Sunday, 14 July 2019

The future of Congress and Rahul Gandhi


“રણછોડરાય” રાહુલ ગાંધી થકી કૉંગ્રેસનું નવસર્જન
ડૉ.હરિ દેસાઈ
·         ઇન્દિરા ગાંધીના પ્રભાવી વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઈને પક્ષબાંધણીથી ફરી સત્તામાં આવી શકાય
·         અટલજી ૧૯૫૭માં પહેલીવાર લોકસભે ચૂંટાયાના પછી છેક ૧૯૯૬માં જ વડાપ્રધાન બની શક્યા
·         કૉંગ્રેસમુક્ત ભારતને બદલે વિપક્ષમુક્ત યુગનાં મંડાણ માટે સ્વ સિવાયનાને દોષ નહીં દઈ શકાય
·         દિલ્હીશ્વરની કૃપાદ્રષ્ટિનો હરખ કરનારા કેસીઆર, જગન અને પટનાયકને માથે લટકતી તલવાર

લોકસભાની બબ્બે ચૂંટણી હાર્યા પછી કૉંગ્રેસના અધ્યક્ષપદેથી રાહુલ ગાંધી રાજીનામું આપી દઈને મનાવ્યા માનતા નથી. નેહરુ-ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિને આ હોદ્દે બેસાડવા માર્ગ મોકળો કરવાની જીદે ચડ્યા છે. છેક ૧૮૮૫માં સ્થપાયેલી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને ફરી ચેતનવંતી કરવાનો એમનો સંકલ્પ ખરો, પણ પરાજય અને વ્યક્તિગત બદનક્ષીના વાતાવરણમાંથી મુક્ત થઇ તેઓ માત્ર પક્ષના કાર્યકર્તા તરીકે કામ કરવા  માંગે ત્યારે એમને રણ છોડી જનારા રણછોડરાય ગણાવાય એ સ્વાભાવિક છે. અત્યારે જે ભારતીય જનતા પક્ષનો સિતારો ચમકે છે, એના અધ્યક્ષો અને નેતાઓ ૨૦૦૪ અને ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં કારમી હાર પછી ય રણછોડરાય થયા નહોતા, એ વાત રાહુલબાબા વિસરી ગયા લાગે છે. આમ પણ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં પોતાના પરદાદા  પંડિત નેહરુ, દાદી ઇન્દિરા ગાંધી, પિતા રાજીવ ગાંધી, માતા સોનિયા ગાંધી  અને સ્વયં પોતાની જાહેર બદનામી અને અપમાનના ઝેરના જે ઘૂંટડા તેમણે ગળવા પડ્યા છે; એ પછી દિલ ખાટું થવું સ્વાભાવિક છે. જોકે, રાજકારણમાં આવેલી વ્યક્તિએ આવા સંજોગોમાંથી આગળ વધવાનો માર્ગ શોધી કાઢવો પડે. પોતાના કાર્યકર્તાઓને અને રાજકીય વડીલોને સાચવીને,“ગૂંગી ગુડિયા”માંથી “પોતાની કૅબિનેટમાં એકમાત્ર પુરુષ” બનેલાં ઇન્દિરા ગાંધીના પ્રભાવી વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઈને, ફરી સત્તામાં આવી શકાય છે; એવો પડતા આખડતા કરોળિયા જેવા આત્મવિશ્વાસ સાથેનું નેતૃત્વ પૂરું પાડવા સજ્જ થવું ઘટે. નેહરુ-ગાંધી ખાનદાનના આ સાંસદની કમનસીબી એ છે કે એમનાં દાદી માટે જેમ કે.કામરાજ જેવા વડીલ વ્યૂહ રચનાકાર કામે વાળેલા હતા, એવું કોઈ ભારાડી વ્યક્તિત્વ રાહુલ ગાંધીને માટે સક્રિય જણાતું નથી. રાહુલે કે એમની કૉંગ્રેસે શું કરવું જોઈએ, એનાં પ્રબોધનો કરનારાઓનો તોટો નથી. “પરોપદેશે પાંડિત્યમ્ સર્વેષામ્ સુકુરમ્ નૃણામ્” એટલે કે પારકાને ઉપદેશ કરવામાં મણા કાં રાખવી, એ ઉક્તિને સાકાર કરનારાઓ મીડિયા કે પાનના ગલ્લે કામે વળેલા છે. આ વેળા બકરીને ખભે લઈને જતા બ્રાહ્મણને રસ્તે મળતા ત્રણ ધૂતારા “કૂતરું ઉપાડીને કાં જાઓ છો”, કહી છેતરી ગયાની કથા રાહુલ સહિતના સૌએ ગૂંજે બાંધવા જેવી ખરી. 
પ્રદેશ પ્રમુખોના પક્ષપલટા
સાથે જ એક વાત પણ યાદ રાખવા જેવી ખરી કે પ્રજાને રડતારામ જેવા નેતાઓ પસંદ આવતા નથી. ઉજ્જવળ ભવિષ્ય ભણી દોરી જાય એવા સ્વપ્નશીલ રાજકીય નેતાઓને જ દેશવાસીઓ સ્વીકારે છે. માત્ર સ્વપ્ન દેખાડનારા જ નહીં, એ સાકાર કરવાની દ્રષ્ટિ ધરાવનારા રાજકીય નેતાઓનાં પ્રજા ઓવારણાં લેવા ઉત્સુક હોય છે. લોકસભાની ચૂંટણીમાં પરાજય કે પોતાના પક્ષના ધારાસભ્યો કે સાંસદો સત્તાના મોહમાં કે અન્ય પ્રલોભનોમાં કે પછી જેલવાસની ધમકીઓથી ડરીને સત્તારૂઢ પક્ષો સાથે ઘર માંડવા, કૉંગ્રેસમાં અવગણના કે અન્યાયનું ગાણું ગાઈને, વંડી ઠેકી જતા હોય ત્યારે પક્ષમાં વાતાવરણને સુધારવા અને કૉંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરોની ફોજ ઊભી કરવાની કવાયતમાં લાગવું પડે. હજુ ગાંધી-નેહરુ પરિવાર પક્ષમાં રીતસર આસ્થાનું પ્રતીક હોવાની પ્રતીતિ જરૂર થયા કરે છે. આવા સંજોગોમાં  જવાબદારીમાંથી છટકવા કે સાથીઓને દોષ દેવાને બદલે સંવાદ અને શિસ્તનો માહોલ સર્જાય એ દિશામાં મચી પડવાનો વખત આવી ગયો છે. હજુ આગલા દિવસે પક્ષના મોભી અહમદ પટેલને પેંડો ખવડાવનાર પક્ષનાં ધારાસભ્ય બહેન ડૉ.તેજશ્રી પટેલ બીજા દિવસે વંડી ઠેકી જાય અને વિધાનસભાની એ પછીની ચૂંટણીમાં પ્રજા એમને પાઠ ભણાવે, એવા પ્રસંગો તો બનતા રહેવાના. કૉંગ્રેસના પ્રદેશના કાર્યાધ્યક્ષ કુંવરજી બાવળિયા વિશે જનસભાઓમાં કૉંગ્રેસવિરોધીઓ થકી કહેવાયેલા શબ્દોનું પુનઃ સ્મરણ કરવાની જરૂર નથી; પણ કૉંગ્રેસમાં દાયકા વિતાવ્યા પછી, સાંસદ કે ધારાસભ્ય રહ્યા પછી, સગાસંબંધીઓને કૉંગ્રેસી ટિકિટ મેળવી આપ્યા પછી પણ, માત્ર ચાર કલાકમાં રાજ્યમાં મંત્રીપદ મળતું હોય તો પક્ષનિષ્ઠાને કોરાણે મૂકવામાં વાર શેં લાગે! ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસનાં અધ્યક્ષ તરીકે પક્ષને બેઠો કરવાની જવાબદારી જેમને શિરે હોય એ પ્રા.રીટા બહુગુણા જોશીને રાતોરાત અન્યાયની અનુભૂતિ થાય અને પક્ષ બદલતાં પ્રધાનપદું કે પછીની ચૂંટણીમાં સાંસદ થવા મળતું હોય તો તક ગુમાવે એ બીજા. પિતા હેમવતીનંદન બહુગુણા અને  ભાઈ વિજય બહુગુણા કૉંગ્રેસના મુખ્યમંત્રી રહ્યા છતાં પક્ષના માઠા દિવસોમાં સામે પાટલે બેસી લાભ લેવા માટે જાણીતા હતા. એ જ રીતે લાભ  ખાટવાની પરંપરા રીટા બહુગુણાએ પણ અખંડ રાખી. આ તો થવાનું. નીતિમૂલ્યો અને આદર્શોની રૂપકડી વાતો ચર્ચામાં કે જનતાને મનોરંજન કરાવવા પૂરતી સારી લાગે,પણ વાસ્તવમાં રાજકીય ખેલમાં સામ, દામ, દંડ અને ભેદનું ચલણ સ્વાભાવિક રહેવાનું. 
હારેલાં ઈન્દિરાજી ફરી સત્તારૂઢ
ઈમરજન્સી (૧૯૭૫-’૭૭) પછી માર્ચ ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં સ્વયં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અને એમના રાજકીય વારસ લેખાતા નાના પુત્ર તથા સાંસદ સંજય ગાંધી અનુક્રમે રાયબરેલી અને અમેઠીમાંથી લોકસભા ચૂંટણી હારી જાય અને એ પછી માત્ર ત્રણ જ વર્ષમાં ઈન્દિરાજી કૉંગ્રેસને દેશભરમાં ફરી સત્તારૂઢ કરી શક્યાં હતાં. પોતાના જ સુરક્ષા અધિકારીઓ થકી વડાંપ્રધાન ઇન્દિરાજીની ૧૯૮૪માં હત્યા પછી એમના મોટા પુત્ર રાજીવ ગાંધી વડાપ્રધાન થયા. એમના નેતૃત્વમાં લડાયેલી લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે ૫૪૩માંથી ૪૦૪ કરતાં વધુ બેઠકો મેળવી હતી. એ વેળા ભાજપને માત્ર બે જ બેઠકો મળી હતી. આજે ભાજપને ૩૦૩ અને કૉંગ્રેસને ૫૨(બાવન) બેઠકો મળેલી છે.  રાહુલ ગાંધીના વડાપ્રધાન પિતા રાજીવે પક્ષાંતર વિરોધી ધારો અમલી બનાવ્યો, એમાં સુધારા થતા રહ્યા અને છતાં આયારામ ગયારામની પરંપરા અખંડ રહી છે. તેલુગુ ફિલ્મોના દેવ સમાન સુપરસ્ટારમાંથી તેલુગુ દેશમ્ પાર્ટી સ્થાપીને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બનેલા એન.ટી.રામારાવ વિદેશ ગયા અને ઘરઆંગણે કૉંગ્રેસના ભાસ્કર રાવ મુખ્યમંત્રીપદે ચડી બેઠા હતા; એ હમણાં ભાજપમાં જોડાયા છે. એમની સામે તેલંગણ અને આંધ્ર પ્રદેશમાં ભાજપને સત્તારૂઢ કરવાનો એજન્ડા છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ગાજવીજ કરાઈ કે બીજીવાર એનટીઆરને ગબડાવીને મુખ્યમંત્રીપદે આરૂઢ થયેલા તેમના જમાઈ નર ચંદ્રબાબુ નાયડુને  એનટીઆરની પીઠમાં છૂરો હુલાવનાર ગદ્દાર ગણાવાયા. હકીકતમાં નાયડુ પાસે બહુમતી ધારાસભ્યોનો ટેકો હતો અને તેમને સાથ આપનાર એનટીઆરના સાતેય પુત્રો અને ત્રણેય દીકરીઓ  પોતાના પિતાએ  ૭૦ વર્ષની વયે બીજાં લગ્ન યુવા-લેખિકા લક્ષ્મી પાર્વતી સાથે  કર્યાં અને અપરમાની રાજકીય દખલગીરીથી ત્રસ્ત હતાં, એ વાત ભાગ્યે જ ચર્ચામાં આવે છે! અગાઉ આંધ્ર પ્રદેશની કૉંગ્રેસ સરકારમાં મંત્રી રહ્યા પછી સસરાની ટીડીપીની બાંધણીમાં મોટું યોગદાન કરનાર નાયડુ ભાજપના વડપણવાળા મોરચામાંથી છૂટા થયા પછી કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ થકી એમની સામે મોરચો ખોલીને વાયએસઆરના સુપ્રીમો જગનમોહન રેડ્ડીને મુખ્યમંત્રી બનાવામાં પરોક્ષ મદદ કરી, ભલે ભાજપને આંધ્રમાં તો એકેય બેઠક મળી ના હોય. 
ચારેક દાયકા વાજપેયી વિપક્ષે
“ચક્રવત્ પરિવર્તન્તે સુખાનિ ચ દુ:ખાનિ ચ” ના ન્યાયે સત્તામાં આવવું અને વિપક્ષમાં બેસવું એ ચાલ્યા કરે. સત્તામાં હોય ત્યારે છકી ના જાય અને સત્તાથી વિમુખ બનતાં હતાશ ના થાય, એ જ પક્ષ અને નેતા લાંબો સમય રાજકારણમાં ટકી શકે. નેહરુ સરકારમાંથી છૂટા થયા પછી ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીએ ૧૯૫૧માં નવરચિત જનસંઘના અધ્યક્ષપદને સંભાળ્યું અને પહેલી લોકસભા ચૂંટણીમાં તેમના સહિત જનસંઘના માત્ર ૩ સભ્યો જ ચૂંટાયા હતા. જનસંઘના ઉમેદવાર તરીકે અટલ બિહારી વાજપેયી ૧૯૫૭માં પહેલીવાર લોકસભે ચૂંટાયા હતા. એ પછી ચાર  દાયકા પછી એટલે કે ૧૯૯૬માં તેઓ પહેલીવાર ૧૩ દિવસ માટે વડાપ્રધાન બની શક્યા હતા. વચ્ચે થોડો સમય મોરારજીની સરકારમાં તેઓ વિદેશમંત્રી રહ્યા. નેહરુ-ગાંધી પરિવારના ત્રણ-ત્રણ સભ્યોને વડાપ્રધાનપદ મળ્યું. જોકે દર વખતે એ મળે જ એવું માની લેવાની જરૂર નહીં. કૉંગ્રેસના અધ્યક્ષપદે અગાઉ દર વર્ષે નવી વ્યક્તિ આવતી હતી,પરંતુ ૧૯૭૨ પછી વડાંપ્રધાન શ્રીમતી ગાંધીએ પોતાના માનીતા અને કહ્યાગરા નેતાઓને અધ્યક્ષપદે કે અન્ય હોદ્દાઓ પર નિયુક્ત કરવાનું ચલણ શરૂ કર્યું ત્યારથી ટિળક-ગાંધી-નેહરુ-સરદાર-સુભાષની કૉંગ્રેસમાં ભિન્ન મતના આદરનું સ્થાન ચાપલૂસીએ લેવાનું શરૂ કર્યું અને દેવકાંત બરુઆએ તો “ઇન્દિરા ઈઝ ઇન્ડિયા  એન્ડ ઇન્ડિયા ઈઝ ઇન્દિરા” કહીને તો દાટ વાળ્યો. ઈન્દિરાજીના યુગ પછી તો લાંબો સમય લગી નેહરુ-ગાંધી પરિવારનાં સભ્યો જ અધ્યક્ષપદે રહેવાની પરંપરાએ રાહુલ ગાંધીમાં જ ઉદ્ધારક નિહાળ્યા. જેને અવતારી પુરુષ ગણ્યો હોય એ જ નિષ્ફળ જાય ત્યારે હતાશાની ગર્તામાં સમગ્ર પક્ષ ધકેલાઈ જાય એ સ્વાભાવિક છે. આવા તબક્કે પક્ષની બાંધણીનું કામ અનિવાર્ય થઇ જાય છે. માત્ર યુવા પેઢી કે વિદેશમાં ભણીને આવેલાઓ થકી જ નહીં, પણ યુવા અને વડીલોના સુમેળ થકી જ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો નવસંચાર કરી શકાય. 
હજુ કરોડો લોકોની ટકેલી શ્રદ્ધા
લોકસભાની મે ૨૦૧૯ની ચૂંટણી વિવાદોથી ભરેલી ભલે રહી હોય પણ એક વાત તો નિશ્ચિત છે કે ચૂંટણી પંચે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ, ૩૦૩ બેઠકો મેળવનાર સત્તારૂઢ ભાજપને કુલ ૨૨ કરોડ મતદારોએ મત આપ્યા છે અને સામે માત્ર ૫૨ (બાવન) બેઠકો સાથે બીજા ક્રમે આવનાર કૉંગ્રેસને ૧૨ કરોડ મતદારોએ પસંદ કરી છે. અગાઉની મે ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને ૨૮૨ બેઠકો મળી તો હતી, પણ માત્ર ૧૭  કરોડ મતદારોના મત મળ્યા હતા. એની સામે બીજા ક્રમે રહેલી કૉંગ્રેસને માત્ર ૪૪ બેઠકો અને ૧૧ કરોડ મત મળ્યા હતા. જે પક્ષમાં કરોડો મતદારો વિશ્વાસ મૂકતા હોય અને પ્રત્યેક રાજ્યમાં એના ટેકેદારો હોય એની નેતાગીરીની જવાબદારી વિશેષ બની રહે છે. જેના શિરે કરોડો લોકો અને પોતાના પક્ષના અસંખ્ય નેતા-કાર્યકર્તાના વડીલ તરીકેની જવાબદારી હોય, જેના નેતૃત્વમાં પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને પુડુચેરીમાં પક્ષની સરકારો બની હોય, જેના સાથી પક્ષના નેતૃત્વમાં અને ભાગીદારીમાં કર્ણાટકમાં ભાજપને હજુ હમણાં સુધી સત્તાથી દૂર રાખ્યો હોય; એના વડીલને રૂસણે બેસવાનું શોભા ના દે. રાહુલ ગાંધી જેવી ભણેલી ગણેલી વ્યક્તિનું અધ્યક્ષપદેથી રાજીનામું આપીને પક્ષને માર્ગદર્શન કરવાથી જવાબદારીમાંથી છટકવું એ તો પક્ષને આત્મઘાત ભણી લઇ જઈ શકે. વડીલોને આદર આપવાની સાથે જ નવી પેઢીના કાર્યકરોને આગળ લાવવાની જવાબદારી રાહુલની બને છે. માત્ર વૃદ્ધોને તગેડીને પક્ષનું સૂકાન નવલોહિયાઓને સોંપવામાં તો કેટલાંક જોખમ રહ્યાં છે. “સાઠે બુદ્ધિ નાઠી” એ પ્રચલિત ઉક્તિની સાથે જ “ઘરડાં વિના ગાડાં ના વળે”, જેવી કહેવત પણ છે. રાહુલ ગાંધીએ નિવેદનો કરવામાં પુખ્તતા દાખવવાની પણ જરૂર છે કારણ એમના પ્રત્યેક પગલાને એમના વિરોધી પક્ષના નેતાઓની ટીમ ખૂબ જ નિકટથી અથવા તો પોતાના માણસો એમની આસપાસ ગોઠવીને પણ સમજવાનો અને વિવાદ સર્જવાનો પ્રયાસ કરે જ. સામેવાળાની  આક્રમક શૈલી રાહુલની બાજી બગાડતી રહી છે ત્યારે તેમણે મામકાઓ અને પાંડવોને સમજી લેવાની જરૂર ખરી. 
દેશમાં રાજકીય રેઈડર્સનો યુગ
કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણાવતા પ્રા. અનિલ સોનેજી સાથે કંપનીઓ કબજે કરવાની ઝુંબેશના તબક્કાઓની ચર્ચા ચાલતી હતી. હવે આવી જ રીતે રાજ્ય સરકારો કબજે કરવાની ઝુંબેશ ચલાવવાના યુગમાં આપણે આવી ગયાનું અનુભવાય છે. હવે તો ટંકાર થઇ ચુક્યો છે. દક્ષિણનાં રાજ્યો ભણી અશ્વમેધના ઘોડાની ગતિ તેજ થઇ ચૂકી છે. દેશનાં ૨૯ પૂર્ણ રાજ્યો અને જે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાઓ છે એ મળીને કુલ ૩૧ વિધાનસભાઓમાંથી માત્ર ૧૦ રાજ્યોમાં જ ભાજપની બહુમતી છે, પણ ૧૨ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી છે. તેલંગણ, આંધ્ર પ્રદેશ, ઓડિશા સહિતનાં જે રાજ્યોમાં ભાજપી મોરચા સિવાયના પક્ષોની સરકારો છે તેના મુખ્યમંત્રી અને સત્તારૂઢ પક્ષના સર્વેસર્વા આજે ભલે કેન્દ્રમાં શાસન કરતા ભાજપની કુરનીશ બજાવીને સ્વતંત્રપણે રાજ કરતા હોવાનો હરખ કરતા હોય, એમનો એ હરખ ઝાઝો ટકવાનો નથી. આ વાતના સંકેત ભાજપના ટોચના નેતાઓ થકી ખુલ્લેઆમ કરાતાં નિવેદનોમાંથી મળે છે. સંબંધિત પ્રાદેશિક સૂબાઓ કાં તો પોતાનો વાવટો સંકેલીને ભાજપમાં ભળી જાય અથવા તો એમના પક્ષના લોકોને ભાજપમાં ભેળવીને કે વિધાનસભાઓ બરખાસ્ત કરીને પહેલાં રાષ્ટ્રપતિ શાસન દ્વારા અને ચૂંટણી પછી ભાજપ થકી એ રાજ્યોને શાસિત કરાશે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ સહિતના વિપક્ષો એકમેક સાથેના વાંધાવચકાને કારણે એક થઈને ભાજપ અને મિત્રપક્ષો  સામે લડી શક્યા નહોતા. એના કારણે માત્ર ૩૩ ટકા મત સાથે ભાજપને ૨૮૨ બેઠકો મળી. મે ૨૦૧૯ની ચૂંટણી આવતાં લગી તો કેન્દ્રમાં સત્તારૂઢ મંડળીએ વિપક્ષી મહાગઠબંધનમાં સુરંગો ગોઠવવા ઉપરાંત કેન્દ્રીય એજન્સીઓએ પણ ઘણી કળા કરી. તેને ૩૮ ટકા મત સાથે ૩૦૩ બેઠકો મળી. તેલંગણના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ પોતાને શાણા ગણી એક સપ્તાહમાં બબ્બેવાર દિલ્હીશ્વરને મળીને છ મહિના વહેલી ધારાસભાની ચૂંટણી કરાવી પોતાનો ગઢ જાળવ્યાનો હરખ કરતા રહ્યા,પણ હવે એ આંખે ચડી ગયા છે. આંધ્ર પ્રદેશમાં વંકાયેલા ચંદ્રાબાબુ નાયડુને પાઠ ભણાવવામાં જગન મોહન રેડ્ડીને સફળતા મળી, એ મુખ્યમંત્રી પણ થયા; પણ “૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું જાહેર કરવાના પ્રકરણમાં” ચોટલી તો દિલ્હીશ્વરના હાથમાં જ છે. એવી જ કંઈક સ્થિતિ ઓડિશામાં બે દાયકાથી રાજ કરતા અને છેલ્લાં દાયકામાં તો ભાજપને આંખો કાઢીને રાજ કરતા નવીન પટનાયક ફરીને સત્તામાં આવ્યા પછી પણ તેમની છે. દક્ષિણનાં રાજ્યો પછી “રેડર્સ” માટે બંગાળ સર કરવાનું હજુ બાકી જ છે. આવા સંજોગોમાં “વાણિયાભાઈની મૂછ નીચી” એ ન્યાયે રાહુલ ગાંધી કૉંગ્રેસના સાથી મોરચામાં કોને કોને સમાવીને ચૂંટણી જંગ ખેલવા તૈયાર કરવામાં સફળ થાય છે એ જોવાનું રહ્યું, અન્યથા કૉંગ્રેસમુક્ત ભારતને બદલે વિપક્ષમુક્ત યુગનાં મંડાણ થાય તો અન્યોને કે સ્વજનોને રાહુલ કે અન્ય કોઈ દોષ નહીં દઈ શકે.
ઈ-મેઈલ : haridesai@gmail.com                (08072019  Abhiyaan Weekly Magazine  20 July 2019)





No comments:

Post a Comment