Wednesday 19 June 2019

The Permanent Bureaucracy as visualised by Sardar Patel


કાયમી બ્યૂરોક્રસીની સરદાર પટેલની વિભાવના
ડૉ.હરિ દેસાઈ
ભારત સરકારે હમણાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે જ વિવિધ વિભાગોમાં ટોચના સ્થાને નવો અખતરો કરતાં સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી)ની આઇએએસની લાંબી પસંદગી પ્રક્રિયાને બાજુએ સારીને ખાનગી ક્ષેત્રના  કે વિવિધ વિષયના નિષ્ણાત એવા નવ સંયુક્ત સચિવોને સીધા જ નિયુક્ત કર્યા. અગાઉ આયુષ મંત્રાલયના સચિવ તરીકે વૈદ્ય રાજેશ કોટેચાની પણ સીધી જ નિમણૂક કરાઈ હતી. છેલ્લે યુપીએસસી મારફત “લૅટરલ ઍન્ટ્રી” થકી ઘણી છૂટછાટો સાથે હાથ ધરાયેલી પસંદગી પ્રક્રિયાને અંતે નવ સંયુક્ત સચિવો કાકોલી ઘોષ (કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ), અંબર દુબે (નાગરી ઉડ્ડયન), અરુણ ગોયલ (વાણિજ્ય), રાજીવ સક્સેના (આર્થિક બાબતો), સુજિત કુમાર બાજપાઈ (પર્યાવરણ,વન અને હવામાન પરિવર્તન), સૌરભ મિશ્ર (વિત્તીય સેવાઓ), દિનેશ જગદાળે (નવી અને નવીનીકરણીય ઊર્જા), સુમન પ્રસાદ સિંહ (માર્ગ પરિવહન અને મહામાર્ગ) તથા ભૂષણ કુમાર (વહાણવટા મંત્રાલય)ની ૧૨ એપ્રિલ ૨૦૧૯ના રોજ કરાર આધારિત સીધી નિયુક્તિ કરાઈ હતી. કુલ દસ હોદ્દાઓ માટે પ્રત્યેક મંત્રાલયમાં એક એક સંયુક્ત સચિવની નિયુક્તિ માટેની જાહેરાત આપવામાં આવી એટલે તેમાં કોઈ અનામત (રિઝર્વેશન) લાગુ નથી, એવી સ્પષ્ટતા કેન્દ્ર સરકારે કરી છે. મહેસૂલ મંત્રાલયના સંયુક્ત સચિવ માટે જાહેરાત અપાઈ હતી,પણ એ હોદ્દે કોઈની પસંદગી કરાઈ નહીં હોવાનું સંબંધિત પરિણામની સત્તાવાર નોંધમાં દર્શાવાયું છે.
અનામત પ્રથા અસંગત
“લૅટરલ ઍન્ટ્રી” શ્રેણીમાં વધુ ૪૦૦ ટોચના અધિકારીઓને નિયુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આમપણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી માટે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જેવું મૉડેલ અપનાવવાની દિશામાં આગળ વધી રહ્યાની ચર્ચા છે ત્યારે બ્યૂરોક્રસીની નિયુક્તિમાં તો અમેરિકી મૉડેલ અપનાવી રહ્યાની છાપ ઉપસ્યા વિના રહેતી નથી. ભારતીય રાષ્ટ્રપતિ કેન્દ્રના પ્રધાનમંડળની સલાહ પ્રમાણે વર્તવા બંધાયેલા છે, જયારે અમેરિકામાં રાષ્ટ્રપતિ સર્વસત્તાધીશ હોઈને પોતાને અનુકૂળ બ્યૂરોક્રસી પોતાના સમયગાળામાં લાવી શકે છે. ભાજપના જ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. સુબ્રમણિયન સ્વામીએ નજીકના ભૂતકાળમાં જ કહ્યું હતું તેમ આ રીતે કરાતી નિયુક્તિઓ થકી મોદી સરકાર એની બીજી મુદતમાં વગર જાહેરાતે જ્ઞાતિ આધારિત અનામત પ્રથાને અસંગત બનાવી દેશે. જે નવ સંયુક્ત સચિવોની લૅટરલ ઍન્ટ્રીથી  નિયુક્તિ કરાઈ છે, તેમાં સંભવતઃ એકેય દલિત, આદિવાસી કે ઓબીસી શ્રેણીમાંથી નથી!
કહ્યાગરી નોકરશાહી અને ન્યાયતંત્ર
ભારતના બંધારણના ઘડવૈયાઓએ કાયમી બ્યૂરોક્રસી અને વેસ્ટમિન્સ્ટર શાસન પદ્ધતિ અમલમાં લાવવાનું યોગ્ય લેખ્યું હતું. અંગ્રેજો ભારતમાંથી ઉચાળા ભરવાના હતા એ સમયગાળામાં વલ્લભભાઈ પટેલે, તાજના નિષ્ઠાવંત આઇસીએસ અને આઈપી અધિકારીઓને સ્થાને, ભારતના વહીવટી માળખાને મજબૂત રાખવા માટે સ્વદેશી ભારતીય વહીવટી સેવા (આઇએએસ) સ્થાપવા માટે ૧૯૪૬માં વિવિધ પ્રાંતોના પ્રીમિયરો (મુખ્યમંત્રીઓ)ને તેડાવીને પોતાની ભૂમિકા માંડી તેમજ તેમનો મત પણ જાણ્યો હતો. સામાન્ય રીતે શાસકોને કહ્યાગરી નોકરશાહી (બ્યૂરોક્રસી) અને ન્યાયતંત્ર (જ્યુડિશિયરી)નો ખપ  હોય છે. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના યુગમાં આ સામાન્ય લેખાતું હતું. વર્ષ ૧૯૪૭માં ભારતીય વિદેશ સેવા (આઇએફએસ)માં પસંદ થયેલા વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના અગ્ર સચિવના હોદ્દે કાર્યરત રહેલા અને પદ્મભૂષણ ઇલકાબ લેવાનો નન્નો ભણનારા પી.એન.હકસરના શબ્દોમાં કહીએ તો, સરદાર પટેલ “દેશના મુલ્કી અધિકારીઓના આરાધ્યદેવ” હતા. સરદારને કહ્યાગરી બ્યૂરોક્રસી કે કહ્યાગરું ન્યાયતંત્ર ખપતું નહોતું. તેમણે તો નોકરશાહીને “લોકાભિમુખ” અને “રાષ્ટ્રીય હિતોની સંરક્ષક” (કસ્ટોડિયન) ગણાવી હતી. કમનસીબે સમયાંતરે સરદારની વિભાવનાને લૂણો લાગતો રહ્યો અને રાજકીય શાસકો અને નોકરશાહોના મેળાપીપણાથી વલ્લભભાઈએ કલ્પેલી નોકરશાહીએ અવળી જ દિશા પકડી લીધી છે. આ મેળાપીપણામાં પારસ્પરિક હિતની જાળવણી કરીને દેશની લૂંટ અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે.
 અધિકારીઓ પક્ષથી પર રહે
“ભારતીય સનદી સેવાના સંસ્થાપક: સરદાર પટેલ” નામક મહાનિબંધમાં  ડૉ.અંકિત પટેલ વૈદિક કાળથી લઈને વર્તમાન સુધીના સનદીસેવાના ઈતિહાસને પ્રસ્તુત કરીને નોંધે છે કે ભારતીય વહીવટીતંત્રના મહર્ષિ કૌટિલ્યલિખિત  “અર્થશાસ્ત્ર”ને તમામ તબક્કાઓમાં ભારતીય વહીવટીતંત્રના હિંદીકરણ માટેનો માર્ગદર્શક ગ્રંથ લેખી શકાય.” સરદારે વડાપ્રધાન પંડિત નેહરુને ૨૭ એપ્રિલ ૧૯૪૮ના રોજ લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે “કાર્યદક્ષ, શિસ્તબદ્ધ અને સંતોષી અધિકારીઓ તેમના મહેનતભર્યા અને વફાદાર કામના પરિણામે પોતાના ભાવિ અંગે નિશ્ચિતતા હોય એ હકીકત, આપખુદ શાસન કરતાંય વધુ તો લોકશાહીમાં, મજબૂત વહીવટની પૂર્વશરત બની રહે છે એ વાત પર મારે ભાર મૂકવાની ભાગ્યેજ જરૂર હોય. આ અધિકારીઓ પક્ષથી અલિપ્ત રહેવા જોઈએ અને તેમની ભરતી, શિસ્ત કે અંકુશની બાબતમાં રાજકીય ગણતરીઓને સદંતર નાબૂદ ન કરી શકાય તો પણ તે ઓછામાં ઓછો ભાગ ભજવે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ.”
રગશિયા ગાડા જેવી કાર્યવાહી
ડૉ.પટેલ ચેતવણીના સૂર સાથે તારણ મૂકે છે કે બ્રિટિશ શાસન વખતના સનદી અધિકારીઓને તાલીમ આપવાની જે ચુસ્ત વ્યવસ્થા હતી એ તાલીમી વ્યવસ્થા તો સ્વતંત્ર ભારતમાં આઇએએસ અને આઈપીએસ અધિકારીઓ માટે પણ ચાલુ રાખવામાં આવી હોવા છતાં તેમને તાલીમ આપવા માટે નિવૃત્ત કે વરિષ્ઠ આઇએએસ કે આઈપીએસ અધિકારીઓ સિવાય બહારના નિષ્ણાતોને ખૂબ ઓછા પ્રમાણમાં તેડાવવામાં આવતા હોવાથી નવા વિચારો અને વ્યાવસાયિક કુશળતા કેળવવાની તક ઓછી રહે છે. ભ્રષ્ટાચાર કે ગેરરીતિઓનાં પ્રકરણોમાં સંડોવાયેલા અધિકારીઓ સામેની કાર્યવાહી પણ રગશિયા ગાડા જેવી ચાલે છે. તેમાં રાજકીય દખલગીરી ઘણો મોટો ભાગ ભજવે છે.” વડાપ્રધાન મોદીએ ૨૧ એપ્રિલ ૨૦૧૬ના રોજ સનદી સેવા દિવસના સમારંભમાં કહેલા શબ્દો મમળાવવા જેવા છે: “સનદી  અધિકારીઓની  યુપીએસસીની પસંદગી પ્રક્રિયા ૧૮ મહિના લાંબી ચાલે છે અને એમાં પસંદગી પામેલા ઉમેદવારોએ સમયાંતરે પોતાની જાતને વધુ સજ્જ કરવા માટે સતત સજ્જ રહેવું પડે.” સંભવતઃ લૅટરલ ઍન્ટ્રીથી સંયુક્ત સચિવ કક્ષાની જગ્યાઓ સીધી અને ટૂંકા ગાળામાં ભરવા પાછળ વડાપ્રધાનની આ ભૂમિકા જ પ્રેરણારૂપ બની હોવી જોઈએ.
ઇ-મેઈલ: haridesai@gmail.com



No comments:

Post a Comment