Wednesday, 10 July 2019

The Backwards are Front-runners in Top Govt Competitive Selection in Gujarat


 ગુજરાતમાં સ્પર્ધાત્મક પસંદગીમાં પછાતો અગ્રક્રમે
ડૉ.હરિ દેસાઈ
મુંબઈ રાજ્યમાંથી ૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાત છૂટું પડતાં એના ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ના સંસ્થાપક અધ્યક્ષ રાઘવજી લેઉઆ દલિત સમાજમાંથી આવતા હોવા છતાં છેક ૧૯૮૯માં પણ દલિત સમાજના તેજસ્વી યુવાન સંજય પરમાર-અમરાણી ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (ગેસ કેડર)માં પસંદગી પામેલા તમામ ઉમેદવારોમાં પહેલા ક્રમે આવ્યો ત્યારે એને અનુસૂચિત જાતિ (એસસી) માટે આરક્ષિત કવોટામાં જ ગણવાનો તથાકથિત સવર્ણ ઉમેદવારોનો દુરાગ્રહ હતો. અમરાણીને સામાન્ય શ્રેણીમાં ગણવા સામે કથિત ઉજળિયાતો અદાલતે ગયા પણ હાથ હેઠા પડ્યા હતા. ગેસ કેડરમાં સેવારત થયા પછી ભારતીય પ્રશાસકીય સેવા (આઈએએસ)માં પસંદગી પામ્યા પછીય વર્ષો સુધી સરકારી સેવામાં કાર્યરત રહીને આજે તો અમરાણી નિવૃત્ત પણ થઇ ગયા છે. હવે ચિત્ર ઘણું બદલાઈ ગયું છે. હજુ હમણાં જ ગેસ કેડર ઉપરાંત ક્લાસ-૧ અને  ક્લાસ-૨ સહિતની સરકારી સેવાઓમાં પસંદગીનાં જે પરિણામ જાહેર થયાં. તેમાં ૨,૯૯,૬૩૯ ઉમેદવારોમાંથી ૧,૯૪,૭૩૮ જણા પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત રહ્યા. ભરવાની થતી વિવિધ જગ્યાઓ કરતાં ૧૫ ગણા અને સમાન ગુણને અનુસાર કુલ ૫,૦૦૯ ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે પાત્ર ગણવામાં આવ્યા. ૪,૭૯૫ લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા. લેખિત પરીક્ષાના ગુણને  આધારે કુલ ૯૧૨ ઉમેદવારો ઇન્ટર્વ્યૂને પાત્ર થયા. એમાંથી જે જગ્યાઓ માટે વિવિધ અધિકારીઓને નિયુક્ત કરવાના હતા તેવા ૨૯૩ અધિકારી પસંદગી પામ્યા.

આનો અર્થ એ થયો કે લગભગ ૩ લાખ જેટલા ઉમેદવારોમાંથી પસંદ કરાયેલા  ૨૯૩ અધિકારીઓમાં  સૌથી ટોચના ક્રમે એટલે કે મેરિટમાં આવેલો  અંકિત પિયુષકુમાર ગોહિલ એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાંથી આવે છે! એવું નથી કે અનામત શ્રેણીમાંથી એકમાત્ર અંકિત જ સામાન્ય શ્રેણીમાં પસંદગી પામ્યો છે, બીજા પણ ઘણા ઉમેદવાર છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જો શિક્ષણ અને તૈયારી માટેની તક મળે તો અંતરિયાળ પ્રદેશના ગરીબ અને પછાત શ્રેણીના ઉમેદવારો પણ મેરિટમાં આવવા સક્ષમ છે, એ આ કુલ ૩ લાખ ઉમેદવારોમાંથી પસંદગી પામેલા ૨૯3 અધિકારીઓની યાદી અને એમણે સ્કોર કરેલા મેરિટ ગુણની વિગતો જોઇને લાગ્યા વિના રહેતું નથી. માત્ર એક જ વર્ષમાં સઘળી પ્રક્રિયા પૂરી કરવા ઉપરાંત પારદર્શી રીતે, કોઈ જાતના ભેદભાવ વિના, સૂત્રસંચાલન કરવા બદલ આયોગના અધ્યક્ષ દિનેશ દાસા અને તેમની સમગ્ર ટીમ યશની અધિકારી છે. ૫૦ નાયબ કલેક્ટરો અને અન્ય ક્લાસ-૧ અને ક્લાસ-૨ સહિતના સરકારી અધિકારીઓની પસંદગીની આ પ્રક્રિયા આરંભાઈ ત્યારે આર્થિક રીતે પછાત વર્ગના એટલે કે બિન-અનામત શ્રેણીના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટેની અનામતની જોગવાઈનો અમલ થયો નહોતો, એટલે એ વર્ગના ઉમેદવારોને સમાવાયા નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, મેરિટમાં સામાન્ય શ્રેણીના ઉમેદવારોની લગોલગ આવનારા અનામત શ્રેણીના ઉમેદવારોને સામાન્ય શ્રેણીમાં જ પસંદ કરવામાં આવે છે. જોકે આ વખતે ઓપન મેરિટમાં ટોચના ક્રમે આવ્યા છતાં પોતાની પસંદગીની કેડર નહીં મળતી હોવાને કારણે અનુસૂચિત જાતિના બે ઉમેદવારોએ  પોતાને અનામત શ્રેણીમાં ગણીને પસંદગીની કેડર માટેના  વિકલ્પ અપાય તે માટે રજૂઆત કરતાં તેમની એ બાબતને ગ્રાહ્ય રાખવામાં આવી હતી.

સામાન્ય પ્રચલિત માન્યતાથી વિપરીત સામાન્ય એટલે કે તથાકથિત ઉજળિયાત વર્ગમાંથી આવતા ઉમેદવારોની તુલનામાં અનામત શ્રેણીના ઉમેદવારોના મેરિટના કટ-ઓફ ગુણ ખૂબ ઓછા હોતા નથી.આ વખતે ગેસ કેડર અને ક્લાસ-૧ અને ક્લાસ-૨ સહિતના ટોચના સરકારી અધિકારીઓના મેરિટ પર નજર નાંખીએ તો સ્પષ્ટ થઇ જાય છે કે અનામત શ્રેણીના ઉમેદવારોના મેરિટ ગુણ સામાન્ય શ્રેણીના ઉમેદવારોની લગોલગ અને ક્યારેક તો સામાન્ય શ્રેણીનું કટ-ઓફ નીચે લઇ જવું પડે એટલા ઉપર હોય છે. કુલ ૧,૦૦૦ ગુણમાંથી આ વખતની પસંદગી પામેલાઓમાં કટ-ઓફ ગુણ આ મુજબ છે: સામાન્ય (પુરુષ): ૪૫૨.૭૫, સામાન્ય (સ્ત્રી): ૪૪૨.૫૦, એસઇબીસી (પુરુષ): ૪૪૫.૫૦, એસઇબીસી (સ્ત્રી): ૪૩૪.૭૫, એસસી (પુરુષ):૪૪૩.૫૦, એસસી (સ્ત્રી): ૪૫૪, એસટી(પુરુષ): ૩૯૩.૨૫, એસટી (સ્ત્રી): ૩૮૧.૨૫ અને દિવ્યાંગ: ૪૨૩.૨૫. એટલે અનામત માટે આંદોલન કરતા ઉજળિયાતો થકી કરાતો  પ્રચાર કે પટેલો કે વાણિયા-બ્રાહ્મણોને ૯૦ ટકાએ પણ મેડિકલમાં પ્રવેશ મળતો નથી  અને  દલિતો-આદિવાસીઓને માત્ર ૪૫ ટકાએ મેડિકલમાં પ્રવેશ મળે છે એ જેટલું ખોટું છે એટલું જ ટોચની સરકારી નોકરીઓમાં એમને ઓછા મેરિટે પસંદ કરવામાં આવતા હોવાનું ખોટું  છે એ આ કટ-ઓફથી સ્પષ્ટ થઇ જાય છે. ગુજરાતમાં અનામતનું પ્રમાણ ઉપરોક્ત પસંદગીમાં ૪૯ ટકા રહ્યું. હવે પછીની ભરતીમાં વધુ ૧૦ ટકા અનામત આર્થિક રીતે નબળા વર્ગના ઉજળિયાતો કે ક્રીમી લેયરને કારણે અનામતનો લાભ નહીં મેળવી શકનારા ઓબીસી શ્રેણીના ઉમેદવારોને મળતાં અનામતની ટકાવારી ૫૯ ટકા થશે. અત્યાર લગી એસસી માટે ૭ ટકા, એસટી માટે ૧૫ ટકા અને એસઇબીસી કે ઓબીસી માટે ૨૭ ટકા અનામતનું પ્રમાણ હતું. અનામત શ્રેણીનાં ઉમેદવારોને અને સ્ત્રી ઉમેદવારોને  વયમર્યાદામાં  છૂટ મળે છે, એ સિવાય ઇન્ટર્વ્યૂનાં ચાર બોર્ડમાંથી કોઈપણ એકમાં ક્મ્પ્યૂટરની પસંદગીથી જાય અને અપાયેલા ક્રમના આંકડાથી એ ઇન્ટર્વ્યૂમાં બેસતાં તેમના નામ, જ્ઞાતિ કે જિલ્લાની ઓળખ થયા વિના જ પસંદગીમાં બેઠેલા નિર્ણાયકો થકી તેમના ગુણ પણ સીધા જ કમ્પ્યૂટરમાં નોંધાય છે. આટલી પારદર્શક જીપીએસસીની વ્યવસ્થા ફેબ્રુઆરી ૨૦૧૬માં આયોગના અધ્યક્ષ તરીકે આવેલા દિનેશ દાસા અને તેમના સાથી સભ્યો થકી ગોઠવાતાં ભાગ્યેજ કોઈ વિવાદને અવકાશ રહે છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન લગભગ ૧૩,૦૦૦ કરતાં પણ વધુ સરકારી અધિકારીઓની નિમણૂક આયોગ મારફત કરવામાં આવી છે. સમયબદ્ધ પરીક્ષાઓનું અને પરિણામો તથા ઇન્ટર્વ્યૂનું સમયપત્રક અમલી બન્યું છે. જીપીએસસીમાં અભ્યાસક્રમ પણ યુપીએસસીના ધોરણે બદલાયો છે. રાષ્ટ્રીયસ્તરે પણ ગુજરાત જાહેર સેવા આયોગનું અનુસરણ થઇ રહ્યું છે એ ગર્વની વાત છે.
 ઈ-મેઈલ : haridesai@gmail.com            (Divya Bhaskar Daily 10 July 2019)

No comments:

Post a Comment