ભારત વિરુદ્ધઘેરાતું રાજદ્વારી સંકટ
કારણ-રાજકારણ
: ડૉ.હરિ દેસાઈ
·
બેઠકમાંથી ડોભાલનો યોગ્ય સભાત્યાગ
·
૨૦૦૪માં સાર્ક બેઠકમાંય અટકચાળો
·
નેપાળ-પાક સાથેના સંબંધોમાં ખટાશ
હમણાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ શાંઘાઈ સહકાર સંગઠન
(એસસીઓ)ની મોસ્કોએ યોજેલી “વર્ચ્યુઅલ બેઠક”માંથી પાકિસ્તાની અટકચાળાના વિરોધમાં બહાર
નીકળી ગયા એ સમાચાર રાષ્ટ્રગૌરવની દ્રષ્ટિએ અત્યંત મહત્વના ગણી શકાય. સાથે જ આ
બાબત રાજદ્વારી (ડિપ્લોમેટિક)સંબંધોનાં દૂરગામી પરિણામોની દ્રષ્ટિએ અત્યંત ચિંતાનો વિષય પણ લેખવી પડે.કારણ ભારતને
અટૂલું પાડવાના મોટા ષડ્યંત્રનો એ ભાગ છે. બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન
ઇમરાનખાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફની પાર્શ્વભૂમાં પાકિસ્તાનના
નકશામાં જમ્મૂ-કાશ્મીર, લડાખ,જૂનાગઢ, માણાવદર અને સિરક્રીક સહિતના ભારતીય પ્રદેશને
બતાવાયાના વિરોધમાં ડોભાલ અને એમના સાથીઓએ માત્ર પાંચ જ મિનિટમાં બેઠકમાંથી નીકળી
જવાનું પસંદ કર્યું.ભારત માટે આ રાષ્ટ્રગૌરવનો પ્રશ્ન હોવો સ્વાભાવિક છે છતાં
પાકિસ્તાને એને “રાજદ્વારી વિજય” (ડિપ્લોમેટિક વિક્ટરી) લેખાવીને ઉજવણી કરી. વર્ષ
૨૦૦૧માંસ્થપાયેલા શાંઘાઈ સહકાર સંગઠનમાં ભારત અને પાકિસ્તાનને હજુ ૮-૯ જૂન ૨૦૧૭ની
અસ્તાના (કઝાકસ્તાન) ખાતેની બેઠકમાં જ
પૂર્ણ સભ્ય તરીકે માન્યતા અપાઈ ત્યારે ભારે ગાજવીજ કરાઈ હતી. અગાઉ વર્ષ
૨૦૧૬માં ઇસ્લામાબાદ ખાતે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન (દક્ષેશ-સાર્ક)ની બેઠકનો
વારો આવ્યો ત્યારથી ભારતે એનો બહિષ્કાર કર્યો અને સાર્ક સંગઠનની શિખર પરિષદો પણ ઠપ
થઇ જવાની સ્થિતિમાં છે. વર્ષ ૨૦૧૬માં ઉરી આતંકી હુમલા પાછળ પાકિસ્તાનના હાથ સામે
ભારતે વિરોધ નોંધાવ્યો હતો. એ પહેલાં તો નેપાળમાં સાર્ક શિખર પરિષદ મળી ત્યારે
પાકિસ્તાનના વડાપ્રધાન મિયાં નવાઝ શરીફ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર હાથ
મિલાવ્યા હતા, પણ વાત કરવાનું ટાળ્યું હતું. ૨૬ મે ૨૦૧૪ના રોજ નવી દિલ્હી ખાતે સાર્ક
દેશોના વડાઓને વડાપ્રધાન તરીકેના શપથવિધિમાં નિમંત્ર્યા હતા. સાર્ક સંગઠનમાં તો
ભારત મુખ્ય ખેલાડી ગણાય, પરંતુ શાંઘાઈ સહકાર સંગઠનમાં ચાવીરૂપ ભૂમિકા ચીનની રહી
છે. ચીનની તાજેતરની અવળચંડાઈ એસસીઓમાં ભારત માટે પ્રતિકૂળતા નિર્માણ કરી રહી
હોવાનું વધુ લાગે છે. તાજેતરની વર્ચ્યુઅલબેઠકમાં અધ્યક્ષ સોવિયેત રશિયાએ પણ ભારતની
પાકિસ્તાનના “ગેરકાનૂની” નકશા સામેના વિરોધ અંગે લગભગ મૂકપ્રેક્ષકની ભૂમિકા ભજવીને
પાકિસ્તાનને મોકળાશ કરી આપી એ પણ વખોડવાપાત્ર પગલું લેખાય. ભારત અમેરિકા જેવી
મહાસત્તા સાથે નિકટતા કેળવે છે ત્યારે ગિન્નાયેલા ચીન અને એના મળતિયા પાકિસ્તાન
સહિતના દેશો પોતાની આગવી ધરી રચીને નવા વિવાદો સર્જવા મેદાને પડ્યા હોય એવું વધુ
લાગે છે.
એસસીઓ-બ્રિકસનું નવસ્વરૂપ
શાંઘાઈ સહકાર સંગઠન ચીનના શાંઘાઈમાં ૧૫ જૂન ૨૦૦૧ના રોજ રચાયું અને
તેમાં કઝાકસ્તાન, ચીન, કિર્ગિઝ, રશિયા, તાજીકિસ્તાન, ઉજબેકિસ્તાન સહિતના દેશો હતા, સમયાંતરે એનો વિસ્તાર થયો અને ભારત તેમ જ પાકિસ્તાન પણ એના સભ્ય દેશો
બન્યા. રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં સહકાર સાધવા માટે રચાયેલા આ સંગઠનમાં ચીન
અને રશિયા તેમ જ યુએસએસઆર તૂટતાં અલગ થયેલા દેશોનું વર્ચસ્વ રહેવું સ્વાભાવિક છે.
ભારત અને ચીનની નિકટતાના સમયગાળામાં હોંશેહોંશે સંબંધોને ગાઢ ગણાવવામાં આવતા હતા, પણ હવે પાકિસ્તાન
ચીનનું લગભગ ખંડિયું બન્યા પછી ચીન ભારત સામે પોતાનો પ્રભાવ વિવિધ સંગઠનોમાં
વધારવાનો પ્રયાસ કરે છે. માત્ર શાંઘાઈ સહયોગ સંગઠન કે સાર્કમાં જ નહીં, બ્રિકસ દેશોના
સંગઠનમાં પણ ચીન ભારતને પ્રતિકૂળ વલણ અપનાવી રહ્યાનું અનુભવાય છે. જોકે દરેક બેઠક
અને એજન્ડામાં આવું જ બને એવું નથી; પણ ચીન પોતાના પ્રભાવ હેઠળના દેશો પાસે ભારતને પ્રતિકૂળ એવા નિર્ણયો
લેવાની સીધી નહીં તો આડકતરી કોશિશ કરે છે. તમામ સંગઠનોમાં ચીન કાં તો સભ્ય છે અથવા
નિરીક્ષક દેશ તરીકે છે અને મહત્વના સભ્ય દેશો પર દબાણ લાવવાની કોશિશ કરે જ છે. એસસીઓના
આઠ સભ્ય દેશોમાં ભારત, કઝાકસ્તાન,ચીન, કિર્ગિઝ,પાકિસ્તાન,રશિયા, તાજીકિસ્તાન અને ઉજબેકિસ્તાન એમ કુલ ૮ દેશો છે. એમાં નિરીક્ષક દેશો
તરીકે અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન અને મોંગોલિયા છે. વધુ છ દેશો સંવાદ સહયોગી દેશો છે: અઝરબૈજાન,
આર્મેનિયા, કમ્બોડિયા,નેપાળ,તુર્કી અને શ્રીલંકા. ભારતીય
રાજદ્વારી સંબંધો પશ્ચિમમાં વધુ પ્રભાવ પાડી રહ્યા હોવા છતાં યુરોપીય યુનિયન,
આફ્રિકી દેશો અને અન્યત્ર ચીનનો પ્રભાવ વધુ હોવાનું સ્વીકારવું પડે. બ્રિકસ દેશોના
સંગઠનની બેઠકોમાં પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ ભારતના પ્રતિનિધિ રહે છે.
બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફિકાના વડાઓની બેઠકમાં પણ ચીનના આજીવન રાષ્ટ્રપતિ શી
જિનપિંગ અને રશિયાના પ્રભાવી રાષ્ટ્રપતિ પુતિન ભારત માટે કેટલા અનુકૂળ રહે એ
મહત્વનો પ્રશ્ન છે. ભારત ફરતે તમામ દેશો ચીનના એક યા બીજી રીતે ઓશિયાળા હોવાને
કારણે આ દેશો સાથેના આપણા ગાઢ સંબંધોના દાવાઓ છતાં તેઓ ચીન અકળાય એવું કોઈ જ પગલું
ભરવાની સ્થિતિમાં નથી. રાજદ્વારી સંબંધોમાંમિતભાષી રહેવું અનિવાર્ય હોય છે.
દક્ષિણ એશિયાઈ દેશોનો રિમોટ
આંતરાષ્ટ્રીય મંચ પર ભારતના વધતા જતા પ્રભાવને કારણે ચીન જ નહીં અન્ય
દેશો પણ ભારતની ઈર્ષ્યા કરે એ સ્વાભાવિક છે. આવા સંજોગોમાં ભારતે પાડોશી દેશો સાથે
કથળેલા સંબંધો સુધારવાની દિશામાં નક્કર પગલાં લેવાં અનિવાર્ય છે. બટુકડા માલદીવ કે
ભૂટાનને પણ અવગણવાનું ભારતને પરવડે તેમ નથી. માલદીવ મુસ્લિમ રાષ્ટ્ર છે અને ચીનનું
મૂડીરોકાણ મોટાપાયે ત્યાં થયેલું છે એ વાત રખે ભૂલાય. ભૂટાન પણ ૨૦૦૭ની સુધારેલી
સંધિ પછી ભારતના સુરક્ષા કવચમાં નથી. એ શસ્ત્રો આયાત કરવા સહિતના મુદ્દે મોકળાશ
અનુભવે છે. સાથે જ ચીન એને તિબેટની જેમ ઓહિયાં કરી જાય એના સંતાપમાં પણ રહે છે. ભારતે
અને ખાસ કરીને ગુજરાતી અર્થશાસ્ત્રી હસમુખભાઈ (એચ.ટી.)પારેખના પ્રયાસોથી દક્ષિણ એશિયાઈ
દેશો એટલેકે ભારત, બાંગલાદેશ, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને માલદીવ એમ ૮ દેશોના દક્ષિણ એશિયાઈ
ક્ષેત્રીય સહયોગ સંગઠન (દક્ષેશ-સાર્ક)ની ૮ ડિસેમ્બર ૧૯૮૫માં ઢાકામાં સ્થાપના થઇ
હતી. અન્ય દેશોની જેમ ભારત એનું અધ્યક્ષ રહ્યું છે. સાર્ક દેશોમાં નિરીક્ષક તરીકે
ઓસ્ટ્રેલિયા, ચીન, યુરોપિયન યુનિયન, દક્ષિણ કોરિયા, જાપાન, મ્યાનમાર અને ઈરાન છે. મ્યાનમાર સાર્કમાં સભ્ય દેશ તરીકે જોડાવા
ઈચ્છે છે. ચીને પણ સભ્યપદ માટે વિનંતી કરી છે. રશિયા અને તુર્કીએ પણ નિરીક્ષક બનવા
અરજી કરી છે. દક્ષિણ આફ્રિકા પણ એની પરિષદો કે બેઠકોમાં ભાગ લે છે. અત્યારે નેપાળ
એનું અધ્યક્ષ છે. સાર્કનું મુખ્યાલય પણ નેપાળમાં જ છે. ક્યારેક ભારતનું મિત્ર અને હિંદુ રાષ્ટ્ર ગણાતું
નેપાળ હવે ચીનના ખોળે બેઠેલું છે. સાર્ક દેશોના વડાઓની ૧૮મી શિખર પરિષદ નેપાળની
રાજધાની ખાટમૌન્ડૂમાં ૨૬-૨૭ નવેમ્બર ૨૦૧૪ દરમિયાન યોજાયા પછી ૧૯મી શિખર પરિષદ
ઈસ્લામાબાદમાં ૧૫-૧૬ નવેમ્બર ૨૦૧૬ દરમિયાન યોજવાની હતી, પણ
પાકિસ્તાનપ્રેરિત ઉરી આતંકી હુમલાને પગલે ભારતે એમાં સહભાગી થવાનો ઇનકાર કર્યો.
નેપાળ સિવાયના બીજા સાર્ક દેશોએ પણ પારોઠનાં પગલાં ભર્યાં એટલે એ રદ થઇ હતી. હવે
ફરી ૨૦મી શિખર પરિષદ પણ ઈસ્લામાબાદમાં યોજવાની છે એવું અધ્યક્ષ નેપાળે જાહેર કર્યા
છતાં ભારતનો વિરોધ ચાલુ રહેતાં એ યોજાશે કે કેમ એ શંકાસ્પદ છે.
સાર્ક પરિષદમાંય વિવાદી નકશા
વર્ષ ૨૦૦૪માં૪-૬ જાન્યુઆરી દરમિયાન ૮મી શિખર પરિષદ ઈસ્લામાબાદમાં
યોજાઈ ત્યારે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ગયા હતા. એમની સાથે ગયેલા પત્રકારોને એ
વેળા પણ પાકિસ્તાનના જે નકશા કીટમાં આપવામાં આવ્યા હતા એમાં જૂનાગઢને પાકિસ્તાનમાં
બતાવ્યું હતું. જોકે એ વેળા એ અંગે કોઈ વિરોધ ભારત સરકાર તરફથી નોંધાવાયો હોવાનું
જાણમાં નથી, પણ એ હકીકતને પાકિસ્તાને પણ સ્વીકારવી પડે કે જૂનાગઢ અને માણાવદર
જમ્મૂ-કાશ્મીર, લડાખ અને સિરક્રીકની જેમ જ
ભારતનું અવિભાજ્ય અંગ છે. જમ્મૂ-કાશ્મીર અને જૂનાગઢનો વિવાદ હજુ સંયુક્ત
રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં દાયકાઓથી વિચારાધીન હોવાનો ગેરલાભપાકિસ્તાને ચીનના
ખીલે જોર કરીને લેવાનું ચાલુ રાખ્યા છતાં કશું વળે તેમ નથી. પાકિસ્તાન અને ચીને
જમ્મૂ-કાશ્મીરનો જે ભારતીય પ્રદેશ ગપચાવેલો છે એનો નિવેડો લાવવા માટે ભારત મંત્રણા
થકી ઉકેલ માટે સક્રિય થાય અને માત્ર
વાતોનાં વડાં ના થાય એ જરૂરી છે. જોકે પાકિસ્તાન આવા અટકચાળા કર્યા જ કરે છે. ગત ૪ ઓગસ્ટે
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ઉપરોક્ત ભારતીય પ્રદેશોને ગેરકાયદે પોતાના
નકશામાં બતાવીને પાકિસ્તાનના નવા નકશા જાહેર કર્યા હતા. નેપાળે પણ ભારતના ત્રણ
પ્રદેશને પોતાના નકશામાં સામેલ કર્યાનો દાવો કરી એની સંસદમાં એ નકશાને મંજૂરી
અપાવીને નવા ગેરકાનૂની નકશા જાહેર કર્યા છે. આ બધું ચીનના ખીલે નર્તન કરીને નેપાળ
અને પાકિસ્તાન કરી રહ્યાં છે. ભારતના વધતા જતા પ્રભાવથી વ્યથિત થઈને ચીન અને એના
આંગળિયાત એવા દેશો ભારતને કનડવાના અટકચાળા કર્યા કરે છે, પણ ભારત ગજગામી ઢબે
આગળ વધી રહ્યું છે. વિદેશ અને લશ્કરી બાબતોમાં રાષ્ટ્રીય સંમતિ બનાવીને દિલ્હીએ
આગેકૂચ ચાલુ રાખવાની અને આર્થિક મોરચે
મજબૂત થવાનાં પગલાં ભરવાની તાતી જરૂર છે.
તિખારો
મૌત કી ઉમ્ર ક્યા હૈ? દો પલ ભી નહીં,
જિંદગી સિલસિલા, આજ કલ કી નહીં.
મેં જી ભર જીયા, મેં મન સે મરું,
લૌટકર આઉંગા, કૂચ સે ક્યોં ડરું?
-અટલ બિહારી વાજપેયી
(લખ્યા
તારીખ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦)
No comments:
Post a Comment