Wednesday, 17 July 2019

Gujarat sets Example: Toppers from Reserved Categories in GPSC



ગુજરાતમાં ક્રાંતિ: જીપીએસસીની ટોચની ભરતીમાં અનામતવાળા અગ્રક્રમે   
ડૉ.હરિ દેસાઈ
·         અનામતનો લાભ લઈને બેપાંદડે થયેલા સિવાયના ઘણા મોટા વર્ગને અનામતનો લાભ મળ્યો નથી
·         હજુ દલિતો, આદિવાસીઓ કે અન્ય પછાત વર્ગના લોકોને મળવું જોઈતું પ્રતિનિધિત્વ પણ મળ્યું નથી
·         રાજ્યમાં ૩ લાખ ઉમેદવારોમાંથી પસંદ કરાયેલા ૨૯૩ અધિકારીઓમાં  પ્રથમ  ક્રમે ઓબીસીનો અંકિત
·         દલિતો-આદિવાસીઓને ૪૫ ટકાએ પ્રવેશ ને પટેલો-વાણિયા-બ્રાહ્મણોને ૯૦ ટકાએ નહીં એ નર્યું જુઠ્ઠાણું 

આઝાદીનાં ૭૦ વર્ષ વીત્યા પછી પણ હજુ અનામતના ધોરણે દલિતો અને આદિવાસીઓ તેમજ અન્ય પછાત વર્ગના લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં પ્રવેશની વિશેષ સવલત મળે એ સામે નાકનું ટેરવું ચડાવનારો ઘણો મોટો વર્ગ છે. જોકે અનામત શ્રેણીમાં આવતા પરિવારોનાં સંતાનોને ભણવાની અને સરકારી નોકરી માટે તૈયારીની સારી સુવિધા મળે તો એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અવ્વલ ક્રમે આવે છે. આજે પોતાને ઉજળિયાત ગણાવતો વર્ગ અનામતનો લાભ લેવા માટે આંદોલનનો માર્ગ અપનાવીને આર્થિક ધોરણે અનામત મેળવીને ય  કૉલર ટાઈટ રાખે છે. ગુજરાત સરકારને કોણ જાણે કોણે સલાહ આપી કે ‘સવર્ણ’ શબ્દ વાપરવા પર પ્રતિબંધ મૂકીને સમાજમાં સમાનતા આવી જશે અને વિખવાદ નહીં થાય. એણે સરકારી પરિપત્ર કરી નાખ્યો. થોડા વખત પહેલાં કેન્દ્ર સરકારે ‘દલિત’ શબ્દ વાપરવા પર બંધી ફરમાવતો ફતવો બહાર પાડીને દલિત સાહિત્યને બુઠ્ઠું કરવાની કવાયત કરી,પણ એનાથી સમાનતા કેટલી આવી એ અભ્યાસો હજુ થયા નથી. દેશના સાચા અર્થમાં માલિક એવા આદિવાસીઓને એમની આદિવાસી તરીકેની ઓળખ પસંદ છે ત્યારે એમને વનવાસીના વાઘા ચડાવી દેવાથી તેમનું કેટલું કલ્યાણ થઇ ગયું એ સમજાતું નથી.
અનામતમાંના પછાતો તો પાછળ
આ લખનાર કાયમ સામાન્ય શ્રેણીમાં જ રહ્યો છે અને અનામતનો કોઈ લાભ લીધો ના હોવા છતાં એટલું જરૂર માને  છે કે દલિત, આદિવાસી અને અન્ય પછાતોમાં આવતી કોમોના જે લોકો અનામતનો લાભ લઈને બેપાંદડે થયા છે એ સિવાયનો  ઘણો મોટો વર્ગ છે જેને અનામતનો લાભ મળ્યો નથી. એટલે એ વંચિતોને અનામતનો લાભ મળવો જ જોઈએ. સાથે જ ઉજળિયાત ગણાતા સમાજના આર્થિક રીતે નબળા વર્ગને પણ બંધારણીય રીતે અનામતનો લાભ મળવો ઘટે. ખાટલે મોટી ખોડ એ છે કે ૧૯૯૩માં મંડળ પંચના ઇન્દિરા સાહની ચુકાદામાં ઓબીસી માટે ક્રીમીલેયરનો ખ્યાલ દાખલ કરાયો ત્યારે એ વર્ષે એક લાખ રૂપિયાની આવકથી વધુ હોય તેવા પરિવારોને અનામતનો લાભ ના અપાય એવું સ્પષ્ટ કરતો હતો. અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટે આવા કોઈ ક્રીમીલેયરની જોગવાઈ નથી. જોકે એ અલગ મુદ્દો છે, પરંતુ આજે ઓબીસી માટે ક્રીમીલેયરની આવક મર્યાદા વર્ષે ૮ લાખ રૂપિયાની રાખી છે. આવા સંજોગોમાં અન્ય પછાતોના નેતાઓને અમારો કાયમ પ્રશ્ન એ રહ્યો છે કે મહિને ૬૬,૦૦૦ રૂપિયા કમાનારના પરિવારને અનામતનો લાભ મળતો હોય તો ગધેડા પર માલ લાદીને કે મજૂરી કરીને માંડ પેટિયું રળનાર પરિવારનાં સંતાનોને શિક્ષણ કે સરકારી નોકરીમાં તક ક્યારે મળશે? આ સવાલ અણગમતો ભલે હોય દેશની પ્રજાની કરુણાનું દર્શન જરૂર કરાવે છે. ક્યારેક અનામતનો લાભ મેળવવા માટે સામાન્ય શ્રેણીના અમુક લોકોએ ખોટી ઍફિડૅવિટ કર્યાનું કે અનામત પરિવારોને પોતાનાં સંતાન દત્તક આપ્યાના દાખલા પણ ચર્ચામાં આવ્યા છે. ગુજરાતમાં તો આવા એક કિસ્સામાં અધિકારીઓની બંધુત્રિપુટીની તપાસનો આદેશ આપનાર પ્રધાનનું પ્રધાનપદું ગયું હતું,પણ પેલા બંધુઓને ઊની આંચ આવી નહોતી.
મલ્લની સામે સૂકલકડીનો માહોલ
મલ્લને સૂકલકડી સામે મલ્લયુદ્ધ માટે ઉતારવામાં આવે ત્યારે શું અવસ્થા થાય એ વાતને ધ્યાને લઈને જ બંધારણસભામાં સમાનતા અને બંધુતાની વિશદ છણાવટ કરાઈ હતી. બંધારણના ઘડવૈયાઓમાં વડાપ્રધાન પંડિત નેહરુ અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલથી લઈને ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી જેવા મહાનુભાવોએ બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને દેશના પ્રથમ કાયદા પ્રધાન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની વાત માનીને માત્ર રાજકીય આઝાદી જ નહીં,પણ સામાજિક ન્યાય અને સમાનતા મળે એ હેતુસર અનામતની બંધારણીય જોગવાઈ કબૂલી હતી. સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આજે પણ યોગ્ય પ્રમાણમાં આવા દલિતો, આદિવાસીઓ કે અન્ય પછાત વર્ગના લોકોને મળવું જોઈતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એટલે અનામત અનિવાર્ય બની રહી છે.સાથે જ અનામતનો લાભ લઈને મોટા લાટ સાહેબ થઇ જનારા પરિવારોમાં એ ખૂબ સીમિત રહે છે. એની સમીક્ષાની વાત પણ જો કોઈ પક્ષ કે ભાજપ જેવા પક્ષની માતૃસંસ્થા કરે તો તે બિહારમાં વિધાનસભાની ચૂંટણી હારી જવા જેવું બને છે. ગુજરાતમાં એક પરિવારમાં કેન્દ્રીય મંત્રીનું પદ, ધારાસભ્યોની મક્તેદારી અને આઇએએસ સહિતના ટોચના હોદ્દા હોવાનું સર્વવિદિત છે. મહારાષ્ટ્રમાં અનામત શ્રેણીના એક જમીનદાર અને મોટા રાજકીય વગદાર પરિવારમાં વિધાનપરિષદના ચેરમેનપદથી લઈને રાજ્યપાલના પદ જેવા  રાજકીય હોદ્દાઓ જ નહીં; મુખ્યસચિવપદથી લઈને આઇએએસ અને આઈપીએસ સુધીના હોદ્દા પણ કેન્દ્રિત થયાનું જોવા મળ્યું છે. આવા સંજોગોમાં સમાજ જાગે એ જરૂરી છે. અનામત શ્રેણીના અન્ય લોકોને પણ એ લાભ ક્યારે મળશે, એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
અનામત શ્રેણીના  સ્પર્ધકોને ન્યાય
મુંબઈ રાજ્યમાંથી ૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાત છૂટું પડતાં એના ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ના સંસ્થાપક અધ્યક્ષ રાઘવજી લેઉઆ દલિત સમાજમાંથી આવતા હોવા છતાં છેક ૧૯૮૯માં પણ દલિત સમાજના તેજસ્વી યુવાન સંજય પરમાર-અમરાણી ગુજરાત ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (ગૅસ કેડર)માં પસંદગી પામેલા તમામ ઉમેદવારોમાં પહેલા ક્રમે આવ્યો ત્યારે એને અનુસૂચિત જાતિ (એસસી) માટે આરક્ષિત કવોટામાં જ ગણવાનો તથાકથિત સવર્ણ ઉમેદવારોનો દુરાગ્રહ હતો. અમરાણીને સામાન્ય શ્રેણીમાં ગણવા સામે કથિત ઉજળિયાતો અદાલતે ગયા પણ હાથ હેઠા પડ્યા હતા. ગૅસ કેડરમાં સેવારત થયા પછી ભારતીય પ્રશાસકીય સેવા (આઈએએસ)માં પસંદગી પામ્યા પછીય વર્ષો સુધી સરકારી સેવામાં કાર્યરત રહીને આજે તો અમરાણી નિવૃત્ત પણ થઇ ગયા છે. વર્ષ ૧૯૮૯માં જ જીપીએસસીની પરીક્ષામાં શિરમોર સર્જક હરીશ મંગલમ્ અને બીજા અનુસૂચિત જાતિના ઉમેદવારો 'ઓપન મેરિટ'માં ઉત્તીર્ણ થયા હતા. હરીશભાઈએ પણ સામાન્ય વહીવટ વિભાગને અરજી કરીને 'અનામતના ક્વોટા'માં નહીં, પરંતુ 'ઓપન મેરિટ'માં ગણવા વિનંતી કરી હતી. જે ગ્રાહ્ય રાખવામાં આવી નહોતી. વકીલ એસ.વી. પરમાર અને  ગીરીશભાઈ પટેલનો સંપર્ક કર્યો અને હાઈકોર્ટમાં રિટ પિટીશન દાખલ કરી. તે સમયે મંગલમ  વર્ગ-૨ માં સર્વિસ કરતા  હતા. એટલે સચિવાલયમાંના અન્ય ઉમેદવાર ચંદ્રેશ રાજપાલના નામથી રિટ કરાઈ હતી, જેથી તેમને કોઈ હેરાન કરી શકે નહીં. હરીશ મંગલમ્ મામલતદાર હતા એટલે એમને  પૂર્વગ્રહ રાખીને ગમે ત્યાં બદલી કરીને હેરાન ના કરાય એટલા માટે આ માર્ગ અપનાવાયો હતો..
બૅનિફિટ અને રિલેક્શેશનમાં ફરક
કૉર્ટમાં ત્રણેક વર્ષ વીતી ગયાં. હાઈકોર્ટ જજે કહ્યું, " ઉંમર અને ઓપન મેરિટ એમ બંને લાભ આપી શકાય નહીં." ત્યારે ગિરીશભાઈએ ભારપૂર્વક દલીલ કરી હતી કે, "ઉંમરમાં છૂટ આપવી તે  'બૅનિફિટ' ગણાય નહિ, તેને 'રિલેક્શેશન' ગણાય".આ દલીલ જજશ્રીને ગળે ઉતરી અને અરજદાર   'ઓપન મેરિટ'નો કેસ જીતી ગયા. ગુજરાતના  (કદાચ, ભારતના) ઇતિહાસમાં, આ એવો પ્રથમ કેસ હતો કે પાંચ ડેપ્યુટી કલેકટરની જગાની સામે દસ જગાઓ અનુસૂચિત જાતિના ઉમેદવારોથી ભરવી પડી. આ કેસની સામે બિનદલિતોએ   સુપ્રીમમાં અપીલ કરી, પરંતુ સુપ્રીમે હાઈકૉર્ટનો હુકમ કાયમ રાખ્યો. એટલું જ નહિ, ત્યાર પછી, જીપીએસસીની તમામ ભરતીમાં આ નિયમ લાગુ પાડ્યો.અનુસૂચિત જાતિના હજારો ઉમેદવારોને લાભ મળ્યો. આ જીત એક અપૂર્વ જીત હતી.  વકીલો એસ.વી. પરમાર અને ગીરીશભાઈ પટેલ એક પણ પૈસો લીધા વગર, વિના મૂલ્યે કેસ લડ્યા હતા. એ એમની સમાજનિષ્ઠાનું ઝળહળતું ઉદાહરણ છે. મંગલમ્ કહે છે કે હું તો ડૅપ્યુટી કલેકટરની જગા માટે ઓપન મેરિટમાં પાસ થયો હતો, મને  તો નિમણૂક મળવાની હતી જ, પરંતુ આ કેસ સમગ્ર સમાજને લાભ મળે તે માટે અમે લડ્યા હતા.  સુપ્રીમના ચુકાદાઓને પ્રતાપે માત્ર દલિત જ નહીં, આદિવાસી અને અન્ય પછાતોને પણ ઓપન મેરિટનો લાભ મળે છે. એના કારણે અનામત સમાજના અન્ય લોકોને એમના ક્વોટા મુજબની જગ્યાઓ મળે છે.
ત્રણ લાખમાંથી ૨૯૩ની નિમણૂક
હવે ચિત્ર ઘણું બદલાઈ ગયું છે. હજુ હમણાં જ ગેસ કેડર ઉપરાંત ક્લાસ-૧ અને  ક્લાસ-૨ સહિતની સરકારી સેવાઓમાં પસંદગીનાં જે પરિણામ જાહેર થયાં. તેમાં ૨,૯૯,૬૩૯ ઉમેદવારોમાંથી ૧,૯૪,૭૩૮ જણા પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત રહ્યા. ભરવાની થતી વિવિધ જગ્યાઓ કરતાં ૧૫ ગણા અને સમાન ગુણને અનુસાર કુલ ૫,૦૦૯ ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે પાત્ર ગણવામાં આવ્યા. ૪,૭૯૫ લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા. લેખિત પરીક્ષાના ગુણને  આધારે કુલ ૯૧૨ ઉમેદવારો ઇન્ટર્વ્યૂને પાત્ર થયા. એમાંથી જે જગ્યાઓ માટે વિવિધ અધિકારીઓને નિયુક્ત કરવાના હતા તેવા ૨૯૩ અધિકારી પસંદગી પામ્યા. આનો અર્થ એ થયો કે લગભગ ૩ લાખ જેટલા ઉમેદવારોમાંથી પસંદ કરાયેલા  ૨૯૩ અધિકારીઓમાં  સૌથી ટોચના ક્રમે એટલે કે મેરિટમાં આવેલો  અંકિત પિયુષકુમાર ગોહિલ એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાંથી આવે છે! એવું નથી કે અનામત શ્રેણીમાંથી એકમાત્ર અંકિત જ સામાન્ય શ્રેણીમાં પસંદગી પામ્યો છે, બીજા પણ ઘણા ઉમેદવાર છે. અંકિતે કુલ ૧,૦૦૦ ગુણમાંથી ૫૨૪ ગુણ મેળવ્યા હતા. ૪૯૩થી વધુ ગુણ મેળવનારા બીજા પણ અનામત શ્રેણીના ઉમેદવારો સામાન્ય શ્રેણીમાં ગણાયા હતા.  સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જો શિક્ષણ અને તૈયારી માટેની તક મળે તો અંતરિયાળ પ્રદેશના ગરીબ અને પછાત શ્રેણીના ઉમેદવારો પણ મેરિટમાં આવવા સક્ષમ છે, એ આ કુલ ૩ લાખ ઉમેદવારોમાંથી પસંદગી પામેલા ૨૯3 અધિકારીઓની યાદી અને એમણે સ્કોર કરેલા મેરિટ ગુણની વિગતો જોઇને લાગ્યા વિના રહેતું નથી. માત્ર એક જ વર્ષમાં સઘળી પ્રક્રિયા પૂરી કરવા ઉપરાંત પારદર્શી રીતે, કોઈ જાતના ભેદભાવ વિના, સૂત્રસંચાલન કરવા બદલ આયોગના અધ્યક્ષ દિનેશ દાસા અને તેમની સમગ્ર ટીમ યશની અધિકારી છે. ૫૦ નાયબ કલેક્ટરો અને અન્ય ક્લાસ-૧ અને ક્લાસ-૨ સહિતના સરકારી અધિકારીઓની પસંદગીની આ પ્રક્રિયા આરંભાઈ ત્યારે આર્થિક રીતે પછાત વર્ગના એટલે કે બિન-અનામત શ્રેણીના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટેની અનામતની જોગવાઈનો અમલ થયો નહોતો, એટલે એ વર્ગના ઉમેદવારોને સમાવાયા નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, મેરિટમાં સામાન્ય શ્રેણીના ઉમેદવારોની લગોલગ આવનારા અનામત શ્રેણીના ઉમેદવારોને સામાન્ય શ્રેણીમાં જ પસંદ કરવામાં આવે છે. જોકે આ વખતે ઓપન મેરિટમાં ટોચના ક્રમે આવ્યા છતાં પોતાની પસંદગીની કેડર નહીં મળતી હોવાને કારણે અનુસૂચિત જાતિના બે ઉમેદવારોએ  પોતાને અનામત શ્રેણીમાં ગણીને પસંદગીની કેડર માટેના  વિકલ્પ અપાય તે માટે રજૂઆત કરતાં તેમની એ બાબતને ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
અનામત અંગે ભ્રમનિરસન
સામાન્ય પ્રચલિત માન્યતાથી વિપરીત સામાન્ય એટલે કે તથાકથિત ઉજળિયાત વર્ગમાંથી આવતા ઉમેદવારોની તુલનામાં અનામત શ્રેણીના ઉમેદવારોના મેરિટના કટ-ઓફ ગુણ ખૂબ ઓછા હોતા નથી.આ વખતે ગેસ કેડર અને ક્લાસ-૧ અને ક્લાસ-૨ સહિતના ટોચના સરકારી અધિકારીઓના મેરિટ પર નજર નાંખીએ તો સ્પષ્ટ થઇ જાય છે કે અનામત શ્રેણીના ઉમેદવારોના મેરિટ ગુણ  સામાન્ય શ્રેણીના ઉમેદવારોની લગોલગ અને ક્યારેક તો સામાન્ય શ્રેણીનું કટ-ઓફ નીચે લઇ જવું પડે એટલા ઉપર હોય છે. કુલ ૧,૦૦૦ ગુણમાંથી આ વખતની પસંદગી પામેલાઓમાં કટ-ઓફ ગુણ આ મુજબ છે: સામાન્ય (પુરુષ): ૪૫૨.૭૫, સામાન્ય (સ્ત્રી): ૪૪૨.૫૦, એસઇબીસી (પુરુષ): ૪૪૫.૫૦, એસઇબીસી (સ્ત્રી): ૪૩૪.૭૫, એસસી (પુરુષ):૪૪૩.૫૦, એસસી (સ્ત્રી): ૪૫૪, એસટી(પુરુષ): ૩૯૩.૨૫, એસટી (સ્ત્રી): ૩૮૧.૨૫ અને દિવ્યાંગ: ૪૨૩.૨૫. એટલે અનામત માટે આંદોલન કરતા ઉજળિયાતો થકી કરાતો  પ્રચાર કે પટેલો કે વાણિયા-બ્રાહ્મણોને ૯૦ ટકાએ પણ મેડિકલમાં પ્રવેશ મળતો નથી  અને  દલિતો-આદિવાસીઓને માત્ર ૪૫ ટકાએ મેડિકલમાં પ્રવેશ મળે છે એ જેટલું ખોટું છે એટલું જ ટોચની સરકારી નોકરીઓમાં એમને ઓછા મેરિટે પસંદ કરવામાં આવતા હોવાનું ખોટું  છે એ આ કટ-ઓફથી સ્પષ્ટ થઇ જાય છે.
ગુજરાતમાં અનામતનું પ્રમાણ ઉપરોક્ત પસંદગીમાં ૪૯ ટકા રહ્યું. હવે પછીની ભરતીમાં વધુ ૧૦ ટકા અનામત આર્થિક રીતે નબળા વર્ગના ઉજળિયાતો કે ક્રીમી લેયરને કારણે અનામતનો લાભ નહીં મેળવી શકનારા ઓબીસી શ્રેણીના ઉમેદવારોને મળતાં અનામતની ટકાવારી ૫૯ ટકા થશે. અત્યાર લગી એસસી માટે ૭ ટકા, એસટી માટે ૧૫ ટકા અને એસઇબીસી કે ઓબીસી માટે ૨૭ ટકા અનામતનું પ્રમાણ હતું. અનામત શ્રેણીનાં ઉમેદવારોને અને સ્ત્રી ઉમેદવારોને  વયમર્યાદામાં  છૂટ મળે છે, એ સિવાય ઇન્ટર્વ્યૂનાં ચાર બોર્ડમાંથી કોઈપણ એકમાં ક્મ્પ્યૂટરની પસંદગીથી જાય અને અપાયેલા ક્રમના આંકડાથી એ ઇન્ટર્વ્યૂમાં બેસતાં તેમના નામ, જ્ઞાતિ કે જિલ્લાની ઓળખ થયા વિના જ પસંદગીમાં બેઠેલા નિર્ણાયકો થકી તેમના ગુણ પણ સીધા જ કમ્પ્યૂટરમાં નોંધાય છે. આટલી પારદર્શક જીપીએસસીની વ્યવસ્થા ફેબ્રુઆરી ૨૦૧૬માં આયોગના અધ્યક્ષ તરીકે આવેલા દિનેશ દાસા અને તેમના સાથી સભ્યો થકી ગોઠવાતાં ભાગ્યેજ કોઈ વિવાદને અવકાશ રહે છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન લગભગ ૧૩,૦૦૦ કરતાં પણ વધુ સરકારી અધિકારીઓની નિમણૂક આયોગ મારફત કરવામાં આવી છે. સમયબદ્ધ પરીક્ષાઓનું અને પરિણામો તથા ઇન્ટર્વ્યૂનું સમયપત્રક અમલી બન્યું છે. જીપીએસસીમાં અભ્યાસક્રમ પણ યુપીએસસીના ધોરણે બદલાયો છે. રાષ્ટ્રીયસ્તરે પણ ગુજરાત જાહેર સેવા આયોગનું અનુસરણ થઇ રહ્યું છે એ ગર્વની વાત છે.
 ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment