સંસ્કૃત, ઇસ્લામ અને કુરાન
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
• પંડિત ગુલામ બિરાજદારની સંસ્કૃતસેવા
• સંસ્કૃતનું વ્યાકરણ એક પઠાણે લખ્યું હતું
• સંસ્કૃતમાં કુ+રાન એટલે પૃથ્વી+ઘોષણા
• સંસ્કૃતનું વ્યાકરણ એક પઠાણે લખ્યું હતું
• સંસ્કૃતમાં કુ+રાન એટલે પૃથ્વી+ઘોષણા
સંસ્કૃત હિંદુઓની ભાષા અને ઉર્દૂ
મુસ્લિમોની ભાષા ગણાવવાના રાજકારણથી પર એવા ૮૬ વર્ષના મુંબઈનિવાસી ઓલિયા સંસ્કૃતપંડિત
ગુલામ દસ્તગીર બિરાજદાર ૧૩ માર્ચ ૨૦૨૦ના રોજ વરળીની દરગાહમાંના પોતાના નિવાસસ્થાનેથી
અમને કહે છે : “ભાષાને કોઈ ધર્મ નથી હોતો. મારી માતૃભાષા ભલે મરાઠી હોય, સંસ્કૃત પણ મારી જ
ભાષા છે. પવિત્ર કુરાન શબ્દ પણ સંસ્કૃતનો
છે. કુ+રાન એટલે કે પૃથ્વી + ઘોષણા. અલ્લાહને ઘોષણા કી, પયગંબર ને સુન લી ઔર હમેં
સુનાયી.” બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ)માં મુસ્લિમ સંસ્કૃત અધ્યાપકની નિમણૂકે
ઉહાપોહ મચાવ્યો અને રાજસ્થાનના એ અધ્યાપકે પાછા હટી જવું પડ્યું. કેરળ યુનિવર્સિટીમાં
દર વર્ષે સંસ્કૃતમાં સ્નાતક તરીકે કોઈ એક મુસ્લિમ કન્યા પ્રથમ ક્રમે આવે છે. પંડિતજીએ પવિત્ર કુરાનનો સંસ્કૃતમાં અનુવાદ
કર્યો છે અને એ છપાઈ રહ્યો છે. એમણે મૌલાનાઓ અને પંડિતો બંને પક્ષને માન્ય એવો
અનુવાદ પ્રકાશિત કરવાનું બીડું ઝડપ્યું હતું. એકાદ વર્ષમાં એ કામ પૂરું થવાની એમની
ધારણા છે.
થોડા વખત પહેલાં શંભાજીનગર
(ઔરંગાબાદ)માં રાષ્ટ્રીય વૈદિક સંમેલન મળ્યું.દેશભરના વિદ્વાનો અને રાજનેતાઓ એમાં
સહભાગી થયા, પણ ૧૯થી ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાનના આ સંમેલનમાં મુખ્ય
અતિથિ તરીકે ઉપસ્થિત પંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર સૌનું આકર્ષણનું કેન્દ્ર
બન્યા.મુંબઈમાં અમારા દાયકાઓના નિવાસ દરમિયાન સંસ્કૃતના આ મહાપંડિત સાથે અંતરંગ
સંબંધ રહ્યો, પણ છેલ્લાં વર્ષોમાં એમનો સંપર્ક તૂટી ગયો હતો.સામાન્ય
રિક્ષાવાળો પણ સમજી શકે એવી સાદી, સરળ
અને દંભ વગરની સંસ્કૃત ભાષામાં બોલતા પંડિતજીને સંભાળવા એ લ્હાવો ગણાય.પંડિતજી
એટલે સાવ સાદી વ્યક્તિ.પંડિતાઈનો ભાર લઈને ફરનારા સંસ્કૃતના પંડિતોથી સાવ નોખા પડે
એવા સોલાપુરી ટોપી અને લેંઘા-ઝભ્ભામાં કાયમ મળે. પંડિતજીને સંસ્કૃતપ્રેમી સદગત
વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ સંસ્કૃતના રાષ્ટ્રીય પ્રચારક નિયુક્ત કરેલા,આઈએએસ
અને આઈપીએસ અધિકારીઓ માટે પ્રત્યેક રાજ્યમાં એમનાં વ્યાખ્યાનો યોજાય.કાશીના વિશ્વ
સંસ્કૃત પ્રતિષ્ઠાનના એ મહાસચિવ અને સંસ્કૃત પત્રિકાના સંપાદક પણ રહ્યા.
કાશીનરેશને
એમના માટે વિશેષ અનુરાગ.મુંબઈમાં પોદાર હોસ્પિટલ સામેની ટેકરી પર જતી સીડીઓ ચડીને ટોચ પર આવેલી મઝાર પર પહોંચો એટલે પંડિતજીનું નિવાસસ્થાન મળે.
કાશીનરેશ એમને મળવા એમના નિવાસસ્થાને પધારે.આવું સાદુંસીધું વ્યક્તિત્વ આજે ૮૫ વર્ષની
ઉંમરે પણ સંસ્કૃતની સેવામાં લાગ્યું છે.ઇનામ-અકરામની પરવા કર્યા વિના, વિદેશોમાં એમનાં વ્યાખ્યાનો ગોઠવવાની ભલામણો મેળવ્યા વિના, માત્ર પોતે જ નહીં, સમગ્રપણે બિરાજદાર પરિવાર સંસ્કૃતની સેવામાં આજે પણ સક્રિય છે. નાણાં ભેગાં કર્યાં નથી, પણ
મરાઠી, હિંદી, સંસ્કૃત,અરબી, ફારસી અને અંગ્રેજીના અભ્યાસ થકી સનાતન (હિંદુ) ધર્મ અને ઇસ્લામના પવિત્રગ્રંથોના અભ્યાસ પછી પંડિતજી એવા તારણ પર જરૂર આવ્યા છે કે “વેદો અને કુરાનનો એક જ સંદેશ છે- માનવજાતનું કલ્યાણ”. એમના પરિવારમાં નિકાહ પઢવાનો શુભ પ્રસંગ આવે ત્યારે લગ્નની કંકોતરીઓ પણ સંસ્કૃતમાં છાપવાની પરંપરા એમનાં સંતાનોનાં સંતાનોનાં લગ્ન વખતે પણ જળવાઈ છે. હજુ ૮ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ એમની ડેન્ટલ સર્જન પૌત્રી ડૉ.સમીનનાં ડેન્ટલ સર્જન ડૉ.મુહંમદ ઝમીર રઝવી સાથે લગ્ન લેવાયાં, ત્યારે પણ કંકોતરી તો અન્ય ભાષાઓની સાથે સંસ્કૃતમાં જરૂર લખાઈ એટલુંજ નહીં, એમાં સંસ્કૃતમાં પવિત્ર વેદની ઋચા પણ સામેલ હતી જ ! પંડિતજીના પરિવારમાં એમનાં ૮૧ વર્ષીય
પત્ની વહીદા બિરાજદાર અને પુત્ર બદીઉજ્જમા તથા બે પરિણીત દીકરીઓ ગ્યાસુનિસ્સા અને કમરુનિસ્સા તેમજ ત્રીજી પેઢીનો વિશાળ પરિવાર છે.પુત્ર સંસ્કૃતના વિદ્વાન છે, પણ
રેશનની દુકાન ચલાવે છે. ગ્યાસુનિસ્સા અક્કલકોટ રહે છે અને સંસ્કૃતની સેવા કરે છે.નાની દીકરી કમરુનિસ્સા પોતાના પતિ અને નિવૃત્ત એસીપી ગફુર પાટીલ સાથે ઔરંગાબાદ રહે છે.
કમારુનિસ્સાનો ઇજનેર દીકરો દાનીશ શેખ પંડિતજી સાથે મુંબઈમાં રહીને એમના સંસ્કૃતવિષયક કામમાં મદદ કરે છે.
બંધારણના મુખ્ય રચયિતા બાબાસાહેબ
ડૉ.ભીમરાવ આંબેડકર સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાના પક્ષધર હતા. એમની સાથે બંધારણ
સભાના જે દસેક સભ્યોએ સંસ્કૃતની દરખાસ્ત કરી હતી એમાં મુસ્લિમો અને દક્ષિણ ભારતીય
સભ્યો હતા. કમનસીબે સંસ્કૃત રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારાઈ નહીં.ઈઝરાયલમાં મૃત ભાષા
હિબ્રૂ જીવંત કરી પણ ભારતની જીવંત ભાષા સંસ્કૃત અવગણાઈ. પંડિત બિરાજદાર આજે પણ કહે
છે: “હું તો મહારાષ્ટ્ર જ નહીં, સમગ્રપણે
દેશભરમાં સંસ્કૃતને ફરજિયાત કરવાનું કહું છું, પણ
સરકાર એ વિશે ઉદાસીન છે.સરકાર સંસ્કૃત
ફરજિયાત કરે તો સંસ્કૃતનો અભ્યાસ કરનારને નોકરીઓ મળે એટલું જ નહીં, આ
ભાષા જીવતી રહે.સંસ્કૃત જેવી સરળ ભાષા બીજી કોઈ નથી.બંધારણ નિર્માતા ડૉ.બાબાસાહેબ
આંબેડકરે તો સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવા બંધારણ સભામાં આગ્રહ કર્યો હતો અને
નજીરુદ્દિન એહમદે એને ટેકો આપ્યો હતો.કમનસીબે એ શક્ય ના બન્યું.હવે વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ દેશનું નામ ‘હિંદુસ્થાન’ કરવાની સાથે સંસ્કૃતને રાષ્ટ્રીય મોભાનું
સ્થાન આપવા પગલાં લેવાની જરૂર છે. માત્ર ઘોષણાઓ નહીં, નક્કર
કામ કરીને બતાવે.”
પંડિતજી કહે છે: “અરવિંદ ઘોષે
પોતાના ગ્રંથોમાં ૩૦૦૦ જેટલા ગૂઢ અર્થવાળા શબ્દોની વાત કરી છે. કુરાનનો સંસ્કૃતમાં
અનુવાદ કરતી વેળા વિવિધ ભાષાના ગ્રંથોનો અભ્યાસ કરતાં મને વૈદિક અને ઇસ્લામિક
ગ્રંથોમાં આવા ગૂઢ અર્થવાળા શબ્દોની મુલાકાત થઇ.હવે એનાં રહસ્ય ઉકેલવાની દિશામાં
પ્રયત્નશીલ રહેવાનો છું.” સાથે જ વિવિધ અરબી મદરેસાઓમાં વિષય તરીકે સંસ્કૃત દાખલ
કરાઈ રહ્યું હોવાથી પંડિત બિરાજદાર એમના માર્ગદર્શક તરીકે સેવાઓ આપવામાં પણ સક્રિય
રહેશે.અત્યારે જયારે ભારતભરમાં યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સંસ્કૃતના પ્રાધ્યાપકો
પણ સંસ્કૃત ભાષામાં બોલવા કે ભણાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે ભારત
સરકારના માનવ સંસાધન મંત્રાલયના આદેશથી યુજીસીએ અમુક સમયગાળામાં તેમને સંસ્કૃત
બોલવાનું શીખી લેવાનો નિર્દેશ આપવો પડ્યો છે; ત્યારે
પંડિત બિરાજદાર જેવા સંસ્કૃતમાં કડકડાટ બોલનાર અને સામાન્ય માણસને પણ સમજાય એવી
સરળ ભાષામાં એ બોલતા હોય એને અજાયબી લેખવી પડે.બાલ્યાવસ્થામાં સોલાપુરની
પાઠશાળામાં રાત્રે ભણવા જતા ગુલામ દસ્તગીર બિરાજદાર દિવસ દરમિયાન તો ખેતરોમાં
મજૂરીએ જતા હતા.
પહેલાં
તો લગભગ બધા જ બ્રાહ્મણ વિદ્યાર્થીઓની એ પાઠશાળાની બહાર ઓસરીમાં બેસીને એકલવ્યની જેમ જ એ સંસ્કૃત શીખતા હતા, પણ
એમના બ્રાહ્મણ ગુરુજીના ધ્યાને આવતાં એમણે તેમને પાઠશાળામાં પ્રવેશ આપ્યો હતો.એમને એ વેળા કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ એમનો આ વિદ્યાર્થી દુનિયાભરમાં નામ કાઢે એવો સંસ્કૃતનો પંડિત થશે અને વડા પ્રધાન કે રાજાઓ પણ એને મળવામાં ગૌરવ અનુભવશે; અને એ પણ એટલી જ સાદગી અને સહજતા જાળવીને. વિધિની વક્રતા તો જુઓ કે ભારત સરકાર અને દેશભરની સરકારો સંસ્કૃતના નામે કરોડો રૂપિયા ખર્ચે છે, પણ
સંસ્કૃતના આ સેવક અને કોમી એખલાસના સાચા અર્થમાં પૂજારીએ પવિત્ર કુરાનને સંસ્કૃતમાં અનુવાદિત કરવાનું અદભુત કામ કર્યા પછી એ પ્રકાશિત કરવવા માટેનાં નાણાંની જોગવાઈ કરવા એમણે ચિંતા કરવી પડે છે.જોકે અમે તો પંડિતજીને ધીરજ બંધાવી હતી કે ભારતભૂમિ બહુરત્ના વસુંધરા છે. દેશ કે રાજ્યોની સરકાર એમના આ ઐતિહાસિક યોગદાનને જરૂર બિરદાવશે અને નિધિની વ્યવસ્થા કરશે.અન્યથા સંસ્કૃતપ્રેમી દાનશૂરો આગળ આવીને એમના સમાજાભિમુખ ઉપક્રમને સાકાર કરવાનું બીડું જરૂર ઝડપી લેશે. ભારતવર્ષમાં પંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર જેવાં મહામૂલાં રત્ન હોય એના થકી જ ભારતની ભોમકાની શાન વધે છે. ભાષાના
નામે રાજકારણ ખેલનારાં રખે વિસારે પાડે કે સંસ્કૃતનું વ્યાકરણ પાણિનિ નામના એક પઠાણે લખ્યું હતું અને
ઉર્દૂ એ ભારતની જ ભાષા છે.
તિખારો
મજહબ નહીં સિખાતા, આપસ મેં બૈર રખના.
હિન્દી હહૈં હમ વતન હૈં, હિન્દોસ્તાં હમારા. સારે...
યૂનાન-ઓ-મિસ્ર-ઓ-રૂમા,સબ મિટ ગએ જહાં સે.
અબ તક મગર હૈ બાકી, નામ-ઓ- નિશોં હમારા. સારે...
કુછ બાત હૈ કિ હસ્તી, મિટતી નહીં હમારી.
સદિયોં રહા હૈ દુશ્મન, દૌર-એ-જમાં હમારા. સારે...
‘ઈકબાલ’ કોઈ મરહમ, અપના નહીં જહાં મેં.
‘ઈકબાલ’ કોઈ મરહમ, અપના નહીં જહાં મેં.
માલૂમ ક્યાં કિસી કો, દર્દ-એ-નિહાં હમારા.સારે...
No comments:
Post a Comment