દક્ષિણ ભારત પર ભગવો ફરકાવવાનો એલાન-એ-જંગ
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
·
ઓપરેશન પોલોથી લીધેલા
હૈદરાબાદના નિઝામને સરદારે રાજપ્રમુખ બનાવ્યા હતા
·
કેન્દ્રના ગૃહમંત્રી અમિત
શાહ કહે છે કે હવે તો નિઝામ સંસ્કૃતિનો અંત આણીને રહીશું
·
મહાનગરપાલિકાચૂંટણી
પ્રચારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીઓ !
·
કેસીઆર અને ઓવૈસી સાથેના
ત્રિપાંખિયા જંગમાં ભાજપના હિંદુકાર્ડની
બોલબાલા
Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian (Surat), Sardar Gurjari
(Anand) and Gujarat Samachar (London).
ભારતીય લોકશાહીના
ઇતિહાસમાં સંભવતઃ પહેલીવાર એવું બન્યું છે કે એક મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈ
રાષ્ટ્રીય શાસક પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને કેન્દ્રના “નંબર ટુ કે થ્રી” એવા
ગૃહમંત્રી સહિત મોટાભાગના કેન્દ્રીય મંત્રીઓ અને કેટલાંક રાજ્યોના મુખ્યમંત્રી પણ
આક્રમક પ્રચારમાં સામેલ થયા હોય. વાત હૈદરાબાદ મહાનગરપાલિકાની છે. ક્યારેક એના પર આંધ્ર
મહાસભાનો કબજો હતો, એ પછી વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું, કોંગ્રેસ કનેથી
મુસ્લિમોની પાર્ટી ગણાતી ઓવૈસીબંધુઓની એમઆઈએમનું વર્ષો સુધી શાસન રહ્યું અને
છેલ્લે તેલંગણ રાજ્યની શાસક પાર્ટી તેલંગણ રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)એ તેલંગણની
રાજધાની હૈદરાબાદ મહાનગરપાલિકા પર કબજો
કર્યો. હવે કેન્દ્રનો સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (ભાજપ) દક્ષિણ ભારતનાં તમામ
રાજ્યો પર બે-ત્રણ વર્ષમાં ભગવો ફરકાવવાના સંકલ્પને સાકાર કરવાની શરૂઆત
હૈદરાબાદના એલાન-એ-જંગથી કરવા કૃતસંકલ્પ
છે.અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને “ચાણક્ય” લેખાવતા હતા, પણ હવે ભાજપના “ચાણક્ય” લેખાતા કેન્દ્રીય મંત્રી શાહ દક્ષિણ ભારતનાં રાજ્યો
ઉપરાંત પશ્ચિમ બંગાળ પર ભાજપી શાસન સ્થાપિત કરવાના પ્રભારી હોવાનું અનુભવાય છે.
તમિળનાડુમાં સત્તારૂઢ અને ઇન્દિરા ગાંધીની ઈમર્જન્સીના ટેકેદાર રહેલા અન્નાદ્રમુક
સાથે આવતા છ મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે હજુ હમણાં જ ભાજપનું જોડાણ
કરવાનું ગોઠવીને ગૃહમંત્રી હૈદરાબાદ તરફ વળ્યા.પશ્ચિમ બંગાળમાં પણ આગામી થોડા જ
મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનરજીને પરાસ્ત
કરવા માટેનું મુખ્ય મિશન પણ શાહ હસ્તક છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ
કહે છે કે હવે તો નિઝામ સંસ્કૃતિનો અંત આણીને રહીશું.નેહરુ-સરદારની સરકાર
વખતે હૈદરાબાદ સ્ટેટના નિઝામ સ્વતંત્ર રહેવાની વેતરણમાં હતા ત્યારે ગૃહમંત્રી અને
રિયાસત ખાતાના મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સપ્ટેમ્બર ૧૯૪૮માં પોલીસ પગલા (ઓપરેશન
પોલો- લશ્કરી પગલું) દ્વારા હૈદરાબાદને કબજે કર્યું હતું, પરંતુ નિઝામ ઉસ્માન અલી
ખાનને રાજપ્રમુખ નિયુક્ત કરી એમના ભણી સદભાવ દાખવવાની દરિયાદિલી દર્શાવી હતી.
સમર્થકોની
છાવણીમાં જ ધાડ
કર્ણાટકમાં જેડી(એસ)-કોંગ્રેસની
સરકારને તોડીને ભાજપની સરકાર સ્થાપિત કરાયા છતાં હજુ કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણ
અને પુડુચેરીમાં ભાજપનો ગજ વાગતો નથી. આગામી બે-ત્રણ વર્ષમાં દક્ષિણનાં રાજ્યોમાં
ભગવો લહેરાવશે,એવું હૈદરાબાદ મહાનગરપાલિકાચૂંટણીના પ્રચારમાં ભાજપના યુવા મોરચાના
અધ્યક્ષ અને બેંગલુરુના સાંસદ તેજસ્વી સૂર્યા ગાઈવગાડીને કહે છે. જે પક્ષો
કોંગ્રેસની વિરુદ્ધમાં હજુ હમણાં સુધી ભાજપને ટેકો આપતા હતા એમની સરકારોને માથે પણ સંકટ તોળાઈ રહ્યું છે. હૈદરાબાદની
મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપના હિંદુ કાર્ડ વિરુદ્ધ એમઆઈએમના મુસ્લિમ કાર્ડની
ખુલ્લેઆમ જુગલબંધી ચાલી રહી છે. રાજ્ય સરકારમાં સત્તારૂઢ ટીઆરએસ થકી બંને પક્ષો કોમી માહોલ
બગાડી રહ્યા હોવાની વાત થાય છે. ક્યારેક ભાજપ અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)નું
જોડાણ હતું, પણ હવે એ રહ્યું નથી. આંધ્રપ્રદેશમાં સત્તારૂઢ વાય.એસ.આર.કોંગ્રેસના
સુપ્રીમો અને મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અને તેલંગણમાં સત્તારૂઢ ટીઆરએસના
સુપ્રીમો અને મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ વડાપ્રધાન મોદી સાથે મધુર સંબંધ ધરાવતા
અને રાજ્યસભામાં કેન્દ્ર સરકારની વહારે ધાતા રહ્યા છે. હવે એમને પણ ફડકો પેઠો છે. ભાજપ એમનો પણ વારો કાઢી લેવાની વેતરણમાં છે. વડાપ્રધાન
મોદી અને એ વેળાના ભાજપ અધ્યક્ષ અમિત શાહે કેરળની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં
ડેરાતંબુ તાણ્યા અને કજોડાં જેવાં જોડાણો કર્યા પછી પણ, કેરળ સ્થપાયાના દાયકાઓ
પછી, વાજપેયી સરકારમાં મંત્રી રહેલા અને ઈમર્જન્સીમાં જેલવાસ ભોગવનાર ૯૧ વર્ષીય
ઓ.રાજગોપાલ એકમાત્ર વિધાનસભ્ય ચૂંટાયા.કેરળમાં ડાબેરી મોરચો સત્તારૂઢ છે અને
વિપક્ષે કોંગ્રેસ મોરચો છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ અને કોંગ્રેસીઓ સાથે મળીને
મમતા શાસનને ઉથલાવવા પ્રયત્નશીલ રહીને ભાજપને મોકળાશ કરી આપવાની વેતરણમાં છે. કેન્દ્રશાસિત
પ્રદેશ પુડુચેરીમાં કોંગ્રેસ અને ડીએમકેનું શાસન છે. અહીં વિધાનસભામાં ભાજપનો એકપણ
ધારાસભ્ય નથી. તમિળનાડુ વિધાનસભામાં એકપણ
ભાજપી ધારાસભ્ય નથી.રાજ્યની ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે
અન્નાદ્રમુકનાં સુપ્રીમો અને રાજયનાં મુખ્યમંત્રી જયલલિતાની સરકારને “સૌથી ભ્રષ્ટ
સરકાર” કહી હતી. હવે એ જ દિવંગત જયાઅમ્માના પક્ષ સાથે ભાજપ જોડાણ કરે છે. આંધ્રપ્રદેશ
વિધાનસભામાં એકપણ ભાજપી ધારાસભ્ય ચૂંટાયો નથી. વિધાનપરિષદમાં માત્ર ૩ ભાજપી સભ્યો છે. તેલંગણ વિધાનસભામાં એકપણ ભાજપી
વિધાનસભ્ય નથી. જોકે ભાજપની નેતાગીરીને સત્તારૂઢ પક્ષ કે અન્ય પક્ષોના ધારાસભ્યો
કે સાંસદોને પોતાનામાં ભેળવવાની જડીબુટ્ટી હસ્તગત છે. સંઘ-ભાજપને હજુ ગઈકાલ સુધી
ભાંડનાર અને ભાજપ જેમને ભ્રષ્ટ ગણાવે છે તેવા
નેતાઓ ભાજપમાં જોડાતાં જ એમને પારસમણિ સ્પર્શી જતાં જાણે કે પવિત્ર બની જાય
છે.ભાજપના વિરોધી રાજકીય પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં સીબીઆઇ અથવા તો
એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી) કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) ખૂબ
સક્રિય રહે છે.
“જુમલા” અને
“હુમલા”નો આલાપ
બૃહદ હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણી ટેસ્ટ કેસ તરીકે હાથ ધરીને ભાજપ દક્ષિણમાં પોતાનો ભગવો લહેરાવવાનો એજન્ડા આગળ વધારવા ઈચ્છુક હોવાની જાહેરાત બેંગલુરુના સાંસદ તેજસ્વી સૂર્યાએ કરી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલાહાબાદને પ્રયાગરાજ નામ અપાયું તેમ હૈદરાબાદને ભાગ્યનગર નામ આપવાનું એલાન કરે છે ત્યારે એમઆઈએમના હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી કોઇ કાળે હૈદરાબાદનું નામ બદલાશે નહીં એવી વાત કહે છે. ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદમાં વિદેશી ઘૂસણખોર રોહિંગ્યા મુસ્લિમોને મતદાર બનાવાયાની વાત છેડે છે તો ઓવૈસી કહે છે કે રોહિંગ્યા મુસ્લિમોને તગેડવાની જવાબદારી તો કેન્દ્રની છે એટલે તમને એમને તગેડતાં કોણ રોકે છે? કેન્દ્રનાં મંત્રી સ્મૃતિ ઈરાની રોહિંગ્યા મુસ્લિમોને મતદારો અંગે તેલંગણના મુખ્યમંત્રી કેસીઆરના મૌન અંગે સવાલો ઉઠાવે છે. ભાજપના નેતાઓ ઓવૈસીને “બીજા મહંમદઅલી ઝીણા” (પાકિસ્તાનના સર્જક) કહે છે. મહારાષ્ટ્રમાં અને બિહારમાં ઓવૈસીએ પરોક્ષ રીતે ભાજપને મદદ કર્યાનો મુદ્દો પણ ચમક્યો છે. ટીઆરએસના નેતાઓ ભાજપના “જુમલા” અને “હુમલા” વચ્ચે હૈદરાબાદની પ્રજા વચ્ચે સૌહાર્દનો માહોલ બગાડવામાં આવી રહ્યો હોવાનું કહે છે. હકીકતમાં તમામ રાજકીય પક્ષોની યેન કેન પ્રકારેણ ચૂંટણી જીતવાની આવી કોશિશોમાં વડાપ્રધાન મોદી ઘણી કહે છે એ “ગંગા-જમુની તહજીબ” (હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના સમન્વય)નો કચ્ચરઘાણ વળી રહેલો લાગે છે. આવા વાતાવરણમાં ભાજપનો અશ્વમેધ આગળ વધી રહ્યો છે. પગતળે રેલો આવ્યો ત્યારે ભાજપને પડકારવા માટે વિપક્ષી એકતા માટે કેસીઆરે ઉધામા આદર્યા છે, પણ અગાઉ એમણે જ વિપક્ષી એકતામાં ફાચર મારી હતી એટલે અન્ય પક્ષોની વિશ્વસનીયતા ગુમાવી બેઠા છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૩૦ નવેમ્બર ૨૦૨૦)
No comments:
Post a Comment