Wednesday, 17 July 2019

Resolving Kashmir Issue

કાશ્મીરના ઉકળતા ચરુની ઠારણવિધિ
ડૉ.હરિ દેસાઈ 

જમ્મૂ-કાશ્મીરના નવા રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીરના ઉકળતા ચરુને ઠારવાની દિશામાં પ્રયાસો આદર્યા છે, એ આવકાર્ય છે. કાશ્મીરી પંડિતોને છેલ્લાં પાંચ વર્ષમાં ફરી કાશ્મીરમાં વસાવવાની બાબતમાં પ્રગતિ થઇ નથી અને ભાગલા વેળા પાકિસ્તાનથી જમ્મૂ આવી વસેલા બે લાખ જેટલા લોકો હજુ રાજ્યના ભારતીય નાગરિક તરીકેના અધિકારો મેળવી શક્યા નથી. જોકે કાશ્મીરના ખીણ પ્રદેશના  તમામ રાજકીય પક્ષોના નેતાઓ નકામા હોવાની અને માંડ ૮ -૧૦ ટકા મતદારોના મતથી ચૂંટાતા હોવાની  ભૂમિકા લઈને આગળ વધવામાં નવાં જોખમનું સર્જન થવાની શક્યતાથી એ વાકેફ તો હશે જ. મામલો હવે નવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉકેલવાનો છે. વિધાનસભાની ચૂંટણી માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જે ટંકાર કર્યો હતો એ મુજબ, સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના “ઈન્સાનિયત,જમ્હૂરિયત અને કશ્મીરિયત”ના જતન સાથે “ગોલી સે નહીં,બોલી સે” મડાગાંઠ ઉકેલવાની છે. માત્ર ૩૭૦ કે ૩૫ (એ) કાઢી નાખવાથી સમસ્યા હલ થઇ જશે, એવું નથી. જમ્મૂ-કાશ્મીરની ધરતી જ નહીં, એની પ્રજા પણ ભારતનું અવિભાજ્ય અંગ છે. આ વાત સૌએ ગૂંજે બાંધવાની જરૂર ખરી. કાશ્મીર કોકડા વિશે દાયકાઓથી રાજકીય પક્ષો આંધળેબહેરું  કૂટીને પોતાની અનુકૂળતા મુજબનાં રાજકીય તરભાણાં ભરતા રહ્યા છે.ભારતીય બંધારણના હંગામી અનુચ્છેદ ૩૭૦ (બંધારણ સભા વખતના ૩૦૬-એ) થકી જમ્મ્મૂ -કાશ્મીર માટે અલગ બંધારણીય વ્યવસ્થા કરવામાં આવ્યા વિશે અનુકૂળતા મુજબનાં ઉચ્ચારણો નિવેદનશૂર રાજનેતા કરતા રહ્યા છે. મૂળે કાશ્મીરી પંડિત એવા સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને શિરે સઘળો દોષ મઢીને કાશ્મીર આજે પણ સળગી રહ્યું છે એ માટે નેહરુ પરિવારને ભાંડવાની ફૅશન ચાલે છે. છેલ્લા બ્રિટિશ વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનની ૩ જૂન ૧૯૪૭ની જાહેરાત મુજબ, બ્રિટિશ ઇન્ડિયાના ભારત અને પાકિસ્તાન એ બે સંઘમાં ભાગલા કરવા ઉપરાંત ૫૬૫ કરતાં પણ વધુ દેશી રજવાડાંને બેમાંથી એક સંઘ સાથે જોડાવાનો કે સ્વતંત્ર રહેવાનો વિકલ્પ આપીને અંગ્રેજ શાસકો લંડન ભેગા થવાના હતા. આઝાદીના દીર્ઘ સંગ્રામમાં હિંદુ અને મુસ્લિમ ખભેખભા મિલાવીને સામેલ હતા. રજવાડાંના શાસકો રાજા-મહારાજાઓ અને નવાબો પ્રજા સાથે સારો-નરસો વ્યવહાર કરી રહ્યા હતા.જમ્મૂ-કાશ્મીર રજવાડામાં મહારાજા હરિસિંહ હિંદુ ડોગરા હતા.વર્ષ ૧૯૪૧ની વસ્તી ગણતરી મુજબ, જમ્મૂ સહિતના રજવાડાના તમામ પ્રદેશમાં બહુમતી પ્રજા મુસ્લિમ હતી.નેશનલ કૉન્ફરન્સના વડા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્નાતક એવા લોકપ્રિય નેતા શેખ અબદુલ્લાના નેતૃત્વમાં મહારાજા સામે કાશ્મીર છોડો આંદોલન ચલાવાતું હતું. 
આ પહેલાં ૧૯૨૫માં ગાદીએ આવેલા મહારાજાના શાસનની હિંદુ-મુસ્લિમ પ્રજાએ કાશ્મીરી પંડિત શંકરલાલ કૌલના નેતૃત્વમાં કશ્મીર ફૉર કશ્મીરીઝઆંદોલન કર્યું હતું.એને પગલે ૧૯૨૭ અને ૧૯૩૨માં મહારાજાએ રાજ્યની પ્રજા સિવાયની કોઈ વ્યક્તિને રાજ્યમાં સંપત્તિ ખરીદવા તથા સરકારી નોકરી મેળવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.એને સ્ટેટ સબજૅકટ લૉ કહેવાય છે.(Sardar Patel Correspondence 1945-50 Volume-I Ed. Durga Das, Navjivan, Ahmedabad, 1971) જમ્મૂ-કાશ્મીરના એ વેળાના ઘટનાક્રમને હિંદુ-મુસ્લિમ ચશ્માં ચડાવીને જોવાને બદલે તથ્યોનાં પરીક્ષણ થકી પીછાણીએ તો કેટલાંક સ્ફોટક રહસ્યો બહાર આવે છે. કશ્મીરીઓ માટે જ કશ્મીરની ચળવળ મુસ્લિમોએ શરૂ કર્યાની પ્રચલિત માન્યતાનો ભાંગીને ભુક્કો કરવા જેવાં તથ્ય પ્રેમનાથ બજાજે કશ્મીર ઇન ક્રુસિબલમાં નોંધ્યાનું દુર્ગાદાસના પ્રથમ ગ્રંથમાં વિગતે નોંધાયું હોવા છતાં કાશ્મીરી બાબતોના સંશોધકોનું એ ભણી ઝાઝું ધ્યાન ગયું નથી. શંકરલાલ કૌલ નામના કાશ્મીરી પંડિત નેતાના નેતૃત્વમાં ૧૯૨૦-૨૫ના ગાળામાં કશ્મીર ફૉર કશ્મીરીઝ’ ચળવળના પરિપાકરૂપે જ આજે જમ્મૂ-કાશ્મીરમાં પરપ્રાંતીયોને સંપત્તિ ખરીદવાના હકથી વંચિત રાખવાની જોગવાઇને નિહાળવી પડશે. કૌલની ચળવળની સ્થાનિકો (સન ઑફ ધ સૉઇલ)માટેની એ વેળાની જે મુખ્ય પાંચ માંગણીઓ હતી તે કાંઇક આવી હતીઃ () સરકારી નોકરીઓમાં સ્થાનિકોને જ લેવામાં આવે ()બહારની વ્યક્તિઓને જમીન વેચાણ પર બંધી મૂકાય () અખબારી આઝાદી () સંગઠન અને હળવામળવા તથા સભાઓ યોજવાની આઝાદી તથા () ચૂંટાયેલી ધારાસભા અસ્તિત્વમાં લવાય. આજકાલ રાજ્યના બંધારણની કલમ ૩૫ના સુપ્રીમ કોર્ટે પહોંચેલા વિવાદનાં મૂળ અહીં છે.દેશમાં આજે પણ જમ્મૂ-કાશ્મીર ઉપરાંત બીજાં ઘણાં રાજ્યોમાં આવી અલગ બંધારણીય જોગવાઈઓ છે.
સરદારનેહરુ અને કાશ્મીરના ભારત સાથેના જોડાણ કે વિલયના ઘટનાક્રમને ઇતિહાસનાં તથ્યો સાથે નવી નજરે નિહાળવાની જરૂર વધારે છે. જમ્મૂ-કાશ્મીરના મહારાજા હરિસિંહની ભારત સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાવાની દ્વિધાની સાથે જ સ્વિટ્‌ઝર્લેન્ડની જેમ સ્વતંત્ર રહેવાની મહેચ્છા હતી.મહારાજાએ પોતે પણ આ વાત નોધી છે એટલું જ નહીં,૧૯૫૨માં પુણેથી મહારાજાએ રાષ્ટ્રપતિને પાઠવેલા આવેદનમાં પોતાના રાજ્યના હિંદુ અને મુસ્લિમ તરફથી સ્વતંત્ર રહેવા, ભારત સાથે જોડવા અથવા પાકિસ્તાન સાથે જોડાવાનું દબાણ હોવાની વાત લખી છે. મહારાજાની દ્વિધાને પ્રતાપે પાકિસ્તાની કબાઇલીઓ ચઢી આવે ત્યાં લગીનો વિલંબ થયો. બારામુલ્લા સુધી ધસી આવેલા પાકિસ્તાનીઓથી રહ્યા સહ્યા કાશ્મીરને બચાવવા માટે ભારત સાથેના વિલયપત્ર કે  જોડાણખત પર હસ્તાક્ષર કરવા સિવાયનો બીજો કોઇ વિકલ્પ મહારાજા પાસે બચ્યો નહોતો.  જમ્મૂ-કાશ્મીરના “પ્રધાનમંત્રી” બન્યા પછી છાકટા થયેલા શેખ અબ્દુલ્લાને સ્વતંત્ર જમ્મૂ-કાશ્મીરના અભરખા જાગ્યા.મહારાજાને રાજ્યનિકાલ કરાવવામાં તેમને સફળતા મળી. આખરે એમના મિત્ર નેહરુએ શેખને ૧૯૫૩માં પદભ્રષ્ટ કરી બંદી બનાવવા પડ્યા. વાસ્તવમાં કાશ્મીર કોકડું માત્ર વાતોનાં વડા થકી ઉકેલાય તેમ નથી. સ્થાનિક પ્રજા રાજ્યના જમ્મૂ અને કાશ્મીર એ બે રાજ્યોમાં વિભાજન અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવા માટે સંમત નથી. સમસ્યા હિંદુ-મુસ્લિમની પણ નથી.પ્રજા તો ભારત સાથે જ છે,માત્ર એને પોતીકી ગણી મુખ્યધારામાં લાવવાની જરૂર છે.એ માટે મંત્રણા જ એકમાત્ર માર્ગ છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com

No comments:

Post a Comment