Sunday 12 January 2020

WhatsApp University active on Reservations

મુંબઈ સમાચાર‌ દૈનિકની રવિવારીય પૂર્તિ "ઉત્સવ" ૧૨ જાન્યુઆરી ૨૦૨૦
અનામતના નામે આંધળે બહેરું કૂટવાની સ્પર્ધા
કારણ-રાજકારણ-ડૉ. હરિ દેસાઈ
હવેની પ્રજાને ભોળવવાના નવા અધ્યાયમાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ અનામતના વિરોધીના બિલ્લા પહેરાવવામાં આવી રહ્યા છે. દેશમાં સરકારી નોકરીઓ છેલ્લાં ૪૫ વર્ષમાં સૌથી તળિયે હોવાના અહેવાલો વચ્ચે અનામત-અનામતનાં ભૂત ધુણાવવાની કવાયત ચાલે છે. મોંઘવારી અને બીજી બધી સમસ્યાઓ વચ્ચે પીસાતી પ્રજા ઓચ્છવો અને ઇવેન્ટો વચ્ચે દિશાશૂન્ય બનતી જાય છે. બ્રેડ ના મળે કે ના પરવડે તો કેક ખાવાનો ઉપદેશ કરવાનો માહોલ જામ્યો છે. ઇતિહાસની જ વાતો થકી પ્રજાને ઊંધા રવાડે ચડાવીને લાફિંગ ગેસના પ્રયોગોમાંથી પસાર કરવાની કવાયતો થતી લાગે છે. ઇતિહાસના નામે સાચા-ખોટા સંદર્ભો આપીને સત્તાધીશો અને વિપક્ષે બેસનારાઓ ગમે તે વાતો ઝીંકે રાખે છે. જાણે કે પ્રજાની સામાન્ય જ્ઞાનની કસોટીની સાથે જ ઇતિહાસના જ્ઞાનની પણ ચકાસણી થતી હોય એવું જોખમી વાતાવરણ જામ્યું છે. સૌ પોતપોતાની રીતે પોતાનાં સત્ય શોધવાની કોશિશમાં છે ત્યારે સચ્ચાઈનો કચ્ચરઘાણ વળી રહ્યો છે. સરકાર પાસે આપવા માટે નોકરીઓ નથી છતાં અનામતની ટકાવારી વધારીને તથાકથિત સવર્ણો કે ઉજળિયાતોને ય રાજી રાખવાના ચૂંટણીલક્ષી પ્રયાસો થાય છે. એકબાજુ, સત્તાધીશો અનામતની કાખઘોડી ફગાવી દેવાના અને આર્થિક ધોરણે અનામત આપવાના પક્ષધર છે અને અનામતની સમીક્ષા કરવાની તરફેણ કરે છે પણ કોઈ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હારી જતાં અનામત પ્રથાને યાવત્ચંદ્રદિવાકરો ચાલુ રાખવાની ખાતરીનાં ઢોલ પીટવા માંડે છે.બંધારણના મુખ્ય રચયિતા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર અનામતની ટકાવારી કોઈપણ સંજોગોમાં ૫૦ ટકાથી વધે નહીં એના આગ્રહી હોવા ઉપરાંત ઇન્દિરા સાહની ખટલાની સુનાવણી વેળા નાની પાલખીવાળા જેવા બંધારણ નિષ્ણાતે પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ અનામતની ટકાવારી માત્ર ૩૦ ટકા જેટલી મર્યાદિત રાખવાનો આગ્રહ રાખ્યા છતાં સુપ્રીમે ૫૦ ટકાની મર્યાદા બાંધી આપી
હતી. જોકે આજે તો એની ઐસીતૈસી કરીને બંધારણ સુધારીને કે સુધાર્યા વિના પણ એ ૮૦ ટકાને વટાવી ગઈ છે! અનામત પ્રથાને કારણે પછાતોને ભણવા અને સક્ષમ થવાની તક જરૂર પૂરી પડાઈ હોવા છતાં આજે પણ દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મૅનેજમેન્ટ (આઇઆઇએમ) જેવી સંસ્થાઓમાંથી અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ(એસટી), અન્ય પછાતો (ઓબીસી)ને ક્વોટા મુજબ પ્રવેશ આપવાથી લઈને અધ્યાપકોની નિમણૂકોમાં આવી અનામત પ્રથા કાઢી નાખવાની તરફેણ કરવા સુધીના સ્વર ઊઠે છે.
ગાંધીજી-નહેરુની બદનામી
હમણાં મહારાષ્ટ્રની વિધાનસભા અને વિધાનપરિષદમાં વિપક્ષના નેતાઓ અનુક્રમે દેવેન્દ્ર ફડણવીસ અને પ્રવીણ દરેકર (બંને ભાજપીનેતા) થકી ગાંધીજી અને નહેરુ અનામતના વિરોધી હોવાની વાતને રજૂ કરાઈ. આ બંને નેતાઓને ટાર્ગેટ કરવાની ઝુંબેશનો જ આ ભાગ છે. ઇતિહાસનું વિકૃતિકરણ છે. કારણ સરદાર પટેલ અને ક.મા.મુનશીની અનામત વિરોધની ભૂમિકા સામે તો ડૉ. આંબેડકરે રાજીનામું ધરી દીધું હતું,પણ એ ફાડી નાંખીને સરદારે એમને મનાવી લીધા હતા. ઇતિહાસની વાતો પોતાના પક્ષને અનુકૂળ આવે તે રીતે સંદર્ભ વિના ટાંકવાની ફેશન વર્તમાનમાં બેપાંદડે છે. અનામતની મુખ્યત્વે જે ચર્ચા બંધારણ સભામાં થઇ એ રાજકીય અનામત વિશેની હતી. હકીકતમાં એ કેન્દ્ર અને રાજ્યોની ધારાસભાઓમાં એસસી અને એસટી માટે અનામત બેઠકો માટેની જોગવાઈ કરવા માટેની હતી. સરદાર પટેલ દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, પારસીઓ, શીખો અને એંગ્લો ઇન્ડિયન સહિતની લઘુમતીઓની સલાહકાર સમિતિના અધ્યક્ષ હતા. તેમણે એસસી અને એસટી માટે આવી અનામતની જોગવાઈ રાખવાની ભૂમિકા સ્વીકારી હતી, પરંતુ મુસ્લિમો માટે આવી અનામતનો નન્નો ભણ્યો હતો. બંધારણસભામાંના પારસી સભ્યોએ પોતે જ આવી અનામત નકારી હતી. શીખોમાંના દલિતોનો સમાવેશ એસસીમાં કરાયો. આ અનામત દસ વર્ષની મુદત માટે હતી,પણ એ વધારાતી રહી. હમણાં ૨૦૨૦માં પૂરી થતી આ અનામતને કેન્દ્રની મોદી સરકારે વધારવાની દરખાસ્ત મૂકી અને બધા પક્ષોએ એને ટેકો આપ્યો. અત્રે એ નોંધાવાની જરૂર છે કે ડૉ.આંબેડકરના પૌત્ર અને બહુજન વંચિત આઘાડીના નેતા પ્રકાશ ઉર્ફે બાળાસાહેબ આંબેડકર આવી રાજકીય અનામત નાબૂદ કરવાના સમર્થક છે અને એ માટે ઝુંબેશ ચલાવે છે પણ બીજા કોઈ પક્ષ એમને ટેકો આપતા નથી. બીજી બે પ્રકારની અનામત માટે માત્ર દલિતો અને આદિવાસી કે ઓબીસી જ નહીં, કથિત સવર્ણો પણ ખૂબ આગ્રહી ભૂમિકા ધરાવે છે: પહેલી, શિક્ષણમાં પ્રવેશની અને બીજી, સરકારી નોકરીઓમાં અનામત. હવે સરકારી નોકરીઓમાં આઉટસોર્સ કરવાનું પ્રમાણ એટલું વધ્યું છે કે એ વસૂકી જવામાં છે ત્યારે રાજનેતાઓને ખાનગી ક્ષેત્રમાં અનામત દાખલ કરવાની લોકપ્રિય ભૂમિકા આગળ વધારવાનું સૂઝવા માંડ્યું છે.
ગાંધીજી, આંબેડકર અને સંઘ
હા, ગાંધીજી મારા સ્વપ્નનું ભારતમાં પ્રકરણ છાસઠમુંમાં નોંધે છે: સરકારી ખાતાંની નોકરીઓની બાબતમાં તો હું માનું છું કે કોમી પક્ષપાતની ભાવનાને એ પ્રદેશમાં પણ જો આપણે દાખલ થવા દઈશું તો આપણા સુતંત્રમાં એ કેવળ ઘાતક નીવડશે. જો રાજતંત્રને કાર્યદક્ષ રાખવું હોય તો સૌથી કાબેલ લોકોને જ એમાં રોકવા પડશે.અલબત્ત, એમાં પક્ષાપક્ષી અને વગવસીલા ન ચાલવા જોઈએ,એટલે કે જો આપણને ઇજનેરો જોઈતા હોય તો દરેક કોમમાંથી એક એક લેવાનું ધોરણ રાખ્યું નહીં પાલવે અને સૌથી વધારેમાં વધારે લાયકાતવાળા પાંચ જણને જ તે જગાઓ આપવી પડશે, પછી તે પાંચેય ભલે પારસી કે મુસલમાન કોમના હોય.સૌથી નીચલા દરજ્જાની જગાઓ જરૂર જણાય તો, જુદી જુદી કોમોના બનેલા એક તટસ્થ મંડળની દેખરેખ નીચે એક પરીક્ષા લઈને તેમાંથી નીકળનારાઓ વડે ભરવામાં આવે. મહાત્મા ગાંધીએ કરેલી વાતનો ભાવ ભારતીય બંધારણને મંજૂર કરતાં સમગ્ર બંધારણ સભાએ એટલે કે પંડિત નહેરુ, સરદાર પટેલ, ડૉ. આંબેડકર, ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી સહિતના તમામે અનુચ્છેદ ૩૩૫ને માન્ય રાખતાં કબૂલ્યો છે. આ અનુચ્છેદના શબ્દો આવા છે: સંઘના અથવા રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી સેવાઓ અને જગાઓ ઉપર નિમણૂક કરતી વખતે વહીવટની કાર્યક્ષમતાની જાળવણીને સુસંગત હોય તે રીતે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓના સભ્યોના દાવા વિચારણામાં લેવામાં આવશે. સ્વયં ડૉ. આંબેડકરે પોતાના સમાજ અંગે ૨૪ માર્ચ ૧૯૫૬ના રોજ નોધ્યું હતું: “The reservations are not going to last forever. After all, we will have to rely on our own strength and competence. We should stand on our own feet as soon as possible. We will not be able to make much progress if we depend on the crutches of reservations for ever.” ડૉ.આંબેડકરની આ કાખઘોડીવાળી વાતને ૧૯૮૧માં ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની પ્રતિનિધિસભા (સાંસદ)માં પસાર કરાયેલા ઠરાવમાં ઝીલવામાં આવી અને આર્થિક અનામતની માગણી કરાઈ હતી. પંડિત નહેરુએ પણ મહાત્મા ગાંધી અને ડૉ. આંબેડકરની જેમ જ અનામત પ્રથાના ઓશિયાળાપણાને બદલે વંચિતોને શિક્ષણ થકી સમર્થ બનાવવાની જ વાત ૨૭ જૂન ૧૯૬૧ના પત્રમાં કરી હતી. બાબાસાહેબનું નિધન ૧૯૫૬માં થયું અને નહેરુનું ૧૯૬૪માં. ડૉ. આંબેડકરના મૃત્યુ પછી પણ વડા પ્રધાન નહેરુએ અનામત પ્રથા દૂર કરવાની દિશામાં કોઈપણ પગલું ભરવાને બદલે દલિતો,આદિવાસીઓ અને અન્ય વંચિતોને શિક્ષિત કરીને સમર્થ બનાવવાના જ અભિયાનને આગળ વધાર્યું હતું. અનામતની જોગવાઈઓનો હેતુ હિંદુ સમાજમાં પ્રવર્તમાન જાતિગત વ્યવસ્થાઓમાંથી ઊભી થયેલી અસ્પૃશ્યતા, જ્ઞાતિગત અવહેલના, અપમાન,અન્યાય,શોષણ વગેરે કારણે સહન કરતા અને વિકાસની તકોથી વંચિત રહી ગયેલા શોષિત, પીડિત એવા અનુસૂચિત જાતિ-જનજાતિના સમાજને મુખ્યધારામાં લાવવાનો હતો. ડૉ. બાબાસાહેબના હિંદુ કોડ બિલના સમર્થનમાં પંડિત નહેરુ હતા અને સત્તા જાય તો પણ એ મંજૂર કરાવવાના પક્ષધર હતા. તેમ છતાં ડૉ. આંબેડકર થકી તેમની સરકારમાંથી રાજીનામું આપવાના ઘણા મુદ્દાઓમાં હિંદુ કોડ બિલ પણ એક મુદ્દો બન્યો. અનુકૂળતાએ નહેરુવરોધીઓ હિંદુ કોડ બિલના વિરોધમાં સરદાર પટેલ, શ્યામાપ્રસાદ મુકરજી ઉપરાંત સ્વયં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ પણ હતા એટલે નહેરુ પીછેહટ કરવા મજબૂર બન્યાની વાત કરવાનું ટાળે છે. રાજકીય અનામતની દર ૧૦ વર્ષે સમીક્ષા થવી જોઈએ,પણ શિક્ષણ તથા સરકારી નોકરીઓમાં અનામત માટે કોઈ સમય મર્યાદા બાંધવામાં આવી નહોતી. આમ છતાં, લોકસભાનાં અધ્યક્ષ રહેલાં ભાજપી નેતા સુમિત્રા મહાજન પણ જાહેર મંચ પરથી કહેતાં હોય કે ડૉ. આંબેડકરજીએ અનામત માત્ર ૧૦ વર્ષ અમલમાં આણી હતી, પરંતુ એને દર દસ વર્ષે લંબાવ્યા કરવાથી દેશનું ભલું થાય છે ખરું? હકીકતમાં અનામત વિશે સત્તારૂઢ પક્ષના નેતાઓ જ નહીં, મંત્રીઓ પણ ભળતાંસળતાં નિવેદન કરીને ગૂંચવાડા સર્જે છે. લોકોમાં એક પ્રકારનો અજંપો પેદા કરવાની યોજનાબદ્ધ કોશિશ કરવામાં આવે તો એ સમાજમાં વિખવાદ પેદા કરે છે. શાસકોની અને વિપક્ષે બેસનારા રાજનેતાઓ અને પક્ષોની ફરજ બને છે કે આવા વિખવાદ ટાળે અને સમાજમાં સૌહાર્દ જળવાય એ દિશાના પ્રયાસોમાં સહયોગ કરે.
તિખારો
આરક્ષણ કી વેદી
પર કિતની આશાએં
મલીન હુઈ હૈં,
કિતને હોનહાર છાત્રોં કી
ઉમ્મીદે શહીદ હુઈ હૈં,
ફિર ભી હમારે નેતા
જાત પાંત મેં બાંટ બાંટ કર
વોટોં કા ગણિત લગા રહે હૈં,
ઇસલિયે બસ સારે દલ
ઇસ મુદ્દે પર સાથ હુએ હૈં .
સ્વતંત્રતા કે સત્તરવે દશક મેં
જાતિ આધારિત આરક્ષણ કા
અબ કોઈ ઔચિત્ય નહીં હૈ,
ફિર ભી સાલ દર સાલ હમ
આરક્ષણ કા પ્રતિશત
ક્યોં બઢા રહે હૈં?
- બીના ભટનાગર

No comments:

Post a Comment