શિવસેનાનો ખૌફ એક સમયે એવો હતો કે
સરકાર યા શાણા આદમી પણ એનાથી ધ્રૂજતા
વાસ્તવ- ડૉ.હરિદેસાઈ
·
“મુંબઈ બાળ ઠાકરેની બાપીકી જાગીર નથી”નું મથાળું
તંત્રી હરિ દેસાઈએ માર્યું અને બીજા જ દિવસે “સામના” દૈનિકમાં “હરામખોર હરિ”ના શીર્ષક
સાથેના પૂર્ણ તંત્રીલેખમાં ખુલ્લી ધમકીઓ અપાઈ હતી
·
અમને તંત્રી તરીકે કાઢી
મૂકવા ચેરમેન વિવેક ગોએન્કાને ફરમાવાયું, અન્યથા એક્સપ્રેસ ટાવરને આગ લગાડી દેવાની અને હરિને મારી નાંખવાની ધમકી અપાયા
છતાં ના તો ગોએન્કા ઝૂક્યા, ના અમે
·
નવાઈ એ વાતની હતી કે એ
ઘટના પછી સ્વયં ઉદ્ધવ ઠાકરે અને સુભાષ દેસાઈ અમારી એક્સપ્રેસ ટાવરની કચેરીમાં
આવીને મળ્યા અને વિધાનસભાની ચૂંટણી માટે શિવસેનાની ટિકિટની ઓફર કરી
·
મુંબઈના ગુજરાતીઓ માટેની એ લડતમાં એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા ઉપરાંત બહુ ઓછાં
અખબાર કે પત્રકારોએ અમને એ વેળા સમર્થન આપ્યું હતું, એમાં “ગુજરાત મિત્ર” મોખરે હતું એની નોંધ લેવી પડે
Dr.Hari Desai writes on Shiv Sena’s birth and politics of terror dominating Mumbai in Gujarat Mitra Daily’s Sunday Supplement on 13 September 2020.
શિવસેનાની સ્થાપના વર્ષ ૧૯૬૬માં ગુજરાતી અને મારવાડી
મિલમાલિકોના હિતમાં એ વેળાની મહારાષ્ટ્રની વસંતરાવ નાઈકના વડપણવાળી કોંગ્રેસ
સરકારના ઈશારે ગિરણગાંવમાં કમ્યૂનિસ્ટ કામદાર નેતાઓના પ્રભાવને સમાપ્ત કરવા માટે એ
વેળાના ગૃહમંત્રી બાળાસાહેબ દેસાઈના સહયોગથી અંગ્રેજી દૈનિક “ફ્રીપ્રેસ”માં
કાર્ટૂનિસ્ટ તરીકે નોકરી કરનારા બાળ કેશવ
ઠાકરે અને સાથીઓ થકી જ થઇ હતી. એ વખતે
ગિરણગાંવના કમ્યૂનિસ્ટ ધારાસભ્ય કૃષ્ણા દેસાઈની હત્યા થઇ અને શિવસેનાના વામનરાવ
મહાડીકની ધારાસભામાં ધમાકેદાર એન્ટ્રી થઇ ત્યારથી મહાનગર મુંબઈ પર શિવસેનાના બેતાજ
બાદશાહ તરીકે “લોકશાહીને બદલે ઠોકશાહી”માં માનતા તેમ જ હિટલરને પોતાનો આદર્શ લેખનારા બાળાસાહેબ
સ્થાપિત થઇ ગયા. ઠાકરે મરાઠી માણૂસના હિતની ચિંતા કરવાના નામે અને મરાઠી માણૂસને
નોકરીધંધામાં મદદરૂપ થઇ એમના ભગવાન ગણાવા માંડ્યા હતા. કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસનું
ઇન્દિરા ગાંધીના સુવર્ણ કાળમાં અને
૧૯૭૫-૭૭ની કાળી ઈમરજન્સીના
સમયગાળામાં પણ સમર્થન કરવાથી લઈને
૧૯૮૪થી કટ્ટર હિંદુત્વના પ્રહરી તરીકે ભાજપનું પડખું સેવતાં મુંબઈનાં
તમામ ક્ષેત્રોમાં શિવસેના રીતસર આતંકનો પર્યાય બની હતી. ઠાકરેના મરાઠી સાપ્તાહિક
“માર્મિક” અને મરાઠી દૈનિક “સામના” થકી એમની નીતિરીતિ ઝળકતી રહી. મૂળે રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘની શિવતીર્થ (દાદર) શાખાના બાળ સ્વયંસેવકમાંથી ઠાકરેએ પહેલાં “વસંત
સેના”ના નામે ઓળખાતી શિવસેનાની સેંકડો
શાખાઓના નામે મુંબઈ પર આગવી છાપ પ્રસ્થાપિત કરી હતી.
મુંબઈ મહાપાલિકામાં ભાજપ અને હાજી મસ્તાનની લઘુમતી-દલિત
સમર્થક પાર્ટીના પાંચ નગરસેવકોના ટેકે પોતાનો મેયર ચૂંટવામાં સફળ રહેલી શિવસેનાની
સુપ્રીમ નેતાગીરી વાંદરાના કલાનગરમાં આવેલા “માતોશ્રી”થી ગમે તેવા વિવાદોના ન્યાય
તોળતી અદાલતમાં રૂપાંતરિત થઇ હતી. સત્તાના રૂખને ઓળખીને જરૂર પડ્યે સ્વલાભમાં પલટી
મારવામાં એનો જોટો જડવો મુશ્કેલ. સામાન્ય રીતે ભીરુ લેખાતી વેપારી ગુજરાતી પ્રજા
માટે સલામતી કાજે ખંડણી ચૂકવીને ટંટાફસાદથી દૂર રહેવાની માનસિકતાએ શિવસેનાને બળ
અને ધન પૂરું પાડ્યું. ક્યારેક મુંબઈમાં એના બેતાજ બાદશાહ લેખાતા સ.કા.પાટીલને
પરાજિત કરીને કામદાર નેતામાંથી સાંસદ બનેલા જ્યોર્જ ફર્નાન્ડીસ અને મજબૂત મરાઠા
નેતા શરદ પવાર સાથે શિવતીર્થ પર “પ્રેક્ટિકલ સોશિયલિઝમ” (નવાકાળકાર નિળુભાઉ
ખાડીલકરે આપેલો શબ્દપ્રયોગ) ના નામે સંયુક્ત ત્રિમૂર્તિ મેળાવાનું આયોજન કરીને છાકો પાડતા કે મુંબઈ
બંધનું એલાન કરીને લોકલ ટ્રેનોના વ્યવહારને ખોરવતા શિવસેનાના દબદબા સામે ભલભલા
ઝૂકતા હતા. ક્યારેક દક્ષિણ ભારતીયો સામે લૂંગી પૂંગીના નામે જંગ છેડતા તો ક્યારેક
ઉત્તર ભારતીયો સામે જંગે એલાન કરતા બાળ ઠાકરે ભાજપ સાથે જોડાણ કર્યા પછી પણ “એમની
દાઉદ ટોળી સામે અમારી ગવળી ટોળી છોડીશું” એવું એલાન કરતા હતા.એમના પક્ષના નગરસેવક
ખીમબહાદુર થાપાની દાઉદ માટે કામ કરવાના
મહેણા સાથે જ હત્યા થઇ ત્યારે ઘણું બધું સમજાતું હતું. શિવસેનાની શહેરભરમાં ૧૪૦
કરતાં વધુ શાખાઓ સમાંતર અદાલતો બની હતી. ભલભલી ઉદ્યોગ ક્ષેત્રની હસ્તીઓએ કામદાર
સેના મારફત તથા ફિલ્મી હસ્તીઓએ શિવસેના
ચિત્રપટ શાખા મારફત વિવાદોનાં સમાધાન માટે “માતોશ્રી”ની વાટ પકડવી પડતી હતી.
વર્ષ ૧૯૯૫ના માર્ચમાં શિવસેના-ભાજપની સંયુક્ત સરકારે
મંત્રાલય પર ભગવો લહેરાવ્યો એનો મહદઅંશે યશ બાળાસાહેબ અને પ્રમોદ મહાજન વચ્ચેની
સમજૂતી અને વેવલેન્થની સમાનતાને આપવો પડે. ઠાકરેના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે
મનોહરપંત જોશી અને ભાજપના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગોપીનાથ મુંડેની સરકારનો
રીમોટ “માતોશ્રી” હતો. બાળાસાહેબના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને બીજા પુત્ર જયદેવનાં અલગ
થયેલાં પત્ની સ્મિતા ઠાકરે વચ્ચેની પેલેસ વોરમાંથીસ્મિતાની પસંદના મુખ્યમંત્રી
તરીકે નારાયણ રાણે આવ્યા. ૧૯૯૫થી ૧૯૯૯ સુધીના શિવસેના-ભાજપના શાસન પછીનાં ૧૫
વર્ષ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી
કોંગ્રેસનું શાસન રહ્યું. બાળાસાહેબના રાજકીય વારસ તરીકે એમણે ઉદ્ધવની પસંદગી કરી
અને ઉદ્યોગ સેનાવાળા ભત્રીજા રાજ ઠાકરેને
અવગણ્યો એટલે જૂના શિવસેના નેતાઓ વીખરાવા માંડ્યા. છગન ભુજબળ અને નારાયણ રાણેએ
કોંગ્રેસ-રાષ્ટ્રવાદીની રાહ પકડી અને રાજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ઊભી કરી.
ઠાકરેના નિધન પછી વિખવાદ વધ્યા છતાં ઉદ્ધવની કુનેહ તથા તેમના પુત્ર આદિત્ય ઠાકરેની વિદ્યાર્થી
સેના થકી ભાજપ સાથે અને સામે રહીને પણ સત્તા સુધી પહોંચવામાં એમને સફળતા મળી.
શિવસેના મહારાષ્ટ્રમાં બિગબ્રધર અને દેશસ્તરે ભાજપ બિગબ્રધરની જે સમજૂતી
વાજપેયી-આડવાણી યુગમાં હતી તેને મોદી-શાહ યુગમાં ઉલટાવી દેવાઈ. મહારાષ્ટ્રમાં અને
કેન્દ્રમાં પણ ભાજપ જ બિગ બ્રધર રહે એ બાબત ઠાકરે પરિવારને અસહ્ય બની અને
મહાચાણક્ય શરદ પવારની યોજના થકી અશક્ય
લાગતી શિવસેના-રાષ્ટ્રવાદી-કોંગ્રેસની સંયુક્ત સરકાર બની. સત્તાની બહાર
રહીને જવાબદારી વિના જે જોહુકમી શિવસેના
કરી શકે એ સત્તામાં આવ્યા પછી કરવા જતાં વિવાદોની વણઝાર શરૂ થવા માંડી. ખાસ કરીને
સ્વજનો સામે હોય ત્યારે આવું વધુ થાય. ભાજપ વિપક્ષમાં હોય અને કેન્દ્રમાં એની
સત્તા હોય ત્યારે દેશની આર્થિક રાજધાની પર યેન કેન પ્રકારેણ અંકુશ મેળવવા માટેની
કવાયતો થયા કરે. હમણાં બોલિવુડનું સુશાંત
સિંહ આત્મહત્યા પ્રકરણ જે રીતે ગાજ્યું એની પાછળ બિહારની આગામી વિધાનસભા ચૂંટણી માટે
માહોલ તૈયાર કરવાની ભૂમિકા સવિશેષ અનુભવાઈ. અભિનેત્રી કંગના રૈનાટ અને “સામના”ના કાર્યકારી તંત્રી અને
સાંસદ-પ્રવક્તા સંજય રાઉત વચ્ચેની “તૂતૂ
મૈં મૈં”માં “હરામખોર’ શબ્દપ્રયોગ અને મુખ્યમંત્રી ઠાકરે માટે તોછડાઈભરી ભાષા
સુધી વિવાદ પહોંચ્યો.
શિવસેના સત્તામાં છે એટલે અમુક સંયમ પાળે છે અન્યથા
ભૂતકાળમાં એણે મીડિયા જગતમાં પણ આતંક ફેલાવવાનું કામ ઓછું કર્યું નથી. બાળ ઠાકરેના અખબાર “સામના”ની ઠાકરી ભાષામાં
“હરામખોર’ શબ્દપ્રયોગ તો સામાન્ય
લેખાય છે. ભૂતકાળમાં જયારે મોરારજી દેસાઈના નિધન પછી “સામના”માં એમના માટે નરાધમ, નરપિશાચ જેવા શબ્દપ્રયોગો થતા હતા અને મુંબઈના ૩૫ લાખ
ગુજરાતીઓમાંના ખુદ્દારી અને ખુમારીનાં ઢોલ પીટતા ગુજરાતી સર્જકો અને અગ્રણીઓ ચૂપ
હતા.એ વેળા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના ગુજરાતી દૈનિક “સમકાલીન”ના તંત્રી તરીકે
અખબારના પહેલા પાને “મુંબઈ બાળ ઠાકરેની બાપીકી જાગીર નથી” એવું શીર્ષક અમે માર્યું.
બીજા જ દિવસે “સામના”માં “હરામખોર હરિ”ના શીર્ષક સાથેના પૂર્ણકદના તંત્રીલેખમાં
ધમકીઓ અપાઈ. એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા ઉપરાંત
બહુ ઓછાં અખબાર કે પત્રકારોએ અમને એ વેળા સમર્થન આપ્યું હતું, એમાં “ગુજરાત મિત્ર” મોખરે હતું એની નોંધ લેવી પડે. “સામના”ના એ
તંત્રીલેખમાં અમને તંત્રી તરીકે કાઢી
મૂકવા ચેરમેન વિવેક ગોએન્કાને ફરમાન, અન્યથા
એક્સપ્રેસ ટાવરને આગ લગાડી દેવા અને હરિને મારી નાંખવાની લિખિત ધમકી અપાયા છતાં ના
તો ગોએન્કા ઝૂક્યા, ના અમે. આવી ધમકીઓ
મીડિયા ગૃહો માટે નવી નહોતી.
નવાઈએ વાતની હતી કે એ ઘટના પછી સ્વયં ઉદ્ધવ ઠાકરે અને સુભાષ
દેસાઈ અમારી એક્સપ્રેસ ટાવરની કચેરીમાં આવીને મળ્યા હતા અને વિધાનસભાની ચાર
બેઠકોમાંથી એક પસંદ કરવા અને શિવસેનાની ટિકિટની ઓફર કરી હતી. અમારો ઉત્તર એટલો જ હતો :“મુંબઈના
ગુજરાતીઓના હિતમાં અમે લડવાના, અમારા વ્યક્તિગત
સ્વાર્થ માટે નહીં.તમારા શિવસૈનિક એવા કોઈ ગુજરાતીને તમે ટિકિટ આપજો.” ”હરામખોર
હરિ”વાળા તંત્રીલેખ પહેલાં અને એ પછી પણ
બાળાસાહેબ જીવ્યા ત્યાં લગી અમારા એમની સાથે મધુર સંબંધ રહ્યા હતા એ વાત અત્રે ખાસ
નોંધવી ઘટે. બાળાસાહેબ મૂળે પ્રેમાળ માણસ, પણ થોડા કાચા
કાનના ખરા.બાળાસાહેબ ઠાકરેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ઘણો ફરક છે. બાળ
ઠાકરેનો જે દબદબો અને પ્રભાવ પડતો એની તુલનામાં ઉદ્ધવ ઠાકરે વધુ સૌજન્યશીલ વ્યક્તિ
ગણાય.અત્યારે વાત વણશે નહીં એની કાળજી રાખવામાં મુખ્યમંત્રી ઉદ્ધવના સલાહકાર તરીકે
પવાર છે. બાળ ઠાકરેની વાત નોખી હતી. એ પોતાનો જંગ કોઈના ખભે બંદૂક રાખીને લડવાને
બદલે પોતે જ ખોંખારીને મેદાનમાં કૂદી પડતા હતા. એ દિવસો હવે ભૂતકાળ બની ગયા છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com(લખ્યા તારીખ: ૧૧
સપ્ટેમ્બર ૨૦૨૦)
No comments:
Post a Comment