અરુણાચલમાં ચીનનું ઉંબાડિયું
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
·
ભારતના અવિભાજ્ય અંગ પર દાવો
·
૩૭૦ હટ્યા પછી ૩૭૧ અંગે આશંકા
·
તવાંગ જવા પરમિટ પ્રથા અકબંધ
વર્ષ ૧૯૬૨થી ભારતના
૩૮,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર ઉપરાંત પાકિસ્તાન કનેથી ભારતના ગેરકાયદે ગપચાવેલા
૫,૧૮૦ ચોરસ કિલોમીટર વિસ્તારને ૨ માર્ચ ૧૯૬૩થી પચાવી પાડીને બેઠેલા ચીનની આંખમાં
રમતાં સાપોલિયાં હજુ ભારતના આખા અરુણાચલ પ્રદેશને “દક્ષિણ તિબેટ” લેખાવીને
ગપચાવવાની મંછા ધરાવે છે. હમણાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ઇટાનગર જઈ આવ્યા.
અરુણાચલ પ્રદેશને ૨૦ ફેબ્રુઆરી ૧૯૮૭ના રોજ રાજ્યનો દરજ્જો અપાયાના ૩૪મા સ્થાપના
દિવસની ઉજવણીમાં સામેલ થયા કે બીજિંગ ફરી ભૂરાંટુ થયું. એણે અરુણાચલને હજુ
વિવાદાસ્પદ પ્રદેશ ગણાવવાનું ચાલુ રાખ્યું છે. અહીંના તવાંગ માર્ગે ૧૯૫૯માં
તિબેટના રાજકીય અને ધાર્મિક નેતા દલાઈ લામા ભારત ભાગી આવ્યા અને એ વેળાના વડાપ્રધાન પંડિત જવાહરલાલ
નેહરુને મળ્યા પછી હજારો તિબેટવાસીઓ સાથે દલાઈ લામાને રાજ્યાશ્રય આપવાનું
પુણ્યકાર્ય ભારત સરકારે કર્યું હતું. જોકે ગિન્નાયેલા ચીને ૧૯૬૨માં મિત્રતાના
પંચશીલ કરારની મુદત પૂરી થતાં જ આક્રમણ કરીને નવી દિલ્હીનું નાક વાઢ્યું હતું. છેક
આઝાદીના સમયથી ભારત-ચીન વચ્ચેની હજારો કિલોમીટરની સરહદનો વિવાદ હજુ વણઉકલ્યો રહ્યો
છે. નેહરુ યુગમાં “હિંદી-ચીની ભાઈ-ભાઈ”ના આલાપ વચ્ચે ૧૯૬૨નું યુદ્ધ કરનારા ચીનના
રાષ્ટ્રપતિ શી જિનપિંગ મોદી યુગમાં
સાબરમતી રિવરફ્રન્ટ ના હિંડોળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઝૂલ્યા અને ડોકલામ
કરી બેઠા. ચીનની આંખોમાં રમતાં સાપોલિયાંથી સાવધ રહેવા પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલે ૭ નવેમ્બર ૧૯૫૦ના બહુચર્ચિત
પત્રમાં કરેલી ભવિષ્યવાણીઓ સાચી પડતી ગઈ છે. જે દલાઈ લામાને રાજ્યાશ્રય આપીને
માનવતાનું કામ કર્યું એ ધાર્મિક નેતા પોતે જ પોતાના તિબેટને ચીનનો પ્રદેશ ગણાવતા
ઇન્ટર્વ્યૂ આપતા હોય અને પોતાની જન્મભૂમિમાં પાછા ફરવા આતુર હોય ત્યારે ભારતનું
કર્યુંકારવ્યું ધૂળમાં મળવાના સંજોગો જ જોવા મળે છે.
ચીનની કાયમી અવળચંડાઈ
પહેલા વડાપ્રધાન પંડિત
જવાહરલાલ નેહરુએ, યુવા દીકરી ઇન્દિરા સાથે, ઓક્ટોબર ૧૯૫૨માં અપાતાની જાતિના હાર્દ
સમા ઝીરોની મુલાકાત લીધી ત્યારે “નેફા”
ગણાતા અહીં ચીન સાથે સરહદી વિવાદ તો હતો,પણ યુદ્ધ પછીનાં વર્ષોમાં તો ભારતીય
વડાપ્રધાનો ઇન્દિરા ગાંધીથી લઈને ડૉ.મનમોહન સિંહની અરુણાચલ પ્રદેશની મુલાકાતો વખતે
ચીન વિરોધ નોંધાવતું રહ્યું છે. ભારતે ક્યારેય એને દાદ દીધી નથી.ઉલટાનું સમગ્ર અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ
હોવાની વાત ગાઈવગાડીને સર્વપક્ષી રાજનેતાઓ અને ભારતની તમામ સરકારોએ કહી છે.
ધાર્મિક નેતા દલાઈ લામા તવાંગ કે અરૂણાચલમાં જયારે જયારે જાય છે ત્યારે ચીન ઉકળી ઊઠે
છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ત્રણ-ત્રણ વાર અરુણાચલ પ્રદેશની મુલાકાતે ગયા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પૂર્વ
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામણ ઇટાનગર ગયાં ત્યારે પણ ચીન વંકાયું હતું. જોકે
ભારત ચીન સાથેના રાજદ્વારી સંબંધો સુધારવા અને સરહદી વિવાદ ઉકેલવાની દિશામાં
મંત્રણાઓનો દોર યથાવત રાખે છે, પરંતુ પાકિસ્તાનમાં ચીની હિત વધુ હોવાની હકીકત
બીજિંગ અને ઇસ્લામાબાદ વચ્ચે ઇલુ-ઇલુ મજબૂત કરે છે.
અમિત શાહની દ્રઢવાત
કેન્દ્રના ગૃહમંત્રી
ઇટાનગરની મુલાકાતે જાય ત્યારે ત્યાંની ભાજપ સરકારના મુખ્યમંત્રી પેમા ખાંડૂ સહિતના
સેવન સિસ્ટર્સ એટલેકે ઇશાન ભારતનાં રાજ્યોની સરકારો ચિંતા રજૂ કરે એ સ્વાભાવિક છે.
ભાજપના વડપણવાળા એનડીએની કેન્દ્ર સરકાર થકી જમ્મૂ-કાશ્મીરમાં જેમ બંધારણના અનુચ્છેદ ૩૭૦ને
દૂર કરીને એના ખાસ દરજ્જાને સમાપ્ત કરાયો, એવું ઇશાન ભારતનાં રાજ્યો માટે અનુચ્છેદ ૩૭૧ રદ કરીને ખાસ દરજ્જાને સમાપ્ત કરશે
કે કેમ એની વિમાસણ સ્વાભાવિક છે.નાગાલેંડ, આસામ,મણિપુર, સિક્કિમ, મિઝોરમ,અરુણાચલ
ઉપરાંત દેશનાં ગુજરાત સહિતનાં રાજ્યોને ૩૭૧ સમાપ્ત કરાય તો અસર થઇ શકે છે,પરંતુ
ઇશાન ભારતનાં રાજ્યોને એની સવિશેષ અસર થાય. આ રાજ્યોમાં અન્ય રાજ્યોના લોકો જમીન
ખરીદી શકતા નથી. અગાઉ પણ અનેકવાર ગૃહમંત્રી શાહ સ્પષ્ટતા કરી ચૂક્યા છે અને આ વખતે
પણ એમણે ભારપૂર્વક કહ્યું કે ૩૭૧ રદ નહીં જ કરાય.જોકે આદિવાસી અને ખ્રિસ્તી બહુલ આ
રાજ્યોમાં આ અનુચ્છેદ રદ થતાં એમના વિશેષાધિકાર સમાપ્ત થવાની આશંકા તો રહે જ છે. આસામમાં
નાગરિકતા નોંધણી પત્રકના મુદ્દે જે ઉહાપોહ મચ્યો એ પછી અન્ય રાજ્યોમાં પણ અજંપો
સર્જાતાં આંદોલનોનો દોર ચાલુ છે. વધુ ચિંતાનો વિષય એ પણ છે કે આ બધાં સરહદી રાજ્યો
છે.
આયારામ-ગયારામની પરંપરા
ઇશાન ભારતનાં સાત રાજ્યો
ભગીની (સિસ્ટર્સ) અને ૧૯૭૫માં ભારતમાં ભળેલા સિક્કિમને બંધુ (બ્રધર) ગણવામાં આવે
છે. આ રાજ્યોમાં કેન્દ્રમાં સત્તામાં હોય એ પક્ષ કે મોરચા સાથે રહેવામાં રાજકીય
લાભ જોવાનું વલણ અચૂક રહે છે. અરુણાચલ સહિતનાં રાજ્યોમાં કોંગ્રેસની લાંબા સમય
માટેની સરકારો રાજ કરતી રહી. હવે જયારે કેન્દ્રમાં ભાજપના વડપણવાળી સરકાર છે એટલે કાં તો ભાજપમાં જોડાવાનું અથવા
તો એનડીએ સાથે રહેવાનું વલણ વધુ છે. અત્યારે તમામ રાજ્યોની સરકારો યેનકેન પ્રકારેણ
એનડીએની જ છે. પંદર વર્ષ સુધી આસામની તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારમાં મંત્રી રહેલા
હેમંત બિસ્વા સર્માને ભાજપની નેતાગીરી તેઓ ભાજપમાં જોડાયા ત્યાં લગી સૌથી ભ્રષ્ટ
મંત્રી ગણાવતી હતી. એ ભાજપમાં જોડાયા પછી ઇશાન ભારતનાં રાજ્યોમાં ભાજપના એ
પોઈન્ટમેન ગણાય છે. એમના થકી અનેકોને ભાજપ
સાથે જોડવાનું કે બહુમતી ના હોય તો પણ તોડફોડ કરીને એનડીએની સરકાર બનાવી લેવાનું
મહાકાર્ય થતું રહ્યું છે. અરુણાચલમાં અત્યારે જે મુખ્યમંત્રી છે એમણે વર્ષ ૨૦૧૬માં
ત્રણ ત્રણ પક્ષ સાથે ઘર માંડ્યું. એમણે પોતાની કોંગ્રેસ સરકારમાંથી સાગમટે પીપલ્સ
પાર્ટી ઓફ અરુણાચલ બનાવી. એની સરકાર કરાવી અને પછી એનું ભાજપીકરણ થયું. સત્તાપલટા
ઉપરાંત પરમિટ પ્રથાનો મુદ્દો પણ મહત્વ ધરાવે છે:
ભૂતકાળમાં જનસંઘના નેતા તરીકે અટલ બિહારી વાજપેયી ઇશાન ભારતમાં પણ પરમિટ
પ્રથાનો વિરોધ કરતા હતા, પણ આજે ય તવાંગ જવા માટે પણ પરમિટ પ્રથાનો અમલ છે. એટલે
કે ભારતીય નાગરિકોએ પણ ત્યાં જવા માટે ખાસ પરમિટ કઢાવીને જવું પડે છે.
અભાવિપના કોંગ્રેસી
મુખ્યમંત્રી
હકીકતમાં અરુણાચલમાં સૌથી
લાંબો સમય મુખ્યમંત્રી રહેલા કોંગ્રેસી નેતા ગેગાંગ અપાંગ વાસ્તવમાં સંઘ પરિવારની વિદ્યાર્થી પાંખ અખિલ
ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા હતા. એટલું જ નહીં, એ કોંગ્રેસી
મુખ્યમંત્રી તરીકે મુંબઈમાં અભાવિપના કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. ઈશાન ભારતમાં
ભાજપની સૌપ્રથમ સરકાર સ્થાપિત કરવાનો યશ પણ આ જ નેતાને ફાળે જાય છે. ૧૯૯૦થી ૧૯૯૯
સુધી કોંગ્રેસી મુખ્યમંત્રી રહેલા અપાંગ ૨૦૦૩માં ભાજપની સરકાર બનાવી શક્યા હતા. એ
પછી એ પાછા કોંગ્રેસી મુખ્યમંત્રી તરીકે ૨૦૦૭ સુધી રહ્યા. કેન્દ્રમાં ભાજપના
વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા ત્યારે એ ભાજપમાં હતા, પણ ૨૦૦૪માં કેન્દ્રમાં
કોંગ્રેસના ડૉ.મનમોહનસિંહ વડાપ્રધાન થયા એટલે એમણે પલટી મારવાનો વિચાર કર્યો
હતો.કોંગ્રેસમાં ગયા અને મુખ્યમંત્રી રહ્યા. ફરી ભાજપમાં ગયા અને હજુ ૨૦૧૯માં ભાજપ
છોડીને જનતા દળ (સેક્યુલર)માં જોડાયા હતા.ક્યારેક આરએસએસના સ્વયંસેવક વસંત સાઠે
ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકારમાં માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી (પ્રપોગંડા
મિનિસ્ટર) હતા, તો પરભણીના સ્વયંસેવક પી.વી.નરસિંહરાવ તો કોંગ્રેસના વડાપ્રધાન થવા
સુધી પહોંચ્યા હતા. સ્વયં શ્રીમતી ઇન્દિરાજીના અંતરંગ વર્તુળમાં સંઘના વરિષ્ઠ
પ્રચારક અને “પાંચજન્ય”ના તંત્રી રહેલા ભાનુ પ્રતાપ શુકલ જેવા મહાનુભાવો હતા એટલું જ
નહીં, ભાજપની માતૃસંસ્થા સંઘના સરસંઘચાલક કુ.સી.સુદર્શનજીએ વોક-ધ-ટોક ઈંટર્વ્યૂમાં
તો પોતાના ગણાય એવા વડાપ્રધાન વાજપેયીને બદલે ઇન્દિરાજીને દેશનાં શ્રેષ્ઠ
વડાંપ્રધાન લેખાવવાનું પસંદ કર્યું હતું! જોકે અરુણાચલ પ્રદેશમાં સ્વામી વિવેકાનંદ સંસ્થાપિત
રામકૃષ્ણ મિશનને વડાંપ્રધાન શ્રીમતી ગાંધીના સમયથી શિક્ષણ સંસ્થાઓ સ્થાપવા માટે
મોટા પાયે જમીન ફાળવવામાં આવી હતી કારણ ઇન્દિરાજીનાં માતુશ્રી કમલા નેહરુ રામકૃષ્ણ મિશનના દ્વિતીય અધ્યક્ષ સ્વામી શિવાનંદજી
મહારાજનાં શિષ્યા હતાં, એવું મિશનના રાજકોટ અને અમદાવાદ કેન્દ્રના અધ્યક્ષ સ્વામી
નીખીલેશ્વરાનંદે જણાવ્યું હતું. વડાંપ્રધાન ગાંધી પણ બાળપણમાં માતા સાથે બેલુર મઠ
જતાં હતાં. ઇશાન ભારતમાં સંઘનું કામ પણ ઘણું વ્યાપક રીતે ચાલી રહ્યું છે. છેલ્લા
કેટલાક વખતમાં ભાજપના વિજયરથની ગતિમાં અવરોધ આવ્યા છે. દેશનાં મહત્વનાં સાત
રાજ્યોમાં સત્તા ગુમાવાઇ છે ત્યારે સમગ્રપણે સંઘ પરિવારમાં પણ ચિંતા અને ચિંતનનો
માહોલ અનુભવાય છે.
તિખારો
ખેલાય છે મનમાં જ
કુરુક્ષેત્ર રાત-દિ’,
બાકી કોઈ સાથે હવે ઝગડો
થતો નથી.
- દિલીપ વ્યાસ
No comments:
Post a Comment