Monday 23 November 2020

After Bihar, it is now the turn of West Bengal

 

બિહાર પછી બંગાળ ભણી સવારી

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         મમતાદીદી માટે ગઢ ટકાવવાનો જંગ

·         શ્યામાબાબુની જન્મભૂમિ પર ભગવો

·         વેરવિખેર વિપક્ષો અને ઓવૈસી લાભમાં

લ્યો, હવે પાટલીપુત્ર જીત્યા પછી કોલકાતા ફતેહ કરવા ભણી સવારી નીકળી ચૂકી છે: વર્ષ ૧૯૭૭થી ૨૦૧૧ લગી માર્ક્સવાદી ગઢ રહેલા રાઈટર્સ બિલ્ડિંગના કાંગરા પશ્ચિમ બંગાળની વાઘણ ગણાતાં તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીએ ખેરવ્યા ત્યારે રાજકીય માહોલમાં લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. વર્ષ ૨૦૧૬માં અગાઉ કરતાં પણ ભારે બહુમતી સાથે મમતાદીદીએ વિજયોત્સવ મનાવ્યો ત્યારે એ ચમત્કાર જ લેખાયો હતો. વર્ષ ૨૦૨૧ મુખ્યમંત્રી  મમતા  બેનરજીના ગઢના કાંગરા ખેરવવા ભારતીય જનતા પક્ષે કમર કસી છે ત્યારે દીદીની ખરી અગ્નિપરીક્ષા થવાની છે. કેન્દ્રમાં ભાજપના વડપણવાળી સરકાર છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બળૂકું નેતૃત્વ સાથે છે અને રાજભવનમાં ભાજપી નેતા રહેલા જગદીપ ધનખડ છાસવારે નિવેદન કરે છે કે બંગાળમાં આતંક અને હત્યાઓનો દોર શમવાનું નામ લે એવું લાગતું નથી. ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓની હત્યા તૃણમૂલ થકી કરવામાં આવી રહ્યાની બૂમરાણ સતત ચાલુ છે. મુખ્યમંત્રી મમતા ક્યારેક ભાજપના નેતા અને વડાપ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયીની સરકારમાં તો ક્યારેક કોંગ્રેસના નેતા અને વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહની સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યાં છે. બંગાળના કોંગ્રેસીઓ માર્ક્સવાદી નેતાઓ સાથે ભળી ગયા હોવાના દાવા સાથે આક્રમક રીતે રસ્તા પરની લડાઈ લડીને અને પોતાના અંગત જીવનની સાદગી જાળવીને મમતાએ બંગાળી પ્રજાના દિલમાં સ્થાન જમાવ્યું છે. લડાયક મિજાજ એ એમની ઓળખ છે. જોકે કેટલાક સાથીઓ આ મિજાજને કારણે એમને છોડીને ભાજપ કને ગયા છે અથવા તો પોતાની જાતને બચાવવા અને જેલવાસને બદલે મહેલવાસની ઝંખના સાથે કેટલાક ભગવી બ્રિગેડમાં સામેલ થયા છે.

મિશન અમિત શાહની અગ્નિપરીક્ષા

વર્ષ ૨૦૧૪માં પશ્ચિમ બંગાળમાંથી લોકસભાની માત્ર બે બેઠકો મેળવનાર ભાજપ વર્ષ ૨૦૧૯માં ૧૮ લોકસભા બેઠકો મેળવીને તૃણમૂલની ૨૨ બેઠકો  કરતાં માત્ર ૪ બેઠકોના અંતરે રહે છે.  એને વિધાનસભા જીતવાનો વિશ્વાસ જાગે એ સ્વાભાવિક છે. છાસવારે સીબીઆઇના દરોડા કે એન્ફોર્સમેન્ટનાં તેડાં તૃણમૂલના નેતાઓ તેમ જ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને કનડતાં હોય તો પણ ૨૯૪ની વિધાનસભામાં મમતાના પક્ષને ૨૨૨ અને મિત્ર પક્ષની બે બેઠકો એમ મળીને ૨૨૪ બેઠકો જેટલી બહુમતી હોય અને ભાજપ કને માત્ર ૧૬ જ વિધાનસભ્યો હોય તો પણ કોલકાતામાં સત્તા કબજે કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની નેમ હોય ત્યારે જંગ આસન તો નથી. વિપક્ષો વેરવિખેર હોય અને ભાજપ લડી લેવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરે  ત્યારે કશું જ અશક્ય લાગતું નથી. વધુ  નવાઈ તો એ વાતની છે કે કેરળમાં સામસામે લડતા કોંગ્રેસ અને માર્ક્સવાદીઓના મોરચા બંગાળમાં દીદી સામે સાથે મળીને લડે ત્યારે ભાજપને તો ફાયદો જ છે. ભાજપને મુસ્લિમ મતોના વિભાજન માટે એમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી પરોક્ષ ફાયદો જ પહોંચાડે એવી શક્યતા છે. દીદીની પાર્ટીમાં ગાબડાં પાડવાનો ભાજપી ઉપક્રમ ચાલુ છે,ગોરખાઓમાં ભાગલા અને બહુકોણીય જંગ ભાજપના આશાવાદને વધુ મજબૂત કરે છે.

નેતાજીના નામે રાજકારણ

વાત પશ્ચિમ બંગાળની ચૂંટણીની હોય એટલે નેતાજી સુભાષચન્દ્ર બોઝના નામને વટાવવાનું ભાગ્યેજ કોઈ ચૂકે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ૧૮ નવેમ્બર ૨૦૨૦ના રોજ વડાપ્રધાન મોદીને  બે પાનાંનો પત્ર લખીને નેતાજીની ૧૨૫મી જન્મજયંતી ૨૩ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ઉજવાશે એટલે “બંગાળના સૌથી મહાન પુત્રોમાંના એક એવા આ રાષ્ટ્રનાયક અને આઝાદીના જંગમાં અંગ્રેજો સામે લડતા રહેલા મહારથીના જન્મદિવસને રાષ્ટ્રીય રજાના દિવસ તરીકે જાહેર કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે. નેતાજી અદ્રશ્ય થવાના રહસ્યને પણ ભારત સરકાર પ્રકાશમાં લાવે એવો આગ્રહ પણ તેમણે કર્યો છે. વિગત ચૂંટણીઓમાં વડાપ્રધાન મોદી અને ભાજપના નેતાઓએ નેતાજીના નામે ખૂબ રાજકારણ ખેલ્યું હતું, પરંતુ ઉપરોક્ત બાબતોમાં આજ લગી કોઈ પ્રકાશ પાડવામાં આવ્યો નથી એટલે મમતાદીદી હવે એ મુદ્દાને આગળ કરી રહ્યાં છે. દુર્ગા પંડાલના ઉદ્દઘાટન નિમિત્તે વડાપ્રધાન મોદીએ વર્ચુઅલ ચૂંટણી પ્રચાર આરંભી દીધો હતો. મુખ્યમંત્રી મમતા બેનરજી હવે રાજ્યના પ્રવાસે નીકળવાનાં છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ ભલે બિહારની ચૂંટણીમાં ઝાઝા ડોકાયા ના હોય પરંતુ બંગાળમાં ભાજપી સરકાર સ્થાપિત કરવાના અને જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીની જન્મભૂમિ પર ભગવો લહેરાવવા ક્યારનાય મેદાને પડેલા છે. ભાજપની સેના જ નહીં, સમગ્રપણે સંઘ પરિવાર પણ સંઘના સંસ્થાપક સરસંઘચાલક ડૉ.કેશવ બલિરામ હેડગેવારની વિદ્યા અને ક્રાંતિકારી કારકિર્દીની આ ભૂમિ પર વટ પાડવા સંકલ્પબદ્ધ છે. બિહાર જીત્યા પછી પશ્ચિમ બંગાળ જીતવા માટે ભાજપી સેનાનું મનોબળ વધુ દ્રઢ છે. એ માટે કુછ ભી કરેગા.

હિંદુ વોટબેંક અને મુસ્લિમ વોટબેંક

 નવાઈ એ વાતની છે કે અહીં મમતા અને ભાજપની છાવણીઓ ખુલ્લેઆમ કોમી રાજકારણ ખેલી રહી છે અને પોતપોતાની વોટબેંક અંકે કરવા મેદાને પડેલી છે. મુસ્લિમ મતબેંક પર મમતાનો મદાર છે અને ઓવૈસી પણ દેખાડા પૂરતા મમતા સાથે ચૂંટણી જોડાણ કરવા ઓફર મૂકે છે; પણ રાજકારણનાં જૂનાં ખેલાડી એવાં મુખ્યમંત્રી સુપેરે જાણે છે કે ઓવૈસી ભાજપની રમત રમે છે. બિહારમાં પાંચ બેઠકો મેળવ્યાથી ફૂલાયેલા ઓવૈસી મુસ્લિમ મતોમાં ગાબડાં પાડીને હિંદુ વોટબેંકને રાજી કરવામાં રમમાણ ભાજપને ફાયદો કરાવવા માટે મશહૂર છે. બાંગલાદેશથી આવેલા હિજરતી દલિત હિંદુઓને પોતાના તરફ વાળવા ઉપરાંત ગુરખા મતબેંક પણ પોતાના ભણી લાવવા માટે ભાજપે ભારે પરિશ્રમ આદર્યો છે. જોકે આ બંને બાબતોમાં મમતા એક ડગલું આગળ છે. તેમના પક્ષના અસંતુષ્ઠોને ભાજપ દાણા નાંખે છે. મમતા સરકારમાં મંત્રી એવા સુવેંદુ અધિકારી મમતાની છબી વિના અને તૃણમૂલના બેનર વિના ૨૦,૦૦૦ લોકોની રેલી યોજે છે અને એ કોંગ્રેસ કે ભાજપમાં જાય નહીં, એટલા માટે સ્વયં મમતા જ નહીં એમના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર પણ કામે વળે છે. જોકે સુવેંદુ તૃણમૂલમાં જ હોવાની વાત વારંવાર કહે  છે.

 

રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ ખુલ્લો

ચૂંટણી આડે હજુ ઘણા મહિના છે અને ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. મે ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પોતાને અનુકૂળ લાવવા માટે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસનના વિકલ્પને પણ અજમાવી જોવા પ્રયત્નશીલ છે. જોકે એવું કરવા જતાં દેશભરમાં અને પશ્ચિમ બંગાળમાં સંદેશ ખોટો જવાની શક્યતા એને એવો આક્રમક નિર્ણય લેતાં રોકે છે. કોંગ્રેસ અને માર્ક્સવાદી મોરચો પણ મમતા બેનરજીની સામે લડવા કૃતસંકલ્પ હોવાને કારણે ત્રિપાંખિયા જંગમાં ભાજપનો ઘોડો આગળ નીકળવાની ગણતરી એના નેતાઓ રાખે છે; પરંતુ મમતાને ઓછાં આંકવાનું જોખમ પણ એ ખેડવા તૈયાર નથી. ભાજપ આ રાજ્યની જમીન ઘણા વખતથી ખેડી રહી છે, પણ એને એનો પાક લણવાનો અવસર મળશે કે કેમ એ અત્યારથી કહેવું કવેળાનું છે.

તિખારો

હમારે ખૂન કે ધબ્બે હૈં જિનકે દામન પર,

હમારે સામને વો ક્યોં અમન કી બાત કરેં?

-     સિરાજ પાલનપુરી

ઈ-મેઈલ: haridesai@gmail.com     (લખ્યા તારીખ: ૨૦ નવેમ્બર ૨૦૨૦)

No comments:

Post a Comment