વિશ્વને માથે કોરોના સંકટના આતંક અને અનિશ્ચિતતાના દિવસો
ડૉ.હરિ દેસાઈ
·
વિદ્યાર્થીમાનસમાં અનિશ્ચિતતાની સાથે
કોરોના વાઇરસ પરિવારજનોને આભડી જવાની ભીતિ સવિશેષ
·
ધોરણ-૧થી ૯ અને ધોરણ-૧૧નાં વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા વિના જ માસ પ્રમોશનનો
નિર્ણય લેવાયો
·
૧૯૭૪માં ૨૦ સભ્યોની રચાયેલી સમિતિમાં અધ્યાપક મંડળના ત્રણ હોદ્દેદારો જ માસ
પ્રમોશનની વિરુદ્ધ
·
અભાવિપના પ્રદેશ સંગઠનમંત્રી એડવોકેટ અરુણ ઓઝાનો પાંચ દાયકાથી કાયમ માસ
પ્રમોશનનો વિરોધ
દેશ અને દુનિયાને માથે
કોરોના વાયરસનું મહાસંકટ હજુ ઝળુંબી રહ્યું છે અને આવતીકાલે શું થશે એની
અનિશ્ચિતતાની વચ્ચે આ સમય કોઈની ઉપર દોષારોપણ કરવાનો નથી. વૈશ્વિક સ્તરે અમેરિકા
અને ચીન વચ્ચે એકમેક પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલ્યો, પણ બધા જ આ સંકટના ભોગ છે
એટલે આવી આક્ષેપબાજી નિરર્થક છે. સદનસીબે ભારતમાં સત્તાપક્ષ અને વિપક્ષ સાથે મળીને રાષ્ટ્ર જ
નહીં, સમગ્ર વિશ્વ સામે મોત બનીને આવેલા આ મહાસંકટના પ્રતિકાર માટે સંગઠિત પ્રયાસો
આદરવામાં સામેલ છે. સંકટ લાંબુ ચાલશે એવાં એંધાણ છે ત્યારે એના સામના માટે સરકારી
તંત્ર અને સ્વયંસેવી સંસ્થાઓ કામે વળી છે. માનવતાને મ્હોરાવવાનો આ સમય છે. ઝાઝું માનવધન ગુમાવવું ના પડે એ માટેના પુરુષાર્થનો આ
સમયગાળો છે. એવું નથી કે આવાં મહાસંકટ અગાઉ આવ્યાં નથી, પણ કોરોનાનો પ્રકોપ તો
સંભવતઃ પહેલીવાર ત્રાટક્યો છે. દુનિયાભરમાં એ મોત બનીને પ્રસરી રહ્યો છે ત્યારે
સમાજનાં વિવિધ ક્ષેત્રો પર એની કેવી અસર પડશે
અને શું કરી શકાય એની ચોફેર ચર્ચા છે. આજે વાત શિક્ષણ ક્ષેત્રની જ કરવાની છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યૂએચઓ)ના વડા ટ્રેડોસ અધાનોમે જે માર્ગદર્શિકા રજૂ કરી
એમાં પોતાની દીકરી ઘરે રહીને જ ઓનલાઈન લેસન લઈને ભણી રહ્યાની વાત કરી. અમે પણ
શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની પરીક્ષાઓ ટાણે જ
કોરોનાનું વાવાઝોડું ત્રાટક્યાથી કેવી અનુભૂતિ કરતાં હશે એનો સાહજિક અભ્યાસ કરતા
રહ્યા છીએ. પરીક્ષાઓની મોકૂફીની જાહેરાત તો સત્તાવાળાઓએ કરી પરંતુ પરીક્ષા ક્યારે
લેવાશે, લેવાશે કે નહીં જ લેવાય, નવું સત્ર ક્યારે શરૂ થશે, ભૂતકાળમાં આવાં સંકટ
આવતાં પરીક્ષા લીધા વિના જ માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં ચડાવી
દેવાયાં હતાં એવું કરાશે કે કેમ એની પૃચ્છા વચ્ચે ઓનલાઈન પાઠમાં પણ એમનું ધ્યાન
ચોંટે એવું નથી. ભૂતકાળમાં આવી જીવલેણ મહામારીને બદલે રમખાણો કે આંદોલનો અને
કરફ્યુને કારણે વિદ્યાર્થીઓના માનસમાં અનિશ્ચિતતા હતી. આ વખતે તો કોરોના વાઇરસ
એમને કે એમનાં પરિવારજનોને આભડી જઈને ભરડામાં તો નહીં લે ને એની ભીતિ સવિશેષ છે.જ્યાં બ્રિટનના
રાજકુમાર ચાર્લ્સ અને વડાપ્રધાન બોરિસ જહોન્સન તથા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન
ટ્રુડેઉના ઘર સુધી કોરોના આભડી જાય, ઇટાલી અને અમેરિકા જેવા અત્યાધુનિક આરોગ્ય
સેવાઓ ધરાવતા દેશોમાં મોટી સંખ્યામાં માનવભોગ લેવાય ત્યારે દેશો જનતા કરફ્યુ
કે લૉકડાઉન હેઠળ દેશવાસીઓને ઘરમાં પૂરી
રાખીને કોરોનાના ભરડામાં ઓછા લોકો આવે એની વેતરણ કરે છે. શિક્ષણ સંસ્થાઓ બંધ કરાયા
પછી અને પરીક્ષાઓ મોકૂફ રહ્યા પછી પણ આવતા ત્રણ મહિનામાં આ પ્રકોપ સમેટાશે કે કેમ એ વિશે ભાગ્યે જ કોઈ
કહી શકવાની સ્થિતિમાં છે.
શાળાઓમાં માસ પ્રમોશન
જાહેર
કોરોનાના પ્રકોપની અસર
વિસ્તરે નહીં એટલા સારુ ગુજરાત સરકારે પહેલા તબક્કામાં તો શિક્ષણ સંસ્થાઓ બંધ કરી
દેવાના આદેશ આપ્યા. શાળાઓમાં પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી. બોર્ડ અને કેન્દ્રીય
પરીક્ષાઓ પણ મોકૂફ રખાયાની જાહેરાત કરી દેવાઈ.કાર્યક્રમો અને સમારંભો રદ કરીને
શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓના શિક્ષકો અને કર્મચારીઓને ઘરેથી કામ કરવાના આદેશ
આપ્યા. ૨૩ માર્ચ સુધીમાં તો ૩૧ માર્ચ સુધી બધાને ઘેરથી કામ કરવાનું જણાવાયું. ૨૪
માર્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ધોરણ-૧થી ૯ અને ધોરણ-૧૧નાં
વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ ઉપલા વર્ગમાં ચડાવવાનો એટલે કે માસ પ્રમોશનનો
નિર્ણય જાહેર કરાયો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકથી વધુ વાર ટીવી પર આવીને પ્રજાજોગ
સંદેશ આપ્યો અને સંકટની ઘડીમાં સાથ આપવાની અને નહીં ગભરાવાની અપીલ કરી. જોકે આ
સઘળો સમય સંતાપનો રહે એ સ્વાભાવિક છે. ધંધા-રોજગાર કરતાં સૌને જીવ વહાલો હોય એ સમજી
શકાય. રોજ કમાઈને રોજ ખાનારાઓની સ્થિતિ તો દયનીય થવી સ્વાભાવિક છે. પહેલાં ૩૧ માર્ચ સુધી
ઘરમાં રહેવાની સલાહ અપાઈ અને પછી આ મુદત ૧૪ એપ્રિલ સુધી લંબાવાઈ. કોઈને સ્પર્શ કરો
અને રોગ લાગુ પડે એવા સંજોગોમાં આ ઘરકેદ અસહ્ય થઇ પડવી સ્વાભાવિક છે. રાજ્યભરમાં
શિક્ષણ કાર્ય થંભી ગયું.અનિશ્ચિતતાના વાતાવરણમાં શાળાઓમાં તો માસ પ્રમોશન જાહેર
થયાં, પણ કોલેજો અને યુનિવર્સિટીમાં માસ પ્રમોશન વિશે આ લખાય છે ત્યાં સુધી નિર્ણય
થયાનું જાણમાં નથી. છેલ્લા વર્ષમાં હોય એ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ થવી જોઈએ, પણ
કૉલેજના પ્રથમ અને દ્વિતીય વર્ષમાં હોય એ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય એ માટે
આચાર્ય મંડળ અને વિદ્યાર્થી સંગઠનોએ રજૂઆત પણ કરી દીધી હતી.સ્નાતક અને અનુસ્નાતકના
છેલ્લા વર્ષની કે એચએસસીની પરીક્ષા વહેલીમોડી થાય એ બરાબર, પણ આમ પણ સેમેસ્ટર
પરીક્ષાઓમાં અમુક વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને પણ ઉપલા વર્ગમાં ચડાવવાના હોય
છે ત્યાં સત્તાવાળાઓએ તાકીદે નિર્ણય કરવાનું ટાળીને વિદ્યાર્થીઓનો સંતાપ વધાર્યો
છે. આમ પણ, ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં શિક્ષણ છેલ્લી પ્રાથમિકતા હોવાનું કાયમ
જળવાયું છે એટલે આવા પ્રકોપના સંજોગોમાં પણ એવું જ ચિત્ર ઉપસે છે.
નવનિર્માણ વખતે માસ
પ્રમોશન
ગુજરાતમાં શિક્ષણ અંગે
કાયમ અખતરા થતા રહ્યા છે. યુવાધનના સમગ્રલક્ષી વિકાસની દિશામાં વાતો ખૂબ થતી રહી
છે પણ માત્ર વર્ષને અંતે કે સત્રને અંતે બે કે ત્રણ કલાકની પરીક્ષા લઈને
વિદ્યાર્થીના બૌદ્ધિક સ્તરને નાણી લેવાની પદ્ધતિ હજુ ચાલુ છે. વર્ષ દરમિયાન સતત
શિક્ષણની વાતોનાં વડાં બહુ થાય છે,પણ વાસ્તવમાં અખતરા ખતરારૂપ ચાલ્યા કરે છે.
ગુજરાતની રચના પછી અત્યાર લગી ત્રણ વાર
માસ પ્રમોશન થયાં હોવાનું જાણવા મળે છે. પહેલીવાર વર્ષ ૧૯૭૩-૭૪માં નવનિર્માણ નામે
વિદ્યાર્થી આંદોલન થયું અને રાજ્યભરમાં કરફ્યુ અને પોલીસ ગોળીબાર તથા હિંસાના
માહોલમાં ૧૯૭૪ની પરીક્ષાઓ સ્વેચ્છાએ લેવાઈ. જેમણે આપવી હતી તેમણે આપી અને બાકીનાને
ઉપર ચડાવી દેવાયા હતા.એ વખતે પણ કુલપતિ થકી રચાયેલી ૨૦ સભ્યોની રચાયેલી સમિતિમાં
માત્ર અધ્યાપક મંડળના ત્રણ હોદ્દેદારો જ માસ પ્રમોશનની વિરુદ્ધ હતા. આ આંદોલન
રાજ્યમાં ચીમનભાઈ પટેલની કોંગ્રેસ સરકારના
પતનનું અને જનતા મોરચાની સરકારના સત્તારોહાણનું
નિમિત્ત બન્યું એટલું જ નહીં, બિહારમાં જેપી આંદોલનને પગલે રાષ્ટ્રીય સ્તરે
પણ સત્તાપરિવર્તન માટેની દીવાદાંડી સમાન
હતું. મોરબીની સરકારી ઇજનેરી કૉલેજ અને અમદાવાદની સરકારી ઇજનેરી કૉલેજમાં
વિદ્યાર્થીઓના ફૂડબિલના મુદ્દે આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી
પરિષદ(અભાવિપ)ના પ્રદેશ સંગઠન મંત્રી અરુણ ઓઝાના નેતૃત્વમાં આરંભાયેલું આ આંદોલન
આખરે સંઘ પરિવારના “અધિકારીઓ”માં મતભેદને
કારણે સંઘ વિરોધીઓના હાથમાં ગયું.સામાન્ય રીતે અભાવિપના સ્થાનિક નેતાઓ અને સંઘના
પ્રચારકો વચ્ચે નિર્ણય-અનિર્ણયની સ્થિતિને લીધે સમગ્ર આંદોલનનું નેતૃત્વ ડાબેરી વિચારના મનાતા મનીષી જાનીના હાથમાં
ગયું. એમના મોટાભાગના સાથીઓ સમયાંતરે એ જ કોંગ્રેસમાં ભળ્યા જેની સામે આંદોલન થયું
હતું. બીજી મહત્વની ઘટના એ બની કે જે કોંગ્રેસી મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની
વિરુદ્ધમાં આંદોલન કરાયું અને એમના રાજીનામા પછી વિધાનસભા વિસર્જનની માંગણી સાથે
સંસ્થા કોંગ્રેસના સુપ્રીમો મોરારજી દેસાઈ આમરણ ઉપવાસ પર બેઠા હતા, એમણે દિલ્હીથી
વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ વિધાનસભા બરખાસ્ત કર્યાનો નિર્ણય કરતાંની સાથે ચીમનભાઈ
સાથે સમજૂતી માટેની મંત્રણાઓ શરૂ કરી હતી. હદ તો ત્યાં થઇ કે વિધાનસભાની ચૂંટણી પછી
માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસ આવી ત્યારે
કોંગ્રેસથી નોખા થઈને કિમલોપ પક્ષ રચનારા ચીમનભાઈ પટેલ પાસે ટેકા માટે ખોળો પાથરવા
મોરારજીનિષ્ઠ બાબુભાઈ જશભાઈ પટેલ એમના ઘરે ગયા અને એમના ટેકે બા.જ.પટેલના
મુખ્યમંત્રીપદે જનતા મોરચાની અલ્પજીવી સરકાર રચાઈ હતી! આ સરકારમાં સંઘના રાજકીય
બાળક જનસંઘનો પણ સમાવેશ હતો. બીજીવાર, ૧૯૯૦માં ફરી એકવાર જનતાદળના ચીમનભાઈની
સરકારમાં જનસંઘના નવઅવતાર એવા ભાજપના નેતાઓ સામેલ થયા હતા.સત્તા કાજે સિદ્ધાંતો
સાથે સમાધાનનો લાંબો ઈતિહાસ છે.
૧૯૮૧ અને ૧૯૮૬માં માસ પ્રમોશન
વર્ષ ૧૯૭૫-૭૭ની ઈમરજન્સી
પછી લોકસભાની માર્ચ ૧૯૭૭ની ચૂંટણીમાં
કોંગ્રેસનો રકાસ થયો એટલું જ નહીં, સ્વયં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અને
એમના રાજકીય વરસ લેખાતા પુત્ર સંજય ગાંધી પણ પોતાની બેઠકો હારી ગયાં. જોકે અનેક
પક્ષોના શંભુમેળા સમી મોરારજી દેસાઈના નેતૃત્વવાળી જનતા પાર્ટીની સરકાર તૂટી પડી
અને માત્ર ત્રણ વર્ષમાં જ એટલે કે ૧૯૮૦માં
ભારે બહુમતી સાથે ઇન્દિરા ગાંધી ફરી વડાંપ્રધાન બન્યાં. ગુજરાતમાં પણ માધવસિંહ
સોલંકીના નેતૃત્વમાં વિધાનસભાની ૧૮૨માંથી ૧૨૧ બેઠકો સાથે કોંગ્રેસની સરકાર ફરી
રચાઈ. જોકે એ વેળા અનામત વિરોધી આંદોલન શરૂ થયું અને શાળા-કોલેજોના અભ્યાસને માથે
સંકટ પેદા થયું. ગુજરાત યુનિવર્સિટીના એ વેળાના કુલપતિ એમ.એન.દેસાઈએ એકેડેમિક
કાઉન્સિલ અને સિન્ડિકેટની સંમતિ સાથે માસ પ્રમોશન જાહેર કર્યાં. જુલાઈ ૧૯૮૧માં
સુરતથી કે.એસ.શાસ્ત્રી કુલપતિ તરીકે આવ્યા.ઓગસ્ટમાં હાઇકોર્ટના ન્યાયમૂર્તિ
બી.જે.દિવાન અને ન્યાયમૂર્તિ એન.એચ.ભટ્ટની ખંડપીઠે માસ પ્રમોશનને ગેરકાનૂની
ગણાવતાં આપેલા ચુકાદા સામે એમણે પુરોગામી કુલપતિના નિર્ણય અને વિદ્યાર્થીઓના હિતના
મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો. આ વખતે જે મહાનુભાવોએ એમ.એન.દેસાઈના
વખતમાં માસ પ્રમોશનની દરખાસ્તને ટેકો આપ્યો હતો એમણે વિરોધ કરવા માંડ્યો. જોકે
કુલપતિ શાસ્ત્રીએ સુપ્રીમ કોર્ટમાંથી હાઇકોર્ટના ચુકાદા સામે સ્ટે મેળવ્યો હતો.
૧૯૮૫માં માધવસિંહ સોલંકી અત્યાર સુધી જે વિક્રમને કોઈ તોડી શક્યું નથી એટલી બેઠકો
સાથે કોંગ્રેસને વિજયી બનાવીને ફરી મુખ્યમંત્રી થયા. પક્ષના ડખા અને અનામત
આંદોલનને કોમી રમખાણમાં ફેરવવામાં પણ એમના જ પક્ષના સોલંકીવિરોધી લોકોની ભૂમિકાને
પગલે થોડા જ મહિનામાં એમણે ગાદી છોડવી પડી. એમના અનુગામી તરીકે અમરસિંહ ચૌધરી
આવ્યા.પરિસ્થિતિ હજુ થાળે પડી નહોતી અને દુષ્કાળ પણ કોપાયમાન હતો. આવા સંજોગોમાં
વધુ એક વાર માસ પ્રમોશન થયાં. આ વખતે ફરક એટલો હતો કે વિવિધ વિસ્તારોની શાળાઓને
મૌખિક પરીક્ષા લઈને વિદ્યાર્થીઓને ઉપલા ધોરણમાં ચડાવવાના નિર્દેશ અપાય હતા, જેથી
હાઇકોર્ટના માસ પ્રમોશનને ગેરકાનૂની લેખાવતા ચુકાદાનો આદર કર્યાનો દેખાડો કરી
શકાય. વર્ષ ૧૯૯૨-૯૩માં અયોધ્યાનો
વિવાદાસ્પદ ઢાંચો તોડી પડાયાને પગલે સર્જાયેલી પરિસ્થિતિ અને ૨૦૦૨માં
ગોધરા-અનુગોધરા બનાવો અને રમખાણ છતાં પરીક્ષાઓ રાબેતા મુજબ લેવાઈ હતી.છેક ૧૯૭૪માં
અભાવિપના પ્રદેશ સંગઠન મંત્રી હતા ત્યારથી આજ લગી વરિષ્ઠ ધારાશાસ્ત્રી અરુણ ઓઝા
માસ પ્રમોશનના વિરોધી રહ્યા છે. જોકે હવે તો સંઘ-ભાજપસંલગ્ન અભાવિપ અને
કોંગ્રેસ-સંલગ્ન એનએસયુઆઈ પણ માસ પ્રમોશનના ટેકામાં છે. કોરોના વાઇરસ થકી સર્જાયેલી
સ્થિતિ અગાઉનાં એ તમામ વર્ષો અને અનુભવો કરતાં જુદી છે. વિદ્યાર્થીઓ માનસિક તાણ
અનુભવે છે, કોરોનાનો આતંક છે અને પરિસ્થિતિ અનિશ્ચિતતાની છે ત્યારે સરકારે યોગ્ય
નિર્ણય કરવાની જરૂર છે. મામલાને લાંબો વખત ટાળવાથી આપમેળે ઉકેલાઈ જાય એની
પ્રતીક્ષા ઠીક નથી.
No comments:
Post a Comment