કૉંગ્રેસમુક્તથી વિપક્ષમુક્ત ભારત ભણી
ડૉ.હરિ દેસાઈ
ક્યારેક ભારતીય વિદેશસેવામાં પ્રથમ વડાપ્રધાન પંડિત
જવાહરલાલ નેહરુના નિષ્ઠાવંત અધિકારી તરીકે ૧૯૫૩માં જોડાઈને દેશના વિદેશમંત્રી
સુધીની મજલ કાપનારા નેહરુ-ગાંધી પરિવારની નિકટ રહેલા કુંવર નટવરસિંહે હમણાં કૉંગ્રેસના
સ્વઘોષિત તારણહાર બનવાનો પ્રયાસ કર્યો છે. રવિવારીય સત્સંગસભામાં એમનો બોધ હતો: “કૉંગ્રેસના
આ પ્રથમ પરિવારમાંથી કોઈ પક્ષનું નેતૃત્વ નહીં કરે તો કૉંગ્રેસ રોકડા ૨૪ કલાકમાં જ
વેરવિખેર થઇ જશે.” એમણે પ્રિયંકા ગાંધી-વાડરાને પક્ષનું સુકાન સોંપવાની ગુરુચાવી
પણ સૂચવી છે. રાજસ્થાનની ભરતપુર રિયાસતના રાજકુમાર નટવરસિંહ પતિયાળાના મહારાજા
યાદવેન્દર સિંહના જમાઈ એટલે કે પંજાબના કૉંગ્રેસી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર
સિંહનાં મોટાં બહેન હેમિંદર કૌર સાથે પરણેલા છે. લોકસભાની મે ૨૦૧૯ની ચૂંટણીમાં
કારમી હાર પછી કૉંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપીને રાહુલ ગાંધીએ નેહરુ-ગાંધી
પરિવારની બહારની અન્ય કોઈ વ્યક્તિને ૧૩૪ વર્ષ જૂના અને ભાજપ સહિતના લગભગ તમામ રાજકીય
પક્ષોની માતૃસંસ્થા રહેલી કૉંગ્રેસના નવસર્જનનો આગ્રહ સેવ્યો છે. કૉંગ્રેસમાં
અગાઉના દાયકાઓમાં દેશી-વિદેશી અધ્યક્ષોની દીર્ઘ પરંપરા રહી છે. સર્વસમાવેશક એવા આ
પક્ષની ૧૮૮૫માં સ્થાપના થઇ હતી. અત્યાર લગીના તેના અધ્યક્ષોમાં પ્રથમ ખ્રિસ્તી
અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનરજીથી લઈને રાહુલ ગાંધી સુધીના અધ્યક્ષોએ એનું સુકાન સંભાળ્યું
છે.
આઝાદી પહેલાં અને પછી નેહરુ-ગાંધી પરિવાર બહારના અધ્યક્ષો
આવતા રહ્યા છતાં આઝાદીના આંદોલન અને એ પછી આઝાદ ભારતમાં કૉંગ્રેસ અમિબા અવતારમાં
ટકી છે. વિઘટન અને પુનર્મિલન એની પ્રકૃતિ રહી છે. દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન
તૈયબજી, સર વિલિયમ વેડર્બન, એની બેસન્ટ, પંડિત મદન મોહન માલવિયા, પંડિત મોતીલાલ
નેહરુ, લાલા લજપત રાય, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર
બોઝ, મૌલાના અબુલ કલામ આઝાદ, આચાર્ય કૃપાલાની, યુ.એન.ઢેબર, જગજીવન રામ, કે.કામરાજ,
નીલમ સંજીવ રેડ્ડી, દેવકાંત બરુઆ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પી.વી.નરસિંહરાવ,
સીતારામ કેસરી, સોનિયા ગાંધીના અધ્યક્ષપણા હેઠળ કૉંગ્રેસને ‘સારા દિવસો’ ગયા છે.
માઠા દિવસોમાં પણ એણે પોતાની ભૂમિકા ભજવી છે.પ્રજા સાથેનો એનો અનુબંધ ટક્યો છે. એલન
ઓક્તોવિયો હ્યુમ, મહર્ષિ અરવિંદ, લોકમાન્ય ટિળક, મોહમ્મદ અલી ઝીણા, ડૉ.કેશવ બલિરામ
હેડગેવાર, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી, લાલબહાદુર શાસ્ત્રી,
સહિતના મહાનુભાવોની આ પાર્ટી રહી છે. એટલે નટવર સિંહનું એવું કહેવું કે
નેહરુ-ગાંધી પરિવારના નેતૃત્વ વિના આ પક્ષ તૂટી જશે, એ જરા વધુ પડતું છે.
જોકે નેહરુનિષ્ઠ સદગત વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર
અને કૉંગ્રેસના નેતા અનીલ શાસ્ત્રીએ નેહરુ-ગાંધી પરિવારના નેતૃત્વનું કોરસગાન
આરંભ્યું અને નટવર સિંહ પછીય હજુ એ દીર્ઘસૂત્રી સાબિત થશે. અધ્યક્ષપદે પ્રિયંકા
ગાંધી હોય કે અન્ય કોઈ, પક્ષની પુનઃ બાંધણી કરવા અને નવચેતના લાવવા સક્ષમ નેતાગીરી
થકી જ પડતીઆખડતી કૉંગ્રેસ આવતા દિવસોમાં સત્તાસ્થાને આવવા સમર્થ બની શકે. માર્ચ
૧૯૭૭માં કૉંગ્રેસ હારી, એટલું જ નહીં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી પોતે રાયબરેલી લોકસભા
બેઠક પણ હારી ગયાં હતાં. ૧૯૮૦માં એમને દેશની પ્રજાએ ફરી વડાંપ્રધાન બનાવીને અને એ
પછી અનેકવાર કૉંગ્રેસને સત્તાસ્થાને લાવીને ઈમર્જન્સીનાં એનાં પાપ ધોયાં છે. એ
માટે કૉંગ્રેસની નેતાગીરીમાં “કીલર્સ ઇન્સ્ટિંગ” અનિવાર્ય છે. નેતાગીરી જ જંગમાંથી
ભાગી છૂટનાર રણછોડરાય થાય તો એની સેનાનું મનોબળ તૂટી જવું સ્વાભાવિક છે. રાણા
સાંગાથી લઈને ઇન્દિરા ગાંધી સુધીનાનાં ઉદાહરણ વિદેશમાં ભણેલા રાહુલબાબા કે દેશમાં
ભણેલાં પ્રિયંકા સહિતના કૉંગ્રેસી અગ્રણીઓએ ગૂંજે બાંધવાની જરૂર ખરી.
મહાત્મા ગાંધીને નામે કૉંગ્રેસને વિસર્જિત કરવાની કે કૉંગ્રેસમુક્ત
ભારતની વાતોનાં વડાં ખૂબ ચાલ્યાં. એ પછી તો વિપક્ષમુક્ત ભારતના વ્યૂહ ઘડાવા
માંડ્યા છે. કૉંગ્રેસના રાજકીય વિરોધીઓનો વાણીવિલાસ સાચો છે કે ખોટો એ ચકાસવા માટે
કૉંગ્રેસીઓએ ક્યારેક “ ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી” ખોલીને જોવાની તસ્દી લેવાની
જરૂર હતી. એમાં વાંચવા મળત કે રાષ્ટ્રપિતાએ તો હકીકતમાં જીવનના અંતિમ સમયે એવું
કહ્યું છે કે કૉંગ્રેસ જો મરી જાય કે વિસર્જિત થઇ જાય તો ભારતનું અસ્તિત્વ મટી
જાય. મુશ્કેલી એ છે કે કૉંગ્રેસને જીજીવિષા જ ના હોય તો એનું વિસર્જન થવું
સ્વાભાવિક છે. વિસર્જન વહોર્યા પછી નવસર્જન ભણી આગળ વધવા માટે માત્ર મોઢું ખોલીને
પતાસું મુખપ્રવેશ કરે એની પ્રતીક્ષા કરવાથી એ આવી પડે એવું નહીં. પરિશ્રમ કર્યા
વિના તો પ્રાપ્તિ અશક્ય છે. પોતાના વિરોધીઓને ભાંડે રાખ્યે પણ પોતાનાં તરભાણાં
ભરાઈ ના શકે. આટલી સાદીસીધી સમાજ ૧૩૪ વર્ષ જૂના રાજકીય પક્ષની નેતાગીરીને ના હોય
તો એનું સત્તાવાર વિસર્જન કરવામાં જ ગનીમત, ભલે પછી આખ્ખેઆખ્ખી કૉંગ્રેસીસેના
રણછોડરાય જ ગણાઇ જાય!
કૉંગ્રેસે હજુ હતાશાની ગર્તામાં જવા જેવો યુગ આવ્યો નથી:
બ્રાહ્મણ બકરું લઈને જતો હતો અને ત્રણ ઠગ એને વારફરતાં કૂતરું ગણાવીને છેવટે શંકા
જન્માવતા રહ્યા એ વાર્તા અને ઍડોલ્ફ હિટલરના પ્રપોગંડા મિનિસ્ટર ગોબેલ્સનાં ઉદાહરણ
ઘણાં બોધક છે. કૌટિલ્યના “અર્થશાસ્ત્ર”માંના બોધ માત્ર અમુકતમુક પક્ષો કે સ્વદેશી
વિદ્વાનોએ જ લેવા એવું તો નથી જ. મૅકિયાવેલીને આત્મસાત કરનારાઓ એનાથી હજાર-બે હજાર
વર્ષ પહેલાં થઇ ગયેલા કૌટિલ્ય કનેથી યોગ્ય બોધ ના ગ્રહણ કરે ત્યારે આ જ વલે થાય.
સાથે જ આપણે ત્યાં ઉક્તિ છે “પરોપદેશે પાંડિત્યં સર્વેષાં સુકુરં નૃણામ્” એટલે કે બીજાઓને
ઉપદેશ કરવામાં મણા શેં રાખવી? રાહુલની અવસ્થા “શીદંતી મમ ગાત્રાણિ” જેવી હોય
ત્યારે એમણે શું કરવું એના ઉપદેશનો મારો ચોફેરથી આવી પડે એ સ્વાભાવિક છે. સ્વજનો
સામી છાવણી ભણી દોટ મૂકતા જણાય ત્યારે રણભૂમિમાં ધનુષ્ય હેઠું મૂકવામાં તો પરાજય
વહોરવા સિવાયનો અન્ય કોઈ વિકલ્પ નથી રહેતો. સિકંદર અને પોરસની કથાનું રાહુલે જાતે
જ પઠન કરવાની જરૂર ખરી.
No comments:
Post a Comment