમાં ભળી જતા હતા. હવે એવા નેતાઓને
ભાજપમાં ભેળવવાનું ચલણ છે. નવનિર્માણ આંદોલનને પગલે મુખ્યમંત્રીપદથી અને
કોંગ્રેસથી વંચિત થયેલા ચીમનભાઈ પટેલ જેવા મજબૂત નેતાએ કિમલોપ પક્ષની રચના કરીને
૧૯૭૫ની વિધાનસભા ચૂંટણી લડવાનું પસંદ કર્યું ત્યારે પણ એમના પક્ષને માંડ ૧૨ બેઠકો
મળી હતી. ખુદ ચીમનભાઈ પણ હારી ગયા હતા, પણ મોરારજી દેસાઈના નિષ્ઠાવંત ગણાતા
બાબુભાઈ પટેલને જનતા મોરચાની સરકારના મુખ્યમંત્રી થવા માટે આ જ કિમલોપની ગરજ પડી
હતી. એ વેળા સૌથી મોટા પક્ષ તરીકે તો માધવસિંહ સોલંકીના નેતૃત્વવાળી કોંગ્રેસ જ
હતી. બાબુભાઈ સરકાર ગબડી ત્યારે માધવસિંહ સરકાર બની હતી. ૧૯૯૦માં ફરીને ચીમનભાઈના
જનતાદળ અને ભાજપ થકી કોંગ્રેસને સહિયારી
ટક્કર આપવાનું નક્કી કર્યું ત્યારે કોંગ્રેસ ૧૯૮૫માં વિક્રમસર્જક બહુમતી મેળવનાર
માધવસિંહે એને વિક્રમસર્જક ગર્તામાં લઇ જવાનું નિમિત્ત બનીને માંડ ૩૩ બેઠકો જીતાડી
હતી. ભાજપ સાથે ફારેગ થઈને અને રાષ્ટ્રીય જનતાદળ સાથે છેડો ફાડીને ચીમનભાઈએ રાજ
કરવા ધાર્યું તો ખરું, પરંતુ પોતાના
પક્ષનો વાવટો સંકેલી એને કોંગ્રેસ સાથે જોડવો પડ્યો હતો. ૧૯૯૫માં ભાજપ થકી કેશુભાઈ
અને શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં ભાજપને ગૃહમાં બહુમતી મળી તો ખરી, પણ બંને વચ્ચે
મતભેદને કારણે ખજુરાહો કાંડ થયો. સંઘ શિસ્ત માટે જાણીતી ભારતીય જનતા પાર્ટી તૂટી
અને કોંગ્રેસના ટેકે બળવાખોર બાપુની રાષ્ટ્રીય જનતા પાર્ટીએ સરકાર ચલાવી.
કોંગ્રેસના મસમોટા આવેદનપત્રમાં મુખ્યમંત્રી વાઘેલા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા
અને એમના કહ્યાગરા દિલીપ પરીખને મુખ્યમંત્રી બનાવાયા. એકલેહાથે બહુમતી મેળવવા
વિધાનસભાનું વિસર્જન કરાવ્યું ત્યારે એમના પક્ષને રોકડી ૪ બેઠકો મળી. ભાજપના
કેશુભાઈ પટેલ ભાજપની ૧૧૭ બેઠકો સાથે ફરી સત્તામાં આવ્યા. કોંગ્રેસને ૫૩ બેઠકો મળી. ૭
ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદ મેળવ્યું. વર્ષ ૨૦૦૨ની ચૂંટણીમાં
એમના નેતૃત્વમાં ૧૨૭ બેઠકો મળી, કોંગ્રેસની
૫૧ બેઠકો હતી. એ પછી મોદીના નેતૃત્વમાં લડાયેલી વર્ષ ૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટતી ગઈ પણ બહુમતી
જળવાઈ. વર્ષ ૨૦૦૭માં ભાજપને ૧૧૭ અને કોંગ્રેસને ૫૯ બેઠકો મળી. ૨૦૧૨માં ભાજપને ૧૧૫
અને કોંગ્રેસને ૬૧ બેઠકો મળી હતી. કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફિયા દરમિયાન
પ્રાદેશિક પક્ષ રચીને ભાજપને શરણે આવવું પડ્યું કારણ એમના પક્ષની દાળ ગળી નહીં અને
માંડ બે બેઠકો જ મળી હતી. પ્રજા પ્રાદેશિક પક્ષને નકારે છે છતાં શંકરસિંહ વાઘેલા
વચ્ચે કોંગ્રેસમાં કેન્દ્રમાં મંત્રીપદ ભોગવી આવ્યા અને વિધાનસભામાં કોંગ્રેસી નેતા
તરીકે વિપક્ષના નેતા બન્યા છતાં એમને પ્રાદેશિક પક્ષો રચીને હાકલા દેકારા કરવાનું
ગોઠી ગયું છે. હજુય એ કવાયત ચાલુ છે, પણ મોદી શાસનમાં સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટના દરોડા પડ્યા પછી
ફાઈલો બંધ થઇ નથી એટલે એમણે ભાજપની બી કે સી ટીમ તરીકે રમ્યા સિવાય છૂટકો નથી. ક્યારેક જનતા દળ (ગુજરાત)ના નેતા રહેલા અને અલગ
ભીલીસ્તાન રાજ્યના પ્રણેતા રહેલા આદિવાસી નેતા છોટુભાઈ વસાવા ભારતીય ટ્રાયબલ
પાર્ટી સાથે હવે અસદુદ્દીન ઓવૈસીની એમઆઈએમનું જોડાણ કરીને ગુજરાતમાં ચૂંટણી લડવાના
છે ત્યારે પ્રજા ભાજપ અને કોંગ્રેસને જ
મહત્વ આપે છે કે ત્રીજા પક્ષ કે મોરચાને વોટ કટરાની છબીમાંથી મુક્ત કરે છે એ ભણી
સૌની મીટ છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨ જાન્યુઆરી ૨૦૨૧)
No comments:
Post a Comment