Saturday, 23 November 2019

A Gem of the Nation called JNU

દેશનું રતન નામે જેએનયુ
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·         ગુજરાતી જ.ચાગલાને સ્થાપનાનો યશ
·         નેહરુની અનિચ્છાએ યુનિવર્સિટીને નામ
·         મંત્રીઓ - મુખ્ય સચિવો ય રાષ્ટ્રદ્રોહી ?
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)થી લઈને બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ) સુધીનાં પ્રતિષ્ઠિત વિદ્યાસંસ્થાનોમાં  આજકાલ રાજકીય અજંપો અને આંદોલનોનો માહોલ છે. કોંગ્રેસના ત્રણ-ત્રણ વાર અધ્યક્ષ રહેલા અને હિંદુ મહાસભાના સંસ્થાપક રહેલા મહામના પંડિત મદનમોહન માલવિયાએ ૧૯૧૬માં બીએચયુની સ્થાપના કરી હતી. એનાં બરાબર પચાસ વર્ષ પછી  ૧૯૬૬માં કેન્દ્રમાં પંડિત નેહરુ અને ઇન્દિરા ગાંધી સરકારમાં શિક્ષણ મંત્રી રહેલા જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલા (મર્ચન્ટ) થકી સંસદમાં જેએનયુની સ્થાપનાનું વિધેયક રજૂ કરાયું  અને ૧૯૬૯માં અસ્તિત્વમાં આવી ત્યારે તમામ તબક્કે રાજકીય આગેવાનો સંકળાયેલા હોવા છતાં તેમનો સંકલ્પ શિક્ષણ સંસ્થાઓને બેનમૂન બનાવવાનો હતો. અલીગઢમાં ૧૯૨૦માં આકાર લેનાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના પાયામાં તો  ૧૮૭૭માં સર સૈયદ અહમદ ખાને રાજા જય કિશનની મદદથી સ્થાપેલી મુહમ્મદડન એંગ્લો ઇન્ડિયન કૉલેજ હતી. મહાત્મા ગાંધીથી લઈને રાજનેતાઓ અને રાજા-મહારાજાઓ તથા  નવાબો વિદ્યાસંસ્થાનો સાથે સંકળાયેલા રહ્યા. પાકિસ્તાનના રચયિતા અને ભાગલા અગાઉ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સાથે સંકળાયેલા રહેલા મોહમ્મદઅલી  ઝીણાએ પોતાની વસિયતમાં પણ એએમયુને દાન લખેલું હતું. હૈદરાબાદના નિઝામ ભલે કંજૂસ ગણાતા હોય પણ પંડિત માલવિયાના અનુરોધથી એમણે આઝાદી પહેલાં બીએચયુને લાખો રૂપિયાનું દાન આપ્યું હતું. આઝાદી પહેલાંના અને પછીના સમયગાળામાં ઉપરોક્ત ત્રણેય વિદ્યાસંસ્થાનો દેશના ગૌરવ સમાન રહ્યાં છે. ત્રણેય યુનિવર્સિટીઓ કેન્દ્ર સરકાર હસ્તક છે. સ્વાભાવિક છે કે અગાઉની સરકારોએ એના કુલાધિપતિ(ચાન્સેલર) કે કુલપતિ (વાઈસ-ચાન્સેલર)ની નિમણૂકો કરી હોય એમ વર્તમાન સરકાર પોતાને અનુકૂળ કુલાધિપતિઓ અને કુલપતિઓની નિમણૂક કરે, પરંતુ અત્યારે વિવિધ મુદ્દે રાજકીય ઉહાપોહ મચે અને એમની પ્રતિષ્ઠાને નુકસાન થાય તો દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે વાત સમજીને દેશનાં મહામૂલાં રત્નોનું જતન અને સંવર્ધન કરવાની જરૂર ખરી.
નેહરુની અનિચ્છાએ નામ
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની સ્થાપનાનો યશ એક ગુજરાતી અને કચ્છીને શિરે જાય છે. મુંબઈની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ  અને મુંબઈ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર રહેલા જસ્ટિસ એમ.સી. ચાગલા પંડિત નેહરુની સરકારમાં શિક્ષણ મંત્રી હતા ત્યારે આ યુનિવર્સિટી સ્થાપવાનો વિચાર તેમને સ્ફુર્યો, પણ એનો અમલ એ ઇન્દિરા ગાંધીની સરકારમાં શિક્ષણ મંત્રી હતા ત્યારે જ શક્ય બન્યો. નેહરુના નામ અંગે અત્યારે નાકનું ટેરવું ચડાવવાની ફેશન ચાલે છે, પણ એ વેળા  સ્વયં નેહરુ તો આ યુનિવર્સિટીને પોતાનું નામ આપવાના વિરોધી હતા. નવી નોખી યુનિવર્સિટી સ્થાપીને એને નેહરુનું નામ આપવાનો આગ્રહ કે દુરાગ્રહ જસ્ટિસ ચાગલાનો હતો. નેહરુએ તો એના માટે અલગ નામો પણ સૂચવ્યાં હતાં, પણ ચાગલા માન્યા નહીં. નેહરુએ તો આ યુનિવર્સિટીને માટે “રાયસીના” નામ સૂચવ્યું હતું. સ્વયં જસ્ટિસ ચાગલા પોતાની આત્મકથા “રોઝીઝ ઇન ડિસેમ્બર”માં જેએનયુની સ્થાપનાગાથા નોંધે છે. નેહરુના મૃત્યુ પછી જયારે રાજ્યસભામાં જેએનયુ અંગેનું વિધેયક આવ્યું ત્યારે સ્વતંત્ર પક્ષના નેતા ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલે નેહરુનું નામ આપીને વ્યક્તિપૂજાને પ્રોત્સાહિત કરવાની કોશિશ કરવાનો જસ્ટિસ ચાગલા પર આક્ષેપ મઢ્યો. એ વેળા ચાગલાએ નેહરુ સાથેની વાતચીતનો ઉલ્લેખ ગૃહ સમક્ષ કર્યો હતો. ચાગલાએ પોતાના આગ્રહ અંગે નેહરુનો પ્રતિભાવ કંઇક આવા શબ્દોમાં ટાંક્યો છે: “You know my views about raising memorials to living persons. This is entirely wrong. No statues should be raised to living persons and no institutions should be named after them.” જસ્ટિસ ચાગલા નોંધે છે: “The House was satisfied that Nehru was never guilty of trying to encourage a personality cult around himself.”   
નવરચિત ભાજપને આશીર્વાદ
ઓક્સફર્ડમાં ભણેલા અને ઇનર ટેમ્પલમાં ભણી બેરિસ્ટર થયેલા ચાગલા મૂળે કચ્છના મર્ચન્ટ પરિવારમાંથી આવે. પાછળથી અટક ચાગલા કરી. પોતે મુસ્લિમ હોવા છતાં ભારતમાં મુસ્લિમો લઘુમતી નહીં હોવાનું એ વિશ્વમંચ પર કાશ્મીર મુદ્દે પોતાના વ્યાખ્યાનમાં અને અન્યત્ર કહેતા. નેહરુ અને ઇન્દિરા સરકારમાં મંત્રી રહ્યા કે અમેરિકામાં ભારતીય રાજદૂત પણ રહ્યા, છતાં  શ્રીમતી ગાંધીએ ઈમરજન્સી લાદી પ્રજાના લોકશાહી અધિકારોને કુંઠિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એની સામે પણ, ધરપકડ વહોરવાની તૈયારી સાથે, તેમણે વિરોધચળવળ ચલાવી. વર્ષ ૧૯૮૦માં મુંબઈના વાંદરા રેકલેમેશન ખાતે ‘સમતાનગર’ના શમિયાણામાં ભાજપના પ્રથમ અધિવેશનમાં નવરચિત પક્ષને આશીર્વાદ આપવા માટે ભાજપના સંસ્થાપક ઉપાધ્યક્ષ રામ જેઠમલાની જસ્ટિસ ચાગલાને લઇ આવ્યા હતા. એ વેળા આ લેખકને રાષ્ટ્રીય સમાચાર સંસ્થાના સંવાદદાતા તરીકે તેમનું વ્યાખ્યાન સાંભળવાનો લહાવો મળ્યો હતો. એ વેળા ભાજપને ભવિષ્યની આશા લેખાવનાર જસ્ટિસ ચાગલાએ વૈશ્વિક સ્તરની શિક્ષણ વ્યવસ્થાને ટક્કર મારે એવી સ્થાપેલી જેએનયુની પ્રતિષ્ઠા જળવાઈ રહે અને એમાં ભણનારાં વિદ્યાર્થીઓના પ્રશ્નો તાકીદે ઉકેલાય અને તેમના પર પોલીસ અત્યાચારને બદલે માનવીય વ્યવહાર થાય એની જવાબદારી પણ ભાજપના વર્તમાન શાસકોની ખરી. ચાગલાએ નાણા મંત્રાલય સાથે લડી-ઝગડીને પણ આ યુનિવર્સિટી માટે નાણાની ફાળવણી કરાવી હતી. જેએનયુના પ્રથમ વાઈસ-ચાન્સેલર તરીકે તત્કાલીન કેન્દ્રીય પર્યટન મંત્રી ડૉ.કર્ણ સિંહએ આપેલા ભોજનના સમારંભમાં જ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી કને ચાગલાએ જી.પાર્થસારથિ (સીનિયર)ની નિમણૂક અંગે સંમતિ મેળવી. બ્રિટિશ દ્રષ્ટિએ લખાયેલા ઇતિહાસથી મુક્તિ મેળવવા  તેમજ  રાષ્ટ્રીય એકતા અને સમન્વયની બાબતમાં ઇતિહાસના વિકૃતીકરણથી બચી ભારતીય નજરે ઈતિહાસના પ્રથમ બે ગ્રંથ  લખવા માટે ચાગલાએ  દિલ્હી યુનિવર્સિટીનાં ઈતિહાસનાં વ્યાખ્યાતા મિઝ થાપર (હવેનાં વિશ્વવિખ્યાત ઇતિહાસકાર  શ્રીમતી રોમિલા થાપર)ને જવાબદારી સોંપી હતી. જસ્ટિસ ચાગલાનું પોતાની આત્મકથામાં રોમિલા વિશેનું ચુકાદારૂપ નિરીક્ષણ આ શબ્દોમાં નોંધાયું છે: “She did her work, as I thought, very brilliantly, as she not only had a historical sense, but what is even more important, a deep knowledge and also appreciation of our national evolution and traditions. She was a rationalist, and had a modern outlook, and did not suffer from the prejudices and inhibitions which historians so often display.” શિક્ષણ મંત્રી તરીકે ચાગલાએ એએમયુ અને બીએચયુના નામમાંથી અનુક્રમે મુસ્લિમ અને હિંદુ શબ્દો કાઢવાની તરફેણ પણ કરી હતી, પરંતુ એમાં તેમને સફળતા મળી નહીં. અત્યારે વધુ એક વિવાદનો મુદ્દો બનેલી કેન્દ્ર સરકાર હસ્તકની સંસ્થા  નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીની પરિકલ્પના અને શરૂઆત કરવા પાછળ પણ જસ્ટિસ ચાગલા જ હતા એ રખે ભૂલાય.
સનદી અધિકારીઓની જનની
દેશમાં અને વિદેશમાં જેમના નામની બોલબાલા છે એવાં અનેક વ્યક્તિત્વો જેએનયુનાં જ પ્રોડક્ટ છે. દેશ-વિદેશનાં વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં ભણવા આવે છે. એટલે આ યુનિવર્સિટીને “ટુકડે ટુકડે ગેંગ” કહેવી કે “રાષ્ટ્રવિરોધી તત્વોનો અડ્ડો” કહેવો એ તો આ શિક્ષણ સંસ્થાને લાંછન લગાડવા જેવું લેખાશે. સમાજમાં સારા અને નરસા લોકો હોય છે. એટલે સમગ્ર સમાજને નઠારો ગણવો યોગ્ય નથી. અહીં આવનારા તેજસ્વી વિદ્યાર્થીઓ નોબેલ પારિતોષિક મેળવે કે આઇએએસ કે આઈપીએસ થાય કે પછી દેશના ટોચના રાજનેતા તરીકે નામ રોશન કરતા હોય ત્યારે આ યુનિવર્સિટીમાં બગાડ છે એવું માની લેવાની જરૂર નથી. વિચારધારાઓ ભિન્ન ભિન્ન હોય એ તો ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનારા કે સ્વામી વિવેકાનંદની પ્રતિમાની આસપાસ બિભત્સ સૂત્રો લખનારાઓની તપાસ કરીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે, પણ જેએનયુનાં બધાં વિદ્યાર્થી કે અધ્યાપકો રાષ્ટ્રદ્રોહી છે અને જેએનયુ રાષ્ટ્ર વિરોધી તત્વોનો અડ્ડો છે એવું કહેવાથી તો આપણે આપણી માતા સરસ્વતીના  પવિત્ર મંદિરને ભાંડતા હોઈએ એવું લાગે. જેએનયુમાં ભણીને આવેલી તેજસ્વી પ્રતિભાઓ અગાઉની સરકારોમાં જ નહીં, વર્તમાન કેન્દ્ર સરકારમાં મંત્રી કે સચિવ કે સલાહકારોના હોદ્દે બિરાજમાન હોય ત્યારે જેએનયુને “ટુકડે ટુકડે ગેંગ” કે “એન્ટી-નેશનલ એલિમેન્ટ્સ”નો અડ્ડો કેમ કહેવાય? વર્તમાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણ જેએનયુનાં પ્રોડક્ટ છે. એવું જ વિદેશમંત્રી ડૉ.સુબ્રમણ્યમ જયશંકરનું છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાન્ત પણ જેએનયુના જ છે. મોદી સરકારે નિયુક્ત કરેલા અનેક સલાહકારો પણ જેએનયુમાં ભણેલા છે.અગાઉ મોદી સરકારમાં મંત્રી રહેલાં મેનકા ગાંધી  પણ જેએનયુમાં ભણેલાં છે. ઇન્દિરા ગાંધીની ઈમરજન્સી વખતે એમના પ્રતાપે જ જેએનયુના ઘણા વિદ્યાર્થી નેતાઓની ધરપકડો થઇ હતી. એમાંના ઘણા તો આજે વિવિધ પક્ષોના રાષ્ટ્રીય નેતા છે. હમણાં અર્થશાસ્ત્રમાં નોબેલ મેળવનાર અભિજિત બેનરજી પણ જેએનયુમાં જ ભણેલા છે. ભાજપના સાંસદ મહેશ ગિરિ જયારે જેએનયુને “રાષ્ટ્રદ્રોહી તત્વોનો અડ્ડો” કહે છે ત્યારે એમને ઘણા બધા ભાજપી સાંસદો અને સનદી અધિકારીઓ જેએનયુમાં ભણેલા હોવાનો ખ્યાલ હોવો જોઈએ. ગુજરાતના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) સંગીતા સિંહ અને ગુજરાત ચૂંટણી પંચના હમણાં નિયુક્ત મુખ્ય ચૂંટણી આયુક્ત અને નિવૃત્ત અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ સહિત ગણ્યા ગણાય નહીં એટલા સનદી અધિકારીઓ જેએનયુમાં ભણીને આઇએએસ કે આઇપીએસ જ નહીં, જયશંકરની  જેમ વિદેશ સેવામાં પણ કાર્યરત હતા અને છે. વર્તમાન કેન્દ્ર સરકારે જેએનયુના મુદ્દે ઊભી થયેલી પ્રત્યેક સમસ્યાને ઉકેલવાની રહે છે. માનવ સંસાધન મંત્રાલયે રચેલી ત્રણ સભ્યોની સમિતિ ઉકેલ લાવીને વાતાવરણને સૌહાર્દપૂર્ણ બનાવવું રહ્યું. કેન્દ્રની વર્તમાન સરકારે નિયુક્ત કરેલા કુલાધિપતિ ડૉ.વિજય કુમાર સારસ્વત અને કુલપતિ ડૉ.મારીડાલા જગદીશ કુમારે વિદ્યાર્થીઓનો વિશ્વાસ સંપાદિત કરીને જેએનયુની સાખ બચાવે એટલું જ નહીં, દુનિયામાં એનો ડંકો વાગે એ દિશામાં કામ કરે એ જરૂરી છે. હવે શિક્ષણ સંસ્થાઓ અને વિદ્યાર્થી આલમને દંડૂકાથી વશ કરી શકાય એ દિવસો રહ્યા નથી.
તિખારો
જે વિદ્યા ભણવાથી ભિક્ષુક રહે, તે તો કશા કામની;
જૂની જેહ નદી થઇ જળ વિના, તે તો નદી નામની.
-     દલપતરામ
ઇ-મેઈલ:haridesai@gmail.com(લખ્યા તારીખ:૨૧નવેમ્બર૨૦૧૯પ્રકાશન:મુંબઈ સમાચાર દૈનિકની રવિવારીય પૂર્તિ “ઉત્સવ” ૨૪ નવેમ્બર ૨૦૧૯ http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=604274)

No comments:

Post a Comment