Monday, 28 December 2020

Indian National Congress Established before 135 years

 

૧૩૫ વર્ષ પૂર્વે સર્વધર્મીઓએ સ્થાપી કોંગ્રેસને

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         પુણેમાં કોલેરાને કારણે મુંબઈમાં અધિવેશન મળ્યું

·         ફ્રાંસની ક્રાંતિ જેવા સંજોગો ટાણે મહાસભા સ્થપાઈ

·         હિંદીઓને શાસન-પ્રશાસનમાં સામેલ કરવા માંગ

આજકાલ કોંગ્રેસમુક્ત ભારતના હાકલાદેકારા ઓછા સંભળાય છે, પરંતુ કોંગ્રેસ પોતે જ જાણે કે દીવડામાં પતંગિયાની જેમ છલાંગ મારીને અગ્નિસ્નાન કરવાની વેતરણમાં હોય તો એને બચાવવાનું મુશ્કેલ છે. ભૂતકાળમાં કોંગ્રેસ અનેકવાર હારીને જીત ભણી આગળ વધી છે, દેવહુમા (ફિનિક્સ) પક્ષીની જેમ રાખમાંથી બેઠી થઇ છે, પણ એ માટેની આક્રમકતા હવે ખોઈ બેઠાનો અનુભવ થતો હોય ત્યારે એને બેઠી કરવા કોઈ દેવદૂત આવી શકે નહીં. એણે જાતે જ આળસ મરડીને બેઠા થવું પડે.વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાજપને ૨૪ કરોડ મત મળ્યા હતા અને એની સામે રાહુલ ગાંધીની કોંગ્રેસને ૧૨ કરોડ મત મળ્યા હતા. રાજકારણમાં હાર-જીત થતી હોય છે, પરંતુ ૧૨ કરોડ લોકોએ જેના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો એ નાની સૂની વાત નહોતી; છતાં રાહુલે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાજીનામું આપીને કોંગ્રેસને મહિનાઓ સુધી નેતાવિહોણી કરી એને પરિણામે તો એની દશા વધુ ખરાબ થઇ. અત્યારે તો કોંગ્રેસ નવસર્જન અને વિસર્જન વચ્ચેના પંથ વચ્ચે હિલોળા લેતી હોય ત્યારે મહાત્મા ગાંધીના અંતિમ દિવસોના એ શબ્દોનું સ્મરણ થઇ આવે છે કે “કોંગ્રેસ મરે તો દેશ મરે”. ઈતિહાસને નામે જૂઠાણાં ચલાવવા વોટ્સઅપ યુનિવર્સિટીની બોલબાલાના યુગમાં ભોળવાતી અને અટવાતી યુવા પેઢીને કેટલાંક ઐતિહાસિક તથ્યોથી વાકેફ રાખવાની ફરજ સુજ્ઞ જનોની છે. બરાબર ૧૩૫ વર્ષ પહેલાં મુંબઈના ગોવાલિયા ટેંક વિસ્તારમાં સ્થિત ગોકુળદાસ  તેજપાલ  સંસ્કૃત કૉલેજના સભાગૃહમાં ૨૮ ડિસેમ્બર ૧૮૮૫થી ત્રણ દિવસ માટે દેશભરના સર્વધર્મી આગેવાનો મળ્યા અને ભારતીય મહાસભા એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. હકીકતમાં તો આ સંસ્થાપક અધિવેશન પુણેમાં યોજવાનું હતું. ૧૮૭૦માં સ્થપાયેલી પૂણે સાર્વજનિક સભાના એસ.એચ.ચિપલૂણકરે તો પેશવા ગાર્ડનમાં કોંગ્રેસના પહેલા અધિવેશનને યોજવા માટેનું સઘળું આયોજન પણ કરી દીધું હતું, પરંતુ પુણેમાં કોલેરા ફાટી નીકળતાં મુંબઈ પર પસંદગી ઉતારવામાં આવી હતી. આ જ પૂણે સાર્વજનિક સભાના અધ્યક્ષપદે  મહાદેવ ગોવિંદ રાનડે અને લોકમાન્ય ટિળક પણ રહ્યા. જોકે ટિળક મુંબઈના પાંચમા અધિવેશનથી ૧૯૨૦માં અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા. કોંગ્રેસમાં તો મુસ્લિમ લીગની સ્થાપનાનો વિરોધ કરનાર કોંગ્રેસી નેતામાંથી લીગના આજીવન અધ્યક્ષ બનીને પાકિસ્તાન મેળવનાર મહમદઅલી ઝીણા હતા. તેમજ હિંદુ મહાસભાના સ્વાતંત્ર્યવીર સાવરકર સિવાયના મોટાભાગના અધ્યક્ષો અને વર્તમાન સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પક્ષના આરાધ્ય પુરુષો ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી તેમ જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંસ્થાપક સરસંઘચાલક ડૉ.કેશવ બલિરામ હેડગેવાર સહિતના  સમાજવાદી પક્ષ કે સામ્યવાદી પક્ષના નેતાઓનાં મૂળ આ જ કોંગ્રેસમાં રહ્યા. સમયાંતરે સાથે ના ગોઠ્યું ત્યારે નોખા ચોકા રચ્યા.

હિંદુ ગણાતી પાર્ટીના ખ્રિસ્તી સંસ્થાપક!

ક્યારેક હિંદુ પાર્ટી ગણાવાતી કોંગ્રેસના સંસ્થાપકોમાં હિંદુ નેતાઓ ઉપરાંત ખ્રિસ્તી, પારસી અને મુસ્લિમ નેતાઓ પણ હતા એ વાત રખે ભૂલાય. કોંગ્રેસની સ્થાપનાની પહેલ કરનાર અંગ્રેજ સનદી  અધિકારી રહેલા એલન ઓક્તોવિયન હ્યુમ આજકાલ ઘણી ભાંડણલીલાનું નિમિત્ત બને છે પરંતુ “સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને એ લઈને જ રહીશ” એ ટંકાર કરનાર લોકમાન્ય બાળ ગંગાધર ટિળક અને એમના સાથી ગોપાળ ગણેશ  આગરકર એ જ હ્યુમને  ટેકો આપતા હતા. એ વાતથી  કદાચ હ્યુમના ટીકાકારો અજાણ હશે. ભારતમાં ફ્રેંચ ક્રાંતિ પહેલાંના સંજોગો આકાર લઇ રહ્યા હોવાનું આ આઇસીએસ અધિકારી રહેલા હ્યુમ થકી બ્રિટિશ શાસકોને જણાવાયું હતું, પરંતુ એ સ્થાનિક પ્રજા માટે બ્રિટિશ શાસકો ઝાઝું અનુકૂળ શાસન પ્રદાન કરતા નહોતા. કોંગ્રેસની સ્થાપના હિંદીઓના લાભમાં કરાવવાની ઝુંબેશ હ્યુમે આદરી હતી. અંગ્રેજ સરકાર હિંદીઓનું ભલું નહીં કરે તથા એ માટે સ્થાનિકોએ જ સજ્જ થઈને લડત ચલાવવી પડશે, એવી ભૂમિકા સાથે એ આગળ વધ્યા હતા. કોંગ્રેસના ત્રણ મુખ્ય સંસ્થાપકોમાં બદરુદ્દીન તૈયબજી મુંબઈના હતા, દાદાભાઈ નવરોજી પારસી સમુદાયના હતા અને વ્યોમેશ ચંદ્ર બેનરજી બંગાળના ખ્રિસ્તી હતા. વ્યોમેશચંદ્ર કોંગ્રેસના પહેલા અધ્યક્ષ બન્યા હતા. એ ફરી ૧૮૯૨માં પણ અધ્યક્ષ બન્યા હતા. કોંગ્રેસના બીજા અધ્યક્ષ દાદાભાઈ નવરોજી હતા. એ ફરી બે વાર ૧૮૯૩ અને ૧૯૦૬માં પણ અધ્યક્ષ બન્યા હતા. કોંગ્રેસના ત્રીજા અધ્યક્ષ બદરુદ્દીન તૈયબજી મુસ્લિમ હતા. એમના પછી જ્યોર્જ યુલ નામના સ્કોટિશ સજ્જન અધ્યક્ષ બન્યા. તેઓ  કોલકાતાના શેરીફ અને કોલકાતા ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ હતા. એ પછી આઇસીએસ રહેલા અને મુંબઈ રાજ્યના ચીફ સેક્રેટરી રહેલા નામના સ્કોટિશ સજ્જન સર વિલિયમ વેબરડમ અને પછી સર ફિરોજશાહ મહેતા નામના મુંબઈના પારસી સજ્જન અધ્યક્ષ બન્યા. કોંગ્રેસના પહેલા હિંદુ અધ્યક્ષ તો ૧૮૯૧માં નાગપુર અધિવેશનમાં પી.આનંદ ચારલુ મળ્યા. દેશી કે વિદેશી અધ્યક્ષ ભારતીય પ્રજાના હિતના આગ્રહી અને ઉદારમતવાદી હતા.

કોંગ્રેસ અમિબા બનીને રહી

વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધીને પરણીને સાસરે આવેલાં અને ભારતીય નાગરિકતા સ્વીકારનાર  સોનિયા ગાંધી વડાપ્રધાન રહેલા પતિની હત્યા પછી અનિચ્છાએ પણ રાજકારણમાં પ્રવેશ્યાં અને કોંગ્રેસનાં અધ્યક્ષ બન્યાં હતાં. એમના ઇટાલિયન ગોત્રની ખૂબ ચર્ચા ચાલી હતી, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અનેક અધ્યક્ષ વિદેશી રહ્યા હોવાનો ઈતિહાસ અનુકૂળતાએ વિસારી દેવામાં આવે છે. લોકમાન્ય ટિળકને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આલ્ફ્રેડ વેબ (૧૮૯૪), સર હેનરી કોટન (૧૯૦૪) કે સર વિલિયમ વેબરડમ (૧૯૧૦) કે પછી એની બેસન્ટ (૧૯૧૭) જેવાં વિદેશીઓ સામે  સામે વાંધો નહોતો. એમ તો ૧૯૩૩માં નેલી સેનગુપ્તા કોંગ્રેસનાં અધ્યક્ષ હતાં અને સંઘના સુપ્રીમો ડૉ.હેડગેવાર પણ ત્યારે કોંગ્રેસમાં જ હતા. મક્કામાં જન્મેલા મૌલાના અબુલ કલામ આઝાદ પણ ૧૯૨૩ અને ૧૯૪૦માં કોંગ્રેસના અધ્યક્ષ હતા. મહામના પંડિત મદન મોહન માલવિયા, મહાત્મા ગાંધી, મોતીલાલ નેહરુ, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નેહરુ, નેતાજી સુભાષચન્દ્ર બોઝ, આચાર્ય કૃપલાની વગેરે પણ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. કોંગ્રેસ સર્વસમાવેશક  પક્ષ રહ્યો અને આઝાદીની લડાઈમાં અગ્રેસર રહ્યો. કોંગ્રેસ મોટાભાગના રાજકીય પક્ષોની માતૃસંસ્થા રહ્યા છતાં આઝાદી પહેલાં અને પછીનાં વર્ષોમાં સત્તાલક્ષી રાજકારણે અમિબાની જેમ કોંગ્રેસમાંથી અનેક પક્ષોને જન્મ આપ્યો.  કેટલાક કોંગ્રેસી શાસકોના અમુક પ્રકારના વહીવટને કારણે કોંગ્રેસ બદનામ થતી રહી.

કોંગ્રેસનું સ્થાપના અધિવેશનનો દસ્તાવેજ  

કોંગ્રેસના સ્થાપના અધિવેશનની સમૂહ તસવીર જોવા મળતી હોવા છતાં એના વર્તમાન કેન્દ્રીય નેતોમાંથી કેટલાકને અમે પહેલા અધિવેશનમાં કોણ કોણ હાજર રહ્યું હતું એની વિગતો મેળવવા કહ્યું તો એમનાથી એ શક્ય ના બન્યું. કોંગ્રેસના વર્તમાન નેતાઓને ઈતિહાસની પણ જાણે પરવા નથી એટલું જ નહીં, એમની ટીકાનો ઉત્તર વાળવાને બદલે  સાંભળી અને સહી લેવાની વૃત્તિ તેમનામાં વધુ દેખાય છે. ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન હતાં ત્યારે પણ ચૂંટણી હાર્યા પછી માત્ર ત્રણ જ વર્ષમાં ફરી સત્તારૂઢ થયાં હતાં. કારણ બહુ સ્પષ્ટ હતું: એમનામાં કિલર્સ ઇન્સ્ટિંગ હતું. અત્યારના કોંગ્રેસી નેતાઓને પોતાના ભવ્ય ભૂતકાળનો ઈતિહાસ મેળવવા કે સમજવામાં પણ રસ ના હોય તો પક્ષ બેઠો કરવાની આક્રમકતા હોય જ ક્યાંથી? અમે કોંગ્રેસના સંસ્થાપક અધિવેશનની કાર્યવાહીનો દસ્તાવેજ મેળવ્યો અને ૧૭૬ પાનાંના આ પ્રકાશનમાં કોણે કોણે ક્યાંથી હાજરી આપી અને કોણે કયાં ભાષણ કર્યાં તેમ જ કયા ઠરાવો પસાર થયા એની ઝીણવટભરી વિગતો પણ એમાં સમાવાઈ છે. વિવિધ પ્રાંતના ૭૨ પ્રતિનિધિઓ ઉપરાંત મુંબઈના મહત્વના  અંગ્રેજ મહાનુભાવો સહિત ૧૦૦ જણાની ઉપસ્થિતિમાં જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરાઈ તેની સાથે સમયાંતરે લાખો લોકો જોડાતા ગયા. આઝાદી પણ એના માધ્યમથી જ આવી. પહેલા અધિવેશનમાં જ શાસન અને પ્રશાસનમાં ભારતીયો એટલે કે હિંદીઓને સ્થાન મળે એ દિશાના ઠરાવો થયા હતા. આઝાદીના સંગ્રામમાં કોંગ્રેસ અગ્રેસર રહી. ભારતીય પક્ષો હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ જયારે બ્રિટિશ સત્તાધીશોના ઈશારે નર્તન કરતા હતા કે કોંગ્રેસના અગ્રણીઓ જેલમાં હોય ત્યારે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા સાથે મળીને પ્રાંતિક સરકારોમાં સત્તાનો ભોગવટો કરતાં હતાં; ત્યારે કોંગ્રેસના નેતાઓ વર્ષો સુધી જેલવાસ ભોગવવાની સાથે જ મંત્રણાઓનો  માર્ગ અપનાવીને મડાગાંઠો ઉકેલતા હતા. જે કોંગ્રેસનો આવો ભવ્ય ભૂતકાળ હોય એના નેતાઓ જ  કમનસીબે  કુંભકર્ણની નીંદરમાં ઘોરતા રહે ત્યારે એમના ખેતરના મોલનું  ભેલાણ થાય ત્યારે બીજાઓને દોષ દેવો નિરર્થક છે.

તિખારો

દુશ્મન તુજ દ્વાર ખડો,

કપટી  કૂટ પાજી બડો,

છલકે દેખ પાપ-ઘડો!

દોડ દોડ, દંભ તોડ, છોડ ન તુજ વાતને;

આ છે આખરી સંગ્રામ, બીક કોની, મા તને?

-     ઝવેરચંદ મેઘાણી

   ઈ-મૅઇલ: haridesai@gmail.com     (લખ્યા તારીખ: ૨૫ ડિસેમ્બર ૨૦૨૦)

No comments:

Post a Comment