Monday, 20 January 2020

Politics at Peak in Bihar

આસ્થાભૂમિ બિહારના સત્તાસંઘર્ષ
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·         ૧૯૬૭માં સંવિદ સરકારમાં જનસંઘ અને કમ્યૂનિસ્ટ સાથે   
·         નીતીશકુમાર અને પાસવાન પલટીઓ મારવામાં ઉસ્તાદ
·         ઝારખંડ ખોયા પછી ભાજપ પાણી પહેલાં પાળ બાંધવામાં   
Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV” 19 January 2020.


ક્યારેક અહિંસાનો બોધ આપનારા ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધની પાવન ભોમકા તરીકે મશહૂર  અને આથમણે તક્ષશિલા અને ઉગમણે બિહારમાં નાલંદા વિદ્યાપીઠોની બોલબાલાના યુગમાં પ્રગટેલા ગુરુ કૌટિલ્ય કે ચાણક્ય થકી નંદ વંશના અત્યાચારી શાસન સામે ચંદ્રગુપ્તને જ્યાં સ્થાપિત કરાયો હોય કે સમ્રાટ અશોક જેવા ચક્રવર્તી શાસકને જેણે પેદા કર્યો હોય એવા  વિશ્વપ્રસિદ્ધ બિહારનું આજનું ચિત્ર ખાસ્સું બિહામણું છે. જ્યાં સો વર્ષ પહેલાં ચંપારણ સત્યાગ્રહ ખેડીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ક્યારેક એમની ઠેકડી ઉડાવતા બેરિસ્ટર વલ્લભભાઈ પટેલ જેવાને પ્રભાવિત કરી શિષ્ય થવા પ્રેર્યા, જ્યાંની ધરતીએ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ  અને જયપ્રકાશ નારાયણ જેવાં સેવાભાવી વ્યક્તિત્વો રાષ્ટ્રને અર્પણ કર્યાં, એ બિહાર આજે સત્તાના નર્યા કાવાદાવાનો અડ્ડો બનીને રહ્યાની કરુણતા ઝગારા મારે છે. આવા બિહારના વર્તમાન મુખ્યમંત્રી અને જનતા દળ-યુનાઇટેડ(જદયૂ)ના સર્વોચ્ચ નેતા નીતીશ કુમારે અત્યારના જેલવાસી લાલુપ્રસાદના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે છેડો ફાડીને ૨૦૧૭માં ભારતીય જનતા પક્ષ (ભાજપ) સાથે ઘર માંડ્યું ત્યારે અનેકોને આશ્ચર્ય થયું હતું. નીતીશના લાલુ-પુત્ર તેજસ્વી યાદવ સાથેના કથિત જંગલરાજમાંથી ભાજપના સુશીલ મોદી સાથે મળીને બિહારને સુશાસનમાં ફેરવી નાંખ્યાનાં પ્રમાણપત્રો અત્યારે અપાઈ રહ્યાં છે. બિહાર આમપણ કાયમ કજોડાંની સરકારોનું રાજ્ય રહ્યું છે. નીતીશકુમારે લાલુ સાથે વિધાનસભા જોડાણ થકી નવેમ્બર  ૨૦૧૫માં સત્તા પ્રાપ્ત કર્યા પછી આરજેડી સાથે ૧૯૧૭માં ફારગતી લઈને ભાજપ સાથે ઘર માંડ્યું. અગાઉ પણ એવું આ રાજ્યમાં થયું છે. નીતીશકુમાર ક્યારેક ભાજપ સાથે તો ક્યારેક ભાજપવિરોધી મોરચામાં રહ્યા છે. ભૂતકાળમાં એટલે કે ૧૯૬૭માં રાજ્યની સંયુક્ત વિધાયક દળ (સંવિદ) સરકારના ૧૧ મહિના માટે મુખ્યમંત્રી બનેલા જૂના કોંગ્રેસી મહામાયા પ્રસાદ સિંહાની કેબિનેટમાં જનસંઘ અને કમ્યૂનિસ્ટ એકસાથે સત્તાનો ભોગવટો કરતા હતા. કોંગ્રેસ છોડીને આવેલા કોંગ્રેસીઓને એ વેળા પણ પારસમણિ પાવન કરતો જ હતો. મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ચૂંટણી લડ્યા પછી છેડો ફાડીને શિવસેનાએ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી સાથે ઘર માંડ્યું એની પ્રેરણા તો બિહારના અગાઉના ઘટનાક્રમમાંથી જ મળી હોવી ઘટે.
દિલ્હી અને બંગાળના વ્યૂહ 
હજુ તો બિહારની વિધાનસભાની ચૂંટણી આડે નવ મહિનાની વાર હોવા ઉપરાંત જયારે દિલ્હીની વિધાનસભાની કસોકસની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે ભાજપ બિહારમાં અન્યોથી બે ડગલાં આગળ ચાલીને આયોજન કરવાની પ્રતીતિ કરાવી દિલ્હીમાંના બિહારીઓના મત અંકે કરવાની ચાણક્યચાલ જરૂર ચાલે છે. દુનિયાના સર્વપ્રથમ લોકતાંત્રિક લિચ્છવી ગણતંત્રની રાજધાની રહેલા વૈશાલીમાં જઈને દેશના ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-જદયૂ ગઠબંધનના મુખ્યમંત્રીપદના ઉમેદવાર નીતીશકુમાર જ રહેશે, એવી જાહેરાત કરી. મોખાના મહારાષ્ટ્રને ખોયા પછી બિહારમાંથી છૂટા પડેલા ઝારખંડને ગુમાવનાર ભાજપ બિહારમાં સત્તાધારી ગઠબંધનમાં બધું સમુસૂતરું નહીં હોવાના સંકેત વચ્ચે પણ સબ સલામતનો સંકેત આપવાની કોશિશ જરૂર થઇ છે. જોકે ચૂંટણી પરિણામો પછી હવામાનનો રુખ બદલાઈ પણ શકે. બિહાર પછી પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસનાં ફાયરબ્રાન્ડ નેતા અને મુખ્યમંત્રી મમતા બેનરજી કનેથી છીનવી લેવા ભાજપે આક્રમક પ્રચાર ઝુંબેશ જ નહીં, વ્યૂહરચના પણ ઘડવા માંડી છે.
બિહાર વિધાનસભાનું ચિત્ર
બિહારની વિધાનસભાની કુલ ૨૪૩ બેઠકોની ચૂંટણી ઓક્ટોબર ૨૦૨૦માં યોજવાની અપેક્ષા છે કારણ નવેમ્બરમાં વર્તમાન વિધાનસભાની મુદત પૂરી થાય છે. વર્ષ ૨૦૧૫માં લાલુપ્રસાદના પક્ષ આરજેડી, કોંગ્રેસ  અને નીતીશના પક્ષ જદયૂના જોડાણે સાથે મળીને ભાજપ અને એલજેપી સહિતના મિત્રપક્ષોના મોરચા સામે ચૂંટણી લડી હતી. લાલુને ચૂંટણી લડવાની અદાલતી મનાઈ હતી. એ વેળાની ચૂંટણીમાં આરજેડીને ૮૦ બેઠકો, જદયૂને ૭૧, કોંગ્રેસને ૨૭, ભાજપને ૫૩, એલજેપીને ૨, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીને ૨, જીતાનરામ માંઝીના હિંદુસ્તાની અવામી મોરચાને ૧ તેમ જ સીપીઆઇ(માલે)ને ૩ તથા ૧ બેઠક અપક્ષને ફાળે ગઈ હતી. સરકાર નીતીશના નેતૃત્વમાં રચવા માટે આરજેડીની સંમતિ હતી. તેજસ્વી નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. બે જ વર્ષમાં નીતીશકુમારને પોતાના નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભામાં સૌથી મોટા પક્ષના નેતા તેજસ્વી યાદવ સાથે વાંકું પડવા માંડ્યું. એમની ખુરશી સચવાઈ રહે એ શરતે ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં એમની ઘરવાપસી થઇ હતી. એ પછી સત્તાનો ભોગવટો તો ચાલુ રહ્યો. લોકસભાની ચૂંટણી સાથે લડ્યા છતાં બંને મિત્રપક્ષો વચ્ચે કકળાટ ચાલતો રહ્યો છે. હવે ઓક્ટોબર ૨૦૨૦ની ચૂંટણીમાં ભાજપ અને જદયૂ ૧૦૫-૧૦૫ બેઠકો લડે અને એલજેપી ૩૩ બેઠકો લડે એવી શક્યતા વચ્ચે જદયૂના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે ઉંબાડિયાં કરવા માંડ્યાં એટલે સત્તામોરચામાં વધુ  કડવાશ આવી. સામે પક્ષે ઝારખંડમાં ભાજપના પરાજય પછી ઉત્સાહમાં આવેલા કોંગ્રેસ, જેડીયુ સહિતના વિપક્ષો બિહારને કબજે કરવા કમર કસી રહ્યા છે. અહીં આરજેડીના નેતૃત્વમાં મહાગઠબંધન ચૂંટણી લડશે. શક્યતા એવી છે કે આરજેડી ૧૫૦ બેઠકો લડે, કોંગ્રેસ ૫૦ અને ડાબેરી સહિતના નાના મિત્રપક્ષો બાકીની ૪૩ બેઠક લડે.
મિત્રપક્ષોમાં વિરોધાભાસ
બિહારમાં મુખ્યમંત્રી નીતીશકુમારનો પક્ષ અને  સાથી પક્ષ ભાજપ વચ્ચે રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીપત્રક (એનઆરસી) અમલમાં લાવવા બાબત સ્પષ્ટ મતભેદ હોવા છતાં સત્તામાં સહભાગિતા એમને સાથે રાખે છે. જોકે તાજેતરની ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના બંને બિહારી મિત્ર પક્ષો વંકાયેલા હતા. કેન્દ્રની કોંગ્રેસના વડપણવાળી અને ભાજપના વડપણવાળી સરકારોમાં સતત મંત્રીપદ ધરાવવાનો વિક્રમ નોંધાવનાર રામવિલાસ પાસવાનની  લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) તો ખુલ્લેઆમ ઝારખંડમાં ભાજપની વિરુદ્ધ ચૂંટણી લડી હતી અને અત્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ બધી બેઠકો લડવાની જાહેરાત કરી ચૂકી છે. વૈશાલીની જે જનસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહ નીતીશકુમારને ભાજપ-જદયૂના જોડાણના મુખ્યમંત્રીપદના  ઉમેદવાર જાહેર કરી રહ્યા હતા, એમાં જ તેમણે એનઆરસી અને નાગરિકતા સુધારા ધારા ઉપરાંત નીતીશકુમારને કઠતા મુદ્દાઓનું સમર્થન કર્યું હતું.  કોંગ્રેસ અને આરજેડી તથા ડાબેરી પક્ષો સીએએ અને એનઆરસી વિરુદ્ધમાં છે. બિહારમાં મુસ્લિમ મતદારો મોટા પ્રમાણમાં હોવાને કારણે નીતીશ અને વિપક્ષો પણ એનઆરસી વિરુદ્ધમાં લડી લેવાના મૂડમાં છે. ભાજપ કાશ્મીર અને રામમંદિર મુદ્દાને પણ આગળ કરીને એનઆરસી કે સીએએનો વિરોધ કરનારાઓને રાષ્ટ્રવિરોધી ઠરાવવામાં મશગુલ છે. હકીકતમાં અહીં તો ભાજપના મિત્રપક્ષ જદયૂને જ રાષ્ટ્રવિરોધી ઠરાવવા જેવી જ સ્થિતિ સર્જાઈ છે. કેન્દ્રમાં મંત્રીપદ લેવાની બાબતમાં પણ નન્નો ભણનાર નીતીશકુમારનો પક્ષ વધુ એકવાર વંડી ઠેકવામાં છે કે ગમ ખાઈને ચલાવી લેશે, એના પર આવતીકાલના બિહારના રાજકીય ચિત્રનો મદાર છે.
તિખારો
ન હો કમીજ તો ઘુટનોં સે પેટ ઢક લેંગે,
યે લોગ કિતને મુનાસિબ હૈ  ઇસ સફર કે લિયે.
ખુદા નહીં ન સહી આદમી કા ખ્વાબ સહી,
કોઈ હસીન નજર તો હૈ નજર કે લિયે.
-     દુષ્યંત કુમાર

-મેઈલ: haridesai@gmail.com      (લખ્યા તારીખ: ૧૭ જન્યુઅરી ૨૦૨૦)

No comments:

Post a Comment