Wednesday, 18 December 2019

Vote Bank Politics in the name of Refugees



શરણાર્થીઓની આડશે રાજકીય તરભાણાં ભરવાની કવાયત
ડૉ.હરિ દેસાઈ
·          આસામમાં તો ભાજપ અને અલ્ફા જેવા ત્રાસવાદી સંગઠને ય ભારે ઉહાપોહ મચાવ્યો
·          સંસદને કાયદા ઘડવાની સત્તા ખરી, પણ વિભાજનકારી માહોલ ઊભો કરવાની નહીં
·          બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા તગેડવાનાં ચૂંટણીવચનના પાલનમાં શૂન્ય
·          ભારત ધર્મરાજ્ય નહીં હોવા છતાં હિંદુરાષ્ટ્ર જાહેર કરવા ઇતિહાસનું પ્રગટ વિકૃતીકરણ

ડિસેમ્બરની ઠંડીમાં પણ દેશભરમાં ગરમાટો અનુભવાઈ રહ્યો છે: દેશના વર્તમાન સત્તાધીશોએ બહુમતીના જોરે બીજીવારના સફળ પ્રયાસમાં નાગરિકતા સુધારણા કાયદો અમલમાં તો આણ્યો પણ દેશમાં ભારે અજંપો પેદા થયો છે. માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને આરાધ્યદેવ વિ.દા.સાવરકરના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે બે જર્મની કે બે યમનના એકીકરણની જેમ ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશનું  એકીકરણ કરવાની દિશા પકડવાને બદલે જમ્મૂ-કાશ્મીરનું ઓપરેશન કર્યાં પછી ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનની હિંદુ, શીખ,બૌદ્ધ,  ખ્રિસ્તી, જૈન,પારસી  જેવી જે તે દેશની લઘુમતી કોમોના ભારતમાં આવેલા શરણાર્થીઓના મસીહા થવાના નામે ઇશાન ભારત ભડકે બળે એવા સંજોગો સર્જવામાં આવ્યા છે. મુસ્લિમોને ટાળવાના આમાં સંકેત છે. કાયદા બનાવવા અને એ સર્વોચ્ચ અદાલતની સમીક્ષામાં પાર ઉતરે  એવા બનાવવામાં કુશળ શાસકોએ “સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસ”નો માહોલ સર્જવાને બદલે ધાર્મિક વિભાજનકારી માહોલનું પ્રત્યક્ષ રીતે નહીં તો પરોક્ષ રીતે નિર્માણ કર્યું છે.આસામમાં ભાજપના શાસન છતાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ ક્યારેક જે વિદ્યાર્થી સંગઠન “આસુ”ના વડા હતા એ જ નહીં, ભાજપના સાંસદો પણ નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં આંદોલન કરે છે. વધુ જોખમી વાત તો એ છે કે આસામમાં સૂતેલા સાપ જગાડવા જેવું ત્રાસવાદી સંગઠન “અલ્ફા”નું આળસ મરડીને ઊભા કરવા જેવું નિમિત્ત પણ આ કાયદાએ પૂરું પાડ્યું છે. નાગરિકતા સુધારા વિધેયકને આ વખતે લોકસભા અને રાજ્યસભામાં ડિસેમ્બરના બીજા સપ્તાહમાં મંજૂર કરાવીને રાષ્ટ્રપતિની મંજૂરી મેળવીને કાયદામાં રૂપાંતરિત કરવામાં આવે એ પહેલાં વર્ષ ૨૦૧૬માં એ કોશિશ થઇ હતી પરંતુ રાજ્યસભાએ એને વિફળ બનાવી હતી. ઈતિહાસને એકદમ વિકૃત રીતે રજૂ કરીને પોતાને અનુકૂળ માહોલ તૈયાર કરી આવતી લોકસભાની ચૂંટણી માટે જ નહીં, અત્યારે ચાલી રહેલી ઝારખંડ રાજ્ય વિધાનસભાની ચૂંટણી ઉપરાંત બિહાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે પણ પોતાને અનુકૂળ વાતાવરણ તૈયાર કરવાની આ કવાયત છે. વોટબેંકની રાજનીતિનું જ આ વરવું સ્વરૂપ તો છે,પરંતુ જે રીતે ઇશાન ભારત સળગી રહ્યું છે એ જોતાં વિભાજનકારી તત્વોને પ્રોત્સાહન આપનારું પણ છે. જોકે આપણે ત્યાં કહેવત છે કે વર મરો, કન્યા મરો, પણ ગોર મહારાજનું તરભાણું ભરો. એ ન્યાયે રાજકીય લાભ ખાટવાની લાહ્યમાં આ બધી માનવતાના અંચળા હેઠળની કવાયતો ચાલી રહ્યાનું મ્લાગે છે. અને છતાં હરિયાણા કે મહારાષ્ટ્રમાં ભાજપને પાંચ વર્ષના શાસનને અંતે બહુમતી મળી નથી એ સંકેત સ્વયંસ્પષ્ટ છે. અત્રે એ સ્મરણ રહે કે ભારતની આઝાદીના લડવૈયાઓ ગાંધીજી હોય કે નેતાજી બોઝ, પંડિત નેહરુ હોય કે સરદાર પટેલ, આ દેશને સર્વધર્મસમભાવની ભૂમિકા પર ચાલવા માટે આઝાદ કરાવ્યો હતો; નહિન કે હિંદુરાષ્ટ્ર જાહેર કરવા માટે. સરદાર પટેલ હોય કે ડૉ.બાબાસાહેબ આંબેડકર, એ પૂર્વસૂરિઓએ આ દેશ હિંદુરાષ્ટ્ર બને એનો જોરદાર વિરોધ કરતાં પ્રજાસત્તાક ભારતનો મજબૂત પાયો નાંખ્યો હતો.       
સંસદને સર્વસમાવેશક સત્તા
ભારતીય સંસદને કાયદો ઘડવા અને એમાં સુધારો કરવાનો અધિકાર છે,પણ એ ન્યાયિક સમીક્ષા (જયુડીશિયલ રિવ્યૂ) હેઠળ કેશવાનંદ ભારતી ચુકાદા મુજબ બંધારણના મૂળભૂત માળખા (બેસિક સ્ટ્રક્ચર)માં પરિવર્તન કરતો ના હોય તો સર્વોચ્ચ અદાલત પણ એને રદબાતલ ઠરાવી ના શકે.બંધારણના અનુચ્છેદ ૧૪ની સંસદમાં વિપક્ષે ખૂબ કાગારોળમચાવી. નવું વિધેયક મુસ્લિમો સાથે  ભેદભાવ કરતું હોવાનું કહેવાયું.પાકિસ્તાનમાં એહમદિયા મુસ્લિમોને બિન-મુસ્લિમ ગણાય છે કે ભૂતાનમાં ખ્રિસ્તીઓની શું સ્થિતિ છે કે પછી ચીનમાં ઉઈઘર મુસ્લિમો અત્યાચારનો ભોગ બની રહ્યાની વાત પણ થઇ. આવા ભેદભાવના મુદ્દે કાયદો રદ થશે એવું માની કાયદો ના કરવો એ તો યોગ્ય નથી.  મૃત્યુ એક દિવસ આવવાનું છે એવું વિચારીને જીવવાનું બંધ ના કરી શકાય. એ ન્યાયે દેશના શાસકો બંધારણીય કાયદાકીય સુધારા કરવાનું કે નવા કાયદા ઘડવાનું બંધ ના કરી શકે. કેન્દ્રના વર્તમાન શાસકો આ નાગરિકતા સુધારા કાયદો  તો અગાઉ ૨૦૧૬માં લાવવા ઈચ્છુક હતા પરંતુ એ વેળા એ વિધેયક રાજ્યસભામાં પરાસ્ત થયું હતું. વળી, વર્તમાન કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરનાર ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પૂર્વ અવતાર જનસંઘ અને એની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની પ્રસ્થાપિત ભૂમિકા રહી છે કે ભારતમાં આવનારા ઘૂસણખોરોમાં હિંદુઓને તો શરણાર્થી જ લેખવા પડે કારણ દુનિયાભરમાં હિંદુઓ તો ભારતમાં જ આશ્રય લેવાનું વિચારી શકે. બાકીના એવા  ઘૂસણખોરો કે જેમનું આસ્થાસ્થાન ભારત બહાર છે એટલે કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓને ઘૂસણખોરોની શ્રેણીમાં મૂકી શકાય. જોકે રાજકીય સત્તાના સિંહાસન પર પહોંચ્યા પછી “સબ કા સાથ, સબ કા વિકાસ”ના આલાપમાં સર્વધર્મી નાગરિકો અને અન્ય પ્રજા સાથે સમાન વ્યવહાર કરવાનું અનિવાર્ય બને છે. ભલે રાજકીય શાસકોની આંખમાં રાજકીય લાભની દીર્ઘકાલીન ગણતરીઓ હોય પણ વર્તમાન નાગરિકતા સુધારા વિધેયકમાં મુસ્લિમો સિવાયના પોતાના દેશમાં કનડગતનો ભોગ બનતાં હિજરત કરવા મજબૂર બનેલા છ ધર્મોના શરણાર્થીઓનો સમાવેશ કરાયો છે. ઇશાન ભારતનાં રાજ્યોમાં એ વિશે ભારે અજંપો સર્જાતાં આ વખતે એમને વિશ્વાસમાં લેવાની કોશિશ કરીને અને કેટલાક સુરક્ષા કવચની ખાતરી આપીને સુધારિત વિધેયક બંને ગૃહોમાં મંજૂર થયું અને રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા પછી એનો અમલ કરવાની બાબતમાં સરકાર મોકળી છે. જોકે ત્રિપુરાના “મહારાજા” પ્રદ્યુત દેવબર્મને એને સર્વોચ્ચ અદાલતમાં પડકારવાની ઘોષણા કરી છે. સાથે જ આસામ સહિતના ઇશાન ભારતમાં ભારે અસંતોષ અને બંધ સહિતનાં વિરોધ આંદોલન ચાલે છે એટલે કેન્દ્ર અને રાજ્યોની સરકારોએ એ સ્થિતિને પહેલાં થાળે પાડવાની જરૂર ખરી.
ભાગલાના ઇતિહાસની ગાજવીજ
નાગરિકતાના મુદ્દે સંસદમાં અને સંસદની બહારની ચર્ચામાં વારંવાર ભારતના ભાગલાના ઈતિહાસને તાજો કરાયો. “ઝીણાની માંગણીને પગલે કોંગ્રેસે ધર્મના આધારે ભાગલા સ્વીકાર્યા ના હોત તો આજે આ વિધેયક લાવવાની જરૂર ના પડી હોત” એવું સત્તા પક્ષ તરફથી કહેવાતું ગયું અને સામે પક્ષે “દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંત (ટુ-નેશન થિયરી)ની સૌપ્રથમ માંડણી વિ.દા.સાવરકરે કરી હતી”ની વાતો કરી. ઈતિહાસને જ વાગોળ્યા કરીને વર્તમાનને ચમકાવવાની રાજકીય ગડમથલોમાં સત્તાપક્ષ વિપક્ષ કરતાં આગળ નીકળી જાય છે. કારણ પણ સ્પષ્ટ છે: વિપક્ષ પાસે અભ્યાસ અને હાજરજવાબીપણું નથી. સામેની સેના એને વારંવાર ભીંસમાં લે છે. દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંત એટલે કે હિંદુ અને મુસ્લિમ એ બંને અલગ રાષ્ટ્ર હોવાની વાત ૧૯૩૭માં અમદાવાદ (કર્ણાવતી)ના હિંદુ મહાસભાના અધિવેશનમાં અધ્યક્ષીય ભાષણમાં સાવરકરે મૂકી હતી. એ પછી ૧૯૪૦માં લાહોરના મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર માંગતો બંગાળના પ્રીમિયર ફઝલુલ હકે મૂકેલો “પાકિસ્તાન ઠરાવ” મંજૂર કરાયો હતો. એમતો ૧૯૨૩માં સાવરકરે લખેલા “હિન્દુત્વ”માં અને ૧૯૩૭ના એ ભાષણમાં મુસ્લિમોને દુય્યમ દરજ્જાના નાગરિક લેખાવવાનું પસંદ કર્યું હતું. જે સાવરકરે ક્યારેક ૧૮૫૭ને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લેખાવતાં ગ્રંથ રચ્યો ત્યારે એ સંગ્રામમાં હિંદુઓ સાથે જ મુસ્લિમોના યોગદાનને બિરદાવ્યું હતું, પણ આંદામાન જેલમાંથી છૂટ્યા બાદના સાવરકરે ભારતવર્ષને પોતાની “પિતૃભૂમિ અને પુણ્યભૂમિ લેખાવનારા” હિંદુઓ સિવાયના માટે નોખા માપદંડ રાખ્યા હતા. આઝાદી પૂર્વેના ઈતિહાસ અને ભાગલાના સંજોગોને અત્યારે તાજા કરવા યોગ્ય નહીં હોવા છતાં એની ખૂબ ગાજવીજ કરાય છે ત્યારે હકીકતો પ્રકાશમાં આણવી અનિવાર્ય બની જાય છે: ભાગલાનો સ્વીકાર નાછૂટકે કર્યાની કબૂલાત સરદાર પટેલે બંધારણસભાની ચર્ચામાં આપતાં કેટલાંક રહસ્યો પરથી પડદો ઊંચક્યો હતો. કોંગ્રેસે ક્યારેય દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતને કબૂલ રાખ્યો નહોતો. વળી, ગાંધીજી અને પંડિત નેહરુ જ નહીં, સરદાર પટેલ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર પણ હિંદુ રાષ્ટ્રના વિચારના કટ્ટર વિરોધી હતા. આનાથી ઉલટું, ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવા અને મુસ્લિમોને દુય્યમ દરજ્જાના નાગરિક લેખાવવા ઉત્સુક  હિંદુ મહાસભા તો  મુસ્લિમ લીગની જેમ જ  અંગ્રેજ શાસકો સાથે મેળાપીપણું ધરાવતી હતી. કોમ્યૂનિસ્ટો પણ. ૧૯૪૨ની “હિંદ છોડો” ચળવળના મુદ્દે ગાંધીજી, કસ્તુરબા, નેહરુ, ઇન્દિરા, સરદાર, મણિબહેન, મૌલાના આઝાદ સહિતની સઘળી કોંગ્રેસ જેલવાસ ભોગવી રહી હતી ત્યારે સાવરકરની સંમતિથી હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી બંગાળના પ્રીમિયર ફઝલુલ હકની સરકારમાં નાણા મંત્રી હતા! એટલું જ નહીં, સિંધ અને વાયવ્ય પ્રાંતમાં પણ મુસ્લિમ લીગ સાથે મળીને હિંદુ મહાસભા રાજ કરતી હતી. માર્ચ ૧૯૪૩માં સિંધની પ્રાંતિક ધારાસભામાં જી.એમ.સૈયદે (જિએ સિંધવાળા) મૂકેલા પાકિસ્તાનના ઠરાવને મંજૂરી અપાઈ ત્યારે પણ ત્યાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સરકાર હતી. હિંદુ મહાસભાવાળા ત્રણ  મંત્રીઓએ એના વિરોધમાં મતદાન કર્યું પણ સરકારમાંથી રાજીનામાં આપ્યાં નહોતાં! ડૉ.મુકરજીએ હિંદુ મહાસભામાંથી રાજીનામું આપીને ઓગસ્ટ ૧૯૪૭માં નેહરુ સરકારમાં જોડાયા હતા. ડૉ.મુકરજીએ પત્રકાર પરિષદ ભરીને હિંદુ રાષ્ટ્રના વિચારનો વિરોધ કર્યાનું ભાજપના સંઘનિષ્ઠ નેતા અને અત્યારે રાજ્યપાલ એવા તથાગત રાયે શ્યામાબાબુની જીવનકથામાં નોંધ્યું છે. એપ્રિલ ૧૯૫૦માં કેન્દ્ર સરકારમાંથી છૂટા થયા પછી તેમણે ભાજપના પૂર્વ અવતાર જનસંઘની ૧૯૫૧માં સ્થાપના કરી હતી.   
બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો
ઇશાન ભારતનાં રાજ્યોમાં બંગાળી ઘૂસણખોરો સામેના વિરોધમાં પાછું હિંદુ-મુસ્લિમ ભેદનું પરિબળ ભળે ત્યારે જે અજંપો સર્જાય. એના પ્રતાપે તો જાપાનના વડાપ્રધાન ઓબે તેમ જ બાંગલાદેશના બે મંત્રીઓ ભારતની મુલાકાત રદ કરીને વિરોધ દર્શાવે છે. સત્તાધીશો વિરોધ આંદોલન પાછળ કોંગ્રેસના અપપ્રચારને દોષ આપે છે. હકીકતમાં આવાં દોષારોપણ કે ઉત્તેજના ફેલાવવાને બદલે શાસકે પોતાની જવાબદારી નિભાવીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો હોય છે. કરફ્યૂ લાદીને કે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાથી વિરોધ શમી ગયાનું માનવું વધુ પડતું છે. વાસ્તવમાં ભારતીય લોકશાહીમાં સંવાદનું મહાત્મ્ય ઘટતું ચાલ્યું હોવાથી સમસ્યાઓ વકરી રહી છે. આસામમાં પ્રત્યેક વિધાનસભા બેઠકમાં ૩૦ ટકા કે તેથી વધુ મુસ્લિમો હોવાની વાત ભલે વર્તમાન સત્તાધીશોને પ્રતિકૂળ અને કોંગ્રેસને અનુકૂળ લાગતી હોય, ૧૯૮૫ના આસામ કરારની કટઓફ તારીખ મુજબ ૨૫ માર્ચ ૧૯૭૧ પછી ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલાં વિદેશીઓને શોધીને પાછાં કાઢવાની જવાબદારી સત્તાધીશોની છે. કોંગ્રેસ હોય કે ભાજપ, હિંદુ હોય કે મુસ્લિમ; ઘૂસણખોરો પાછા જવા જ જોઈએ; એ ભૂમિકા લે તો સમસ્યાનો ઉકેલ આવે. અન્યથા સમસ્યા તો વકરવાની જ. ભાજપની મિત્ર આસામ ગણ પરિષદ (એજીપી)ની ઉપાધ્યક્ષ અલકા દેસાઈ-સરમાનું કહેવું હતું કે ઘૂસણખોરોને ધાર્મિક દ્રષ્ટિએ રાખવા કે કાઢવાને બદલે બધાજ ઘૂસણખોરોને પાછા તગેડવા જોઈએ. ભાજપ બાંગલાદેશી હિંદુઓને  ઘૂસણખોર નહીં,પણ શરણાર્થી ગણાવીને નાગરિકતા આપવાનું એલાન કરે છે. હકીકતમાં સમસ્યા ઇશાન ભારતનાં રાજ્યો પૂરતી સીમિત નથી. દેશભરમાં બે કરોડ જેટલા બાંગલાદેશી ઘૂસણખોરો ગેરકાયદે વસતા હોવાનું વર્તમાન ભારત સરકારના મંત્રીએ જ સત્તાવાર રીતે સંસદમાં મૂકાયેલા આંકડા સ્પષ્ટ કર્યું છે. હવે આમાંના હિંદુઓને નાગરિકતા આપવામાં તો મુસ્લિમો સાથે અન્યાય થયાની લાગણી સર્જાશે અને માનવાધિકારના મુદ્દે પણ ઉહાપોહ મચશે.  સામે પક્ષે, બાંગલાદેશ તો ૧૯૭૧ પછી કોઈ બાંગલાદેશી નાગરિક ભારતમાં ઘૂસણખોર તરીકે આવીને ગેરકાયદે વસવાટ કરતો હોવાનું સ્વીકારવા તૈયાર નથી.આવા સંજોગોમાં કોકડું વર્ષો સુધી ગૂંચવાયેલું જ રહેવાનું. ક્યારેક બે જર્મની એક થયાની વાતને લઈને પાકિસ્તાન, બાંગલાદેશ અને ભારતનું અખંડ ભારત બનવાનું સ્વપ્ન જોનારાઓ હવે એ વિચારને તિલાંજલિ આપી ચૂક્યા હોય એવું લાગે છે. નાગરિકતા સુધારા કાયદાને બંધારણીય ગણવામાં આવે તો પણ એના થકી જે શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળશે એ કરતાં અનેકગણા બાંગલાદેશી ઘૂસણખોરોનું શું થશે, એ મામલો મહત્વનો છે. રાજકારણીઓના  રાજકીય દાવપેચમાં ભારતના મૂળભૂત પ્રશ્નો અટવાયા જ કરે એ ચિંતાનો વિષય ખરો.
ઇ-મેઈલ: haridesai@gmail.com         (લખ્યા તારીખ: ૧૪ ડિસેમ્બર ૨૦૧૯)

No comments:

Post a Comment