ટ્રિપલ તલાકબંધીથી સમાન નાગરી ધારાના અમલ ભણી
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
·
૧૯૮૬માં મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા
કૃતસંકલ્પ વડાપ્રધાન રાજીવ ગાંધી યુ-ટર્ન લેવા વિવશ હતા
·
૩૩ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રિપલ
તલાકબંધી આણતાં આરીફ મોહમ્મદ ખાન એકદમ રાજીના રેડ
·
સંયોગ તો જુઓ,જે નજમા હેપતુલ્લા અને
એમ.જે.અકબરે રાજીવનું મન બદલ્યું હતું એ ભાજપની છાવણીમાં
·
ગોવામાં ૧૫૦ વર્ષથી અમલી સમાન ધારો રાષ્ટ્રીય
સ્તરે અમલી બનાવવા બંધારણના ઘડાવૈયાઓનો નિર્દેશ
ફેબ્રુઆરી ૧૯૮૬માં ઈન્દોરનાં
શાહબાનુના તલાક વિવાદ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે મુસ્લિમ મહિલાઓને અન્યાય કરતું
વિધેયક કાયદા મંત્રી અશોક સેને રજૂ કર્યું ત્યારે એના વિરોધમાં એ જ દિવસે રાજીવ
ગાંધી સરકારમાંથી આરીફ મોહમ્મદ ખાને રાજીનામું આપ્યું હતું. આ જ આરીફ ખાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાકો સુધી ટ્રિપલ
તલાકને સમાપ્ત કરવાનો કાયદો કરવાની અનિવાર્યતા અંગે ચર્ચાને સમેટીને કહે છે: “હવે
તમે નચિંત થઇ જાઓ. કાયદો બનીને જ રહેશે. કાયદા ખાતાના સંબંધિત અધિકારીઓ તમારો
સંપર્ક કરશે.” ઉત્તર પ્રદેશના બહરાઈચના કોંગ્રેસી નેતા રહેલા આરીફભાઈ વી.પી.સિંહની
જનતાદળના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી પણ રહ્યા. વચ્ચે બહુજન સમાજ પાર્ટીમાં અને વાજપેયી
યુગમાં ભારતીય જનતા પક્ષમાં આંટો ય દઈ આવ્યા. મોદી યુગમાં મંત્રીપદ મળવામાં
હતું,પણ માંહ્યલો માન્યો નહીં. આજે એ ખુશ છે. નરેન્દ્રભાઈએ વચન પાળ્યું. કોલકાતાનાં
શાયરાબાનોની અરજી સંદર્ભે ટ્રિપલ તલાક પર
બંધી ફરમાવતો ચુકાદો ઓગસ્ટ ૨૦૧૭માં આવ્યા પછી મોદી સરકારે ત્રણ-ત્રણ વાર એ અંગે
કાયદો બનાવવાની કોશિશ કરી, પણ રાજ્યસભામાં એ વિધેયકને કોંગ્રેસે ઠાર કરાવ્યું. એ પછી
પણ આ કાનૂની જોગવાઈ માટે અધ્યાદેશો અને
વિધેયક મંજૂર કરાવવાની મમત સત્તાપક્ષે છોડી નહીં. સુપ્રીમના આ ચુકાદાના માત્ર અઢી
મહિનામાં જ ૨૨૯ જેટલા ટ્રિપલ તલાકના ખટલા સુપ્રીમે નોંધાયા. જોકે
મોદી સરકારના દ્રઢ સંકલ્પને જોતાં અને ટ્રિપલ તલાક આપનાર પતિને ત્રણ વર્ષની જેલની
જોગવાઈના કારણે છેલ્લા દસ મહિનામાં એક પણ કેસ સુપ્રીમે નહીં આવ્યાનું આરીફભાઈ કહે
છે.
બંને ગૃહોમાં
મંજૂરી શક્ય
હવે ફરી એકવાર લોકસભા અને
રાજ્યસભામાં એ મંજૂર કરાવવાનો આશાવાદ દ્રઢ થયો છે. લગ્ન અને સંપત્તિ અંગે
તમામધર્મી નાગરિકો માટે સમાન નાગરી ધારા (યુનિફોર્મ સિવિલ કોડ)નો અમલ કરવાના
બંધારણના ઘડવૈયાઓએ અનુચ્છેદ ૪૪ મારફત આપેલા નિર્દેશના અમલની દિશા ખુલવામાં છે.
ગોવામાં તો છેલ્લાં ૧૫૦ વર્ષથી પોર્ટુગીઝ શાસન હેઠળનો નાગરી કાયદો (સિવિલ કોડ)
હિંદુ,મુસ્લિમ અને ખ્રિસ્તીઓને માટે અમલી છે, એટલું જ નહીં, આરીફ મોહમ્મદ ખાનની
જેમ જ કેન્દ્ર સરકારમાં કાયદા અને ન્યાયના
રાજ્યમંત્રી રહેલા મૂળ ગોવાના મોટા ગજાના કોંગ્રેસી નેતા રમાકાંત ખલપ પણ એમના
પક્ષની ઘોષિત નીતિથી વિરુદ્ધ દેશભરમાં સમાન નાગરી કાયદાનો અમલ કરાવવાના પક્ષધર
રહ્યા છે. મુસ્લિમ અને હિંદુ પતિ માટે અલગ
પ્રકારની કેદની જોગવાઈનો ઉલ્લેખ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવતા કાનૂનનો વિરોધ કરનારા
નેતા-સાંસદ કરે છે. ત્રણ વાર તલાક કહીને છૂટાછેડા આપનાર મુસ્લિમ પતિને માટે ૩
વર્ષની કેદની જોગવાઈ રાખી છે, જયારે
આવા હિંદુ પતિને માટે માત્ર એક વર્ષની કેદની જોગવાઈ છે. ધાર્મિક
ભેદભાવ ભૂલીને આવી અસામાનતા નાબૂદ કરવી ઘટે.
મુસ્લિમ
વોટબેન્કની લાહ્ય
કેન્દ્રમાં રાજીવ ગાંધીની
સરકાર વેળા ઈન્દોરનાં શાહબાનોના ખટલામાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાને ન્યાય
તોળવાની દિશામાં ચુકાદો આપ્યો ત્યારે શરૂઆતમાં તો વડાપ્રધાન ગાંધી સાથી પ્રધાન
આરીફ ખાન સહિતના કેટલાક પ્રગતિશીલ સાથીઓના આગ્રહને કારણે એ ચુકાદા મુજબ મુસ્લિમ મહિલાઓને
ન્યાય કરવા માટે કાયદો કરવાની તરફેણમાં હતા. દેશભરમાં રૂઢિચુસ્તોના ઉહાપોહને જોતાં
એમ.જે. અકબર, નજમા હેપતુલ્લા અને બેગમ આબિદા
એહમદ સહિતનાં સાથીઓની સમજાવટને પગલે રાજીવે મુસ્લિમ વોટબેન્કની લાહ્યમાં અવળી દિશા
પકડી. સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિષ્પ્રભાવી કરતો કાયદો કર્યો તો ખરો,પણ એના
પ્રતાપે ક્યારેક લોકસભામાં ૪૦૦ ઉપરાંત સભ્યો સાથે રાજ કરનારી કોંગ્રેસ ફરી ક્યારેય
એ આંકડાને આંબી શકી નહીં. એના ગઢ ગણાતા ઉત્તરપ્રદેશની
વિધાનસભામાં એ ૧૦૦ બેઠકોની નીચે પહોંચી ગઈ. બાકી હતું તે કોંગ્રેસના વડાપ્રધાન
તરીકે પી.વી.નરસિંહરાવની મૂકપ્રેક્ષક અવસ્થામાં અયોધ્યામાં વિવાદિત બાબરી મસ્જિદનો
ઢાંચો તૂટ્યો. અયોધ્યામાં રામમંદિરનાં તાળાં ખોલાવનારી અને શિલાન્યાસ કરાવવા
ઉપરાંત ફૈઝાબાદમાં ચૂંટણીનો પ્રચાર આરંભ કરતાં રામરાજ્યની સ્થાપના કરવાનાં વચન
આપનારી કોંગ્રેસને હિંદુ વોટબેંક અંકે કરવામાં નિષ્ફળતા મળી. એટલું જ નહીં,
મુસ્લિમોની કાયમી વોટબેંક ગુમાવવાનો વારો આવ્યો. ભલે મે ૨૦૦૪થી મે ૨૦૧૪ના ગાળામાં
કોંગ્રેસે મિત્રપક્ષોના ટેકે કેન્દ્રમાં સત્તાનો ભોગવટો કર્યો હોય, પણ આજ લગી
હિંદુઓને રીઝવવા અને મુસ્લિમોની વોટબેંક પરત મેળવવામાં કોઈ ઝાઝો ફરક પડ્યો નથી. ટ્રિપલ
તલાક વિધેયક પરની રાજ્યસભાની ચર્ચામાં કોંગ્રેસ તરફથી “સિવિલ લૉનું
ક્રીમિનલાઇઝેશન” કરવાના આક્ષેપ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર મઢવામાં આવ્યા
પછી પણ એની કોંગ્રેસ વોટબેંક પરત હાંસલ કરવામાં સફળતા મળી નથી.સામે પક્ષે, ક્યારેક
પત્રકારશિરોમણિ મુઝફ્ફર હુસૈન અને “મી,મનુ
આણિ સંઘ”વાળા રમેશ પતંગેને સાથે લઈ રા.સ્વ.સંઘ.ના સરસંઘચાલક કુ.સી. સુદર્શને
મુંબઈના ભીંડી બજારમાં મુસ્લિમ અગ્રણીઓ
સાથે બેઠક કરી હતી.એના પરિપાકરૂપ મુસ્લિમ
રાષ્ટ્રીય મંચની રચના થઇ અને ઇન્દ્રેશ કુમારને એની ધુરા સોંપાઈ હતી.મોદી યુગમાં
સત્તારૂઢ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો “સબ કા સાથ, સબ કા વિકાસ”ના આલાપ થકી સત્તાનો
મોલ લણી રહી છે.
ગોવામાં નાગરી
ધારો
ભારત ભલે ૧૯૪૭માં આઝાદ
થયું, પણ પોર્ટુગીઝ શાસન તળેના ગોવાને વાટાઘાટો નિષ્ફળ જતાં વડાપ્રધાન પંડિત
નેહરુએ લશ્કરી દળો પાઠવીને ડિસેમ્બર ૧૯૬૧માં ભારત સાથે ભેળવવું પડ્યું હતું.
ગોવામાં ૧૮૬૭નો પોર્ટુગીઝ નાગરી ધારો અમલી હતો. એમાં ૧૯૩૯માં થોડોઘણો સુધારો કરીને
દીવ,દમણ અને ગોવામાં પોર્ટુગીઝોએ અમલી બનાવ્યો હતો. ૧૯૬૧માં ગોવાની પોર્ટુગીઝ
કનેથી મુક્તિ બાદ રાજ્યમાં પરિવારને લગતા કાયદાઓ સિવાય ભારતીય કાયદા અમલી બન્યા
હતા. ગોવામાં તમામ ધર્મીઓનાં લગ્નોની
નોંધણી અનિવાર્ય છે. ખ્રિસ્તીઓને ચર્ચમાં લગ્ન કરવાની છૂટ ખરી,પણ એણે પ્રમાણપત્ર
સાથે લગ્ન નોંધણી રજિસ્ટારમાં એની નોંધણી કરાવવી પડે. હિંદુઓને લગ્નજીવનમાં વારસ
તરીકે દીકરો ના હોય તો બીજાં લગ્ન કરવાની છૂટ ખરી,પણ ગોવામાં નોંધતાં લગ્નોને પગલે
પતિની અને પત્નીની સંપત્તિ સહિયારી ગણાય છે. તેમનાં બાળકો પણ સંપત્તિમાં સમાન
ધોરણે હક ધરાવે છે.પતિ પત્નીની સંમતિ વિના સંપત્તિ વેચી ના શકે. તેઓ છૂટાછેડા લે
તો અડધી અડધી સંપત્તિ વહેંચાઇ જાય. જોકે
કાયદાની છટકબારીઓનો ઉપયોગ પણ કેટલાક કરે છે,પરંતુ મહદઅંશે હજુ પણ નાગરી ધારાના
અમલની વ્યવસ્થાનું તંત્ર સુપેરે ચાલે છે.
ભાજપનું ચૂંટણી
વચન
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ
તરીકે લાલકૃષ્ણ આડવાણી હતા ત્યારથી અને એના પૂર્વ અવતાર જનસંઘના વખતથી દેશભરમાં
સમાન નાગરી ધારાનો અમલ કરવાની એની પ્રગટ ભૂમિકા રહી છે. કોઈ વિપક્ષમાં હોય ત્યારે
ઘણી બધી માંગણીઓ કરવાની આગ્રહી ભૂમિકા રહે. વચનોની લ્હાણી કરવાનું સરળ હોય છે,
પરંતુ એ જ પક્ષ કે નેતા સત્તાપક્ષમાં હોય
ત્યારે એણે અગાઉ કરેલી માંગણીઓનો અમલ કરવામાં તે મુશ્કેલીનો અનુભવ કરે છે. આડવાણી
તો કહેતા રહ્યા છે કે ખલપ ૧૯૯૬ લગી ગોવાના અનુભવને આધારે દેશભરમાં સમાન નાગરી ધારાનો અમલ કરવામાં આવે,
એના આગ્રહી હતા;પરંતુ તેઓ કેન્દ્રમાં કાયદા મંત્રી બન્યા ત્યારે એ બાબતમાં ફસકી
ગયા. ભાજપના વચનાનામા કે સંકલ્પપત્રોમાં પણ સમાન નાગરી ધારાનો અમલ કરવા સહિતની
અનેક ભૂમિકાને એ કેન્દ્ર અને રાજ્યોમાં સત્તામાં આવ્યા પછી વિસારે પાડે છે.અનેકવાર
સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓમાં સમાન નાગરી ધારાને દેશભરમાં લાગુ કરવાના અનુચ્છેદ
૪૪માં નિર્દેશિત જોગવાઈનો અમલ કરવા ફરમાવાયા છતાં સત્તાધીશો એ માટે ઝાઝા સજ્જ
જણાતા નથી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ
રહેલા પી.બી.સાવંત જ નહીં,ભારતના મુખ્ય ન્યાયાધીશ જે.એસ.વર્મા અને મુંબઈ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહેલા એમ.બી.શાહ પણ
સમાન નાગરી ધારાના રાષ્ટ્રવ્યાપી અમલના ટેકામાં હતા.અત્યારે કેન્દ્ર સરકાર ટ્રિપલ
તલાકબંધીના ટેકામાં જેટલી આગ્રહી ભૂમિકા લઇ રહી છે એટલી આગ્રહી ભૂમિકા સમાન નાગરી
ધારાના અમલ સંદર્ભે લેતી નથી. પ્રશ્ન એ થાય છે કે હકીકતમાં ફોજદારી ધારાની જોગવાઈઓ
અને અન્ય ધારા જો તમામ ધર્મના શ્રદ્ધાળુઓને સમાન રીતે લાગુ પડતા હોય તો લગ્ન,
લગ્નવિચ્છેદ અને સંપત્તિની વારસાઈ સહિતના મુદ્દે નાગરી ધારો કેમ નહીં? વાસ્તવમાં
ગુજરાતી અસ્મિતાના પ્રણેતા ક.મા.મુનશી જેવા મહારથીએ બંધારણ સભામાં કહેલા શબ્દોનું
આ તબક્કે સ્મરણ થાય છે: “સમાન નાગરી ધારો રાષ્ટ્રીય એકતા માટે મહત્વનો છે. એટલું જ
નહીં,ભારતીય બંધારણનું સેક્યુલર સ્વરૂપ ટકાવી રાખવા માટે પણ એ અનિવાર્ય છે.”
મુનશીએ એ જ વખતે કેટલાક હિંદુ સંપ્રદાયો પણ સમાન નાગરી ધારા અંગે શંકાશીલ હોવાના
સત્યનું ઉચ્ચારણ પણ કર્યું હતું. બંધારણના મુખ્ય ઘડવૈયા એવા ડૉ.બાબાસાહેબ આંબેડકર
પણ બધી કોમોની સંમતિ સાથે આવા ધારાના અમલના આગ્રહી હતા.કમસે કમ વર્તમાન તબક્કામાં
આ સંદર્ભે દેશભરમાં તર્કબદ્ધ ચર્ચા થાય તો પણ ગનીમત.
તિખારો
હર્ષની, ઉલ્લાસની લ્હાણી જ છે
જિંદગીને ક્યાં તમે માણી જ છે
સત્ય કહેવાથી ડરો છો કેમ આમ
છે નસોમાં લોહી કે પાણી જ છે!
-
મુસાફિર પાલનપુરી
No comments:
Post a Comment