Saturday, 17 August 2019

"Gumnami" politics in the name of "Deshnayak" Netaji Bose

નેતાજી બોઝના નામનું ‘ગુમનામી” રાજકારણ
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·         વાસ્તવમાં સમવિચારી સુભાષ અને નેહરુ વચ્ચે અણબનાવની ચગાવાતી વાતો
·         સરદાર અને પંડિતજીએ નેતાજીની પુત્રી અનિતા માટે આર્થિક મદદ ગોઠવી હતી
·         જાપાનના રેન્કોજી મંદિરમાં રખાયેલા અસ્થિકુંભને સ્વદેશ લાવવામાં હજુ ઠાગાઠૈયા

 “દેશનાયક” સુભાષચન્દ્ર બોઝનું સ્થાન ભારતીય બંધારણમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે જ, નંદલાલ બોઝની પીંછીએ ચિત્રિત થઈને, રાષ્ટ્રનાયકો કે રાષ્ટ્રનાયિકાઓમાં સામેલ કરવા જેટલું માનવંતુ રહ્યા છતાં આજે પણ એમના નામનો રાજકીય વિવાદ છાસવારે ઉછાળ્યા જ કરે છે. વર્ષ ૧૯૩૯માં કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે નેતાજી બોઝને “દેશનાયક” ગણાવ્યા હતા. આ જ વર્ષે બીજી વાર કૉંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયેલા નેતાજીએ મહાત્મા ગાંધી સાથેના મતભેદોને પગલે પક્ષનું અધ્યક્ષપદ જ નહીં, કૉંગ્રેસમાંથી પણ રાજીનામું આપીને અલગ પક્ષ “ફૉરવર્ડ બ્લૉક” સ્થાપ્યો હતો. એ પછી સિંગાપુર જઈને જનરલ મોહનસિંહ સંસ્થાપિત આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ ૪ જુલાઈ ૧૯૪૩ના રોજ રાસબિહારી ઘોષ પાસેથી સ્વીકારનાર સુભાષબાબુએ જુલાઈ ૧૯૪૪માં ગાંધીજી માટે સૌપ્રથમ વાયુપ્રસારણમાં “રાષ્ટ્રપિતા” (ફાધર ઑફ ધ નેશન) શબ્દપ્રયોગ કર્યો હતો. આગામી ૧૮ ઑગસ્ટે અત્યાર લગીની તમામ  ભારત સરકારોએ  સ્વીકારેલો નેતાજીનો નિર્વાણદિન આવે છે. હમણાં આ સ્વીકૃત નિર્વાણ દિનના થોડા દિવસ પહેલાં જ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ૨૪ જુલાઈએ જ રજૂ થયેલો જસ્ટિસ વિષ્ણુ સહાય તપાસપંચનો અહેવાલ વધુ એકવાર નેતાજીના મૃત્યુને ચર્ચામાં લાવે છે. તાઈપેયીમાં ૧૮ ઑગસ્ટ ૧૯૪૫ના રોજ થયેલી વિમાન દુર્ઘટનામાં નેતાજી મૃત્યુ પામ્યા હતા કે પછી ફૈઝાબાદમાં છેક ૧૯૮૫ સુધી ગુમનામીબાબા તરીકે જીવતા હતા, એ બાબત અંગે આ અહેવાલ શંકા દૂર કરવાનો વધુ એક પ્રયાસ લાગે છે.  વર્ષ ૨૦૧૩માં વડી અદાલતના રાજ્ય સરકારને આદેશ મુજબ ફૈઝાબાદમાં રહેતા ગુમનામીબાબા જ નેતાજી હતા કે કેમ, એ અંગે તપાસપંચ નિયુક્ત કરીને નીરક્ષીર કરવાનું હતું. વર્ષ ૨૦૧૬માં અખિલેશ યાદવની સરકારે જસ્ટિસ સહાયના વડપણ હેઠળ તપાસપંચ નિયુક્ત કર્યું હતું. એના અહેવાલમાં જણાવાયું છે કે ફૈઝાબાદમાં રહેતા ગુમનામીબાબા નેતાજી હોવાની કોઈ શક્યતા નથી.અગાઉ માહિતી અધિકાર અધિનિયમન હેઠળ પૂછવામાં આવેલા નેતાજીના મૃત્યુ અંગેના પ્રશ્નનો ૩૧ મે ૨૦૧૭ના રોજ ભારત સરકાર વતી ઉત્તર વાળતાં સ્પષ્ટ કરાયું હતું કે શાહ નવાઝ સમિતિ, જસ્ટિસ જી.ડી.ખોસલા પંચ અને જસ્ટિસ મુકરજી તપાસપંચના અહેવાલોના આધારે સરકાર એવા તારણ પર આવી છે કે નેતાજીનું મૃત્યુ ૧૯૪૫ની વિમાનદુર્ઘટનામાં થયું હતું.
કરાંચી કૉંગ્રેસમાં સુભાષ
સરદાર પટેલની અધ્યક્ષતામાં ૨૯ માર્ચ ૧૯૩૧થી કરાંચીમાં મોતીલાલ નેહરુ પંડાલમાં મળનારા કૉંગ્રેસના અધિવેશનના છ દિવસ પહેલાં કોઈને કલ્પના નહોતી કે બ્રિટિશ સરકાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ઉતાવળે ૨૩ માર્ચે જ ફાંસી આપી દેશે. ગાંધીજીએ વાઈસરૉય અરવિન સાથેની મંત્રણાઓ દરમિયાન આ ત્રિપુટીના હિંસાના માર્ગની વિરુદ્ધ હોવા છતાં ફાંસી અટકાવી દેવાની કોશિશ કરી જોઇ, પણ એ સફળ થયા નહીં. ગાંધીજી અને કૉંગ્રેસના નેતાઓ અધિવેશન માટે આવ્યા ત્યારે યુવાનોએ રોષ વ્યક્ત કરતાં કાળાં ફૂલથી તેમનું સ્વાગત કર્યું. ગાંધીજીએ પોતે આ ત્રિપુટીને બચાવી નહીં શક્યાનો અફસોસ ખુલ્લા અધિવેશનમાં વ્યક્ત કર્યો. અધ્યક્ષ સરદારે અંગ્રેજ સરકારની હૃદયશૂન્યતાને વખોડી, યુવા ત્રિપુટીના હિંસાના માર્ગ સાથે અસંમત થવા છતાં આ ત્રિપુટીની રાષ્ટ્રભક્તિ અને ત્યાગ સમક્ષ શીશ ઝૂકાવ્યું. કૉંગ્રેસની ડાબેરી પાંખના સુભાષબાબુએ બ્રિટિશ સરકારને વખોડી પણ ગાંધીજીએ એ ત્રણેયને બચાવી લેવાનો પ્રયાસ કર્યાનું જરૂર જણાવ્યું. રાજમોહન ગાંધીએ આ ઘટનાક્રમ અંગે “સરદાર પટેલ: એક સમર્પિત જીવન”માં નોંધ્યું: “ગાંધીજી, વલ્લભભાઈ, નેહરુ અને બોઝ વચ્ચે સ્થપાયેલી એકતા માટે કરાંચી અધિવેશન નોંધપાત્ર છે અને મૂળભૂત અધિકારો અંગેના ઠરાવ માટે પણ વિખ્યાત છે.” આ જ અધિવેશનના મંચ પરથી ભગતસિંહના પિતા કિશનસિંહે પોતાના વહાલસોયા ક્રાંતિકારી દીકરાએ પ્રીવી કાઉન્સિલમાં અપીલ નહીં કરવા જણાવ્યાની માંડીને વાત કરવા ઉપરાંત કૉંગ્રેસ કાર્યકરોને ગાંધીજીના હાથ મજબૂત કરવાની અપીલ કર્યાનું કુલદીપ નાયરે પોતાના સંશોધન આધારિત પુસ્તક “વિધાઉટ ફીયર : ધ લાઈફ ઍન્ડ ટ્રાયલ ઑફ ભગતસિંહ”માં જણાવ્યું છે. જોકે ભગતસિંહના કુટુંબીઓની ઈચ્છાને અનુસરીને બૅરિસ્ટર અસફઅલીએ મૃત્યુદંડને ફેરવવા સારુ માફીની અરજીનો એક ખરડો ઘડીને ગાંધીજીને બતાવ્યો, પણ મહાત્માને આ અરજી દેશના એક વીર જુવાનને છાજે એવી લાગી નહીં. એ અરજી જાય તેમાં પણ ભગતસિંહનો દેશપ્રેમ, પોતાના ઉદ્દેશ ખાતર બલિદાન આપવાની તૈયારી અને એમની વીરતા પ્રગટ થવી જોઈએ, એમ વિચારી ગાંધીજીએ નવેસરથી અરજી ઘડી આપી. એ લઇ સંતોષ અને ગૌરવ અનુભવતા અસફઅલીએ વાઈસરૉય પાસે પાઠવી હતી. જોકે હૃદયશૂન્ય શાસકોને એની કોઈ અસર થઇ નહોતી.  
નેહરુ વિરુદ્ધ સુભાષની કથા
જોકે લોકસભાની છેલ્લી બે ચૂંટણીઓ કે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં નેતાજી અને વડાપ્રધાન પંડિત નેહરુ વચ્ચેના અણબનાવની વાતો ખૂબ ગાજતી રહી છે. નેતાજી વિરુદ્ધ નેહરુની થિયરીને ખૂબ ચગાવવામાં આવે છે. વાસ્તવમાં નેહરુ સાથે સુભાષના અંતરંગ સંબંધ હતા  એટલું જ નહીં, બંને સમવિચારી પણ હતા. બંને સમાજવાદી વિચારધારાના હતા. વર્ષ ૧૯૩૩માં વિઠ્ઠલભાઈ પટેલના બનાવટી વસિયતનામા સંદર્ભે વલ્લભભાઈ પટેલની નજરમાંથી ઉતરી ગયા, છતાં નેતાજીને  ૧૯૩૮માં દક્ષિણ ગુજરાતના હરિપુરામાં કૉંગ્રેસના અધિવેશનમાં ખભે લઈને ફરનારા યજમાન સરદાર પટેલ સુભાષના અધ્યક્ષ બનવાની વિરુદ્ધ તો હતા જ.  ગાંધીજી, સરદાર અને અન્યોની અનિચ્છાએ ફરીને ૧૯૩૯માં પક્ષના અધ્યક્ષ ચૂંટાયા. વિશ્વયુદ્ધ શરૂ થાય તો હિટલર-મુસોલિની જેવા તાનાશાહો માટે આદરભાવ ધરાવતા સુભાષ બોઝને ટેકો આપી ના શકાય, એવું ગાંધીજી અને સરદાર માનતા હતા. કોમી પરિસ્થિતિ સુધરે એ હેતુસર મૌલાના અબુલ કલામ આઝાદ  અધ્યક્ષ બને એવું માની સરદારે ઉમેદવારી પછી ખેંચી, પણ પછીથી બે બંગાળી સામસામે લડે તે સારું ના લાગતાં મૌલાનાએ પણ ઉમેદવારી પાછી લીધી. છેવટે ચૂંટણી અગાઉ એક અઠવાડિયા પહેલાં જ સુભાષ સામે પટ્ટાભિ સીતારામૈય્યાની ઉમેદવારી જાહેર કરાઈ. ૨૯ જાન્યુઆરીએ ૧૫૮૦ વિરુદ્ધ ૧૩૭૫ મતે  સુભાષ ફરી ચૂંટાઈ આવ્યા. ‘ગાંધીજી અને સરદારની સલાહ પ્રમાણે, કૉંગ્રેસ કારોબારીના પંદરમાંથી ૧૨ સભાસદોએ રાજીનામાં આપ્યાં.’ સૌથી છેલ્લે રાજીનામું આપનાર નેહરુ હતા. પંડિતજીએ તો સુભાષની સાથે વાત કરીને છેલ્લે અને અલગથી રાજીનામું આપ્યું હતું. જબલપુર પાસે નર્મદા કાંઠે આવેલા ત્રિપુરીમાં બીમાર સુભાષ અને મહાત્મા ગાંધીની અનુપસ્થિતિમાં ભારે ભાંડણલીલા વચ્ચે પક્ષ તૂટી જવાના સંજોગો સર્જાયા. સુભાષના મોટાભાઈ સરતચન્દ્ર સહિતના પ્રશંસકોએ સરદારને ખૂબ ભાંડ્યા. બોઝ તરફ સરદારે “નીચ, દુષ્ટ કે ઝનૂની” વલણ દાખવ્યાની ફરિયાદ થયા છતાં વલ્લભભાઈ સંયમી રહ્યા. જોકે ૨૯ એપ્રિલ ૧૯૩૯ના રોજ સુભાષે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ૩ મેના રોજ અલગ ઑલ ઇન્ડિયા ફૉરવર્ડ બ્લૉક પાર્ટી રચી.
નેતાજીના પરિવારની ચિંતા
અત્યારે સુભાષની રાજકીય વારસાઈના દાવા સાથે  લડતા-ઝગડતા અને એકમેકની સામે રાજકીય શત્રુતાનો ભાવ ધરાવતા બોઝ પરિવારજનોને નિહાળીને વસમું લાગવું સ્વાભાવિક છે. ૧૯૪૫માં તાઈપેયીમાં વિમાનદુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ નીપજયાના સમાચાર આવ્યા ત્યારે એમનાં ઑસ્ટ્રિયન પત્ની ઍમિલી શૅંકલ સહિત પરિવારજનો એ માઠા સમાચાર માનવા તૈયાર નહોતા. આજે પણ એ વાત સાથે ઘણાં સુભાષપ્રેમી સહમત થતાં નથી. સ્વયં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને સંઘ-ભાજપની નેતાગીરી પણ બોઝ એ અકસ્માતમાં માર્યા ગયાની થિયરીમાં વિશ્વાસ મૂકવા તૈયાર નથી. નેતાજી વિરુદ્ધ નેહરુનું રાજકારણ પણ ચૂંટણીઓમાં ઝળકે છે અને ચૂંટણી પતી ગયા પછી પ્હો’રો ખાય છે. નેતાજીના નામને વટાવીને જ્યાં લગી વોટનો મોલ લણી શકાય ત્યાં લગી આવતા દિવસોમાં પણ એ ખેંચતાણ ચાલતી રહેશે. આવા સંજોગોમાં નેતાજીના મૃત્યુ પછી એમના મોટાભાઈ સરતચન્દ્ર પણ જયારે ‘તેમનાં પત્ની ઍમિલી અને દીકરી અનિતાની ખેવના કરતા નહોતા ત્યારે વડાપ્રધાન પંડિત  નેહરુ અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલ જ વિદેશનિવાસી મા-દીકરીની આર્થિક જવાબદારીની વ્યવસ્થા કરતા હતા. એમનો પત્રવ્યવહાર પી.એન.ચોપડા અને પ્રભા ચોપડાસંપાદિત “સરદાર પટેલ: ગાંધી, નેહરુ એવં સુભાષ”માં સંકલિત છે. જુલાઈ ૧૯૪૮ અને ઑગસ્ટ ૧૯૫૦ વચ્ચેના આ પત્રવ્યવહારમાં સરદાર લખે છે કે ‘એવું લાગતું નથી કે સરતબાબુ તેમની કોઈ મદદ કરી શકશે’ અને નેહરુ નોંધે છે: ‘સરતબાબુ કોઈપણ કારણસર જવાબદારીમાંથી છટકી ગયા છે.’ આઝાદ હિંદ ફોજના નિધિમાંથી નેતાજીની દીકરીને મદદ કરવાનું ન્યાયોચિત લેખાશે, એવી ભૂમિકા સરદાર લે છે. વિયેના દૂતાવાસ મારફત આ નાણાં દર મહિને મા-દીકરીને જીવનનિર્વાહ ભથ્થા તરીકે મોકલવાનું ગોઠવાયાનું આ પત્રોમાં સ્પષ્ટ થાય છે. સરદાર એ નિધિના અધ્યક્ષ હોવાને નાતે ચૅક પણ પાઠવે છે. આ પત્રો વાંચનારાઓને નેહરુ, સુભાષ અને સરદાર વચ્ચે સાથી તરીકેનો સ્વજનભાવ અનુભવાય છે.
અનિતાનું અધૂરું સ્વપ્ન
દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે નેતાજીનું શું થયું એ વિશે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવા વિશે એમનાં પ્રાધ્યાપક-પુત્રી અનિતા બોઝ ફાફે વર્ષ ૨૦૧૮માં પ્રકાશિત આશિષ રેના પુસ્તક “લેઈડ ટુ રેસ્ટ: ધ કૉન્ટ્રોવર્સી ઓવર સુભાષ ચંદ્ર બોઝ્સ ડેથ”ની પ્રસ્તાવનામાં જ નેતાજીના મૃત્યુ અંગે યોજાયેલી ત્રણ-ત્રણ તપાસના નિષ્કર્ષની વાત છેડી છે. શાહ નવાઝ ખાન (૧૯૫૬), જસ્ટિસ  જી.ડી.ખોસલા (૧૯૭૦-૭૪) અને જસ્ટિસ મનોજ કુમાર મુકરજી (૧૯૯૯-૨૦૦૫)ની તપાસમાંથી બે એવા તારણ પર પહોંચી હતી કે નેતાજીનું મૃત્યુ ૧૮ ઑગસ્ટ ૧૯૪૫ના રોજ વિમાનઅકસ્માતમાં જ નીપજ્યું હતું. મુકરજી અહેવાલમાં ચર્ચાયેલા કોઈ સ્વામી અગેહાનંદ ભારતી તરીકે નેતાજી પરત આવ્યાની વાત પણ અનિતા સાચી માનતાં નથી. અનિતાને સુભાષબાબુ ૧૮ ઑગસ્ટ ૧૯૪૫ના રોજ વિમાન અકસ્માતમાં જ માર્યા ગયાની વાત સાચી લાગે છે. તેઓ તાઈહોકુ (તાઈપેયી)માં ઑગસ્ટ ૧૯૪૫માં માર્યા ગયાની વાતમાં જે લોકો શંકા કરે છે તેઓ જાપાનમાં રેન્કોજી મંદિરમાં રાખવામાં આવેલા નેતાજીના અસ્થિકુંભનાં ફૂલના ડીએનએ પરીક્ષણ થકી એની ચોકસાઈ કરાય એ અપેક્ષિત માને છે. તેમનું કહેવું છે કે ભારત અને જાપાનની સરકારોએ આ અંગે સંમતિ સાધીને ફેંસલો કરવાનો સમય આવી ગયો છે. જયારે અનિતા બોઝ પણ  આ લેખકની વાતને વધુ વિશ્વસનીય લેખે છે. સ્વયં સરતબાબુના પુત્ર શિશિર કુમાર બોઝે તમામ દસ્તાવેજોનો અભ્યાસ કર્યો અને ૧૯૬૫માં તાઇવાન અને જાપાનની મુલાકાત લઈને પણ એ જ તારણ મેળવ્યું છે કે નેતાજી ૧૮ ઑગસ્ટ ૧૯૪૫ના રોજ તાઈપેયીમાં શહીદ થયા હતા, એવું તેમના ઇતિહાસકાર-પુત્ર અને હાર્વર્ડના પ્રાધ્યાપક સુગત બોઝ “હિઝ મૅજેસ્ટીઝ ઑપોનન્ટ : સુભાષ ચંદ્ર બોઝ ઍન્ડ ઇન્ડિયાઝ સ્ટ્રગલ અગેઇન્સ્ટ ઍમ્પાયર”માં નોંધે છે. નેતાજીનાં પત્ની ઍમિલીનું ૧૯૯૬માં મૃત્યુ થયું. જર્મનીમાં રહેતાં અને અનેકવાર ભારત આવી ગયેલાં અનિતા પણ પોતાના પિતાના મૃત્યુ અને જાપાનના મંદિરમાં રખાયેલાં તેમનાં ફૂલની ચકાસણી કરવાની અપેક્ષા કરે છે. નેતાજીના અસ્થિકુંભની ઇન્દિરા ગાંધી સહિતના  ભારતીય વડાપ્રધાનોએ મુલાકાત લીધી, પણ એને સ્વદેશ લાવવાનું હજુ ટાળવામાં આવે છે. વાજપેયી સરકારે નિયુક્ત કરેલા મુકરજી પંચનું તારણ એ હતું કે રેન્કોજી મંદિરમાં જે ફૂલ છે તે નેતાજીનાં નથી. એટલે જ વડાપ્રધાન મોદીને સલાહ અપાઈ હતી કે તેઓ રેન્કોજી મંદિરની મુલાકાત લેવાનું ટાળે. અગાઉ વડાપ્રધાન નરસિંહરાવે તો રેન્કોજી મંદિરમાં નેતાજીના અસ્થિકુંભની જાળવણીની ભારત તરફથી અપાતી રકમને વર્ષે છ લાખ યેનમાંથી વધારીને ૧૦ લાખ યેન કરવાનો નિર્ણય કર્યો હતો. ઘરઆંગણે નેતાજીના નામની ઓથે રાજકારણ ખેલાય છે, પણ  સુભાષચન્દ્ર બોઝનાં અસ્થિ હજુ સ્વદેશ લવાતાં નથી. ‘દેશનાયક’ ભણી રાષ્ટ્રનો આ ઉપેક્ષાઅભિગમ સમજાય તેવો નથી.
તિખારો
કંટકો ખેંચી લીધા ખોટું થયું,
ફૂલના જખ્મો ઉઘાડા થઇ ગયા.
આજ શોધો છો તિમિરમાં ‘નૂર’ને,
એના મૃત્યુને જમાના થઇ ગયા.
-‘નૂર’ પોરબંદરી 
ઇ-મેઈલ : haridesai@gmail.com     (લખ્યા તારીખ: ૧૫ ઑગસ્ટ ૨૦૧૯ પ્રકાશન: મુંબઈ સમાચાર ઉત્સવ પૂર્તિ ૧૮ ઑગસ્ટ ૨૦૧૯ )
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=565592

No comments:

Post a Comment