Sunday 4 October 2020

"Dictator" Indira Gandhi saved Democracy during Emergency

 પાલખીવાળાના પત્રથી લોકશાહી બચી

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         વડાંપ્રધાન ઇન્દિરાનો ઐતિહાસિક નિર્ણય

·         કેશવાનંદ ભારતી ચુકાદો ના બદલાયો

·         બંધારણ સુધારાની અમર્યાદિત સત્તા ટળી

હજુ થોડા વખત પહેલાં જ કેરળના મઠાધીશ કેશવાનંદ ભારતીએ જીવનમાયા સંકેલી લીધી પણ કેરળની કમ્યૂનિસ્ટ સરકારે મઠની જમીન અને સંપત્તિ પરના એમના અધિકારને સમાપ્ત કરવાના કરેલા નિર્ણય સામે એમણે સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજીને પગલે જે ચુકાદો આવ્યો એના પ્રતાપે તો દેશની લોકશાહી બચી, ભલે સ્વામી કેશવાનંદ ભારતીના મઠની સંપત્તિ પરનો અધિકાર એમને પ્રાપ્ત થયો ના હોય.સંયોગ એવો હતો કે એ વેળા સ્વામી કેશવાનંદ ભારતીના ધારાશાસ્ત્રી હતા નાની પાલખીવાળા અને સામે સરકાર પક્ષે હતા બંધારણ નિષ્ણાત અને મોટા ગજાના કાયદાવિદ એચ.એમ.શીરવાઈ. વર્ષ ૧૯૯૩થી ૧૯૯૫ દરમિયાન મહારાષ્ટ્રના એડવોકેટ જનરલ અને ૧૯૯૬થી ૧૯૯૮ દરમિયાન દેશના સોલીસીટર જનરલ રહેલા ટી.આર.અધ્યારુજીના એ વેળા શીરવાઈના જુનિયર હતા. ૧૩ ન્યાયાધીશોની ખંડપીઠના બહુમતી ચુકાદામાં બંધારણ બદલવાના સંસદના અધિકારને સ્વીકારવામાં આવ્યો ખરો, પણ એના “મૂળભૂત માળખા”માં પરિવર્તન કરવાનો અમર્યાદ અધિકાર સંસદને નહીં હોવાનું ઠરાવાયું. ૨૪ એપ્રિલ ૧૯૭૩ના રોજ આવેલા આ ચુકાદાએ ભારતમાં આજ લગી સત્તાધીશ તરીકે મનસ્વી રીતે  બંધારણ બદલીને, એડોલ્ફ હિટલરના જર્મની જેવા સંજોગો નહીં સર્જવાની સુરક્ષિતતા બક્ષી.અત્યારે જયારે બંધારણમાં સુધારા કરવાની હિલચાલો ચાલી રહી છે અને લોકશાહીના અવાજને બહુમતીના જોરે દબાવવાની કોશિશ થતી હોવાની ફરિયાદો ઊઠી રહી છે ત્યારે  કેશવાનંદ ભારતી ચુકાદા અને નાની પાલખીવાળાએ લોકશાહી બચાવવામાં આપેલા યોગદાનનું સ્મરણ કરવું અનિવાર્ય બને છે. જે પાલખીવાળાએ અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને પગલે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનું સંકટમાં આવી પડેલું વડાપ્રધાનપદ બચાવવા માટે એમના ધારાશાસ્ત્રી તરીકે સર્વોચ્ચ અદાલતમાંથી મનાઈહુકમ મેળવી આપ્યો હતો એ જ નાનીએ ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી જાહેર કરી ત્યારે એના વિરોધમાં એમની બ્રીફ પરત કરી દીધી હતી. એના પછી ઈમરજન્સી દરમિયાન જ કેશવાનંદ ભારતી ચુકાદાની સમીક્ષા માટે કેન્દ્ર સરકારના ઈશારે જ દેશના મુખ્ય ન્યાયાધીશ એ.એન.રે થકી આરંભાઈ ચૂકેલી તૈયારીનો વીંટો વાળી દેવાયો હતો.

“તાનાશાહ”એ જ લોકશાહી બચાવી

જોકે કેશવાનંદ ભારતી ચુકાદા તરીકે મશહૂર આ ચુકાદાને બદલીને સત્તાધીશો સંસદમાં બહુમતીના જોરે પોતાની અનુકૂળતા મુજબ બંધારણને બદલવા માટે ચુકાદાની સમીક્ષા કરાવવાની વેતરણમાં હતા, પણ નાની પાલખીવાળાએ ૯ નવેમ્બર ૧૯૭૫ના રોજ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને લખેલા એક લાંબા પત્રના પ્રતાપે એ સમીક્ષાની વાતની માંડવાળ કરાઈ અને દેશમાં લોકશાહી બચી ગઈ. ભલે એ ઘટનાક્રમ વખતે ઇન્દિરાજીની ઈમરજન્સી પૂરજોશમાં અમલી હતી! નાનીએ નોંધ્યું છે કે ૧૯૭૫ના અંતમાં શાસક પક્ષના કેટલાક સભાસદોએ બંધારણ સુધારવાની અને પ્રમુખશાહી પદ્ધતિ દાખલ કરવાની દરખાસ્તો ઘડી કાઢી હતી. આના પરિણામે ભારતમાં સરમુખત્યારી શાસન સ્થપાયું હોત. ૧૨ જૂન ૧૯૭૫ના રોજ અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સિંહાના ચુકાદાએ ઇન્દિરાજીની સામે ચૂંટણી લડનારા રાજનારાયણની અરજીના સંદર્ભમાં આપેલા ચુકાદાથી શ્રીમતી ગાંધી ભ્રષ્ટ આચરણને કારણે તેમનું સંસદમાંનું સભ્યપદ રદ થવા ઉપરાંત છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠર્યાં હતાં. જોકે જસ્ટિસ સિંહાએ પોતાના ચુકાદાના અમલને ૧૫ દિવસ માટે મોકૂફ રાખ્યો હતો એટલે નાની પાલખીવાળાએ સુપ્રીમના  વેકેશન જજ  જસ્ટિસ કૃષ્ણા ઐયર સમક્ષ ઈન્દિરાજી વતી કરેલી રજૂઆત અને રાજનારાયણના ધારાશાસ્ત્રી શાંતિ ભૂષણના વિરોધને પગલે પૂર્ણ મનાઈહુકમ આપવાને બદલે સંસદમાં હાજરી આપવાની છૂટ આપવા ઉપરાંત મતદાનમાં ભાગ લીધા વિના ચર્ચામાં ભાગ લેવાનો અધિકાર આપ્યો હતો. ૨૪ જૂન ૧૯૭૫ના રોજ આ ચુકાદો આવ્યો. પરંતુ ૨૫ જૂનની રાતે ઈમરજન્સી જાહેર કરીને વિરોધપક્ષના નેતાઓની ધરપકડોનું સત્ર શરૂ કરાયું એટલે ૨૫ ઓગસ્ટ ૧૯૭૫ના રોજ જસ્ટિસ એ.એન.રે, જસ્ટિસ એચ.આર. ખન્ના, જસ્ટિસ કે.કે.મેથ્યૂ,જસ્ટિસ એમ.એચ.બેગ અને જસ્ટિસ વાય.વી.ચંદ્રચુડની ખંડપીઠ સમક્ષ ઇન્દિરાજીના કેસની સુનાવણી આવવાની હતી ત્યારે નાનીએ બ્રીફ પાછી આપી દીધી હતી. ઇન્દિરાજીના પક્ષે અશોક સેન હાજર રહ્યા અને ૭ નવેમ્બર ૧૯૭૫ના રોજ શ્રીમતી ગાંધીની ચૂંટણી અપીલને દાખલ કરાઈ અને આ ખંડપીઠે વડાંપ્રધાન શ્રીમતી ગાંધીને ગેરલાયક ઠેરવતા  પેલા અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને રદ કર્યો.

સુપ્રીમની સમીક્ષા ખંડપીઠ બરખાસ્ત

મુખ્ય ન્યાયમૂર્તિ રેએ કેશવાનંદ ભારતી ચુકાદાની સમીક્ષા માટે ૯ નવેમ્બર ૧૯૭૫ના રોજ ૧૯ નવેમ્બરે સુનાવણી શરૂ કરવાનું ઠરાવ્યું. આ તબક્કે નાની પાલખીવાળાએ કેશવાનંદ ભારતી ચુકાદાની સમીક્ષાની વિરુદ્ધમાં ભૂમિકા લીધી એટલું જ નહીં એમણે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને પત્ર લખ્યો અને દેશમાં સંસદીય લોકશાહીના હિતમાં રજૂઆત કરી કે તમે આવી સમીક્ષા અટકાવીને લોકશાહીને બચાવી લ્યો, અન્યથા આ દેશ પણ “તમે નહીં હો ત્યારે હિટલરની તાનાશાહીના માર્ગે જશે”. ૯ નવેમ્બર ૧૯૭૫ના એ પત્ર છતાં ૧૦ નવેમ્બરે ખિચ્ચોખીચ ભરાયેલી  સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ કોર્ટમાં સુનાવણી ચાલુ થઇ. ૧૧ નવેમ્બરે આગલા દિવસે નાની પાલખીવાળાએ  કેશવાનંદ ભારતી ચુકાદાની સમીક્ષાની વિરુદ્ધ કરેલી દલીલોનો એટર્ની જનરલે જવાબ વાળ્યો. ૧૨ નવેમ્બર ૧૯૭૫ના રોજ માંડ ૧૩ ન્યાયાધીશો પોતાનું સ્થાન લે અને દલીલો શરૂ થાય એ પહેલાં જ ચમત્કાર થયો અને મુખ્ય ન્યાયાધીશે જાહેર કર્યું: “આ ખંડપીઠ બરખાસ્ત કરવામાં આવે છે.” જાણીતા ધારાશાસ્ત્રી અધ્યારુજીના પોતાના કેશવાનંદ ભારતી કેસ અંગેના પુસ્તકમાં આ સઘળા ઘટનાક્રમને વિગતે વર્ણવે છે.  આ જ પુસ્તકમાં કયા ન્યાયાધીશ કઈ રીતે નિમણૂક પામ્યા અને ચુકાદો આપતાં પહેલાં કેટલાક ન્યાયાધીશો વડાંપ્રધાનના સચિવનું માર્ગદર્શન પણ લેતા હોવાનું સવિસ્તર નોંધવામાં આવ્યું છે.

ઇન્દિરા-નાનીના સાદર સંબંધો

નાની પાલખીવાળાએ વડાંપ્રધાન શ્રીમતી ગાંધીની બ્રીફ પાછી વાળ્યા ઉપરાંત ઇમર્જન્સીનો પણ વિરોધ કર્યો છતાં બંને વચ્ચે પરસ્પર માટે આદરભાવ હતો. “તમારી સરકાર કેશવાનંદ ભારતી ચુકાદાને પલટાવા પ્રયત્ન કરી રહી છે તેથી હું ખૂબ વ્યથા અનુભવું છું” અને ‘મારાં વહાલાં ઈન્દિરાજી’ તમારી આ બાબતની કેવી અસરો પડશે એનો વિચાર કરીને તમે માંડવાળ કરો”; એવું તર્કબદ્ધ રીતે પાલખીવાળા લખે છે. એ દિવસોમાં પણ વડાંપ્રધાન શ્રીમતી ગાંધીએ નાનીની કડવા સત્ય જેવી વાતનો આદર કરીને કેશવાનંદ ભારતી ચુકાદાની સમીક્ષાની માંડવાળ કરવાના સંકેત મુખ્ય ન્યાયાધીશને આપ્યા અને દેશ આજે એ નિર્ણયનાં સુફળ ભોગવે છે. ઇન્દિરા ગાંધીની ઈમર્જન્સીના વિરોધમાં આ લખનાર પણ રહ્યો છે, પરંતુ એ વાત નોંધવી પડે કે  જાન્યુઆરી ૧૯૭૭માં, પોતાના પુત્ર સંજય ગાંધીની અનિચ્છા છતાં અને પોતે ચૂંટણી હારી જશે એ બાબત જાણતાં હોવા છતાં, વડાંપ્રધાન ઇન્દિરાજીએ લોકસભાની ચૂંટણી જાહેર કરી હતી. માર્ચ ૧૯૭૭ની એ લોકસભા ચૂંટણીમાં માત્ર એમનો કોંગ્રેસ પક્ષ જ હાર્યો એટલું નહીં, પોતે અને સંજય પણ પોતાની બેઠકો હારી ગયાં હતાં. ક્યારેક એમના સાથી અને નાયબ વડાપ્રધાન રહેલા મોરારજી દેસાઈ વડાપ્રધાન થયા, પણ ૧૯૮૦માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં શ્રીમતી ગાંધી ભારે બહુમતી સાથે ચૂંટાઈને ફરી વડાંપ્રધાન થયાં હતાં. હજુ કેશવાનંદ ભારતી ચુકાદામાં દર્શાવાયેલા બંધારણના મૂળભૂત માળખા અંગે મતભેદ પ્રવર્તે છે, પરંતુ સંસદીય લોકશાહી, મૂળભૂત અધિકારો, ન્યાયિક સમીક્ષા, ધર્મનિરપેક્ષતા સહિતના મુદ્દાઓ આ મૂળભૂત માળખામાં સામેલ છે એ સ્પષ્ટ છે. આપણી લોકશાહી અને બંધારણનો અમલ આ પાયાની બાબતો પર ટક્યો છે. નાની પાલખીવાળાએ “અમે ભારતના લોકો” પુસ્તકમાં નોંધેલા શબ્દો અહીં ટાંકવાનું મન થાય છે: “હું ફરી વાર મારી દ્રઢ માન્યતા વ્યક્ત કરવા માંગું છું કે આપણા બંધારણે લોકોને નિષ્ફળ બનાવ્યા એવું નથી, પણ આપણા પસંદ કરેલા પ્રતિનિધિઓએ બંધારણને નિષ્ફળ બનાવ્યું છે. ડૉ.આંબેડકરે બંધારણ સભામાં બહુ કડવાશથી કહેલું કે નવેમ્બર ૧૯૪૯માં લોકોએ પોતાને જે બંધારણ આપ્યું એ ભવિષ્યમાં જો સંતોષપ્રદ રીતે કામ નહીં આપે તો આપણે એમ જ કહેવું પડશે કે બંધારણ નિષ્ફળ ગયું નથી પણ મનુષ્ય જ દુષ્ટ હતો.”

તિખારો

લોકતંત્ર પર ચલી લાઠિયાં

અબ હિંસા કી જય બોલો

તિલ-તિલ ચાહે જિતના નોચે

તુમ અપના મુખ મત ખોલો

ઉન કી મિલિટરી, ગોલા-ગોલે

હિંસા કે આંચલ મેં માં મુખ ધોલો

અબ કી સાવન બરસેગા જોરોં સે

આંધી કે થોડા સમ્મુખ તો હો લો

આજ ગરજ રહે જો દિલ્લી મેં

કલ દિલ્લી ઉન પર ગરજેગા

ગાજ ગીરેગી ઉન પર કલ જબ

જનતા અપની ભાષા મેં બોલેગી

અશ્રુ ગૈસ કે ગોલે માર રુલા લો

કલ બિન ગોલે યે તુમકો રોદેંગી

કાલે ધન કા નક્કારા ફૂટેગા

યે કુર્સી હી સિર ચઢ કર બોલેગી

જય હિંદ કહોગે સૌ સૌ બાર

ભારત કી અબ જનતા બોલેગી

-વિજય તિવારી

(લખ્યા તારીખ: ૨ ઓક્ટોબર ૨૦૨૦ )

No comments:

Post a Comment