Sunday, 22 September 2019

The National Language Controversy: Then and Now


રાષ્ટ્રભાષાનો વિવાદ: ત્યારથી આજ લગી   
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·         ગાંધીજી-નેહરુ હિંદી-હિંદુસ્તાનીને રાષ્ટ્રભાષા બનાવવાનાઆગ્રહી
·         સરદાર પટેલે તમિળ ભાષીઓને હિંદી શીખવા શીખ આપી હતી
·         ડૉ. આંબેડકરની સંસ્કૃતને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાની દરખાસ્ત
·         ભાજપ શાસિત કેટલાંક રાજ્યોની સત્તાવાર ભાષા હજુ અંગ્રેજી!

હમણાં દેશના ગૃહમંત્રી અમિત શાહે હિંદી દિવસની ઉજવણી ટાણે રાષ્ટ્રભાષા તરીકે હિંદીને સ્વીકારવાનો આગ્રહ સેવ્યો અને વિવાદનો મધપૂડો છંછેડાયો.૧૪ સપ્ટેમ્બરના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગના ઉપક્રમે પાઠવેલા સંદેશ અને પોતાના ભાષણમાં કહ્યું: “હમારા દેશ વિવિધ ભાષાઓં, બોલિયોં એવં સંસ્કૃતિયોં કા દેશ હૈ” કહેવાની સાથે “જનતા અને શાસન વચ્ચે જનભાષા જ સંપર્કભાષાની સાર્થક ભૂમિકા નિભાવી શકે છે. હિંદી ભારતની સૌથી વધુ બોલાતી અને સમજાતી ભાષા છે. હિંદી  એક ઉન્નત, સમૃદ્ધ અને વૈજ્ઞાનિક ભાષા છે.” શાહે “પોતપોતાની માતૃભાષાના વપરાશને વધારવાની સાથે જ હિંદી ભાષાનો પણ ઉપયોગ કરીને દેશની એક ભાષાના પૂજ્ય બાપુ અને લોહપુરુષ સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન” કરવાની હાકલ કરી. રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામની મહાત્મા ગાંધી, પંડિત નેહરુ  અને સરદાર પટેલની ત્રિપુટીમાંથી નેહરુને બાકાત કરવા ઉપરાંત “દેશને એક કરનારી સૌથી વધુ બોલાતી હિંદી”નો આગ્રહ સ્વાભાવિક રીતે જ રાજકીય વિવાદ સર્જે. છેક ૧૯૩૭થી હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાના આગ્રહી નેહરુના નામને ગાળી દેવાય એ વર્તમાન શાસકોની ભૂમિકાને અનુરૂપ જ છે. મહાત્મા ગાંધી તો ૧૯૦૯થી હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાના આગ્રહી હતા. સરદાર પટેલે ૨૩ ફેબ્રુઆરી ૧૯૪૯ના મદ્રાસ (હવેના ચેન્નઈ) ખાતેના ભાષણમાં દક્ષિણ ભારતીયોને દેશ અને વિકાસ સાથે તાલ મિલાવવા માટે પણ હિંદીને અપનાવવાની હાકલ કરી હતી. બંધારણ સભામાં રાષ્ટ્રભાષા મુદ્દે ચર્ચા અને ૧૯૬૭ના ગાળામાં દક્ષિણ ભારતમાંથી હિંદી વિરોધ થકી જ દ્રવિડ ચળવળ બેપાંદડે થઇ હોવાનું સુવિદિત છે.
૨૨ રાજભાષાઓનો દેશ
હિંદીનાં અનેક સ્વરૂપ હોવા છતાં ઉત્તરમાં હિંદી સ્વીકૃત માનવામાં આવે છે છતાં દક્ષિણનાં રાજ્યો જ નહીં, પશ્ચિમ બંગાળમાંથી પણ જે રીતે વંટોળિયો ઊઠ્યો એ જોતાં આ સહેતુક મનાતું રાજકીય ઉંબાડિયું બહુ જલદી શમે એવું નથી. ભારતના વિદેશમંત્રી તરીકે વર્ષ ૧૯૭૭માં સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીમાં સંબોધનની શરૂઆત કરનાર અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા પછી પોતાના આરાધ્યપુરુષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીના હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાના આગ્રહને વિસારે પાડીને અંગ્રેજીમાં પણ ભાષણ કરતા થયા હતા. સમાજવાદી નેતા ડૉ.રામમનોહર લોહિયાએ પીએચ.ડી.નો થિસીસ જર્મનીમાં ભલે જર્મનમાં લખ્યો પણ ભારતમાં તો હિંદીમાં જ કામકાજના આગ્રહી હતા. એમના પટ્ટશિષ્ય મુલાયમ સિંહ યાદવ રક્ષામંત્રી હતા ત્યારે સઘળો વહીવટ હિંદીમાં ચલાવાતા હતા. ભારત સરકારની સત્તાવાર કામકાજ માટેની ભાષા આજે પણ અંગ્રેજી અને હિંદી છે. બંધારણના પરિશિષ્ટ-૮માં સમાવાયેલી તમામ ૨૨ ભાષાઓ દેશની સત્તાવાર રાજભાષાઓ (ઓફિશિયલ લેંગવેજસ) છે પણ કોઈ રાષ્ટ્રભાષા (નેશનલ લેંગવેજ) નહીં હોવા છતાં ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ છાસવારે પોતાનાં જાહેર પ્રવચનોમાં હિંદીને રાષ્ટ્રભાષા લેખાવતા રહ્યા છે. દેશનાં ભાજપ કે ભાજપી મોરચાના શાસન હેઠળનાં કેટલાંક રાજ્યોમાં આજે પણ જે તે રાજ્યની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. પ્રાદેશિક ભાષાને પ્રથમ સત્તાવાર ભાષા અને હિંદીને દ્વિતીય સત્તાવાર ભાષા બનાવાય તેવો  કેન્દ્રના ગૃહમંત્રીનો આગ્રહ તેમના પક્ષે જ પહેલાં અમલી બનાવવો પડશે.  દેશની અનેકતામાં એકતાની ભૂમિકાના જતનના આગ્રહ સાથે જ અનેક રાજ્યોની સત્તાવાર ભાષા પણ જયારે અંગ્રેજી હોય ત્યારે દેશભરમાં હિંદીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવામાં અડચણો આવવી સ્વાભાવિક છે. ગુજરાતી અસ્મિતાના જ્યોતિર્ધર અને નેહરુ સરકારમાં મંત્રી રહેલા ક.મા.મુનશીએ તો દેશમાં ભાષાના મુદ્દે હિંસક અથડામણો સર્જાઈ હતી ત્યારે “ભાષાના ભસ્માસુર”ને નાથવા માટે આવા વિવાદને ટાળવાની સલાહ આપી હતી. દેશની ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ, એ વેળાની ૧ અબજ ૨૧ કરોડ જેટલી વસ્તીમાંથી ૫૨,૮૩,૪૭,૧૯૩ એટલે કે ૫૩ કરોડ જેટલી (૪૩.૬૩%) વસ્તીની માતૃભાષા હિંદી છે.
મહાત્મા-નેહરુની હિંદુસ્તાની
મુઘલ કાળમાં ફારસી (પર્શિયન) રાજની ભાષા હતી.એમ તો સોમનાથ ભાંગનારા ગઝનીના શાસક મહમૂદ ગઝનીની રાજભાષા સંસ્કૃત હતી, એ ઇતિહાસવિદો આપણી સામે પુરાવા સાથે મૂકે ત્યારે આશ્ચર્ય જરૂર થાય.મુઘલ સહિતના મુસ્લિમ શાસકોના દરબારના વહીવટની ભાષા ફારસી હોવા સાથે જ કાશ્મીરી પંડિત, કાયસ્થ કે નાગર દીવાનો એ ભાષામાં નિષ્ણાત હતા. આપણા જૂનાગઢના નવાબી શાસનમાં પણ એ જોવા મળતું હતું. અંગ્રેજ શાસનકાળમાં અંગ્રેજી, ઉર્દૂ અને હિંદીમાં અનુકૂળતા મુજબ વહીવટ થતો હતો.મહારાજા સયાજીરાવ ગાયકવાડે તો ગુજરાતીમાં રાજવહીવટ અને ન્યાય વહીવટને સ્થાન આપ્યું હતું. સ્વતંત્ર ભારતની શાસન માટેની ભાષા કઈ હોઈ શકે એ વિશે ભારે મનોમંથન આઝાદીની લડત અને અંગ્રેજ શાસન દરમિયાન કોંગ્રેસના મંચ પર પણ થયું હતું. મહાત્મા ગાંધીએ તો ૧૯૦૯માં પ્રકાશિત તેમના “હિંદ સ્વરાજ”માં નાગરી અને ફારસીમાં લખાતી હિંદી જ ભારતની સાર્વત્રિક (યુનિવર્સલ)ભાષા થઇ શકે એવી ભૂમિકા માંડી હતી. ૨૯ માર્ચ ૧૯૧૮ના રોજ ઇન્દોરમાં ૮મા હિંદી સાહિત્ય સંમેલનમાં તેમણે પહેલીવાર જાહેર મંચ પરથી આગ્રહ સેવ્યો કે હિંદીને જ ભારતની રાષ્ટ્રભાષાનો દરજ્જો આપી શકાય. ૧૯૩૭માં પ્રાંતિક ચૂંટણીઓને પગલે મોટાભાગના પ્રાંતોમાં કોંગ્રેસની સરકારો બની હતી. આ વેળા કોંગ્રેસના લોકપ્રિય નેતા પંડિત જવાહરલાલ નેહરુએ ભાષાના પ્રશ્ન પર એક નિબંધ લખ્યો હતો. બેરિસ્ટર મહાત્મા ગાંધીની પ્રસ્તાવના સાથે એ પ્રકાશિત પણ થયો હતો.૧૯૩૭માં નેહરુએ રાષ્ટ્રભાષા તરીકે હિંદી અને ઉર્દૂ પ્રવાહના મેળ સમી હિંદુસ્તાનીનો આગ્રહ રાખ્યો હતો.મહાત્મા પણ એ વાત સાથે સંમત રહ્યા. લિપિ તરીકે હિંદી અને ઉર્દૂ બંને સ્વીકારવામાં આવે એવી ભૂમિકા હતી.બુનિયાદી અંગ્રેજીના ધોરણ પર બુનિયાદી હિંદુસ્તાની શીખવવામાં આવે એવો આગ્રહ નેહરુએ સેવ્યો હતો અને ગાંધીજી પણ એ બાબતમાં સંમત હતા. બેરિસ્ટર નેહરુ વડાપ્રધાન થયા ત્યારે પણ એમનો આ નિબંધ ‘નવજીવન’ થકી  ૧૯૪૯માં પુનઃ પ્રકાશિત થયો ત્યારે પણ એમણે પરિશિષ્ટમાં “અંગ્રેજી ન ચાલે” એ નોંધમાં લખ્યું છે: “હું માનું છું કે અંગ્રેજીનું આજે દુનિયામાં વિશેષ સ્થાન છે અને તેનું જ્ઞાન આપણે ત્યાં બહોળા પ્રમાણમાં ફેલાયેલું છે એ બંને કારણોને લઈને આપણી ભાવિ પ્રવૃત્તિઓમાં તે મહત્વનો ભાગ ભજવતી રહેશે છતાં તે કે બીજી કોઈ પરદેશી ભાષા અખિલ હિંદ ભાષા નહીં બની શકે. અખિલ હિંદ ભાષા તરીકે કામ આપી શકે એવી હિંદી, હિંદુસ્તાની અથવા બીજા ગમે તે નામથી ઓળખાતી એક જ ભાષા છે.” તેમણે સંસ્કૃતના અભ્યાસને ઉત્તેજન આપવાની આગ્રહી ભૂમિકા રજૂ કરતાં નોંધ્યું છે : “એ ભાષા દટાઈ રહેલા ને લગભગ ભૂલાઈ ગયેલાં સાહિત્યને શોધખોળ કરી બહાર લાવવાના કામમાં આપણા વિદ્વાનોને કામે લગાડવા હું ઈચ્છું છું.” સંસ્કૃત એ ફારસી બંનેના મહાત્મ્યને તેઓ સ્વીકારે છે,પણ રાષ્ટ્રભાષા તો હિંદી-હિંદુસ્તાની જ બની શકે એવું પ્રતિપાદિત કરે છે.મુશ્કેલી એ થઇ કે બંધારણ ઘડતી વેળા અને પછીથી હિંદીના સંસ્કૃતમય અને ઉર્દૂમય સ્વરૂપના ઉત્તર ભારતીયોના વિવાદમાં દક્ષિણ ભારતમાં હિંદી વિરોધે આકાર લીધો. પંદર વર્ષ સુધી અંગ્રેજી અને હિંદી બંનેને સ્વીકારવામાં આવે અને પછી હિંદી ભણી જવાની ભૂમિકા અપનાવી તો ખરી; પણ દક્ષિણમાં હિંદી વિરોધે કોંગ્રેસનાં મૂળિયાં ઉખાડીને ૧૯૬૭થી દ્રવિડ પક્ષોની જ સરકારો સ્થાપી એટલે હજુ આજે પણ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ થકી દત્તક લેવાયેલા મનાતા અન્નાદ્રમુકની તમિલનાડુ સરકાર પણ તમિળ અને અંગ્રેજી એ દ્વિભાષી ફોર્મ્યૂલા સિવાયની હિંદી સહિતની ત્રિભાષી ફોર્મ્યૂલાને કબૂલતી નથી.  
આંબેડકર સંસ્કૃતના આગ્રહી  
બંધારણ સભાની લગભગ ત્રણેક વર્ષની ચર્ચા દરમિયાન રાષ્ટ્રભાષા અંગે ભિન્નભિન્ન મત રજૂ થયા,પણ એમાં કોઈ એક ભાષાને રાષ્ટ્રભાષા તરીકે  સર્વાનુમતે સ્વીકારવાનું વલણ જોવા ના મળ્યું. બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને દેશના સૌથી વધુ ભણેલા રાજનેતા બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ સભાના દક્ષિણ ભારતીય અને હિંદુ-મુસ્લિમ એવા  દસેક સભ્યોએ તો સંસ્કૃતને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાની દરખાસ્ત પણ કરી જોઈ હતી. જોકે ઈઝરાયલમાં લગભગ મૃત ભાષા  હિબ્રૂ પુનઃ જીવંત કરી રાષ્ટ્રભાષા થઇ શકે પણ એ વેળાના સરદાર પટેલ, ગોવિંદ વલ્લભ પંત, ડૉ.શ્યામા પ્રસાદ મુકરજી જેવા વિદ્વાન મહારથીઓ પણ સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવી શકાય નહીં એવા મતના હતા. અંગ્રેજ શાસનના પ્રતીક સમી અંગ્રેજીના પ્રભાવને ખાળવા હિંદીનો આગ્રહ સેવાયો,પણ દક્ષિણનાં રાજ્યોનો વિરોધ જોતાં મધ્યમમાર્ગ તરીકે ૧૯૪૯માં ક.મા.મુનશી અને ગોપાલસ્વામી આયંગરની કોઈ એક ભાષાને રાષ્ટ્રભાષા નિર્ધારિત કરવાને બદલે માત્ર કેન્દ્ર થકી “સત્તાવાર ભાષાઓ (ઓફિશિયલ લેંગવેજીસ)” માન્ય કરાય તેવી સમાધાનકારી ફોર્મ્યૂલા સ્વીકારાઈ અને તેને મુનશી-આયંગર ફોર્મ્યૂલા ગણવામાં આવી. ભાષા પંચની નિમણૂક થઇ અને અંગ્રેજીને સ્થાને હિંદીને ક્રમશઃ સ્થાન આપવાની ભૂમિકા કબૂલી. જોકે એ પછી તો નેહરુ અને શાસ્ત્રી યુગમાં પણ હિંદી સામે બળવાના સંજોગો અને દ્રમુકના હિંદી વિરોધ થકી ૧૯૬૭માં તેનું સત્તારોહણ શક્ય બન્યું. એ પછી કોઈ રાષ્ટ્રીય પક્ષ તમિળનાડુમાં મુખ્ય પક્ષ તરીકે સત્તામાં આવ્યો નથી. દ્રમુક અને અન્નાદ્રમુક જ વારફરતાં સત્તામાં આવતા રહ્યા છે. સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ રણજિત સિંહ સરકારિયાના નેતૃત્વમાં ૧૯૮૩માં નિયુક્ત પંચની ભલામણની  ભૂમિકા પર ત્રિભાષી ફોર્મ્યૂલા સ્વીકારાઈ. એમાં અંગ્રેજી અને હિંદી ઉપરાંત જે તે રાજ્યની ભાષાને સ્વીકૃતિ અપાઈ; પણ એમાં પણ દ્રવિડ ચળવળે તો અંગ્રેજી અને તમિળની દ્વિભાષી ફોર્મ્યૂલા જ કબૂલી અને આજે પણ તમિળનાડુ હિંદીને સ્વીકારતું નથી. એવું નથી કે એ રાજ્યના લોકો હિંદી શીખતા નથી. તેઓ હિંદી શીખે જરૂર છે,પણ હિંદી વિરોધનું રાજકારણ તેમને નફાકારક લાગે છે.
ભાષા લાદવાનાં જોખમ
દેશવાસીઓની લાગણી વિરુદ્ધ કોઈ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે લાદવાનાં દુષ્પરિણામ અંગે પણ રાજકીય પક્ષોએ સાવધ રહેવું જરૂરી છે.રાજ્યની પોતાની ભાષામાં વહીવટનો સિદ્ધાંત સ્વીકાર્યો તેમજ ભાષાવાર પ્રાંત રચના કરવાની ભૂમિકા કબૂલ્યા પછી સ્વદેશી ભાષાઓને અવગણવાનું ભારે પડી શકે. પાકિસ્તાનનું ઝગારા મારતું ઉદાહરણ આપણી સામે છે જ. પૂર્વ પાકિસ્તાનની બંગાળી ભાષી પ્રજા પર જોરજુલમથી ઉર્દૂને રાષ્ટ્રભાષા તરીકે લાદવા જતાં તો એનું બાંગલાદેશમાં રૂપાંતરણ થયું. દક્ષિણ ભારતના રાજનેતાઓ ઘણીવાર અલગ દ્રવિડનાડુના ભૂતને ધૂણાવવાનું પસંદ કરે છે એનાં જોખમો સમજવાં પડે. હિંદીને જ રાષ્ટ્રભાષા બનાવવાના ટેકામાં જનસંઘના મૂળ બંગાળી એવા સંસ્થાપક અધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી હતા,પણ વર્તમાનમાં પશ્ચિમ બંગાળમાંથી જ હિંદીને રાષ્ટ્રભાષા બનાવવા સામે અવાજ ઊઠે છે. દેશના બંધારણના પરિશિષ્ટ-૮માં સામેલ તમામ ૨૨ ભારતીય ભાષાઓને સમાન દરજ્જો મળેલો છે.એ વિવિધ રાજ્યોની ભાષાઓ છે. આમ છતાં, જરૂરી નથી કે બધાં જ રાજ્યોએ એ ૨૨ ભાષાઓની સૂચિમાંથી જ કોઈ એક ભાષાને પોતાના રાજ્યની વહીવટની સત્તાવાર ભાષા સ્વીકારી હોય. ત્રિપુરામાં કોકબોરોક અને મિઝોરમમાં મિઝો ભાષા વહીવટની ભાષાઓમાં સમાવાઈ છે.  જે ૨૨ ભાષાઓને કેન્દ્રમાં બંધારણીય રીતે સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો છે તેમાં આસામી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિંદી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, સાંથાલી, સિંધી, તમિળ, તેલુગુ અને ઉર્દૂ. વર્ષ ૨૦૧૬માં મોદી સરકારે દક્ષિણ અને ઇશાન ભારતનાં રાજ્યોમાં હિંદીના પ્રચાર-પ્રસાર પર ભાર મૂકવાનું જાહેર કર્યું હતું.
રાજ્યોમાં અંગ્રેજી સત્તાવાર
દક્ષિણનાં રાજ્યોમાં અને ખાસ કરીને તમિળનાડુ અને કેરળમાં હિંદી સામે વિરોધ બોલકો છે. વિરોધના સમર્થનમાં રાજકીય શાસકો અને વિપક્ષી નેતાઓ ખુલ્લેઆમ આવે છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં હિંદીનું ચલણ હોવા છતાં રાજકીય દ્રષ્ટિએ એમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી જેવા હિંદીવિરોધમાં કૂદી પડે છે. ગુજરાતના સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકીના એક પ્રશ્નના ઉત્તરમાં ૨૨ માર્ચ ૨૦૦૫ના રોજ લોકસભામાં ગૃહમંત્રીએ આપેલા ઉત્તરમાં જણાવ્યા મુજબ દેશનાં ૨૯ રાજ્યોમાંથી ૧૮ રાજ્યોમાં હિંદી સત્તાવાર ભાષાનો દરજ્જો ધરાવતી નથી. આ રાજ્યોમાં આંધ્રપ્રદેશ(તેલંગણ સહિત), અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, જમ્મૂ-કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, તામિળનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ. ગુજરાતમાં ભલે હિંદી અનિવાર્યપણે ભણાવાતી ના હોય, ગુજરાતી પછી બીજી સત્તાવાર ભાષા હિંદી છે, જયારે મહારાષ્ટ્રમાં માત્ર મરાઠી જ છે. નવાઈ તો એ વાતની છે કે હિંદીનાં સૌથી વધુ ઢોલ પીટનાર ભાજપ કે ભાજપી મોરચા દ્વારા શાસિત કેટલાંક રાજ્યોમાં હજુ આજે પણ અંગ્રેજી વહીવટની સત્તાવાર ભાષા અકબંધ છે! અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેંડ , સિક્કિમ અને ત્રિપુરામાં અંગ્રેજી સત્તાવાર વહીવટની ભાષા છે. મણિપુરમાં ભલે મૈતેયી(મણિપુરી) મુખ્ય સત્તાવાર ભાષા હોય, અન્ય સત્તાવાર ભાષા તો અંગ્રેજી જ છે. ૧ અબજ ૩૦ કરોડને પણ વટાવી ગયેલા વસ્તીના આંકડામાં દેશમાં માત્ર ૨૪,૮૨૧ જેટલા જ સંસ્કૃત બોલતા હોવા છતાં એકમાત્ર હિમાચલ પ્રદેશમાં સંસ્કૃત દ્વિતીય સત્તાવાર ભાષા છે. ભાજપશાસિત હરિયાણા અને ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશની અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સત્તાવાર ભાષા અંગ્રેજી છે. ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ અને બિહારમાં સત્તાવાર ભાષા તો હિંદી છે પણ દ્વિતીય સત્તાવાર ભાષા ઉર્દૂ છે. તૃણમૂલ કોંગ્રેસનાં મુખ્યમંત્રી મમતા બેનરજીના પશ્ચિમ બંગાળમાં બંગાળી અને અંગ્રેજી બંને સત્તાવાર ભાષા છે. બાકીની દસ ભાષાઓને દ્વિતીય સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો છે. તેલંગણમાં તેલુગુ મુખ્ય અને ઉર્દૂ દ્વિતીય સત્તાવાર ભાષા છે. તમિળનાડુમાં તમિળ મુખ્ય અને અંગ્રેજી દ્વિતીય સત્તાવાર ભાષા છે. હજુ ઉત્તર ભારતનાં હિંદી ભાષી રાજ્યો સિવાય દેશભરની વડી અદાલતોનું કામકાજ અંગ્રેજીમાં જ ચાલે છે. સુપ્રીમ કોર્ટમાં પણ અંગ્રેજી જ છે.  આવા સંજોગોમાં હિંદીને એકઝાટકે રાષ્ટ્રભાષા બનાવી દેવાનું શક્ય નથી. માત્ર છાણે વીંછી ચડાવવા જેવો જ હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાનો ખેલ છે. હિંદીને રાષ્ટ્રભાષા બનાવવા માટે પ્રજાને એ માટે તૈયાર કરાવી પડશે. એ કાંઇ રાતોરાત થવું શક્ય નથી.
તિખારો
પાપીઓ ધરા કેરી છોડી ફિકર
તાગ અવકાશનો માપતા થઇ ગયા
દોર જામ્યો અહીં ઇન્કીલાબી જલન
અંધજન આરસી રાખતા થઇ ગયા
-     જલન માતરી
ઇ-મેઈલ : haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૯ પ્રકાશન: મુંબઈ સમાચાર દૈનિકની રવિવારીય ‘ઉત્સવ’ પૂર્તિ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯)



No comments:

Post a Comment