કોરોનાસંકટમાં દલા તરવાડી રાજનેતાઓ થકી સ્વૈચ્છિક પગારકાપ
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
·
પ્રજાએ વિચારવાનું છોડી
દીધું છે: એ તો સુફિયાણી સલાહ આપશે કે મહાસંકટ ટાણે આવી વાત કરાતી હશે!
·
સરદાર પટેલનું નામ
વટાવનારા રાજનેતાઓ એમના આદર્શોનું ચોગળું આચરણ કરી બતાવે એટલી અપેક્ષા
·
તેલંગણ અને
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી-મંત્રીઓ અને અધિકારીઓએ સ્વૈચ્છિક પગારકાપ અમલી કરી
બતાવ્યો
·
સ્વૈચ્છિક પગારકાપના
આગ્રહી વલ્લભભાઈના નિધન પછી ય શાસકો-અધિકારીઓએ એનો અમલ કર્યો હતો
પ્રદેશ, ગરીબ-તવંગર કે ધર્મ કે પછી નાતજાતના ભેદ વિના સમગ્ર વિશ્વને ભરડામાં
લઇ રહેલા કોરોના વાયરસ (કોવિડ ૧૯)એ આતંક મચાવીને લાખો લોકોને પોતાના રાક્ષસી
પંજામાં લઇ લીધા છે. આવા મહાસંકટના સમયે એકબાજુ,
માનવતાની સરવાણીઓ પણ દેખા દે છે અને બીજીબાજુ, એ મુદ્દે આંતરરાષ્ટ્રીયથી લઈને સ્થાનિક મંચ પર
એકમેક પર દોષારોપણ કરવાનાં કે રાજકારણ ખેલવાનાં વરવાં દ્રશ્યો પણ દેખા દે છે. સામાન્ય
રીતે જે રાજનેતાઓ પર ભ્રષ્ટાચાર અને દુરાચારના આરોપ થતા હોય છે એ આવા માહોલમાં
દાનશૂર બનેલા જોવા મળે છે. જોકે મૂળે તો પ્રજાની સેવા સાટે મેવા બાબત દલા તરવાડીની
ભૂમિકામાં કાયમ જોવા મળતા સત્તાપક્ષ કે વિપક્ષના રાજનેતાઓ અત્યારે પોતાના સાંસદ કે
ધારાસભ્ય નિધિમાંથી લાખો અને કરોડો રૂપિયા ફાળવવાનાં નિવેદનો કરીને પુણ્ય કમાઈ
લેવાની સ્પર્ધામાં જોવા મળે છે. દલા તરવાડીની કથા યાદ છેને? કોઈકની વાડીએથી (અહીં
પ્રજાની વાડી સમજવી) રીંગણાં ચોરનારા દલા તરવાડી ચોરીમાં પણ સ્વાવલંબી છે. પોતાને
જ પ્રશ્ન કરે છે કે રીંગણાં લઉં બે-ચાર? અને ઉત્તર પણ પોતે જ વાળે છે : “લેને
દસ-બાર.” સાંસદો કે ધારાસભ્યો લાખો અને કરોડોમાં આ “રીંગણાં” સત્તાવાર રીતે
પોતાનાં ખિસ્સાંમાં સેરવે છે. પ્રજાના ચૂંટાયેલા “સેવકો” પોતે મહિને કેટલો “પગાર”
લેવો અને કેટલાં ભથ્થાં લેવાં એ પણ પોતે જ ધારાગૃહોમાં સર્વાનુમતે નક્કી કરે છે!
આવા પ્રજાના સેવકો કોરોનાગ્રસ્ત પ્રજાની
વહારે ધાવા માટે પોતાના મહિનાના “પગાર”ની રકમ દાન કરીને કવચકુંડળ દાનમાં આપનારા
મહાપુરુષ કર્ણની શ્રેણીમાં પોતાનું નામ
નોંધાવવા આતુર જોવા મળે છે.
દાન પણ પ્રજાના પૈસે
નવાઈ એ વાતની છે કે ખરા અર્થમાં દાનવીર ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીની જેમ પોતાની અંગત કમાણીમાંથી ૧૨૦૦ કરોડ રૂપિયા ભલે આ રાજકીય દાનશૂરો ના આપે,
પણ પ્રજાની સેવા સાટે જે મેવા દલા તરવાડી સ્વરૂપે લઇ રહ્યા છે અને જે પ્રજાની
પરસેવાની કમાણીમાંથી જ કમાય છે એ મસમોટા પગાર અને એનાથીય મોટી રકમનાં ભથ્થાંની
કમાણીમાંથી દાન કરી પોતે દાનેશ્વરી કર્ણ બનવા નીકળી પડ્યા હોય ત્યારે એ ખટકવું
સ્વાભાવિક છે. કોઈ પોતાના પરસેવાની કમાણીમાંથી થોડા રૂપિયા દાન કરે કે શાળાનો
વિદ્યાર્થી પોતાના પોકેટમનીમાંથી એકાદ રૂપિયાનું પણ દાન કરે તો એનું મહાત્મ્ય આ
ભૂખડીબારસ રાજનેતાઓના દાન કરતાં વધુ છે. પ્રજાએ તો વિચારવાનું છોડી દીધું છે એટલું
જ નહીં ઉલટાનું આવા મહાસંકટ ટાણે આવી વાત વળી કરાતી હશે, એવી સુફિયાણી સલાહ આપવા
બેસી જવાની. અને છતાં સાચી વાત કહેવાની ત્રેવડ કમસે કમ અમારા જેવાએ તો રાખવી પડશે,
જેથી પ્રજાની સામે ઓઝલ થતાં સત્યોનાં દર્શન થાય.
સ્તુત્યકૃત્યને ભાજપે વખોડ્યું
તેલંગણ રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ તો સામાન્ય રીતે
પ્રજાના પૈસે ધાર્મિક સંસ્થાનોમાં કરોડોના ખર્ચે હોમ-હવન અને દાન-ધરમ કરવા માટે
જાણીતા છે, પરંતુ કોરોનાસંકટ ટાણે એમણે અને તેમના મંત્રીમંડળના સભ્યો જ નહીં, બોર્ડ-નિગમ
અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વડાઓએ પણ ૭૫ % પગારકાપ સ્વીકારીને એ સઘળી રકમ
મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવીને કોરોના સંકટગ્રસ્તોના લાભાર્થે ખર્ચવાનો
નિર્ણય કર્યો છે. ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ
કેસીઆરે આ નિર્ણયની જાહેરાત કરી ત્યારે રાજધાની હૈદરાબાદ સહિત રાજ્યના દસ જિલ્લામાં
કુલ ૬૧ લોકો કોરોનાગ્રસ્ત હતા અને બે વ્યક્તિનું આ ચેપથી મૃત્યુ થયાનું જાહેર
થયેલું હતું.૩ એપ્રિલ ૨૦૨૦ના રોજ રાજ્યમાં કુલ ૨૨૯ જણને કોરોનાની અસર હતી, ૩૨ જણા
સાજા થઇ ઘરે ગયા અને મૃત્યુનો આંક ૧૧નો હતો. કેસીઆર પોતાના પક્ષ તેલંગણ રાષ્ટ્ર
સમિતિના સુપ્રીમો છે અને આંધ્રમાંથી અલગ તેલંગણ રાજ્ય મેળવાની ઝુંબેશના એ પ્રણેતા
રહ્યા છે. એમના પ્રધાનો નહીં, ધારાસભ્યો, બોર્ડ-નિગમના અધ્યક્ષો અને સ્થાનિક
સ્વરાજની સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ૭૫ % પગારકાપ સ્વેચ્છાએ સ્વીકારી ચૂક્યા છે.અખિલ
ભારતીય સેવાના આઇએએસ, આઈપીએસ જેવી કેડરના અધિકારીઓએ ૬૦ % પગારકાપ સ્વીકાર્યો છે. રાજ્ય
સરકારના બીજા અધિકારીઓએ ૫૦ % અને ચોથા વર્ગના કર્મચારીઓએ ૧૦ % પગારકાપ સ્વેચ્છાએ
સ્વીકાર્યો છે. ચોથા વર્ગના નિવૃત્ત કર્મચારીઓ પેન્શનમાં ૧૦ % કાપ અને બીજા
નિવૃત્ત અધિકારી –કર્મચારીઓએ પેન્શનમાં ૫૦ % કાપ કબૂલ્યો છે. જાહેર ક્ષેત્રના
એકમોના અન્ય તમામ કર્મચારીઓએ ૫૦ % સ્વૈચ્છિક પગારકાપ સ્વીકાર્યો છે. નવાઈ તો એ
વાતની છે કે તેલંગણ ભાજપે સત્તાવાર નિવેદન બહાર પાડીને બિરદાવવા જેવા સ્વૈચ્છિક
પગારકાપના પગલાને “ઉતાવળિયું” ગણાવીને વખોડવાનું પસંદ કર્યું છે! ભાજપનું નિવેદન
કહે છે: “આ અંતિમવાદી (એક્સ્ટ્રીમ) અને અસમર્થનીય કે અનુચિત ( અન્વોરંટેડ) પગલું
છે.” કોરોનાસંકટ સામે લડવા માટે મહારાષ્ટ્રની શિવસેના-રાષ્ટ્રવાદી-કોંગ્રેસ સરકારે
કર્મચારી-અધિકારી સંગઠનો સાથે મંત્રણા કરીને સ્વેચ્છાએ પગારકાપ અમલમાં લાવવાનો
નિર્ણય કરવા ઉપરાંત એ અંગે સરકારી પરિપત્ર પણ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને
નાણાંમંત્રી અજિત પવારે ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ જાહેર કર્યું હતું કે મુખ્યમંત્રી
ઉદ્ધવ ઠાકરે અને તમામ સાથી મંત્રીઓ અને ધારાસભ્યો તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના
વડાઓ સહિતનાઓ સ્વેચ્છાએ માર્ચ મહિનાના પગારમાં
૬૦ %નો પગારકાપ સ્વીકારશે. પ્રથમ અને દ્વિતીય વર્ગના અધિકારીઓ ૫૦ % પગારકાપ
સ્વીકારશે, ત્રીજા વર્ગના કર્મચારીઓ ૨૫ % પગારકાપ કબૂલે છે અને બાકીના કર્મચારીઓનો
કોઈ પગારકાપ નહીં રહે.
સરદાર પટેલે પાડેલી પરંપરા
કોરોનાસંકટ કે અન્ય રાષ્ટ્રીય કે રાજ્યની આપત્તિ વખતે સાંસદો કે ધારાસભ્યો એક
મહિનાનો પગાર દાન કરવાની કે પોતાના સાંસદ નિધિ કે ધારાસભ્ય નિધિમાંથી કરોડો
ફાળવીને વાહવાહી લૂંટવાની કોશિશ કરે છે. હકીકતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ૧૯૩૭ના
ગાળામાં બનેલી કોંગ્રેસની પ્રાંતિક સરકારોના મંત્રીઓએ મહિને રૂપિયા ૫૦૦ લેવા જોઈએ,એવું
સૂચવ્યું હતું; જેથી તેમના મહેમાનો સહિતના ખર્ચને પહોંચી વળાય. સરદાર પટેલને આ રકમ
ઓછી લાગી હતી એટલે એમણે મહિને ૧,૫૦૦ રૂપિયાનો આગ્રહ સેવ્યો હતો. જોકે એ જમાનો
સાદગી અને સોંઘવારીનો હતો. આઝાદી વખતે
રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મહિને રૂપિયા ૧૦,૦૦૦ “પગાર” લેતા હતા.
વડાપ્રધાન પંડિત નેહરુ અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલ સહિતના કેન્દ્રીય મંત્રી
૩,૦૦૦ રૂપિયા લેતા હતા. નાયબ મંત્રી મહિને માત્ર ૨,૦૦૦ રૂપિયાનો પગાર લેતા હતા. રાજ્યોના
મુખ્યમંત્રી મહિને માત્ર ૧,૫૦૦ રૂપિયાનો પગાર લેતા હતા. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ
એચ,જે, કણિયાનો પગાર મહિને ૭,૦૦૦ રૂપિયા
હતો.રાજ્યોના રાજયપાલોનો પગાર મહિને ૫,૫૦૦ રૂપિયા હતો. એ વેળા દેશની
આર્થિક સ્થિતિ નબળી હોવાથી ગૃહમંત્રી
સરદાર પટેલે સ્વૈચ્છિક પગારકાપની
દરખાસ્ત મૂકી હતી. રાષ્ટ્રપતિએ મહિને ૧,૫૦૦ રૂપિયાનો પગારકાપ સ્વીકાર્યો હતો.
નેહરુ-સરદારે મહિને ૪૫૦ રૂપિયા, જામસાહેબ અને ધ્રાંગધ્રાના મહારાજા મયૂરધ્વજ
સિંહજી જેવા રાજપ્રમુખોએ મહિને ૭૭૦ રૂપિયા અને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ
મદ્રાસના રાજ્યપાલ તરીકે રૂપિયા ૫,૦૦૦ના પગારમાંથી ૮૫૦ રૂપિયા અને મુંબઈના
રાજ્યપાલ રાજા મહારાજ સિંહે ૫,૫૦૦ રૂપિયાના પગારમાંથી ૧,૧૦૦ રૂપિયાનો પગારકાપ
કબૂલ્યાનું રાષ્ટ્રીય અભિલેખાગાર (નેશનલ આર્કાઈવ્ઝ)ના દસ્તાવેજોમાં આ લેખકના
અભ્યાસમાં આવ્યું હતું. ઉત્તર પ્રાંતના મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંતના મહિને
૧,૫૦૦ રૂપિયાના પગારમાંથી તેમણે ૧૮૭ રૂપિયાનો પગારકાપ સ્વીકાર્યો હતો. મુંબઈ
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એમ.સી.ચાગલાએ ૫,૦૦૦ રૂપિયાના માસિક પગારમાંથી ૭૫૦
રૂપિયાનો પગારકાપ સ્વીકાર્યો હતો. સરદારના નિધન પછી ચક્રવર્તી રાજગોપાલાચારી
(રાજાજી) દેશના ગૃહમંત્રી થયા ત્યારે સરદારના પ્રસ્તાવનો અમલ ચાલુ રખાયો હતો. જોકે
એ વેળા કેટલાક અંગ્રેજ અધિકારીઓએ આ પગારકાપ સ્વીકાર્યો નહોતો જયારે
જમ્મૂ-કાશ્મીરના પ્રીમિયર શેખ અબદુલ્લાહ અને એમના મંત્રીઓએ ૧૦%થી ૨૦% સુધીનો
પગારકાપ કબૂલ્યો હતો.
આજે લાખોમાં પગાર-ભથ્થાં
આઝાદીના સમય પછી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર લેખવાનું વલણ વધતું ચાલ્યું અને આજે
તો ફાટફાટ થતા ભ્રષ્ટાચાર છતાં ચૂંટાયેલા દલા તરવાડીઓ પોતાના પગાર અને ભથ્થાંની
તેમ જ અન્ય સાહ્યબીઓની જોગવાઈઓ ધારાસભામાં સર્વાનુમતે કરતા રહીને લાખોમાં કમાય છે
અને બીજી મફતની સગવડો મેળવે એ તો છોગામાં. રાષ્ટ્રપતિ આજે મહિને ૫૦૦,૦૦૦ રૂપિયાનો
પગાર લે છે. ઉપરાષ્ટ્રપતિ ૪૦૦,૦૦૦ રૂપિયા અને વડાપ્રધાન મહિને ૨૦૦,૦૦૦ રૂપિયા તથા
દેશના મુખ્ય ન્યાયાધીશ મહિને ૨૮૦,૦૦૦ રૂપિયા પગાર મેળવે છે. મુખ્યમંત્રીઓમાં સૌથી
વધુ પગાર તેલંગણના મુખ્યમંત્રીનો મહિને ૪૧૦,૦૦૦ રૂપિયા છે. તેલંગણના ધારાસભ્યોને
મહિને પગાર તરીકે ૨૦,૦૦૦ રૂપિયા બતાવે છે, પણ મતવિસ્તાર ભથ્થા પેટે મહિને ૨૩૦,૦૦૦
રૂપિયા આપવા સાથે મહિને ૨૫,૦૦૦ રૂપિયાનું
આવાસ ભથ્થું ઉપરાંત અનેક મફત સુવિધાઓ મળે છે. તેલંગણ પછીના ક્રમે દિલ્હીના મુખ્યમંત્રીનો પગાર મહિને ૩૯૦,૦૦૦
રૂપિયા. ગુજરાતના મુખ્યમંત્રી મહિને ૩૨૧,૦૦૦ રૂપિયા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી
મહિને ૩૪૦,૦૦૦ રૂપિયા લે છે. નાગાલેન્ડના મુખ્યમંત્રી સૌથી ઓછો એટલે કે મહિને
૧૧૦,૦૦૦ રૂપિયા પગાર લે છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી મહિને ૩૩૫,૦૦૦ રૂપિયા લે
છે. આ બધા ઉપરાંત બંગલા, ગાડીઓ, મફત સુવિધાઓ અને ફાટફાટ થતાં ભથ્થાં તો ખરાં જ.
અને આમ છતાં પગારકાપ સ્વીકારવા આગળ આવવામાં પણ ઘણાને સંકોચ છે.
તિખારો
બુદ્ધિઓ કબરોમાં ખૂંપી ગઈ બધી, વૈભવો સૌ ધૂળધાણી થઇ ગયા,
કેટલાં સોહામણાં નાજુક શરીર; મોતની જાણે ઉજાણી થઇ ગયાં.
ઓ જગતના તારકો ઉદ્ધારકો, કૈંક વિચારો કે આ
કોનું પાપ છે,
ફેરવી નાંખો મલીન જીવનપ્રવાહ; લેશ પણ હૈયે જો પશ્ચાતાપ છે.
આપણે માનવ મટી દાનવ થયા, ઘોર ખોદી ત્યારના વ્યવહારની,
આ તબાહીને તબાહી ના ગણો; મૂક ચેતવણી છે સર્જનહારની.
- મુસાફિર પાલનપુરી
(“ચેતવણી: વિશ્વવ્યાપી વિનાશકારી કોરોના
૨૦૨૦”: પાલણપુરનિવાસી શાયરે આ લેખકને દૂરભાષ પર ૩ એપ્રિલ ૨૦૨૦ના રોજ સંભળાવેલી તાજી કૃતિની આછેરી ઝલક)
No comments:
Post a Comment