Wednesday, 9 December 2020

Let's not misuse name of Sardar Patel

 

સરદાર પટેલના નામને વટાવવાને બદલે અનુસરીએ

અતીતથી આજ :ડૉ.હરિ દેસાઈ

·         વલ્લભભાઈને સ્મારકો અને પ્રતિમાઓમાં ક્યારેય રસ પડ્યો નહોતો

·         મણિબહેને નોંધ્યું છે કે સરદાર ક્યારેય વડાપ્રધાનપદના આકાંક્ષી નહોતા

·         વાજપેયી સરકારે રચેલી ટી.એન.ચતુર્વેદી સમિતિનો હજુ ધૂળ ખાતો હેવાલ

·         ડૉ.આંબેડકરનાં સ્મારકો ભલે થાય,પણ દિલ્હીમાં સરદારનું સ્મારક નહીં

 

દેશના રાષ્ટ્રનાયક અને  પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનો  મહિમા ભારતીય રાજકારણમાં ભારે છે. જોકે નામ વટાવીને મતનાં તરભાણાં ભરવાની વેતરણમાં રહેલા રાજકીય શાસકો એમના જીવનમાંથી આદર્શોને આચરણમાં મૂકવાને બદલે રાજકીય ગતકડાં આદરીને સરદાર પટેલ પર પોતાની મક્તેદારી સ્થાપિત કરીને  દાયકાઓથી છોટે સરદાર મોટે સરદારના ખેલ પ્રજાને ભોળવવાની વેતરણમાં રહ્યા કરે છે. મત મેળવી આપે અને નામ વટાવી શકાય એટલા માટે તાયફા આદરીને સ્મારકો અને પ્રતિમાઓ સ્થપાય તો છે, પણ બધામાં મહાત્મા ગાંધી કે સરદાર પટેલના આદર્શોની તો સાવ બાદબાકી હોય છે. ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ મુંબઈના બિરલા હાઉસમાં અંતિમ શ્વાસ લેનારા સરદાર પટેલને અત્યારે ન્યાય તોળવાની વાતો કરીને પોતાનું રાજકારણ ચમકાવવા નીકળેલાઓની રાજકીય મહેચ્છાઓ પ્રજા સમજે જરૂરી છે. મૂળ કરમસદના વતની અને મોસાળ નડિયાદમાં જન્મેલા વલ્લભભાઈએ વર્ષ ૧૮૯૭માં મેટ્રિકનું ફોર્મ ભરતી વખતે જે મનમાં આવી તે જન્મતારીખ ( ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ ) “ઠોકીદીધી હોવાનું પાછળથી કહ્યું હતું. એમના જીવનકથાકાર રાજમોહન ગાંધીએ તેમની સાચી જન્મતારીખ ૩૦ એપ્રિલ ૧૮૭૬ અથવા મે ૧૮૭૬ દર્શાવી છે, પરંતુ ભારત સરકારે પહેલાંથી ૩૧ ઓક્ટોબરને તેમના જન્મદિવસ તરીકે મનાવવાનું ચાલુ રાખ્યું છે. મોદી સરકારે તો દિવસને રાષ્ટ્રીય એકતા દિવસતરીકે ઉજવવાનું  શરૂ કર્યું છે. ”ગાંધીજીને નામે મંદિરો ઊભાં કરવાના અથવા બુતપરસ્તીની ગંધ આવે એવાં તેમનાં બીજાં સ્મારકો ઊભાં કરવાના જે અનેક પ્રયાસો થઇ રહ્યા છે તેના પ્રત્યે મારો ભારે અણગમો છે.” રાષ્ટ્રનાયક સરદાર પટેલના શબ્દો ૧૪ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજશોક તજીને હવે કામે વળોશિર્ષકવાળા તેમના અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુદિત થયેલા લેખમાં નોંધ્યા હતા. અગાઉનાં કોંગ્રેસી શાસકોએ મહાત્મા ગાંધી અને સરદાર કે નહેરુના નામને વટાવ્યા કર્યું અને આજના ભાજપ સહિતના શાસકો પણ મારગ આગળ વધી રહ્યા છે ત્યારે સેવન સ્ટાર રાજકારણમાં ગાંધીજી કે સરદારના વિચારોના અમલનો કચ્ચરઘાણ નીકળી રહ્યાનું અનુભવાયા વિના રહેતું નથી.

નેહરુ- સરદારની હત્યાનું કાવતરું

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ પુણેરી બ્રાહ્મણ નથુરામ ગોડસેએ હત્યા કર્યાની પીડા સમગ્ર દેશે અનુભવી. ગોડસે જેવા કટ્ટરવાદીઓએ ગાંધી ઉપરાંત નેહરુ અને સરદારની હત્યા પણ કરવાનાં કાવતરાં ઘડ્યાં હોવાનું ઇતિહાસવિદ ડૉ.સદાનંદ મોરે સહિતનાએ નોંધ્યું છે. ગાંધી હત્યા (“વધનહીં)ના દિવસે પણ  વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની સરકારમાંથી છૂટા થવા માંગનારા વલ્લભભાઈ, ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનના આગ્રહથી, “માય લીડરઅનેમોસ્ટ પોપ્યુલર અમાંગ યુથ ઓફ ઇન્ડિયાએવા નેહરુની સરકારમાં ચાલુ રહ્યા. બાપુએ સમજી વિચારીને   દેશના ગાડાને સુપેરે આગળ ધપાવવા માટે બે બળદને જોતર્યા હતા. સરદાર-પુત્રી મણિબહેને દુર્ગા દાસની સરદારવિષયક ગ્રંથશ્રેણીના આમુખમાં નોંધ્યું છે કે સરદાર ક્યારેય વડાપ્રધાનપદના આકાંક્ષી નહોતા.  વર્તમાન રાજનેતાઓ પોતાને મનગમતા ઈતિહાસને જે રીતે જનસભાઓમાં રજૂ કરીને તાળીઓ પડાવતા હોય, પણ કહીકત છે કે દેશના આઝાદીના સંગ્રામમાં ગાંધીજી, નેહરુ અને સરદારની ત્રિપુટી સતત સાથે કાર્યરત રહી, એટલું નહીં, આઝાદી પછી કાશ્મીર સહિતના મુદ્દે પણ ત્રિપુટીએ સાથે મળીને ભારતના હિતમાં નિર્ણયો લીધા.

હજુ સરદાર ઉપેક્ષિત અવસ્થામાં

સરદાર પોતે પ્રતિમાઓ કે સ્મારકોમાં માનતા નહોતા,પણ દુનિયાભરમાં સ્મારકો, પ્રતિમાઓ કે મ્યુઝિયમનો  મહિમા સ્થપાયો છે. વડાપ્રધાન મોદીના હસ્તે દિલ્હી, લંડન અને મુંબઈમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરનાં અનેક સ્મારકોનાં ઉદઘાટન, જાહેરાતો કે ભૂમિપૂજન થયાં. ડૉ.આંબેડકર રાષ્ટ્રનેતા હતા. બંધારણ ઘડવામાં અને સામાજિક ન્યાય માટે એમનું ભવ્ય યોગદાન હતું. એમની સ્મૃતિ જળવાય આવકાર્ય છે. સરદાર પટેલનું રાષ્ટ્રનિર્માણમાં એટલું કે એથી સવિશેષ ભવ્ય યોગદાન હતું. દિલ્હીમાં વર્ષો સુધી રહ્યા તથા લંડનમાં રહીને બેરિસ્ટર થયા. દિલ્હીમાં ઉદ્યોગપતિ ખંડેલવાલની માલિકી ધરાવતા સરદાર પટેલના સત્તાકાળના નિવાસ- ઔરંગઝેબ રોડનું અધિગ્રહણ કરીને કે ખરીદીને સ્મારક-મ્યુઝિયમ કરવાનું હાથ ધરાયાનું હજુ જાણમાં નથી. મુદ્દો કોઈક કાનૂની દાવપેચમાં અટવાયેલો છે.વર્તમાન કેન્દ્ર સરકાર ઈચ્છે તો બંગલાનું અધિગ્રહણ પણ કરી શકે.  દિલ્હીમાં સરદારના નામ સાથે કેટલાંકખાનગીટ્રસ્ટ એવોર્ડ આપવાનું કામ કરે છે, પણ સરદાર પટેલને સમજવા કે એમની ગરિમાને અનુરૂપ કોઈ સ્મારક કે મ્યુઝિયમ સરકાર તરફથી  શરૂ કરાયાનું જાણમાં નથી. અગાઉ સરદાર સાહેબ,જંતરમંતર રોડપર રહેતા હતા ત્યાં સરદાર પટેલના નામનું ટ્રસ્ટ મહારાણી ઓફ પતિયાળા (કોંગ્રેસનાં પૂર્વ સાંસદ, ધ્રાંગધ્રાનાં રાજકુમારી અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનાં માતુશ્રી)ની અધ્યક્ષતામાં ચાલતું હોવાનું શાહીબાગના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. દિનશા એના ઉપાધ્યક્ષ રહ્યા અને હવે એમના વડપણ હેઠળ ચાલે છે.  સદગત વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના પુત્ર સુનીલ શાસ્ત્રી સહિતના દેશભરના મહાનુભાવો ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. જોકે દિલ્હીમાં સરદાર સાહેબનું કોઈ સ્મારક નહીં હોવાની વાતને દિનશા સાચી લેખાવે છે. 

આર્કાઇવ્ઝમાં કણસતા સરદાર

ભારત સરકારના અભિલેખાગારની છેલ્લે મુલાકાત લેવાઈ ત્યાં લગી સરદાર પેપર્સ અને ફાઈલોનું વર્ષોથી નહીં થયેલું લિસ્ટિંગ કરવાની દિશામાં આગળ કોઈ કાર્યવાહી નવી સરકાર તરફથી પણ નહીં થયાનું જાણવા મળ્યું હતું. એવું તીન મૂર્તિ ખાતેના નેહરુ લાઈબ્રેરી અને મ્યુઝિયમમાં પણ સરદાર પટેલ ઉપેક્ષિત અવસ્થામાં પડેલા હતા. જોકે હવે નેશનલ આર્કાઈવ્ઝના વેબ પોર્ટલ પર સરદાર પટેલના પેપર્સની નહીં ખુલતી વેબસાઈટ કરમસદના રશેષ પટેલની ફરિયાદ પછી ક્યારેક જોવા મળે છે.  અમદાવાદમાં શાહીબાગમાં સરદારનું રાષ્ટ્રીય સ્મારક દિનશા પટેલના વડપણ હેઠળ, કરમસદમાં અશોક પટેલના વડપણ હેઠળ મેમોરિયલ, રાજકોટમાં દેવેન્દ્ર દેસાઈના વડપણ હેઠળ સ્મારક અને બારડોલીમાં સ્વરાજ આશ્રમની જમીન પર સરકાર સાથે મ્યુઝિયમ ચલાવાય છે. સરદાર પટેલને અન્યાયનો જાપ જપતા કેન્દ્ર કે રાજ્ય સરકારના વર્તમાન  શાસકોને સ્વતંત્રપણે સરદારનાં સ્મારક સ્થાપવા માટે અનુકૂળતા હજુ સુધી મળતી નથી. કેન્દ્રમાં ડૉ.મનમોહન સિંહની સરકારમાં દિનશા મંત્રી હતા ત્યારે શાહીબાગને રૂપિયા ૧૭ કરોડ અને કરમસદ મેમોરિયલને રૂપિયા કરોડનું અનુદાન મળ્યું હતું. પછી તો શાહીબાગ સ્મારકને કેન્દ્ર તરફથી અનુદાન પણ મળતું નથી.

કેવડિયા વિશ્વના નકશા પર

મતના મોલ લણવા માટે સ્મારકો અને પ્રતિમાઓ ઊભી કરવાની કે ભારત રત્ન  જેવા ઈલકાબો પધરાવવાની શાસકોની કોશિશોને ના સમજે એટલાં ભોળાં આપણાં પ્રજાજનો નથી નથી. અત્યારે સરદાર પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમા કેવડિયાના નર્મદા ડેમ પાસે ઊભી કરાઈ રહી છે. સમગ્ર સંકુલને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવા ઉપરાંત સરદાર દેશના શિલ્પી હોવાના નાતે પ્રત્યેક રાજ્યનાં અતિથિગૃહો ઉપરાંત સરદારનું  મ્યુઝિયમ પણ અહીં આકાર લઇ રહ્યું છે, એને અમે તો આવકાર આપવાનું પસંદ કરીશું. દિલ્હીમાં સરદારનું યોગ્ય સ્મારક હજુ થયું નથી. જોકે મોદીયુગમાં બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરના નિવાસસ્થાનને નહીં, લંડનના નિવાસને પણ કરોડોના  ખર્ચે સ્મારક અને મ્યુઝિયમ કરાયું છે. દુનિયાની ભવ્ય પ્રતિમા અને મ્યુઝિયમ પાછળ ૩૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવાની તૈયારી રાખનારી સરદારપ્રેમી સરકાર પાસે દિલ્હીના સરદારનિવાસને ખરીદવા માટે ૩૦૦ કરોડ રૂપિયા નથી!  બોફોર્સ-ફેઈમકેગઅને ભાજપી સાંસદ રહેલા ટી.એન.ચતુર્વેદીના વડપણવાળી ઉચ્ચસ્તરીય સમિતિએ દિલ્હીમાં સરદાર પટેલના ભવ્ય સ્મારક માટેનો અહેવાલ તૈયાર કર્યો હતો. સમિતિમાં નરેન્દ્ર મોદી એક સભ્ય હતા. જોકે ચતુર્વેદીએ અમને જણાવ્યું હતું કે અહેવાલ હજુ ધૂળ ખાઈ રહ્યો છે. હકીકતમાં સરદાર પટેલ દિલ્હીમાં જે બંગલામાં નિવાસ કરતા હતા, - ઔરંગઝેબ રોડપરના બંગલાને ૩૦૦-૪૦૦ કરોડ રૂપિયામાં કોંગ્રેસની સરકારે ખરીદીને ત્યાં સરદાર પટેલનું સ્મારક ભલે ના કર્યું, પણ ના તો કામ ભાજપની વાજપેયી સરકારે કર્યું કે ના મોદી સરકારે. સરદાર પટેલ પણ ડૉ.આંબેડકરની જેમજ લંડનમાં ભણ્યા હતા. એમના વખતના નિવાસને સ્મારક કે મ્યુઝિયમ કરવાની કોઈ યોજના વિચારાયાનું ધ્યાને આવ્યું નથી. 

રાજ્ય- કેન્દ્ર ગ્રાન્ટ આપવામાં ધાંધિયા 

શાહીબાગના સરદાર સ્મારક માટે બાબુભાઈ જશભાઈ પટેલની ગુજરાત સરકારે રાજભવનની મોખાની જમીન ફાળવી હતી. ગુજરાતના પીડબલ્યૂડી મંત્રી રહેલા દિનશા પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્મારકની જમીન ૫૮ લાખ રૂપિયાના દસ્તાવેજથી લીધેલી છે. ગુજરાત સરકાર કોઈ ગ્રાન્ટ અત્યારે આપતી નથી. કેન્દ્ર સરકાર તરફથી વર્ષે ૨૪ લાખ રૂપિયા એની જાળવણી માટે આપવાનું નક્કી થયા છતાં રકમ ઘટાડીને માત્ર વર્ષે રૂપિયા ૧૫ લાખ કરાઈ છે. પણ છેલ્લાં કેટલાંક વર્ષની બાકી હતી એમાં માત્ર એક વર્ષની ગ્રાન્ટ મળી છે. દિનશા ગુજરાતના મંત્રી હતા ત્યારે કરમસદમાં મેમોરિયલની જમીન મેળવવામાં જેઠાભાઈ પટેલ સાથેની બેઠકો કરીને સરળતા કરી આપી હતી. રૂપિયા એક કરોડ રાજ્ય સરકાર પાસેથી અપાવ્ય હતા. એચ.ડી.દેવેગોવડા વડાપ્રધાન હતા ત્યારે કેન્દ્ર સરકાર કનેથી .૫૦ કરોડ રૂપિયા સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ મેમોરિયલને અપાવવા ઉપરાંત મનમોહનસિંહ સરકાર વેળા કરોડ રૂપિયા અપાવ્યા હતા. મેમોરિયલના ઉદઘાટનનો યશ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને જાય છે. જોકે એમણે દિલ્હીમાં પણ સરદાર પટેલનું જીવંત સ્મારક બનાવવું હતું, પણ હજુ થયું નથી. 

રાષ્ટ્રનિર્માણમાં સરદારનું યોગદાન

દિનશા કહે છે કે અમે ભારત સરકારમાં ૨૦ કરોડ રૂપિયાની અને કરમસદે ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ માટે દરખાસ્ત કરી હતી. શાહીબાગના સ્મારકને ૧૭ કરોડ રૂપિયા અને કરમસદ મેમોરિયલને કરોડ રૂપિયા મળ્યા હતા. ડૉ.વર્ગીસ કુરિયનના વડપણ હેઠળની  દૂધઉત્પાદકોની સંસ્થા તરફથી કરમસદ મેમોરિયલને ૫૦ લાખ રૂપિયા મળ્યા હતા. બારડોલી ખાતે સ્વરાજ આશ્રમમાં સરદારના નિવાસના જીર્ણોદ્ધાર અને મ્યુઝિયમનું કામ સારું થયું છે. સ્વરાજ આશ્રમના ટ્રસ્ટના ચેરમેન ભીખાભાઈ પટેલ છે. ટ્રસ્ટીમંડળમાં દિનશા પટેલ, નિરંજનાબહેન કલાર્થી વગેરે છે. સરદાર પટેલ કોંગ્રેસના સૌથી પ્રભાવી નેતા હતા. વર્ષ ૧૯૫૦ના ડિસેમ્બરમાં મૃત્યુ પામેલા વલ્લભભાઈ પટેલ ભણી નેહરુ-ઇન્દિરા યુગમાં ઉપેક્ષા ભાવ જળવાયો. પછી હવે જયારે સરદારને ન્યાય તોળવાની વાતો કરતા રહેનારા શાસકોના કાળમાં પણ દેશની આઝાદીની લડત અને રાષ્ટ્રનિર્માણમાં ગાંધીજી અને પંડિત નેહરુ સહિતના મહાનુભાવો સાથે ખભેખભો મિલાવીને ભવ્ય યોગદાન કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ ઉપેક્ષિત અવસ્થામાં રહે ત્યારે વ્યથાની અનુભૂતિ થવી સ્વાભાવિક છે.

-મેઈલ : haridesai@gmail.com      (લખ્યા તારીખ: ડિસેમ્બર ૨૦૨૦)

 

No comments:

Post a Comment