Wednesday 11 November 2020

US Presidential Election Results

 

ઘમંડી શાસક ટ્રમ્પ સામે વિનમ્ર બાયડન વિજેતા

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         વિશ્વની ફોજદાર મહાસત્તાના સર્વસત્તાધીશપદે સર્વસમાવેશક જો-કમલાની જોડી આરૂઢ

·         પ્રતિદિન સરેરાશ ૫૦ જૂઠાણાં ઓકાનારા ડોનાલ્ડ ઘરભેગા થવાને કારણે અમેરિકા અખંડ

·         હાઉડી મોદી  અનેનમસ્તે ટ્રમ્પના અગલીબાર ટ્રમ્પ સરકારના નારા પોકળ સાબિત

·         રાષ્ટ્રપતિ બાયડન અને ભારતીય મૂળનાં અશ્વેત ઉપરાષ્ટ્રપતિ હેરિસ ભારતને સાનુકૂળ

અમેરિકાની શાણી અને સ્વાર્થી પ્રજાએ પોતાના ૪૬મા રાષ્ટ્રપતિ ચૂંટવામાં શાણપણ દાખવીને ડેમોક્રેટિક પાર્ટીના જો બાયડન પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે જોની પસંદગીનાં ભારતીય માતા અને આફ્રિકી પિતાનાં સંતાન એવાં કમલા દેવી હેરિસ વરાતાં  સુનામી ઓફ અનટ્રુથ (લંડનના દૈનિક ગાર્ડિયનના શબ્દપ્રયોગ મુજબ) લેખાતા ટ્રમ્પ હાર્યા. છેલ્લાં  ચાર વર્ષ દરમિયાન નિષ્ફળ વહીવટી તંત્ર અને કોરોના સામેના જંગમાં પણ નિષ્ફળ રહેલા રિપબ્લિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગાંડાઘેલા વર્તન થકી વિભાજનને આરે આવીને ઊભેલા સંયુક્ત રાજ્ય અમેરિકા(યુ.એસ..) માટે બાયડનના વિજયથી રાહતનો શ્વાસ લેવાના સંજોગો સર્જાયા છે. શ્વેત પ્રજાને સર્વોત્તમ લેખાવવાના ટ્રમ્પના વલણ સામે સર્વસમાવેશક બાયડનનું શાસન આવતાંયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા  ભવિષ્યમાંડિવાઈડેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાબનવાનું સંકટ હાલ પૂરતું તો ટળ્યું છે. જોકે અમેરિકા અને ભારતના સંબંધોમાં બહુ ઝાઝો ફરક નહીં પડે, પરંતુ તમિળ મૂળનાં કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ થતાં ભારત સાથે નહીં, અન્ય અશ્વેત પ્રજાના દેશો સાથે પણ સંબંધો વધુ સાનુકૂળ રહે એવી શક્યતા વધવા પામી છે. અમેરિકાના શાસકો પોતાના દેશનું હિત વધુ જોતા હોય સ્વાભાવિક હોવા છતાં ટ્રમ્પનીઅન-પ્રીડિક્ટેબલઅને તરંગી નીતિઓને સ્થાને વધુ સ્થિર અને માનવીય નીતિઓ અમલી બનવાની અપેક્ષા જરૂર છે.

ભારતવિરોધી ટ્રમ્પ બેનકાબ

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના મોટાભાગના શાસકોએ જયારે બાયડન-કમલાને વિજય માટે અભિનંદન આપવાની સાથે ૨૦ જાન્યુઆરી ૨૦૨૧થી રાષ્ટ્રપતિ બાયડનના શાસન સાથે વધુ હૂંફાળા સંબંધોની અપેક્ષા કરી છે ત્યારે પણ પરાજયના તમામ સંકેત છતાં  રાષ્ટ્રપતિ  ટ્રમ્પ હજુ અદાલતી કાર્યવાહી માટે બાયડન-હેરિસની જીતને પડકારવા શસ્ત્રો સજાવી રહ્યા છે. ટ્રમ્પ જેવા ઘમંડી શાસક હજુ વ્હાઈટ હાઉસ નહીં છોડવાના સંકલ્પ જાહેર કરી રહ્યા હતા. વર્ષ ૨૦૧૬માં પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ કરતાં તેમનાં ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિન્ટનને ૩૦ લાખ જેટલા લોકપ્રિય મત વધુ મળ્યા છતાં ચૂંટણીમાં રશિયા જેવા દેશ તરફથી મળેલી સહાયના અંદેશા સાથે ટ્રમ્પ વિજયી બન્યા હતા. અમેરિકાની ચૂંટણી પ્રથા ન્યારી છે. વખતે પણ ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વટાવવા અને ગળે મળવાનાં દ્રશ્યોહાઉડી મોદીઅનેનમસ્તે ટ્રમ્પમાં દર્શાવ્યાં. મોદી થકી  અગલી બાર ટ્રમ્પ સરકારજેવા નારા છતાં  ભારતીય મૂળના મતદારો અને એમના પ્રભાવ હેઠળના મતદારોને પ્રભાવિત કરવાની ભરસક કોશિશ કરાયા  છતાં મોટાભાગના ભારતીય મૂળના મતદારો બાયડનને પક્ષે રહ્યા. ચીન સાથે ભારતને શિંગડાં ભરાવવા પ્રેરવાના ટ્રમ્પના વારંવારના પ્રયાસો છતાં કાશ્મીર મુદ્દે અમેરિકાનું વલણ પાકિસ્તાન અને ચીન તરફી રહ્યાના વિરોધાભાસને મતદારો પારખી ગયા હતા. ટ્રમ્પ કમલા દેવીને નિશાના પર લેતા રહ્યા અને ભારતવિરોધી નીતિઓ અમલમાં લાવતા રહ્યા છતાં નમસ્તે ટ્રમ્પ વખતે પોતે  અને પછી એમના બબ્બે મંત્રીઓ ભારત આવીને હજારો કરોડનો ધંધો જરૂર  લઇ ગયા.  

ધંધાદારી ટ્રમ્પ વિ. સમાજસુરક્ષાવાદી જો

અમેરિકી મીડિયાને નહીં, પણ દુનિયાભરના મીડિયાને સતત ભાંડતા રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ધંધામાંથી નિવૃત્ત થઈને અમેરિકી પ્રજાના કલ્યાણ માટે કામે વળવાને બદલે પોતાના સમગ્ર પરિવારને શાસનમાં આણી દીકરી અને જમાઈ થકી પોતાના ટ્રમ્પ સામ્રાજ્યનો વિસ્તાર ભારત સહિતના દેશોમાં કરતા રહ્યા છે. અપેક્ષા રહે છે કે બાયડન પોતાના દીકરાઓને વ્હાઈટ હાઉસમાં નિમણૂકો આપવાનું પસંદ નહીં કરે. ટ્રમ્પ થકી જે રીતે કોરોનાની મજાક ઉડાવીને બે લાખ કરતાં પણ વધુ અમેરિકનોને મોતને ભેટવાના સંજોગો સર્જાયા; એથી વિપરીત બાયડન-કમલા  તમામ વંશની, ગોરી કે અશ્વેત પ્રજાના ભેદ કર્યા વિના પોતે જેના સમર્થક રહ્યા તે  ઓબામા હેલ્થ સેવા કરતાં પણ વધુ સારી આરોગ્ય સેવા પૂરી પાડવા મચી પડશે.  સાથે માનવ અધિકારો બાબતે કમલાનો ડંકો દેશ અને  દુનિયામાં વાગશે. અર્થતંત્રને મજબૂત કરવાનું પાયાનું કામ નવા રાષ્ટ્રપતિની પ્રાથમિકતા બની રહેશે. જોકે  તેમણે વિજયના વિશ્વાસ સાથેના પ્રથમ ભાષણમાં હું તમામ અમેરિકનોનો બની રહીશ એવો જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે ઘણું બધું કહી જાય છે. ટ્રમ્પના વાણી અને વર્તનમાં જે વિરોધાભાસ હતા ચીન સાથેના સંબંધોમાં પણ ઝળક્યા હતા. ટ્રમ્પના આર્થિક વ્યવહારો અને કરવેરાની વિગતોને ગોપિત રાખવાની કોશિશો સતત થતી રહી વાત અમેરિકી પ્રજાને સારી એવી કઠી લાગે છે. કદાચ એટલે લોકપ્રિય મતો અને ઈલેક્ટરોલ વોટમાં પણ ડેમોક્રેટિક પાર્ટી વિક્રમી દેખાવ કરી શકી  છે. લખાય છે ત્યાં સુધીમાં તો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (લોકસભા)માં ડેમોક્રેટિકનો દબદબો બરકરાર છે અને સેનેટ (રાજ્યસભા) પરના રિપબ્લિકનના કબજાને પડકારવાની સ્થિતિમાં ડેમોક્રેટ છે.

ભારે બહુમતી સાથેના પડકારો વધુ

ભારે બહુમતી ભારે જનઆકાંક્ષાઓ જગાવે છે. ટ્રમ્પ થકી ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે ઐતિહાસિક કરાર કરાવીને  શાંતિનું નોબેલ મેળવવાના પ્રયાસ થયા પણ કામ ના આવ્યા. જોકે રખે કોઈ એવું માને કે ટ્રમ્પને સ્થાને બાયડન આવે એટલે અમેરિકાનો યુદ્ધખોર સ્વભાવ બદલાઈ જશે. એની વિદેશનીતિ તો સ્વાર્થની છે, અસ્સલ એની પ્રજાની પ્રકૃતિની જેમ . કદાચ એટલે ચીનના સરકારી અખબારગ્લોબલ ટાઈમ્સમાં ચાઇનીઝ એકેડેમી ઓફ સોશિયલ સાયંસની અમેરિકી અભ્યાસ સંસ્થાના નાયબ નિયામક યુઆન ઝેંગે નોંધ્યું છે: “બાયડનના શાસન સાથે લાંબાગાળે ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધમાં  વધુ મોટા પડકારોનો સામનો કરવો પડશે.”વાત બાયડન સામેના બાહ્ય પડકારોનો નથી, એમના પક્ષમાં પણ નેતાગીરીના પ્રશ્ને ઘણી ખેંચતાણનો સામનો એમણે કરવાનો છે. વિરોધપક્ષે હોય ત્યારે આંબાઆંબલી બતાવી શકાય, પણ જયારે સત્તા પક્ષમાં આવો ત્યારે વચનો પાળવાની અનિવાર્યતા ઊભી થાય છે. પ્રત્યેક દેશમાં ચિત્ર આવું છે. રખે કોઈ એવું માને કે બે દેશના નેતાઓ એકમેકને ગળે મળે કે નવરાશમાં પોતે ગપ્પાં મારવાની વાતો કરે; તેનાથી જે તે  દેશ સાથેના સંબંધો સુધરી જાય. પ્રત્યેક દેશ પોતાના હિતને લગતા નિર્ણય કરવાનું પસંદ કરે છે. રાષ્ટ્રપતિ ઓબામાને ચા પીરસવાથી કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે હિંડોળે ઝૂલવાથી કે નૌકામાં  વિહાર કરવાથી  ડોકલામ કે લડાખ ના થાય એવું માનનારાઓ ભોંય ભૂલે છે. રાષ્ટ્રપતિ બાયડન કે ભારતીય મૂળનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ભારત પર વારી જશે એવું માની લેવું પણ વધુ પડતું ગણાશે. બંનેની પહેલી નિષ્ઠા અમેરિકા પ્રત્યે હોય સ્વાભાવિક છે. કાયમ પાકિસ્તાન તરફી રહેલું અમેરિકા હવે ચીન સાથેના ખટરાગને કારણે ભારત સાથે રહેશે એવું માનવું પણ વધુ પડતું છે. 

બાયડન પર વારી જવામાં જોખમ

રાષ્ટ્રપતિ બાયડન ચીન સાથેના કથળેલા સંબંધો સુધારવાની કોશિશ કરશે કારણ ૫૦૦ અમેરિકી કંપનીઓ ચીનમાં છે અને અમેરિકામાં ચીની ડિપોઝિટોનું પ્રમાણ ૩૫% છે. પારસ્પરિક સ્વાર્થ  ઉપરાંત  ભારત અમેરિકા માટે મોટું માર્કેટ છે એટલે ભારતને પસંદ કરે સ્વાભાવિક છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બધાં સ્વાર્થનાં સગાં છે. અમેરિકી પ્રજા પણ મૂળે સ્વાર્થી પ્રજા છે. એને ગુજરાતી મહાજન પરંપરાની જેમ પરમાર્થમાં નહીં, માત્ર ધંધામાં રસ હોય છે. એટલે ટ્રમ્પભાઈ જાય અને બાયડનભાઈ આવે એટલે બહુ અભિભૂત થઇ જવાની જરૂર નથી. ટ્રમ્પ કરતાં બાયડન અને કમલાનું તંત્ર ભારતીયોના અમેરિકી વિકાસમાં અન્ય દેશોની પ્રજા જેટલું યોગદાન હોવાનું સ્વીકારીને એચ --બી વિસા કે અન્ય બાબતોમાં થોડી છૂટછાટ આપે એટલા માત્રથી હરખપદૂડા થઇ જવાની જરૂર નથી. તેલ જુઓ તેલની ધાર જુઓ પછી બાયડન તંત્રને નાણવાનું રાખીએ વધુ વાસ્તવવાદી ગણાશે. વળી, આપણાં કમલા દેવી ત્યાં સત્તામાં  બેઠાં છે એમ માની લેવામાં પણ જોખમ છે. આપણા કરતાં વધુ અમેરિકી હિત જોનારાં વધુ  છે. બાયડન તંત્રમાં એમની ચૂંટણીપ્રચાર  સલાહકાર ટુકડીમાંના મૂળ મહેસાણાવાળા  અમિત સુરેશ જાનીને કે અન્ય કોઈ ગુજરાતીને સ્થાન મળે છે કે કેમ ભણી આશાભરી નજરે જોવું પડે. વડાપ્રધાન મોદીએ હ્યુસ્ટન જઈનેઅગલી બાર ટ્રમ્પ સરકારનો નારો લગાવ્યો હતો વ્યૂહાત્મક ભૂલ જરૂર હતી, પણ એટલા માત્રથી બાયડન તંત્ર સાથેના ભારતના સંબંધ સારા નહીં રહે એવું માનવું પણ ભૂલભરેલું છે. શાસકોએ પોતાના દેશનો વિચાર કરવાનો હોય છે, ભલે પછી ક્યારેક મોદી ઓબામા સાથે ગપ્પાં મારવાની વાત કરતા હોય કે ટ્રમ્પભાઈ પર ઉપકાર કરવા માટે કોરોનાકાળમાંનમસ્તે ટ્રમ્પયોજતા હોય. રાજકીય શાસકો કને વધુ રાજકીય (પોલિટિકલ) પરિપક્વતાની સાથે રાજદ્વારી (ડિપ્લોમેટિક) પરિપક્વતાની અપેક્ષા કરવી ખોટી નહીં.

-મેઈલ: haridesai@gmail.com                    (લખ્યા તારીખ: નવેમ્બર ૨૦૨૦)  

No comments:

Post a Comment