અનામતનો ભાગવતપ્રેરિત સંવાદ
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
·
સવર્ણો અને પછાતોમાં લાભ મેળવવાની આંધળી દોટ
·
અનામતની કાખઘોડીને સવેળા ફગાવવાની સંઘ-નિષ્ઠા
·
અનામતશ્રેણીના વંચિતોને લાભ પહોંચાડવાનો આગ્રહ
દેશ પર ભારતીય જનતા
પક્ષના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)નું શાસન છે ત્યારે ભાજપની
માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ભૂમિકાનાં માન-પાન વધુ રહે એ સ્વાભાવિક છે. છત્રપતિ શિવાજી
મહારાજના સામ્રાજ્યમાં ગુરુ રામદાસ સ્વામીના સ્થાન સાથે સંઘની તુલના થઇ શકે. અને
એટલે જ સંઘના સરસંઘચાલક (પ્રમુખ) ડૉ.મોહનરાવ ભાગવતનાં બૌદ્ધિકોમાં કહેવાતી વાતની
અસર સ્વાભાવિક રીતે જ ભાજપની નીતિરીતિમાં થતી હોય છે. હમણાં અનામત મુદ્દે વિરોધીઓ
સાથે પણ સંવાદ સાધવાની વાત ડૉ.ભાગવતે કરી અને દેશભરમાં ભડકો થયો. કોંગ્રેસ અને
બહુજન સમાજ પાર્ટી જ નહીં, કેન્દ્ર સરકારમાં ભાજપના મિત્ર પક્ષના નેતા અને મંત્રી
એવા રામવિલાસ પાસવાન અને રામદાસ આઠવલેએ પણ ડૉ.ભાગવતના નિવેદનના ભાવને સમજ્યા વિના
જ એમાં અનામત કાઢી નાંખવાનો હેતુ નિહાળ્યો. તેમણે તો એટલે સુધી કહ્યું કે અનામત
પ્રથા ક્યારેય ખતમ કરી નહીં શકાય અને એ અંગે કોઈ ચર્ચા કે સંવાદની જરૂર નથી. હકીકતમાં કોઈપણ સમસ્યાનું સમાધાન બંને ભિન્ન મત
ધરાવનાર પક્ષો વચ્ચે સંવાદ થાય તો જ નીકળી શકે. માથે બિહારની વિધાનસભાની ચૂંટણી
હતી ત્યારે વર્ષ ૨૦૧૫માં ડૉ.ભાગવતે અનામતની સમીક્ષાની વાત કરીને એવો મધપૂડો છંછેડ્યો
હતો કે એ ચૂંટણીમાં ભાજપે પરાજય સહન કરવાનો વારો આવ્યો હતો. હકીકતમાં દર દસ વર્ષે
અનામતની સમીક્ષા કરવાની જોગવાઈ હોવા છતાં એની વાત કરવાની હિંમત પણ ભાગ્યેજ કોઈ કરે
છે. દેશમાં માહોલ જ કાંઈક એવો છે કે પ્રજા અને રાજકીય પક્ષો સંવાદને બદલે વિવાદ
ભણી વધુ ધસી જતા લાગે છે.
અનામતનાબૂદીની આશંકા
લોકશાહી રાષ્ટ્રમાં
પારસ્પરિક ભિન્ન મતનો આદર કરવાની પરંપરા હોવી ઘટે પણ એ અંગે બંને બાજુથી
અસહિષ્ણુતાનો જ માહોલ જોવા મળે છે. અનામત અંગે સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સંવાદની સંઘ
સુપ્રીમોની ભૂમિકાથી અનામતને સમાપ્ત કરવાની અમુક લોકોને આશંકા ઊઠવાનાં બે
તાત્કાલિક કારણો છે: એક, હજુ હમણાં જ જમ્મૂ-કાશ્મીર અંગેના બંધારણના અનુચ્છેદ
૩૭૦ને સમાપ્ત કરવાનું પગલું ભરવામાં આવ્યું. એ વિશે ભાજપ અને સંઘ તરફથી સતત
રાષ્ટ્રવ્યાપી ચર્ચા કરવાની અનિવાર્યતાની રીતસર ઝુંબેશ ચલાવાતી હતી.વળી બીજું
નિમિત્ત એ પણ છે કે સંઘનું મુખપત્ર લેખાતા અંગ્રેજી સાપ્તાહિક “ઑર્ગેનાઈઝર”ના ૧૭
જુલાઈ ૨૦૧૯ના અહેવાલ મુજબ, કેન્દ્રીય સેવાઓમાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત
જનજાતિ (એસટી)ને અનામતમાં અમલી કરવાની ટકાવારી કરતાં વધુ ટકાવારી અમલમાં આવ્યાના
આંકડા કેન્દ્રના રાજ્યમંત્રી ડૉ.જિતેન્દ્ર
સિંહે લોકસભામાં રજૂ કર્યા છે. આ આંકડાઓ મુજબ, કેન્દ્ર સરકારની વિવિધ સેવાઓમાં
૧.૧.૨૦૧૬ના રોજ ૧૭.૪૯% એસસી અને ૮.૪૭% એસટી તેમજ ૨૧.૫૭% ઓબીસીનો સમાવેશ હતો.
સરકારી નોકરીઓમાં એસસી માટે ૧૫% અને એસટી માટે ૭.૫ % અનામતનું પ્રમાણ રાખવામાં
આવ્યું છે.ઓબીસી માટે ૨૭ % અનામત બેઠકો ભરાયેલી હોવી ઘટે, એને બદલે તે પ્રમાણ ઓછું
છે. મધ્યપ્રદેશ અને બિહારમાં અનુક્રમે ભાજપ અને જનતાદળ (યુનાઇટેડ)-ભાજપના શાસન
દરમિયાન જે રીતે તથાકથિત સવર્ણો થકી “અનામત હટાવો અથવા અમને અનામત આપો” ની માંગણી
કરતાં આંદોલન થયાં, એ જોતાં પણ સંઘ-ભાજપની અનામતની “કાખઘોડી”ને હટાવવાની મંછા છતી
થતી હોવાનું અનામત જાતિઓ અને વર્ગોને લાગતું રહ્યું છે.
સંઘની અનામતનીતિ
જરૂરી નથી કે સંઘની જે
નીતિ હોય તે એના રાજકીય સંતાન ભાજપની પણ નીતિ હોય.જોકે માતૃસંસ્થા સંઘની નીતિમાંથી
એ પ્રેરણા જરૂર લે છે. વીતેલા સપ્તાહમાં જ સ્વયં ભાગવતે કહ્યું હતું: “ભાજપવાળા
અમારી વાત સાંભળે છે,પણ તેઓ અમારી તમામ વાત સાથે સંમત થાય એ જરૂરી નથી.” ૧૯૮૧માં
સંઘની પ્રતિનિધિ સભા (સંસદ)એ જે ઠરાવ પસાર કર્યો હતો તેમાં અનામતની તરફેણ કરવાની
સાથે જ આ કાખઘોડીને જેટલી જલદી ફગાવી દેવાય એટલું સારું, એવી ભૂમિકા પણ લેવાઈ હતી.
વર્ષ ૨૦૧૨માં પણ પ્રતિનિધિસભાએ કરેલા અનામત અંગેના ઠરાવમાં દલિતો, આદિવાસીઓ, અન્ય
પછાતો તેમજ બૌદ્ધોને અનામત આપવાનું સ્વાગત કરાયું છે. “અનામત નીતિના વોટબૅંકલક્ષી
અમલને કારણે અપેક્ષિત લક્ષ્યને આંબી શકાયું નથી” અને લઘુમતી એટલેકે મુસ્લિમો
માટેની અનામતનો સંઘ દ્વારા વિરોધ કરાતો રહ્યો છે.
અનામતના છે બે પ્રકાર
ભારતીય બંધારણના ઘડવૈયાઓએ
બંધારણ ઘડતી વખતે એસસી અને એસટી ઉપરાંત અન્ય પછાતો માટે પણ અનામતની જોગવાઈ કરી
હતી. મલ્લની સામે ખેંખલીને કુસ્તી માટે મેદાનમાં ઉતારવામાં આવે તો પરિણામ શું આવે
એ સમજી શકાય છે. અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિઓ અને પછાતોને અનામતનો લાભ આપીને સમાજની
મુખ્યધારામાં લાવવાનો હેતુ બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને દેશના પ્રથમ
બિન-કોંગ્રેસી કાયદા પ્રધાન ડૉ.બાબાસાહેબ આંબેડકર થકી રાખવામાં આવ્યો. શરૂઆતમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને ક.મા.મુનશીએ
અનામતની જીદ છોડવા ડૉ.આંબેડકરને સમજાવવા પ્રયાસ કર્યો તો બાબાસાહેબે રાજીનામું ધર્યું.
સરદાર એમ કંઈ ગાંજ્યા જાય એવા નહોતા.એમણે રાજીનામું ફાડીને ડૉ.ભીમરાવને બંધારણ
ઘડવાના કામમાં જોડાઈ જવા પ્રેર્યા. બે પ્રકારની અનામતની જોગવાઈ કરાઈ: એક, રાજકીય
અનામત. સંસદ અને ધારાસભાઓમાં એસસી અને એસટી માટે અનામત બેઠકોની જોગવાઈ જે તેની
વસ્તીને આધારે કરવામાં આવે છે. નવાઈ એ વાતની છે કે મહદઅંશે અનામત બેઠકોથી વધુ
અનામત શ્રેણીના સાંસદો કે ધારાસભ્યો ચૂંટાતા નથી.એનો અર્થ એ થયો કે આ અનામત ના હોય
તો એટલા પ્રમાણમાં પણ અનામત શ્રેણીના લોકપ્રતિનિધિઓ ધારાગૃહોમાં આવી ના શકે. રાજકીય
અનામતની મુદત દસ વર્ષની હતી. પછી એ વધારાતી ગઈ છે. બીજી અનામત, સરકારી નોકરીઓ અને
શિક્ષણમાંની છે. એ માટે કોઈ સમય મર્યાદા નહીં હોવા છતાં આપણે ત્યાં એ માત્ર દસ
વર્ષ માટે જ હતી એવો ભ્રમ ફેલાવાય છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે
દલિતોને ૪૫ ટકે મૅડિકલમાં પ્રવેશ મળે છે અને સવર્ણોને ૯૦ ટકે પણ નથી મળતો, એવી ભારે
ગાજવીજ થયેલી. હકીકતમાં આ નર્યું જૂઠ્ઠાણું જ હતું. દલિતોને અનામત થકી માંડ અડધો
ટકો ઓછો હોય તો મળે એવું પ્રવેશના આંકડા દર્શાવે છે. અન્ય પછાતો (ઓબીસી)ને છેક
૧૯૯૩માં સુપ્રીમ કૉર્ટના ઇન્દિરા સાહની
ચુકાદા પછી અનામત લાભ મળતો થયો. હવે તો આર્થિક રીતે પછાત ઉજળિયાતો માટે અનામતનો
લાભ આપવાનો બંધારણીય સુધારો કરાયો છે. એનો લાભ લેવા માટે ભારે ધસારો થઇ રહ્યો છે.
સંઘના ઠરાવોમાં આર્થિક રીતે નબળા ઉજળિયાતો માટે અનામતની તરફેણ કરવામાં આવી છે. વર્તમાન
કેન્દ્ર સરકારે એનો અમલ કર્યો છે અને હજુ એ અદાલતી સમીક્ષા હેઠળ છે.
વંચિતો સુધી લાભ પહોંચે
સંઘની અત્યારની પ્રગટ
ભૂમિકા અનામત હેઠળ આવતા લોકોમાંના અનામતથી વંચિત રહી જતા પરિવારો સુધી એનો લાભ
પહોંચે એ માટેના પ્રયાસો કરવાની છે. વાત ખોટી પણ નથી.કારણ, અનામતનો લાભ મેળવનારી
જ્ઞાતિઓ કે વર્ગોમાં અમુક સુધી જ એ અનામતનો લાભ કેન્દ્રિત થાય છે અને નીચે સુધી
એનું પ્રસારણ(પરકોલેશન) થતું નથી. આને માટે તો દર દસ વર્ષે અનામતની સમીક્ષા કરવાની
જોગવાઈને અદાલતી ચુકાદાઓમાં પણ માન્ય કરવામાં આવ્યા છતાં સમીક્ષાની વાત માત્રથી
હોબાળો મચે છે.સામે પક્ષે જે વલણ અખત્યાર કરવામાં આવે છે એ અનામતને નાબૂદ કરવાની
દિશા પકડતું હોય એવું વધુ લાગે છે. કેન્દ્ર સરકારે નવ સંયુક્ત સચિવોની યુપીએસસી મારફત
નિયુક્તિ કરી અને એમાં અનામતને બદલે કરાર આધારિત નિમણૂકને ઓથે અનામત શ્રેણીમાં
નહીં આવતી વ્યક્તિઓને જ નિયુક્ત કરવામાં આવી.આ પ્રયોગ હજુ આગળ લંબાવાનો છે. વધુ
૯૦૦ જગ્યાઓ આ રીતે જ ભરવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. એનો અર્થ એ થયો કે
અનામત શ્રેણીની વ્યક્તિઓને આ લાભ નહીં મળે અથવા એ મેળવવા માટે તેમને ખુલ્લી
સ્પર્ધામાં આવવું પડશે. સંઘ કે એના રાજકીય ફરજંદ એવા ભાજપની સત્તાવાર ભૂમિકા
અનામતને ક્યારેય દૂર નહીં કરાય એવી જાહેર કરાય છે પરંતુ આચરણમાં અનામતને કોરાણે
મૂકીને કરાર આધારિત કે આઉટસોર્સ કરીને અનામતની જોગવાઈઓ ટાળી દેવાનો પ્રયાસ
સાર્વત્રિક બનતો જતો હોય એવું વધુ લાગે છે. જોકે લાંબે ગાળે આ ભૂમિકા આત્મઘાતી જ
નહીં, સમાજમાં વિદ્વેષ નિર્માણ કરનારી લાગ્યા વિના રહેતી નથી.
મહાત્મા ગાંધીની ભૂમિકા
મહાત્મા ગાંધીની
સાર્ધ-શતાબ્દી ઉજવણીની ગાજવીજ વચ્ચે બાપુની ભૂમિકાનો સહારો લઈને પણ અનામત પ્રથાને
નાબૂદ કરવાની દિશામાં આગળ વધવાના પ્રયાસ થાય એને નકારી શકાય નહીં. “મારા સ્વપ્નનું
ભારત”માં મહાત્માએ “રાજતંત્રને કાર્યદક્ષ રાખવું હોય તો સૌથી કાબેલ લોકોને જ એમાં રોકવા
પડશે”, એવો આગ્રહ સેવ્યો છે. બાપુ નોંધે છે: “સરકારી ખાતાંની નોકરીઓની બાબતમાં તો
હું માનું છું કે કોમી પક્ષપાતની ભાવનાને
એ પ્રદેશમાં પણ જો આપણે દાખલ થવા દઈશું તો આપણા
સુતંત્રમાં એ કેવળ ઘાતક નીવડશે. અલબત્ત, એમાં પક્ષાપક્ષી અને વગવસીલા ન
ચાલવા જોઈએ, એટલે કે જો આપણને ઇજનેરો જોઈતા હોય તો દરેક કોમમાંથી એક એક લેવાનું
ધોરણ રાખ્યું નહીં પાલવે અને સૌથી વધારે લાયકાતવાળા પાંચ જણને જ તે જગ્યાઓ આપવી
પડશે,પછી તે પાંચે ભલે પારસી કે મુસલમાન કોમના હોય.સૌથી નીચલા દરજ્જાની જગાઓ જરૂર
જણાય તો, જુદી જુદી કોમોના બનેલા એક તટસ્થ મંડળની દેખરેખ નીચે એક પરીક્ષા લઈને
તેમાંથી નીકળનારાઓ વડે ભરવામાં આવે.” ગાંધીજીના આ શબ્દોને આધારે એમનું મૂલ્યાંકન કરવાનું
કે તેનો વર્તમાનમાં આધાર લેવાનું યોગ્ય નહીં લેખાય કારણ અંગ્રેજોનું રાજ હતું
ત્યારે બાપુએ “નવજીવન”ના ૧ જૂન ૧૯૨૪ના અંકમાં આ વિચારો રજૂ કર્યા હતા.સમય સાથે
મહાત્માના વિચારોમાં પણ પરિવર્તન અને સંવર્ધન જોવા મળ્યું છે. સંઘના વડા
ડૉ.ભાગવતની વાતને સાવ જ નકારી કાઢવાને બદલે એ વિશે યોગ્યાયોગ્યાતાનો વિચાર કરીને
અનામતના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સ્વસ્થ સંવાદ સધાય તો એ વિચારના મંથનમાંથી અમૃત
પણ નીકળી શકે. માત્ર વિષ જ નીકળશે, એવું માનીને સંવાદ ટાળવાનું લોકશાહી રાષ્ટ્ર
માટે આત્મઘાતી સાબિત થઇ શકે.
તિખારો
ગુનેગારી જગતની હું કરું
છું એ ખબર નો’તી,
નિખાલસ થઈને સાચું
બોલવામાં થાપ ખાધી છે,
ફૂલો વચ્ચે છરી રાખી હશે
એ કલ્પના નો’તી,
પરિચય દોસ્તોનો પામવામાં
થાપ ખાધી છે.
- મનોજ ખંડેરિયા
ઇ-મેઈલ:haridesai@gmail.com(લખ્યા તારીખ:૨૨ ઑગસ્ટ
૨૦૧૯ પ્રકાશન:મુંબઈ સમાચાર ઉત્સવ પૂર્તિ રવિવાર, ૨૫ ઑગસ્ટ ૨૦૧૯ )
No comments:
Post a Comment