Wednesday 24 July 2019

The International Court of Justice and Kulbhushan Jadhav


કુલભૂષણ કાંડમાં જાગતિક અદાલતે ન્યાય તોળ્યો પણ જીવ હજુ તાળવે
ડૉ.હરિ દેસાઈ
·         છેલ્લાં ચાર વર્ષથી પળેપળ મોતને ભેટતો રહેલો કુલભૂષણ ભારત પરત આવી શકે એવું સકારાત્મક વલણ
·          કુલભૂષણ ભણી કૂણું વલણ લે તો પાકમાં રાજકીય અને લશ્કરી નેતાગીરી વચ્ચે ટકરાવના નવા ફણગા ફૂટે
·         વિંગ કમાન્ડર અભિનંદનને પરત લાવવા જેટલું નેવલ કમાન્ડર કુલભૂષણ સુધીર જાધવ કેસમાં સરળ નથી  
·         મામલો સુરક્ષા પરિષદમાં જઈ શકે, પણ ભારત સભ્ય હોવાથી વિવાદાસ્પદ કાશ્મીર-જૂનાગઢ કોકડું ઉકેલાય

ભારત-પાક સંબંધોની વધુ એક અગ્નિપરીક્ષા હવે થવાની છે: કુલભૂષણ જાધવ પ્રકરણ જાગતિક અદાલતે ગયા પછી એ  ફરી પાછું પાકિસ્તાનની અદાલતમાં સમીક્ષા માટે આવતાં ઇસ્લામાબાદ કેવું વલણ અખત્યાર કરે છે એના પર આવતા દિવસોમાં બંને દેશો વચ્ચેના સંબંધોનું ભવિષ્ય નક્કી થશે. ભારતીય નૌકાદળના કમાન્ડર રહેલા મૂળ મહારાષ્ટ્રના કુલભૂષણ સુધીર જાધવનું ઈરાનના ચાબહાર બંદરેથી અપહરણ કરીને, પાકિસ્તાનના સત્તાવાળાઓએ બલૂચિસ્તાનમાં ભારતીય ગુપ્તચર એજન્સી “રૉ”ના એજન્ટ તરીકે દર્શાવી, જાસૂસી તથા હત્યાકાંડ કરવાના આરોપસર ૩ માર્ચ ૨૦૧૬ના રોજ તેની ધરપકડ કરી હતી. ભારતીય દૂતાવાસ કે ભારત સરકારના પ્રતિનિધિઓને જ નહીં, જાધવના પરિવારને કુલભૂષણને મળવા દેવામાં પણ ભારે વાંધાવચકા કર્યા. પાકિસ્તાનની લશ્કરી અદાલતે ૧૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ જાધવને ફાંસીની સજા ફરમાવી. ભારતે ૮ મે ૨૦૧૭ના રોજ નેધરલેન્ડના હેગસ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાયિક અદાલતમાં ધા નાંખી અને ફાંસી પર મનાઈહુકમ મેળવ્યો હતો. ૧૭ જુલાઈ ૨૦૧૯ના રોજ જાગતિક અદાલતના ૧૬ ન્યાયાધીશોની ખંડપીઠે આ સંદર્ભમાં આખરી ચુકાદો આપ્યો. ૧૫ (અમેરિકા, ચીન સહિતના) વિરુદ્ધ  ૧ (પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ રહેલા જીવાણી)ના ૪૨ પાનાંના ચુકાદામાં આઠેય બાબતોમાં ભારતને પક્ષે ન્યાય થયો. છેલ્લાં ચાર વર્ષથી પળેપળ મોતને ભેટતો રહેલો કુલભૂષણ ભારત પરત આવી શકે, એવું સકારાત્મક વલણ પાકિસ્તાન અપનાવશે કે એને પાકિસ્તાની જેલોમાં સડવા દેવામાં આવશે, એ કહેવું મુશ્કેલ છે. વિયેના સંધિ મુજબ, કુલભૂષણને ભારતીય દૂતાવાસની મદદ લેવાના એના અધિકારથી વંચિત રાખીને પાક લશ્કરી અદાલતે તેને આપેલી ફાંસીની સજા પરનો મનાઈહુકમ ચાલુ રખાયો છે. સાથે જ તેને દૂતાવાસની મદદ મળે અને એના સહયોગમાં કાયદાની યોગ્ય પ્રક્રિયા પ્રમાણે એ ચુકાદાની સમીક્ષા થાય ત્યાં લગી જાગતિક અદાલતે આ  મનાઈહુકમ યથાવત જાળવ્યો છે.
ભારત-પાક બેઉ હરખપદુડાં
ભારતમાં આ ચુકાદાને વધાવતાં યોજનાબદ્ધ રીતે રાજકીય નારેબાજી સાથે વિજયોત્સવ મનાવાયો, તો સામે પક્ષે પાકિસ્તાને ચુકાદાને ભારતની શિકસ્ત ગણાવતાં હરખ કર્યો. પાકિસ્તાનની સ્થિતિ પડ્યા છતાં તંગડી ઊંચી રાખવાની ભૂમિકાવાળી હતી. ભારત તરફથી કરવામાં આવેલી (૧) કુલભૂષણને છોડી મૂકવા (૨) એની ફાંસીની સજા રદ કરવામાં આવે અને (૩) કુલભૂષણને ભારતને સોંપવા માટે સુરક્ષિત માર્ગ કાઢવામાં આવે, એ ત્રણેય માંગણીઓને જાગતિક અદાલતે ફગાવી દીધાનાં મથાળાં સાથે પાકિસ્તાનનાં અખબારો પ્રકાશિત કરાયાં. પાકિસ્તાનનું અસ્તિત્વ જ ભારતદ્રોહ પર જ ટક્યું હોવાને કારણે લશ્કરની કઠપૂતળી બની રહેલી તેની તમામ સરકારો પ્રજાને ભારતવિરોધી નશામાં રમમાણ રાખે છે. જાગતિક અદાલતનો ચુકાદો  નિશ્ચિતપણે ભારત માટે હરખ કરવા જેવો છે,પરંતુ હજુ તો ઘણા કોઠા વીંધીને કુલભૂષણને ભારત પરત લાવવાનો છે. વિંગ કમાન્ડર અભિનંદનને જીનિવા સંધિ અન્વયે સુખરૂપ પરત લાવવા જેટલું આ કેસમાં સરળ નથી. અવળચંડાઈ માટે જાણીતું પાકિસ્તાન  ઓછાં લાકડે બળે તેવું નથી. એણે તો જાસૂસીના ખટલામાં  વિયેના સંધિ લાગુ પડતી નહીં હોવાનું ગાણું ગાયા કર્યું,પણ જાગતિક અદાલતે એ વાતને માની નથી. જોકે અમેરિકા પોતે પણ ઘણીવાર પોતાની અનુકૂળતા મુજબ વિયેના સંધિ અને જાગતિક અદાલતના ચુકાદાઓ સામે વિરોધ કરે છે એટલે અત્યાર લગી એના આંગળિયાત રહેલા પાકિસ્તાને પણ આ મુદ્દે વિયેના સંધિ મુજબ કુલભૂષણને દૂતાવાસ સહયોગ મળવો અનિવાર્ય નહીં હોવાનું વલણ જાળવ્યું છે. આમ છતાં, પ્રાથમિક અહેવાલો જે દર્શાવે છે એ મુજબ, દુનિયાભરમાં પોતાની સાખ ગુમાવી ચૂકેલું પાકિસ્તાન ગુડવિલ બાંધવા માટે કુલભૂષણ ભણી કૂણું વલણ ધરાવી શકે,પણ એમાં ત્યાંની વર્તમાન રાજકીય નેતાગીરી અને લશ્કરી નેતાગીરી વચ્ચે નવા ટકરાવના ફણગા ફૂટે એવી શક્યતા ખરી.
ધરપકડની સમયતાલિકા
કુલભૂષણ જાધવ ભારતીય નૌકાદળમાંથી કમાન્ડરના હોદ્દેથી નિવૃત્ત થયા પછી ધંધાર્થે ઈરાન આવનજાવન કરતા રહ્યા  છે. ૩ માર્ચ ૨૦૧૬ના રોજ એને “રૉ”ના એજન્ટ ગણાવીને બલુચિસ્તાનથી પાકિસ્તાન સત્તાવાળાઓ તેની ધરપકડ કરે છે. તેઓ આ વિસ્તારમાં કથિતરૂપે જાસૂસી અને ભાંગફોડ કરીને પાકિસ્તાન વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ઝડપાયા. ૨૫ માર્ચે આઇએસઆઇના કબજા હેઠળના તંત્રે કુલભૂષણ ભારતીય નૌકાદળના અધિકારી હોવાનું સ્વીકારતું નિવેદન બહાર પાડ્યું. જોકે ભારત સરકારે કુલભૂષણ ગુપ્તચર  એજન્ટ હોવાનું નકાર્યું. તેને “કોન્સુલર એક્સેસ” આપવાનો આગ્રહ કરાયો.૮ એપ્રિલે પાકિસ્તાને જાધવ વિરુદ્ધ ત્રાસવાદી પ્રવૃત્તિ ચલાવવાનો  આક્ષેપ મૂકીને એફઆઇઆર દાખલ કરવામાં આવી. ૧૦ એપ્રિલે લશ્કરી કોર્ટમાર્શલ અદાલતે કુલભૂષણને ફાંસીની સજા ફરમાવી કે  ૮ મે ૨૦૧૭ના રોજ ભારતે પાકિસ્તાન થકી કુલભૂષણની ખોટી રીતે ધરપકડ કરાયાની ફરિયાદ સાથે જાગતિક અદાલતમાં ધા નાખી. ત્યારથી લઈને અત્યાર લગી એનો ઉત્તેજનાપૂર્ણ  ખટલો ચાલતો રહ્યો.
હવેનું વલણ પાક કે નાપાક!
 ભલે કુલભૂષણ અંગેના જાગતિક  અદાલતના ચુકાદાના સમયગાળામાં જ “જાગતિક ત્રાસવાદી”  જાહેર થયેલા હાફિઝ સઈદની ધરપકડ અને કુલભૂષણ કાંડ વચ્ચેનો સંબંધ નકારતો હોય, પરંતુ જેના માથે ૬ અમેરિકી નાગરિકો સહિત ૧૬૦ને મોતને ઘાટ ઉતારવા સમાન આતંકી કૃત્યનો આરોપ હોય અને અમેરિકી સરકારે જેના માથે ૧૦ મિલિયન ડોલરનું ઇનામ રાખ્યું હોય એવા ત્રાસવાદી હાફિઝની ધરપકડ કરાયાની સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ એને આવકારે છે.વાત આટલે જ અટકતી નથી: અમેરિકાને અફઘાન શાંતિ મંત્રણામાં પાકિસ્તાનનો સહયોગ ખપે છે.આવા સંજોગોમાં પાક  લગભગ દેવાળિયો દેશ થઇ ગયા છતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે વ્હાઈટ હાઉસમાં શિખર મંત્રણા યોજે એ ખૂબ સૂચક છે. ભારતમાં પાકિસ્તાન આર્થિક રીતે ખખડી ગયાનાં ઢોલ પીટવાની પરંપરા ચાલતી હોય ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ લાલ જાજમ પાથરીને ઇમરાન સાથે મંત્રણા કરે એ બંને દેશો વચ્ચેની જૂની નિકટતા હજુ ચાલુ હોવાનાં જ એંધાણ છે. એવું નથી કે અમેરિકા પણ ઓછો દેવાળિયો દેશ છે.ચીન સાથેના એના સંબંધોમાં ખેંચતાણ ચાલતી રહેતી હોવા છતાં ચીનની થાપણોનું ઘણા મોટા પ્રમાણમાં અમેરિકામાં રોકાણ છે.એ જો પાછી ખેંચી લેવામાં આવે તો અમેરિકી અર્થતંત્ર કડડભૂસ થઇ શકે.એ જ રીતે ચીનમાં વિશ્વની ટોચની ૫૦૦ કંપનીઓ ઉત્પાદન કરે છે. એમાં મોટાભાગની અમેરિકી છે. પારસ્પરિક ગરજ અમેરિકા અને ચીનને સાથે રાખે છે. પાકિસ્તાન ચીનનો ૩૪મો પ્રાંત ગણાય છે. એને માથે ચીનનું ભારે દેવું છે. આમાંથી અમેરિકા જ એને બહાર કાઢવામાં મદદ કરે, એવું પાકિસ્તાન માનતું હોય એ સ્વાભાવિક છે.
સુરક્ષા પરિષદમાં ભારત
કુલભૂષણ ચુકાદાના અમલમાં માનવાધિકારોની બાબત સવિશેષ મહત્વ ધરાવે છે. કુલભૂષણ ચુકાદાનું પ્રામાણિક રીતે પાલન કરવામાં ઇસ્લામાબાદ અન્ય દેશો પાસેથી પોતાની ઘણી માંગણીઓ મનાવે તો ય નવાઈ નહીં. કુલભૂષણ કાંડનો આખરી ઈલાજ તો આ બધાં વૈશ્વિક પરિબળો પર અવલંબે છે. એટલે જાગતિક અદાલતના ચુકાદાથી ભારત કે પાકિસ્તાને હરખપદુડા થઇ જવાની જરૂર નથી.કારણ? હજુ તો કોણ જાણે કેટલો વખત લાગશે અને પાકિસ્તાન જેવો અવળચંડો દેશ કોના રિમોટથી ક્યારે કઈ ભૂમિકા લેશે એ કહેવું મુશ્કેલ છે. ભારતમાં તો પાકિસ્તાની કસાબે આતંકી કૃત્ય કર્યા પછી પણ એને વિશ્વમાં લોકશાહી દેશોમાં સ્વીકૃત સ્વસ્થ ન્યાય પ્રણાલિને અનુસરીને એના દુષ્કૃત્યનું ફળ અપાયું હતું.જોકે પાકિસ્તાનમાં તો ત્યાંના નાગરી અધિકારો માટે સંઘર્ષરત લોકો પણ લશ્કરી અદાલતો જ નહીં, નાગરી અદાલતોની ન્યાય તોળવાની પ્રક્રિયા વિશે પણ સવાલો ઉઠાવે છે. કુલભૂષણનો ખટલો સમીક્ષા માટે ક્યાં જશે, એ પણ હજુ મતભેદની ફેરફૂદડી ફરે છે. આવા સંજોગોમાં અભિનંદનની જેમ કુલભૂષણને જલદી પરત લાવી શકાશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. જોકે ભારત પાસે  ફરીને જાગતિક અદાલતમાં અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં જવાના વિકલ્પ રહે જ છે. ભૂતકાળમાં યુરોપના દેશો જાગતિક અદાલતમાં અપીલ માટે ફરીને ગયાની પરંપરા છે.વળી સુરક્ષા પરિષદમાં આવતા દિવસો માટે  ભારત પણ પાકિસ્તાન સહિતના દેશોના ટેકાથી બે વર્ષ માટે સભ્ય બન્યું છે. ભારત  પાસે વિટો ભલે ના હોય,પરંતુ પોતાની પ્રભાવી રજૂઆત કરવા પરિષદમાં હાજર હશે. ચીન સહિતના દેશો હવે પાકિસ્તાન માટે વિટો વાપરવાની બાબતમાં અગાઉ જેટલા સક્રિય નહીં જ રહે એવું લાગે છે. આવા સંજોગોમાં ભારત ધાર્યું કરાવી શકે છે. છોગામાં જમ્મૂ-કાશ્મીર જ નહીં, જૂનાગઢનો ય સુરક્ષા પરિષદમાં વિચારાધીન  મુદ્દો ઉકેલવાનો છે. એ બાબતોનો ઉકેલ લાવવાની દિશામાં પણ નવી દિલ્હી પહેલ કરે એ જરૂરી છે.
ઇ-મેઈલ : haridesai@gmail.com
(20-24 July 2019)

No comments:

Post a Comment