Sunday, 22 December 2019

Cow, Beef and Atheist Savarkar


ગાય, ગોમાંસ અને સાવરકર  
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
Dr.Hari Desai writes a weekly column “Kaaran-Raajakaaran” for Mumbai Samachar Daily’s Sunday Suppliment “UTSAV” 22 December 2019. You may read the full text on www.haridesai.com and comment.
·         અધકચરી વાતે ખેલાતાં અનુકૂળ રાજકારણ
·         ગોભક્ષણને પવિત્ર લેખવું એ રાક્ષસી વિશ્વાસ 
·         વિ.દા. તો હિંદુ મહાસભાના નાસ્તિક અધ્યક્ષ
કવિવર વિલિયમ શેક્સપિયરનું એક કથન વારંવાર ટાંકવામાં આવે છે: “વોટ ઈઝ ઇન નેમ?” કમનસીબે, આપણે ત્યાં જે રીતે રાજકીય લાભ ખાટવા માટે ઈતિહાસ અને વર્તમાનના અમુક અનુકૂળ સંદર્ભો  ટાંકવાની પ્રથા છે એવું શેક્સપિયરના કથનનું થાય છે. જે વાક્ય પ્રચલિત બનીને અનેકોના મુખે અનુકૂળતા મુજબના સંદર્ભો સર્જે છે એના પછીનું વાક્ય ભાગ્યેજ જોઈ જાણે છે અથવા તો જાણે તો એને ટાંકવાની કોશિશ ભાગ્યે કોઈ કરે છે કારણ એનાથી તો પેલો કહેવા ચાહેલો અર્થ માર્યો જાય. હકીકતમાં શેક્સપિયરનું મૌલિક કથન કાંઇક આવું છે:“What’s in a name? That which we call a rose by any other name would smell as sweet.” ગુલાબને તમે અન્ય કોઈપણ નામથી સંબોધો કે ઓળખો; એની સુવાસ તો મધુરી રહેવાની. હમણાં મહારાષ્ટ્રની વિધાનસભામાં સ્વાતંત્ર્યવીર સાવરકરના નામે આવું થયું. બે જૂના સાવરકરવાદી મનાતા મિત્રો જયારે સામસામે આવે ત્યારે મનોરંજક દ્રશ્યો સર્જાય.હકીકતમાં મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ રાજકીય પક્ષને વિનાયક દામોદર સાવરકરનું અપમાન કરવાનું પરવડે નહીં, એવું વ્યક્તિત્વ કેવા વિરોધાભાસો સર્જે છે જોવા મળ્યું. સાવરકરને ભારતરત્ન આપવાની વાત પોતાના સંકલ્પપત્રમાં સામેલ કરીને વિધાનસભાની ઓક્ટોબર ૨૦૧૯ની ચૂંટણીમાં બહુમતી અંકે કરી લેવાની વેતરણમાં રહેલા ભારતીય જનતા પક્ષને બહુમતી મળી નહીં અને ૧૯૮૪થી હિંદુત્વના મુદ્દે ભાજપ સાથે રાજકીય જોડાણમાં રહેલી શિવસેના સાથે ફારગતી થયા પછી જે વાતાવરણ સર્જાયું અનેક મુદ્દે જૂના મિત્રોને ભીડવે છે. વિપક્ષે બેસતા ભાજપના મિત્રોએ શિવસેનાએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે રાજકીય જોડાણ કર્યું એટલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાવરકરના હિંદુત્વને તિલાંજલિ આપી એવાં મહેણાં બહુ માર્યાં એટલે અકળાયેલા શિવસેનાના પ્રમુખે ભાજપનો વારો કાઢી લીધો. ઘણીવાર કોઈ વ્યક્તિ કે વિચારના મુદ્દે રાજકીય અનુકૂળતા-પ્રતિકૂળતા મુજબ નર્યાં છબછબિયાં કરીને પ્રજાને પોતાના ભણી વાળવાની કોશિશો થતી હોય છે. પેલા શેક્સપિયરના કથન જેવું રાજકારણમાં રોજેરોજ બનતું હોય છે. પ્રજાને ખબર છે કે જોડો ક્યાં ડંખે છે,પરંતુ રાજનેતાઓ પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ ભણીથી ધ્યાન અન્યત્ર હટાવવાના હેતુસર નોખીનોખી કરામતો અજમાવતા હોય છે. હવે સાવરકર હોય કે અન્ય કોઈ, મહાત્મા ગાંધી કહે છે એમ સતત બદલાતા જતા સમયમાં અનુકૂળતા અને પ્રજાના કલ્યાણ માટે જે બાબતો જરૂરી હોય તે શાસકોએ કરવાની જરૂર હોય છે. આના બદલે ક્યારેક ધર્મ કે ક્યારેક નાતજાતના મુદ્દે સામાજિક વિભાજનો નિર્માણ કરીને પોતાનાં રાજકીય તરભાણાં ભરવાની કોશિશો થતી રહે છે.
સાવરકરથી નોખી ભૂમિકા
કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ પોતે “રાહુલ સાવરકર નથી” એવું નિવેદન આપ્યું ત્યારે ભાજપના નેતાઓએ “ઉધારીની ગાંધી અટક”નો મુદ્દો ચગાવ્યો. બંને બાબતો બાલિશ લેખવી પડે. ભિન્ન મતનો આદર કરવાની ભારતીય સંસ્કૃતિની પરંપરા હવે લુપ્ત થવા માંડી હોવાનાં જ આ બંને ઉદાહરણ છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીની અહિંસક ચળવળ સાથે જ જે ક્રાંતિકારીઓ હિંસાને વર્જ્ય નહોતા ગણતા એમનું પણ યોગદાન હતું. સાવરકર માટે તો મહારાષ્ટ્રના કોંગ્રેસીઓ પણ અનાદર કરી ના શકે.એવું જ કંઇક રાહુલ ગાંધીની અટક વિશેનું છે. ભરૂચના પારસી પરિવારના ફિરોઝ ગાંધી સાથે રાહુલ ગાંધી અને ફિરોઝવરુણ ગાંધીનાં દાદી તથા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનાં દીકરી ઇન્દિરા ગાંધીનાં વૈદિક વિધિથી લગ્ન થયાં હોવાથી એમને  ગાંધી અટક મળી છે. એ ગાંધી અટકને મહાત્મા ગાંધીની અટક સાથે કોઈ સંબંધ નહીં હોવા છતાં એ ઉધારીની હોવાનો અપપ્રચાર વોટ્સઅપ યુનિવર્સિટીમાં સતત કરાય છે. રાહુલના મુદ્દે અને હિંદુત્વના મુદ્દે શિવસેનાની ભૂમિકા સ્પષ્ટ છે.મુખ્યમંત્રી ઠાકરેએ તો “સાવરકર  કોણાલા શિકવતા..તુમ્હાલા તે કળલેત કા?” કહીને ભાજપની દુખતી રગ દબાવી હતી. મૂળે ભાજપના પૂર્વાશ્રમી રાજકીય પક્ષ જનસંઘ અને માતૃસંસ્થા આરએસએસના વડાઓ સાવરકર સાથે મતભેદ ધરાવતા હતા. ક્યારેક સંઘની સ્થાપના પૂર્વે ૧૯૨૫માં કોંગ્રેસી નેતા ડૉ.કેશવ બલિરામ હેડગેવારે રત્નાગિરી જઈને સાવરકરનું માર્ગદર્શન મેળવ્યું હતું. ડૉ.હેડગેવાર સંઘની સ્થાપના પછી  પોતે ગાંધીજીપ્રેરિત સત્યાગ્રહમાં સહભાગી થયા ત્યારે પણ સંઘનું સરસંઘચાલકપદ ડૉ.લ.વા.પરાંજપેને સોંપીને ગયા હતા.જેલમુક્ત થયા પછી એ પાછું ગ્રહણ કર્યું હતું.  વીર સાવરકરના મોટાભાઈ ગણેશ દામોદર સાવરકર ઉર્ફે બાબારાવ સાવરકર સંઘના સંસ્થાપકોમાં સામેલ ખરા, પણ રાષ્ટ્રપિતાની હત્યામાં વીર સાવરકરના નેતૃત્વવાળા હિંદુ મહાસભાના નાનકડા જૂથનો હાથ હોવાનું દેશના ગૃહમંત્રી સરદાર પટેલે નોંધ્યું કે તે પછી પણ સાવરકર સાથે સંઘ-જનસંઘ-ભાજપે અંતર જાળવ્યું હતું. હિંદુત્વની રાજનીતિ બરકતવાળી થવા માંડી ત્યારથી ભાજપે રાષ્ટ્રપિતાના તૈલચિત્રની સામે જ સાવરકરનું તૈલચિત્ર સેન્ટ્રલ હોલમાં મૂકાવવાથી લઈને આંદામાનમાં પ્રતિમા સ્થાપવા સુધીના ઉપક્રમો આદરવા માંડ્યા. સાવરકરના આગ્રહથી વિપરીત સંઘને રાજકીય પ્રવૃત્તિથી દૂર રાખવાની ડૉ.હેડગેવારની ભૂમિકા સત્તાવાર રીતે તો આજે પણ સ્વીકૃત મનાય છે.
ઉદ્ધવ ઠાકરેનું નીરક્ષીર
“તમારે કરવું હોય કે નહીં, અમારે તો સ્વાતંત્ર્યવીર સાવરકરને અભિપ્રેત અખંડ  હિંદુસ્થાન બનાવવું છે. તમારે જે બનાવવું છે એ તમે નક્કી કરો,” એવા શબ્દોમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપની નેતાગીરીને પડકારી હતી. એમણે ઉમેર્યું હતું: “તમને સાવરકરના ગાય વિશેના વિચારો માન્ય છે કે?” ભાજપના જ ગોવાના મુખ્યમંત્રી રહેલા દિવંગત મનોહર પર્રીકર તો ગોમાંસ ખાવાના આગ્રહી હોવાની વાત છેડવા ઉપરાંત કેન્દ્રના ભાજપી મંત્રી કિરણ રિજીજુ ગોમાંસ ધરાર ખાવાના આગ્રહી હોવાનું પણ વિધાનસભામાં સ્મરણ કરાવ્યું. “મારા રાજ્યમાં ગાય માતા, બાજુના રાજ્યમાં જઈને (ગોમાંસ) ખાઓ છો?” એવું મહેણું મારીને મુખ્યમંત્રી ઠાકરેએ ભાજપનાં બેવડાં ધોરણ પર વાર કર્યો હતો.બાકી હતું તે કર્ણાટકમાં ભાજપની સરકાર હોવા છતાં બેળગાવ અને કારવાર સહિતના મરાઠીભાષીઓના વિસ્તારના મરાઠી લોકોને અન્યાય થતો હોવાનો મુદ્દો પણ ઠાકરેએ છેડ્યો હતો. “અહીંના હિંદુને ન્યાય આપી શકતા નથી અને બહારના હિંદુઓને ન્યાય આપવા નીકળ્યા છો”, એવો વ્યંગ્ય પણ તેમણે કર્યો હતો.
ગાય અંગેની ભૂમિકા
સ્વયં હિંદુ મહાસભાના અધ્યક્ષ રહ્યા છતાં નાસ્તિક  અને વૈજ્ઞાનિક અભિગમના આગ્રહી એવા સાવરકરે “મહારાષ્ટ્ર શારદા”ના એપ્રિલ ૧૯૩૫ના અંકમાં ગાય વિશેની પોતાની સ્પષ્ટ ભૂમિકા રજૂ કરી છે. “ગાય: એક ઉપયોગી પશુ, માતા નહીં- દેવતા તો ત્રિવાર નહીં!” એ શીર્ષક હેઠળનો એ લેખ હિમાની સાવરકરના પ્રયાસોથી અધિકૃતપણે પ્રકાશિત “સાવરકર સમગ્ર”ના ૮મા ખંડમાં ૨૦૦૫માં પુનઃમુદ્રિત કરવામાં આવ્યો છે. સાવરકરે ગોપૂજાના ઉદભવના ઈતિહાસને વર્ણવીને તારણ મૂક્યું છે કે આધુનિક વિજ્ઞાન યુગમાં ગોપૂજા અનેકગણી અહિતકારી લેખાશે.હાસ્યાસ્પદ ગણાશે.પોથી-પુરાણોમાં કહેવાયું છે એ બધું આંખો મીંચીને માની લેવા જતાં તો અંધશ્રદ્ધા ફેલાશે.પશુને દેવતા બનાવી દેવામાં તો દેવતાઓને પશુથી પણ બદતર પશુની અવસ્થામાં મૂકવામાં આવ્યા છે. મુસલમાનોએ હિંદુસ્થાન પર આક્રમણ કર્યું ત્યારે ગાયોના ધણને આગળ કરીને હુમલા કર્યા અને હિંદુ સેનાઓ પાછળ હટતી ગઈ.ગોવધને મહાપાપ માનનારા હિંદુ પરાજિત થતા ગયા. સાવરકર ગોમાતાને પવિત્ર ગણવાનું  અને ગોમૂત્ર સહિતનાનું આચમન લેવાને વખોડે છે.આવા મૂર્ખતાભર્યા સંસ્કારોને “ગોળીએ દેવા”નો આગ્રહ સેવે છે. મડદાલ ગાયોને બદલે હૃષ્ટપુષ્ટ ગાયોને સાચવવાની વાત એ કરે છે. અહિંદુઓ (મુસ્લિમો અને ખ્રિસ્તીઓ) અમુક દિવસ ગાયને ખાવાનું પવિત્ર માનવાનો રાક્ષસી વિશ્વાસ ધરાવતા હોય તો એ પણ ત્યાગવાની જરૂર છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જેમ સાવરકર પણ ગાયોનું સારું સંવર્ધન કરવાના આગ્રહી છે, એને ગોમતા ગણવાના નહીં. અહિંદુઓ ગોદ્વેષત્યાગીને ગાયને આર્થિક દ્રષ્ટિએ જ ગોરક્ષણને પોતાનું કર્તવ્ય સમજે એવી શીખ પણ સાવરકર આપે છે. હકીકતમાં સાવરકરની કલ્પનાનું ભારત કે હિંદુસ્થાન અમલમાં લાવવાનું શિવસેના, ભાજપ કે અન્ય કોઈ માટે અશક્ય છે.કારણ કે એમના ઘણાબધા વિચારો વર્તમાનમાં અમલમાં લાવી શકાય તેવા નથી,પરંતુ એમનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને અસ્પૃશ્યતા નિવારણ અંગેની ભાવનાને આત્મસાત કરવામાં સમાજનું વિશાળ અર્થમાં કલ્યાણ અવશ્ય શક્ય છે. આપણે ચેતવાની જરૂર છે કે સાવરકરના નામે માત્ર રાજકારણની ઝૂંટઝૂંટ થકી તો હિંદુ-અહિંદુ વિભાજનો જ વકરી દેશને વધુ એકવાર તોડવા ભણી લઇ જશે.  
તિખારો
જોયાં મુખ જળે, મીઠાં ને જૂઠાં માનવી;
ભીતર કો’ક મળે, કાચ સરીખા, કાગડા!
-     દુલા ભાયા કાગ

ઇ-મેઈલ: haridesai@gmail.com           (લખ્યા તારીખ: ૨૦ ડિસેમ્બર ૨૦૧૯પ્રકાશન: ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ ) 

No comments:

Post a Comment