Wednesday 25 November 2020

Suicidal Tendency of Congress

 

કોંગ્રેસના આત્મવિલોપન માટેના ધખારા    

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         ઇન્દિરા ગાંધીની આક્રમકતા સાવ જ અલોપ

·         જંગલરાજના યુવરાજનો જ  એકલવીર જંગ

·         રાહુલમાં ૧૨ કરોડ મતદારોની શ્રદ્ધા ઠગારી

ગુજરાતીમાં એક સરસ મજાનો શબ્દપ્રયોગ છે: ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું”. સતત પરાજયને પામી રહેલી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ (સ્થાપના: ૧૮૮૫, ૧૯૬૯- કોંગ્રેસ: ઇન્દિરા) માટે હવે કહેવતને સાર્થક કરવાના દિવસો આવી ગયા છે. કમ્યૂનિસ્ટ પાર્ટી, જનસંઘ, સ્વતંત્ર પક્ષ, સમાજવાદી પાર્ટી  સહિતના દેશના તમામ મુખ્ય પક્ષોની જનની કોંગ્રેસ છે એ વાત રખે ભૂલાય. જય-પરાજય અને અમિબાની જેમ મિલન-વિભાજન એ તો ચક્રવત્ પરિવર્તિત થાય એ સ્વાભાવિક પ્રક્રિયા છે; પરંતુ છેલ્લા દાયકામાં સતત પરાજયની  જ પરંપરા અને મહત્વના જ નહીં, ટોચના હોદ્દે રહેલા સાથીઓ રાજ્યસભા કે અન્ય કોઈ ચૂંટણી આવતાં જ વંડી ઠેકીને ભારતીય જનતા પક્ષ  (સ્થાપના: ૧૯૫૧-જનસંઘ, ૧૯૮૦-ભાજપ)નો ભગવો ધારણ કરતા થાય ત્યારે નિશ્ચિત કંઇક મોટી ગડબડ હોવાનો અહેસાસ પક્ષની નેતાગીરીને થવો ઘટે. એવું નહોતું કે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ જીતવાનું કોંગ્રેસ માટે શક્ય નહોતું બન્યું, પણ ૨૦૧૪માં વિભાજિત વિપક્ષોના પ્રતાપે ભાજપ માત્ર ૩૧% મત સાથે કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી પક્ષપલટાના નવા દોર થકી રાજ્યોમાં પણ કોંગ્રેસની સરકારોને સ્થાને  ભાજપી સરકારો સ્થપાવા માંડી. કોંગ્રેસમાં એનાં સૌથી બળૂકાં નેતા ઇન્દિરા ગાંધીની આક્રમકતા અલોપ થઇ ગઈ અને જીતવાની હોંશને બદલે પરાજયને સ્વીકારી લેવાની માનસિકતા બેપાંદડે જોવા મળી.

વધુ મહત્વનું તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને લાલુ સાથે હજુ ગઈકાલ સુધી ઘર માંડનારા નીતીશકુમાર સુધીના લાલુપ્રસાદના જંગલરાજનો રાગ આલાપતા હતા ત્યારે પણ લાલુનો વશેરો તેજસ્વી પ્રસાદ યાદવ બિહારની વિધાનસભાની ચૂંટણીના  જંગમાં એકલવીર થઈને  જનતાદળ (યુ) અને ભાજપને મોંઢે ફીણ લાવી દે છે. જયારે બિહારમાં યુદ્ધનો ટંકાર થયો હોય ત્યારે કોંગ્રેસના રણછોડરાય તરીકે નામના મેળવનાર રાહુલ ગાંધી ચૂંટણી જંગનું મેદાન છોડીને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાના સિમલા નિવાસે પિકનિક મનાવતા હોય ત્યારે કોંગ્રેસનું બિહારી ખેતર ભેળાઈ જાય એ સ્વાભાવિક છે.  લોકસભામાં આ રાજકીય પક્ષને વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૧૨ કરોડ મતદારોએ મત આપ્યા હતા. એનો અર્થ એ થયો કે ૨૩ કરોડ મતદારોએ  ભાજપના નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો એની  સામે ૧૨ કરોડ મતદારોએ કોંગ્રેસના રાહુલ ગાંધીમાં વિશ્વાસ મૂક્યો, પણ એમણે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાજીનામું આપીને પક્ષને ત્રણ-ત્રણ મહિના સુધી નધણિયાતો રાખ્યો. મતદારોને એનો પસ્તાવો થવો સ્વાભાવિક છે. વર્ષ ૨૦૧૪માં માત્ર ૩૧ % મત એટલે કે ૧૭ કરોડ મતદારોના ટેકા સાથે ભાજપના નેતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા.એકવાર સત્તા હાથમાં આવી એટલે ભાજપને જીતતાં અવળે છે અને કોંગ્રેસને સત્તા જતાં હારતાં આવડે છે. કોંગ્રેસને બેઠી કરવા માટે ઈન્દિરાજી કને જે આક્રમકતા હતી એ ના તો રાહુલ ગાંધીમાં છે કે ના હવે એમનાં માતુશ્રીમાં રહી છે. શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં  વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૯માં કોંગ્રેસ કેન્દ્રમાં સત્તારૂઢ થઇ શકી હતી, પણ હવે સઘળો પક્ષ હતાશા-નિરાશાની ગર્તામાં જ ડૂબી ગયો છે.

ડૂબતી નૈયાના ઉંદરડા ભાગે

કોંગ્રેસ હવે ડૂબતી નૈયા છે એવું સતત કાને પડે છે. દાયકાઓ સુધી સત્તામાં રહ્યા પછી કોંગ્રેસની અવસ્થા ખૂબ ખાઈને ગારાઈ ગયેલા માણસ જેવી થઇ છે. કેન્દ્ર સરકાર છાસવારે કેન્દ્રીય એજન્સીઓ કોંગ્રેસી નેતાઓ પાછળ છુટ્ટી મૂકીને રહ્યાસહ્યા લડાયક મિજાજના કોંગ્રેસીઓને પણ પાણીમાં બેસવા મજબૂર કરે છે. ક્યારેક કોંગ્રેસ સેવાદળ કોંગ્રેસની વિચારધારા અને રચનાત્મક કાર્યક્રમો અંગે કાર્યકરોને તૈયાર કરવાનું માધ્યમ હતું. એનો વીંટો વળાઈ ગયો છે અને શોભાના ગાંઠિયા જેવા નેતાઓને એના મુખિયા બનાવીને ૧૦, જનપથની જીહજૂરી કરવા માટે તેડાવાય ત્યારે કશું વળે નહીં. કોંગ્રેસી કાર્યકર પ્રજાની વચ્ચે પંડિત નેહરુ કે સરદાર પટેલના નામ સાથે અને ગાંધીજીના આદર્શોના આચરણ સાથે સમસ્યાઓના નિવારણ માટે હાજરાહજૂર રહેતો હતો; હવે તો ટીવી ચેનલો કે સોશિયલ મીડિયા પરથી એ ઉપદેશકની ભૂમિકામાં જ દેખા દે છે. તમને મળતા ૧૦૦ કોંગ્રેસી કાર્યકારોમાંથી લગભગ અડધો અડધ તો પોતાને ભાજપ થકી ઓફર કરાયા છતાં પોતે કોંગ્રેસમાં રહ્યાની ડીંગ હાંકતા જોવા મળે છે. કેટલાક તો ખુદ નરેન્દ્રભાઈ મોદીએ જ એમણે હોદ્દો કે ટિકિટ ઓફર કર્યાનાં ઢોલ પિટ્યા કરતા હોય પછી કોંગ્રેસની વાત કે એને જીતાડવાની વૃત્તિ વર્તાય જ ક્યાંથી? ગુજરાતની  બહુમતી જિલ્લા પંચાયતો કોંગ્રેસે જીત્યા પછી એના વહીવટમાં ફલાણો કોંગ્રેસી  ધારાસભ્ય મહિને કરોડોનો હપ્તો લેતો હોવાની વાત કોંગ્રેસના જ ધારાસભ્ય કરતા હોય ત્યારે એ ખાટી ગયો અને હું રહી ગયોનો ભાવ વધુ વર્તાય છે. કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ છે પરંતુ એની સામે પ્રાદેશિક પક્ષો વધુ જોર મારી રહ્યા હોવાનું અનુભવાઈ રહ્યું છે. રાજ્યોમાં રાષ્ટ્રીય સ્તરના શાસક ભાજપ સામે ઝીંક ઝીલવાનું કોંગ્રેસના શિરે હોવું જોઈએ એને બદલે કોંગ્રેસનાં અમિબા ગણી શકાય એવા પક્ષો જ ભાજપ સાથે ટકરાવાની હિંમત કરે છે અને સત્તામાં આવે છે. ભાજપ આવા પક્ષો સાથે યેન કેન પ્રકારેણ સેતુ રચીને કે તેમને  પોતાના સાથીદાર બનાવીને કોંગ્રેસને વધુને વધુ ક્ષીણ બનાવવા ભણીના સંજોગો સર્જે છે.

બિહાર વિધાનસભા અને અન્ય રાજ્યોની વિધાનસભા પેટા ચૂંટણીઓનાં પરિણામોમાં કોંગ્રેસ સાવ ધોવાઇ ગઈ છે. કોંગ્રેસ ભલે જીતી ના હોય પણ એને જનસમર્થન મળી રહ્યાની વાતને કોઈ નકારી શકે તેમ નથી. સ્થિતિ એવી નિર્માણ થતી લાગે છે કે કોગ્રેસે જીતવાની કે જીવવાની આશા છોડી દીધી લાગે છે. એનાથી ઉલટું, ભાજપ અને સંઘ પરિવાર સત્તામાં હોવા છતાં એ જ કિલર્સ ઇન્સ્ટિંગ્સ સાથે આગળ વધે છે. કોંગ્રેસનો ઈતિહાસ કે તેની નીતિ શું છે એ એના કાર્યકર્તાઓ પણ કદાચ જાણતા નથી. એવું નથી કે ભાજપના કાર્યકર્તાઓને એમના મંચ પાછળ મૂકાતી બે છબીઓ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંદર્ભમાં ઝાઝી ખબર છે. કોંગ્રેમાંથી ભાજપમાં આવીને હોદ્દા મેળવનારા રાજકીય નેતા અને કાર્યકર્તાઓ સંઘ પરિવારની નીતિરીતિથી ઝાઝા પરિચિત ના હોય તો પણ એમને એટલી જરૂર ખબર છે કે ભાજપનું ઉર્જાકેન્દ્ર નાગપુર (આરએસએસ મુખ્યાલય) છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રજા સાથેનો અનુબંધ ધરાવે છે ત્યાં તેમને જનસમર્થન પ્રાપ્ત છે, પણ પ્રજાની વચ્ચે જવાનું ભૂલીને ૧૦, જનપથ (સોનિયા ગાંધી), રાહુલ ગાંધી (૧૨,તુઘલક લેન)  કે ૨૩, મધર ટેરેસા ક્રેસન્ટ (અહમદ પટેલ)ની કૃપા મેળવવા માટે આંટાફેરા કરવામાં જ પોતાના લાભ જોતા હોય ત્યારે પક્ષ ક્યાંથી ઊંચો આવે? કોંગ્રેસના નેતાઓમાં માત્ર મોટેરાઓના હોકા-પાણી કરવા જેટલું જ કામ રહ્યાનું અનુભવાય છે. ભાજપમાં પણ વંશવાદ અને હોકા-પાણીનું ચલણ વધ્યું છે એ કોઈ નકારી શકે તેમ નથી.

લોકપ્રિય નરેન્દ્ર મોદીનો વિકલ્પ

કોંગ્રેસના ૨૩ નેતાઓએ મોવડીમંડળને પત્ર લખ્યો અને જાણે કે મહાપાપ કર્યું હોય એવો માહોલ રચાયો. એ નેતાઓને “રૂટલેસ” ગણાવનારાઓ કે અસંતુષ્ટ લેખાવનારાઓનો તોટો નથી. એ પત્ર રાહુલ ગાંધી સામે ટીકાસ્ત્ર ગણાયો.પક્ષમાં  સંવાદની અપેક્ષા કરનારા કે પક્ષના અધ્યક્ષની ચૂંટણી થાય એવું માનનારાઓ ખોટા છે એવું તો સાવ જ નથી. ભૂતકાળમાં કોંગ્રેસના અધ્યક્ષોની ચૂંટણી થયેલી છે અને મતભેદો વચ્ચે પણ કોંગ્રેસ મજબૂત થતી રહી છે. આઝાદી પહેલાં અને પછી કોંગ્રેસમાં ભિન્ન ભિન્ન વિચારસરણીનાં જૂથ રહ્યાં છે એટલે આજે કોંગ્રેસના અધ્યક્ષપદ માટે નેહરુ-ગાંધી પરિવારની બહારના કોઈ પ્રજા સાથે અનુબંધ ધરાવનારા નેતા આવે તો એમાં ખોટું કશું જ નથી. સામે પક્ષે ભાજપમાં સર્વોચ્ચ નેતાપદે નરેન્દ્ર મોદી પ્રસ્થાપિત થઇ ચૂક્યા છે. એમની કુશળતા અને વ્યૂહ રચના તેમ જ વાકછટા એમના પક્ષમાં અન્ય કોઈમાં મળવી મુશ્કેલ છે. ૭૦ વર્ષની વયે પહોંચેલા મોદી ૭૫ વર્ષે રાજકીય નિવૃત્તિ ગ્રહણ કરે કે આજીવન રાષ્ટ્રપતિ થાય પછી પણ એમને તોલે આવે એવો બીજો નેતા એમના પક્ષમાં કોણ એવો પ્રશ્ન આજે કરીએ ત્યારે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ માથું ખંજવાળે છે. મોદીની સક્રિય રાજકીય કારકિર્દી પછીના ભાજપની કલ્પના કરવી મુશ્કેલ છે. આની સામે વર્ષ ૧૯૭૭ના માર્ચમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી ટાણે જનતા પાર્ટીના સર્વસ્વીકૃત નેતા તરીકે કોઈ એક નામ નહોતું, પણ લોકનાયક જયપ્રકાશ નારાયણ અને આચાર્ય કૃપાલાનીની સાક્ષીએ મોરારજી દેસાઈનું નામ ઉપસ્યું હતું.

કોંગ્રેસે કે સંયુક્ત વિપક્ષે પહેલેથી મોદી જેવું નેતૃત્વ તેની પાસે નથી એટલે પાણીમાં બેસી જવાની જરૂર નથી. મુદ્દા આધારિત ચૂંટણી લડીને “જંગલરાજના યુવરાજ”થી બિહારમાં સતત નવાજાતા રહેલા તેજસ્વી યાદવે જનતાદળ (યુ) અને ભાજપ બેઉની ફેંફેં કરાવી દીધી એ તાજું ઉદાહરણ આપણી સામે છે. બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે સત્તારૂઢ મોરચાએ અનેક વોટકટરાઓને સાધ્યા છતાં તેજસ્વીએ એકલવીર તરીકે રાષ્ટ્રીય જનતા દળને સૌથી મોટા પક્ષ તરીકે પ્રસ્થાપિત કર્યો;ભલે સત્તામાં આવતાં કોંગ્રેસ સહિતના સાથીઓ એને નડ્યા. કોંગ્રેસને ૭૦ બેઠકો ફાળવ્યા છતાં માત્ર ૧૯ બેઠકો જીતીને કોંગ્રેસ લજ્જિત અવસ્થામાં મૂકાઈ એ સર્વવિદિત છે. દાયકાઓ સુધી રાજ્યોમાં અને કેન્દ્રમાં સત્તારૂઢ રહેલી કોંગ્રેસ પોતાની નીતિ નક્કી કરવા અને  જીતવા કરતાં જાણે કે ખેલો કરવા માટે જ મેદાને પડતી વધુ લાગે છે. કેરળમાં કોંગ્રેસે  માર્ક્સવાદી મોરચા સામે લડવાનું અને પશ્ચિમ બંગાળમાં માર્ક્સવાદી મોરચા  સાથે લડવાનું; એ વિરોધાભાસો અન્ય રાજ્યોમાં પણ એને નડે એ સ્વાભાવિક છે. ચિંતન મનન કરવાનો વખત હવે ઊલી ગયો છે. કોંગ્રેસના અસ્તિત્વનો જ પ્રશ્ન હવે શેઢે આવીને ઊભો છે ત્યારે પણ જમ્મૂ-કાશ્મીરમાં સરદાર પટેલે વ્યૂહના ભાગરૂપે બંધારણમાં  દાખલ કરાવેલા  અનુચ્છેદ ૩૭૦ (૩૦૬-એ)ને મુદ્દે  કોંગ્રેસ જ નહીં, ૧૦, જનપથ પણ પંડિત નેહરુની આ અનુચ્છેદ કાયમી નહીં હોવાની સંસદમાં કહેલી વાતને વિસરીને ચીનના ટેકાથી ૩૭૦ને પુનર્સ્થાપિત કરાવવા મથતા નેશનલ કોન્ફરન્સના સુપ્રીમો ડૉ.ફારુક અબદુલ્લા અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં મેહબૂબા મુફ્તી સાથે જોડાણ કરવા ઝંખે ત્યારે એને આત્મઘાતી પગલું જ કહેવું પડે. અત્યાર પહેલાં અનેક વાર કોંગ્રેસ માટે કહેવાયું છે કે એ દેવહુમા (ફિનિક્સ) પક્ષીની જેમ રાખમાંથી ફરી ફરીને બેઠો થતો પક્ષ છે; પણ હવે એણે કાયમી આત્મવિલોપન કરવાનું જ જાણે કે નક્કી કર્યું હોય તો ઈશ્વર પણ એની વહારે ક્યાંથી આવે? ભારતીય રાજકીય મંચ પરથી કોંગ્રેસ અલોપ થશે તો દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, લોકમાન્ય ટિળક, લાલા લજપત રાય, મહામના પંડિત મદનમોહન માલવિયા, મહર્ષિ અરવિંદ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત નેહરુ, નેતાજી સુભાષચન્દ્ર બોઝ,આચાર્ય કૃપાલાની, ડૉ.રામમનોહર લોહિયા, મૌલાના આઝાદ, ડૉ.કેશવ બલિરામ હેડગેવાર, ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી, લાલબહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ,ચંદ્રશેખર, પી.વી.નરસિંહરાવ જેવા અનેક કોંગ્રેસીઓનો આત્મા જ્યાં હશે ત્યાં કણસવાનો એટલું નક્કી.   

 

ઈ-મેઈલ: haridesai@gmail.com                               (લખ્યા તારીખ: ૧૬  નવેમ્બર ૨૦૨૦) 

 

No comments:

Post a Comment