દેવદર્શનમાંપણધર્મભેદ
કારણ-રાજકારણ : ડૉ.હરિદેસાઈ
·
તિરુપતિમાં ખ્રિસ્તી
મુખ્યમંત્રીનો વિવાદ
·
પુરીમાં રાષ્ટ્રપતિ કે
વડાંપ્રધાનને બંધી
·
વાયસરોય લોર્ડ કર્ઝનને ય
રોક્યા હતા
· સોમનાથમાંય વિધર્મીનું નોંધણીપત્રક
હમણાં આંધ્રપ્રદેશના પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી તિરુપતિ તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરનાં દર્શને ગયા ત્યારે દેશના સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પક્ષે જ નહીં, હજુ હમણાં સુધી આંધ્રના મુખ્યમંત્રી રહેલા નર ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએપણ ભારે ઉહાપોહ મચાવ્યો છે.તિરુપતિમાં બિન-હિંદુને પ્રવેશ અંગે ખાસ નિયમોનું પાલન કરવું પડે છે. એમણે ભગવાનમાં શ્રદ્ધા હોવાની ખાતરીના પત્રક પર હસ્તાક્ષર કરવા પડે છે. વાજપેયી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી રહેલા જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબદુલ્લા તેમનાથી વર્ષોથી અલગ રહેતાં પત્ની પાયલ અને બંને પુત્રો ઝાહીર (૨૧) અને ઝમીર (૨૩) સાથે જ નહીં; ઓમરનાં બહેન સારા સચિન પાયલટ સાથે પણ તિરુપતિ દર્શને જાય છે. જોકે અગાઉજૂન ૨૦૧૯માંરાજ્યના ખ્રિસ્તી મુખ્યમંત્રીજગન મોહન રેડ્ડી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તિરુપતિ તિરુમાલામાં દર્શને ગયા ત્યારે કોઈ વિવાદ થયાનું જાણમાં નથી. ધર્મસ્થળો અને ધાર્મિક આસ્થાસ્થાનો પોતાના નિયમોના પાલનનો આગ્રહ કરે એ સમજી શકાય છે. એનો આદર પણ કરવામાં આવે પણ રાજ્યનો મુખ્યમંત્રી કે વડાપ્રધાન કે પછી રાષ્ટ્રપતિ અમુક ધર્મ કે નાતનો હોવા માત્રથી એને મંદિરમાં દર્શનની છૂટ ના મળે એ લોકશાહી રાષ્ટ્ર અને સર્વધર્મ સમભાવમાં માનનારા આપણ દેશમાં જરા વિચિત્ર લેખાય. અગાઉ દેશનાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી જન્મે કાશ્મીરી બ્રાહ્મણ હોવા છતાં, તેમણે વૈદિક વિધિથી મૂળ ભરૂચના પારસી પરિવારના ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યાં હોવાથી,તેમને જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથનાં દર્શન કરવા જવા દેવાયાં નહોતાં. હજુ થોડા વખત પહેલાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને એમનાં ધર્મપત્ની સાથે પણ તેઓ દલિત હોવાને કારણે પુરીમાં કટુ અનુભવ થયો હતો. એ અંગે પુરીના વહીવટીતંત્રે માફી માંગી હતી. અગાઉ કેન્દ્રના લાંબો સમય મંત્રી રહેલા દલિત નેતા જગજીવન રામને પણ દર્શને જતાં રોકવામાં આવ્યા હતા, પણ પુરીના શંકરાચાર્યને વિશેષાધિકાર હોવાને કારણે એમને દર્શનનો લાભ મળ્યો હતો. જોકે બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કરાયા પછી અને એટ્રોસિટી વિરોધી કાયદાકીય જોગવાઈઓ છતાં હજુ આજે પણ દેશનાં અનેક મંદિરોમાં દલિતોને પ્રવેશ નથી મળતો એ હકીકતને નકારી શકાય તેમ નથી.
ગાંધીજી-બાબાસાહેબને
પ્રવેશબંધી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વર્ષ ૧૯૩૪માંમુસ્લિમો, ખ્રિસ્તીઓ અને દલિતો સાથે પુરીમાં જગન્નાથ મંદિરમાં જઈ રહ્યા હતા ત્યારે એમને રોકવામાં આવ્યા હતા.એ પછી ગાંધીજીએ હરિજન પદયાત્રાનું આયોજન કર્યું હતું. એ વિદિત થાય કે ત્રાવણકોર રાજ્યમાં (હવેના કેરળમાં) આવેલા વાયાકોમ મંદિર ભણી જતા રસ્તાઓ પર દલિત ચાલે તો પણઅભડાઈ જવાની માન્યતા સામે વર્ષ ૧૯૨૪માં મહાત્મા ગાંધી અને પેરિયાર રામાસામીએ કથિત સવર્ણો અભડાઈ જતા હોવાના વિરોધમાં વાયકોમ સત્યાગ્રહ આદર્યો હતો. એ પછી ત્રાવણકોર સરકારે દલિતો માટે પણ મંદિર ખુલ્લાં મૂકવાના આદેશ કર્યા હતા.જુલાઈ ૧૯૪૫માં જયારે બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર પુરી મંદિરના દર્શને ગયા ત્યારે એમને પ્રવેશતાં અટકાવાયા હતા. દલિતોના નેતા તરીકે જ નહીં, દેશ અને દુનિયામાં મહાન વ્યક્તિ તરીકે અને વાઇસરોયની કારોબારીમાં મંત્રી તરીકેનું માન-પાન ધરાવનાર ડૉ.આંબેડકર અગાઉ મહાડના ચવદાર તળાવના સત્યાગ્રહ અને નાસિકના કાલારામ મંદિરના સત્યાગ્રહ આદરી ચૂક્યા હતા. ભારતીય બંધારણના મુખ્ય સ્થપતિ તરીકે અને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે એમના યોગદાનને ઐતિહાસિક લેખવામાં આવે છે. પુરી મંદિરમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર, વિનોબા ભાવે, સંત કબીર, ગુરુ નાનક જ નહીં, બ્રિટિશ વાઇસરોય લોર્ડ કર્ઝનને પણ પ્રવેશ નકારાયો હતો.થાઈ રાજકુમારી જન્મે બૌદ્ધ હોવાને કારણે કે ઓડિશાના ગાંધીવાદી મુખ્યમંત્રી બિશ્વનાથ દાસ ગરીબ અને કચડાયેલાઓને મંદિરમાં પ્રવેશ આપવાના આગ્રહી હોવાને કારણે પુરી મંદિર પ્રવેશથી વંચિત રહ્યા હતા. મહાત્મા ગાંધીએ પુરીમાં જગન્નાથનાં દર્શને ગયેલાં કસ્તુરબા અને પોતાના સચિવ મહાદેવ દેસાઈનો ઉધડો લીધો હતો અને પ્રશ્ન કર્યો હતો કે જે મંદિરમાં હરિજનોને પ્રવેશ નથી ત્યાં તમે કઈ રીતે જઈ શકો?
સર્વધર્મીઓનું સોમનાથ
મંદિર
ગુજરાતી અસ્મિતાના પ્રણેતા અને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાના આગ્રહી એવા ક.મા.મુનશી થકી તૈયાર કરાયેલા અને સરદાર વલ્લભભાઈ પટેલે મંજૂર કરેલા શ્રી સોમનાથ ટ્રસ્ટના બંધારણમાં તમામ ધર્મના કે નાતજાતના લોકો માટે આ મંદિર ખુલ્લું રહેશે એવી જોગવાઈ હોવા છતાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ મંદિરનાં દર્શને આવનારા બિન-હિંદુઓ માટે અલગ નોંધણી કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણી વખતે પક્ષના વરિષ્ઠ નેતા અહમદ પટેલ સાથે સોમનાથ મહાદેવનાં દર્શને આવ્યા ત્યારે રાહુલ અને અહમદભાઈનાં નામ મનોજ ત્યાગી કરીને તેમના મીડિયા સંયોજકે બિન-હિંદુ તરીકે નોંધણી પત્રકમાં નોંધ્યાનો હોબાળો ભાજપ થકી મચાવીને પોતાને જનોઈધારી બ્રાહ્મણ લેખાવતા રાહુલ હિંદુ નહીં હોવાનો પ્રજામાં સંદેશ આપવાનો પ્રયાસ થયો હતો. નવાઈ એ વાતની છે કે ઇન્દિરાજીના મોટા પુત્ર રાજીવ તથા પુત્રવધૂ સોનિયા ગાંધીના પુત્ર રાહુલને બિન-હિંદુ ગણાવવાના પ્રયાસ થાય છે, જયારે ઇન્દિરાજીના નાના પુત્ર સંજય અને પુત્રવધૂ મેનકા ગાંધીના પુત્ર ફિરોઝવરુણગાંધી (ચૂંટણી પંચમાં એમનાં સોગંદનામાં આ જ નામે છે!)ને હિંદુ ગણાવવાના પ્રયાસ થાય છે! એ સર્વવિદિત છે કે સોનિયા અને રાહુલ કોંગ્રેસનાં સાંસદ છે, જયારે મેનકા અને ફિરોઝવરુણ ભાજપી સાંસદ છે. પંડિત જવાહરલાલ નેહરુનું ચરિત્રહનન થતું જોઇને ક્યારેક ફિરોઝવરુણ ગાંધી અકળાઈને પોતાના પૂર્વજ પંડિત નેહરુના આઝાદીની ચળવળમાં યોગદાન અને ૧૧ વર્ષ લગી બ્રિટિશ શાસનની જેલમાં રહ્યાનો ઉલ્લેખ કરવાનું ચૂકતા નથી. કમનસીબે હવેના રાજકારણનું સ્તર એટલી હદે કથળી ગયું છે કે છૂટ્ટા મોઢાના નેતાઓને સંસદીય ગરિમા જાળવવાને બદલે કમરપટ્ટા નીચે વાર કરવાની ફાવટ વધુ છે.
ટીટીડીના ચેરમેન જ ખ્રિસ્તી
તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ (ટીટીડી) દેશમાં સૌથી સમૃદ્ધ કહી શકાય એવું જાહેર ટ્રસ્ટ હેઠળના તીર્થનું સંચાલન કરે છે. આંધ્રપ્રદેશની સરકાર એના ચેરમેન અને ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે. તિરુપતિ ક્ષેત્રમાં બિન-હિંદુઓને પ્રવેશ ના અપાય એવી ભૂમિકા સાથે અહીંના કેટલાક ડુંગરો ખ્રિસ્તી મિશનરીઓને હવાલે કરાયાની ફરિયાદ અને આંદોલન સંઘ પરિવાર કરતો રહ્યો છે. આંધ્રમાં તો સંઘ પરિવારનાં સંગઠનો મંદિરો પરના સરકારી કબજાની વિરુદ્ધ પણ જંગ છેડે છે. જોકે ગુજરાત સહિત અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં આવી ભૂમિકા અપનાવાતી નથી. અગાઉ કોંગ્રેસી નેતા અને આંધ્રના મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડી સામે પણ તેઓ ખ્રિસ્તી હોવાથી ખ્રિસ્તી મિશનરીઓ માટે કૂણું વલણ ધરાવતા હોવાના આક્ષેપો સાથે આવો વિરોધ થયો હતો, પણ એ આજના જેવો ઉગ્ર નહોતો. રાજશેખરપુત્ર જગન રેડ્ડી સામે સત્તા ગુમાવનાર ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ અને સત્તાકાંક્ષી ભાજપની નેતાગીરી હવે હિંદુ મતબેંકને રાજી કરવાના મુદ્દે દેખાવો અને ધરણાં કરે છે. વધુ મહત્વની વાત તો એ છે કે હિંદુ તીર્થ તિરુપતિની સૂત્રધાર સંસ્થા ટીટીડીના અધ્યક્ષ તરીકે જગનના સગ્ગા કાકા અને પૂર્વ સાંસદ વાય.વી.સુબ્બા રેડ્ડીને નિયુક્ત કરવામાં આવ્યા છે. એ ખ્રિસ્તી છે અને સપરિવાર તિરુપતિ દર્શને જાય ત્યારે પણ ભારે હોબાળો મચે છે. ટીટીડી બોર્ડની માર્ગદર્શિકામાં ૧૬૩મો નિયમ દર્શાવે છે કે બિન-હિંદુ અહીં દર્શને આવે તો એણે એક અરજીપત્રક ભરવાનું હોય છે. એમાં એણે પોતાનો ધર્મ સ્પષ્ટ કરવાનો હોય છે. ઓછામાં પૂરું વર્ષ ૨૦૧૪માં કેન્દ્ર સરકારે જે મેમો જાહેર કર્યો છે એ મુજબ, કોઈ વ્યક્તિના નામ કે અટકથી તે બિન-હિંદુ લાગે તો તેને અહીંના સત્તાવાળા પેલું ફોર્મ ભરવાનું ફરમાવી શકે. હવે રોજના ૪૦,૦૦૦ જેટલા દર્શનાર્થી અહીં આવતા હોય ત્યારે આ ઓળખ મેળવવાનું કામ મુશ્કેલ બને છે. વળી, રાજ્યના મુખ્યમંત્રી અને ટીટીડીના ચેરમેન પોતે જ જ્યાં બિન-હિંદુ હોવા છતાં આવું ફોર્મ ભરતા નથી; પછી અન્યોને કેમ કરીને આ માટે ફરજ પડી શકાય? વર્ષ ૨૦૧૮માંપોતાની પ્રજા સંકલ્પ યાત્રા દરમિયાન એટલે કે જયારે ચન્દ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી હતા ત્યારે જગન રેડ્ડી તિરુપતિના દર્શને આવ્યા હતા એટલું જ નહીં, એ જ વર્ષમાં શ્રીલંકાના બૌદ્ધ રાજકીય નેતાઓ પણ અહીં દર્શને આવ્યા ત્યારે આવાં કોઈ અરજીપત્રકો ભરાવાયાં નહોતાં.જોકે હવે આ મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો છે, એમાં ધર્મ ઓછો અને રાજકારણ વધુ છે.
તિખારો
મસ્તક ઊંચા કિયે, જાતિ કા
નામ લિયે ચલતે હો,
પર, અધર્મમય શોષણ કે બલ સે
સુખ મેં પલતે હો.
અધમ જાતિયોં સે થર-થર
કાંપતે તુમ્હારે પ્રાણ,
છલ સે માંગ લિયા કરતે હો અંગૂઠે કા દાન.
-
રામધારી સિંહ ‘દિનકર’ (લખ્યા
તારીખ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦)
No comments:
Post a Comment