વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી જગન રેડ્ડીએ પણ ૯ જૂને બાલાજીનાં દર્શન કર્યાં (તસવીર સૌજન્ય: ટીટીડી)
પુરી, સોમનાથ અને તિરુપતિમાં
બિન-હિંદુઓ થકી દેવદર્શનનો વિવાદ
ડૉ.હરિ દેસાઈ
·
મુસ્લિમો સહિતના સાથી
કાર્યકરો સાથે જગન્નાથ મંદિરે જતાં મહાત્મા ગાંધીને પ્રવેશતા અટકાવાયા હતા
·
વૈદિક વિધિથી પારસી સાથે
લગ્ન કરનાર વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને પુરી મંદિરમાં જવા દેવાયાં નહોતાં
·
તિરુપતિમાં જન્મે ખ્રિસ્તી એવાં
સોનિયા ગાંધી, રાજશેખર રેડ્ડી અને જગન રેડ્ડીના પ્રવેશના મુદ્દે હોબાળા મચ્યા
·
ચૂંટણી ટાણે સોમનાથ મંદિરમાં
રાહુલ ગાંધીના પ્રવેશનો વિવાદ પણ ઓમરનાં તિરુપતિમાં નિર્વિઘ્ને દર્શન
ભારતીય બંધારણના
અમલને સાત દાયકા વીત્યા પછી પણ ઉત્તર પ્રદેશના દલિત સમાજમાંથી આવતા ભણેલાગણેલા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પુરીમાં પૂજા કરવા જતાં હજુ પણ આભડછેટનો અનુભવ થાય
એનાથી વરવું બીજું કયું દ્રશ્ય હોઈ શકે? સામાજિક સમરસતા અને સમાનતાનાં ઢોલ પીટનારા
આપણે વાસ્તવિકતા સાથે જાણેકે દંભનાં દર્શન જ કરતા રહીએ છીએ.તમામ નાગરિકોને
સમાનતાના ધોરણે લાવી મૂકવાનો આદર્શ આપણા પૂર્વજોએ કલ્પ્યો હતો,પણ આજે એનું આચરણ
જોવા મળતું નથી. ઈશ્વરના મંદિરોમાં સૌ સરખાનો આદર્શ હોવા છતાં ગરીબ અને તવંગર,
સામાન્ય અને વીવીઆઇપી માટે નોખાં દર્શન કરાવવાની જોગવાઇઓમાં ઈશ્વર પણ વહેંચાઇ જાય
છે. ધાર્મિક કટ્ટરતાના પ્રતાપે ક્યારેક
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને પુરીના જગન્નાથ મંદિરમાં
પ્રવેશતાં રોકવામાં આવ્યાનું સાંભળ્યું હતું,પણ હજુ હમણાં સુધી રાષ્ટ્રીય
અસ્મિતાના પ્રતિક તરીકે જે સોમનાથનો રાષ્ટ્રનાયક અને સર્વસમાવેશક સરદાર પટેલે
જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તેમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી જેવા નેતાને વિધર્મી
ગણાવીને ચૂંટણીલક્ષી રાજકારણ ખેલવામાં આવે ત્યારે તો હદ થાય છે. કોંગ્રેસનાં
અધ્યક્ષા રહેલાં સોનિયા ગાંધી, આંધ્ર પ્રદેશના સદગત મુખ્યમંત્રી રાજશેખર રેડ્ડી
અને એમના પુત્ર તથા વર્તમાન મુખ્યમંત્રી જગન રેડ્ડી જન્મે ખ્રિસ્તી હોવા માત્રથી
તિરુપતિમાં દર્શને જાય ત્યારે નિર્થક વિવાદ છેડાય છે. નવાઈ એ વાતની લાગે કે હજુ
આજે પણ કર્ણાટકમાં પવિત્ર શૃંગેરી પીઠની સત્તાવાર વેબસાઈટ મહિસૂરના મુસ્લિમ
રાજવી-પિતાપુત્ર હૈદર અલી અને ટીપુ સુલતાનને શંકરાચાર્યના ભક્ત લેખાવે છે અને
આદર્શ હિંદુ સામ્રાજ્ય વિજયનગરના રાજવી કૃષ્ણદેવ રાય રાજગાદી પર પવિત્ર કુરાન
રાખતા. આમછતાં વિધર્મી મંદિર પ્રવેશ કરે
ત્યારે એને શંકાની નજરે જોવામાં આવે છે. નાતજાત કે ધાર્મિક ભેદભાવ ભૂલીને દેશના
નાગરિકો ખરા અર્થમાં ભારતીય બની રહે એવી અપેક્ષા કરાતી હતી,પણ હવે તો વાટ અવળી જ
પકડાઈ છે. ધાર્મિક વિભાજનો લોકોને વધુ આળા બનાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અજમેર શરીફમાં ચાદર ચડાવવા પોતાના મંત્રી અને હિંદુ કન્યાને પરણેલા મુખ્તાર અબ્બાસ
નકવીને પાઠવે કે સાઉદી અરબના રાજવીને કેરળની સૌથી જૂની મસ્જિદની સુવર્ણમઢિત
પ્રતિકૃતિ ભેટ આપે, ત્યારે બીજીબાજુ પુરી, સોમનાથ કે તિરુપતિમાં વિધર્મી કે
અન્યોને પ્રવેશ આપવા અંગે વિવાદવંટોળ જાગે ત્યારે સહજ વ્યથા થઇ આવે. રાષ્ટ્રપિતા
તો મુસ્લિમ સહિતના કાર્યકર્તાઓ સાથે પુરી મંદિર જઈ રહ્યા હતા ત્યારે તેમને
રોકવામાં આવ્યાં હતા.એટલે જ કસ્તુરબા અને બીજા પુરીમાં જગન્નાથ મંદિરે દર્શને જાય
એ વાતે બાપુ ઠપકો આપે છે.
સમરથ કો નાહી દોષ ગુંસાઈ
વડાપ્રધાન નરેન્દ્ર
મોદી રવિવાર,૯ જૂન ૨૦૧૯ના રોજ તિરુપતિ બાલાજી મંદિરના દર્શને વીવીઆઇપી તરીકે જાય એ
ઘટનાક્રમને સહજ લેખવામાં આવે,પણ એમની સાથે યજમાન તરીકે આંધ્ર પ્રદેશના નવા યુવાન
મુખ્યમંત્રી અને વાયએસઆર કૉંગ્રેસના સુપ્રીમો જગન રેડ્ડી પણ બાલાજી મંદિરમાં શ્રી
વૅંકટેશ્વર સ્વામીનાં દર્શન કરવામાં જોડાય એ વાત વિવાદવંટોળ સર્જે ખરી. અગાઉ
૨૦૧૨માં જગન બાલાજીના દર્શને આવ્યા ત્યારે પણ અહીં દર્શનાર્થી તરીકે તેમના પ્રવેશ
અંગે એ વેળાના સત્તારૂઢ તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી) અને મિત્રપક્ષ ભારતીય જનતા
પક્ષ (ભાજપ) ઉપરાંત હિંદુવાદી સંગઠનોએ ભારે ઉત્પાત મચાવ્યો હતો. કારણ બહુ સ્પષ્ટ
છે : જગન ખ્રિસ્તી ધર્મ પાળે છે. તિરુપતિ
બાલાજીના મંદિર સંકુલમાં બિન-હિંદુ દર્શનાર્થીઓને પ્રવેશ અપેક્ષિત નથી. કોઈ
બિન-હિંદુ બાલાજીમાં શ્રદ્ધા ધરાવતો હોય તો તેને એક નિશ્ચિત એકરારનામાનું અરજીપત્રક ભર્યા પછી જ
પ્રવેશ મળે છે. જગનના પિતા અને કૉંગ્રેસના
લોકપ્રિય નેતા તથા અવિભાજ્ય આંધ્ર પ્રદેશ રાજ્યના સદગત મુખ્યમંત્રી રહેલા વાય.એસ.
રાજશેખર રેડ્ડી પણ ખ્રિસ્તી હોવા સાથે જ બાલાજીમાં શ્રદ્ધા ધરાવતા હતા. આ વખતે
વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી જગન સહિતના કેટલાક બિન-હિંદુ વીવીઆઇપી તિરુપતિ દર્શને
આવ્યા પણ ઝાઝો વિવાદ સાંભળવા ના મળ્યો કારણ હવે જગન રાજ્યના મુખ્યમંત્રી છે!
બિન-હિંદુ વીવીઆઇપી શ્રદ્ધાળુ
તિરુપતિ બાલાજી
મંદિરનું સંચાલન રાજ્ય સરકાર હસ્તકના તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ (ટીટીડી) થાય
છે.ટીટીડીના સત્તાવાર તાજા આંકડાઓ મુજબ, ગત ૯ જૂને પણ ૭૬,૬૭૭ શ્રદ્ધાળુએ અહીં
દર્શનનો લાભ લીધો હતો. ૮ જૂને આ આંકડો ૯૮,૯૦૪નો હતો.દેશના સૌથી સમૃદ્ધ ગણાતા આ
ટ્રસ્ટની રોજની સરેરાશ આવક ૩ કરોડ રૂપિયાથી વધુ જોવા મળે છે.સામાન્ય રીતે રાજ્યના
સત્તાધારી પક્ષના કોઈ નેતાને ટ્રસ્ટના અધ્યક્ષપદે નિયુક્ત કરવામાં આવે છે. એના
અન્ય સભ્યોમાં પણ સાંસદ-ધારાસભ્ય સહિતના નેતા ઉપરાંત વહીવટ માટે વિવિધ આઇએએસ
અધિકારીઓ નિયુક્ત કરાય છે. બિન-હિંદુને અહીં પ્રવેશ નથી અને જેમને ભગવાન વૅંકટેશ્વરમાં
શ્રદ્ધા છે એવા બિન-હિંદુઓએ નિર્ધારિત અરજીપત્રક ભરીને જ પ્રવેશ મેળવવાનો હોય છે.
રોજના હજારો શ્રદ્ધાળુમાંથી કોણ હિંદુ અને કોણ બિન-હિંદુ એ જાણવાનું મુશ્કેલ હોય
છે,પરંતુ જે બિન-હિંદુ વીવીઆઇપી દર્શને આવે તેમણે તો અરજીપત્રક ભરવું અનિવાર્ય છે.
વીવીઆઇપી માટે દર્શનની અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે.
જગનની ૨૦૦૯ની મુલાકાત
વર્ષ ૨૦૦૯માં
મુખ્યમંત્રીપુત્ર જગન રેડ્ડી તિરુપતિના દર્શને આવ્યા ત્યારે તેમણે પોતે ખ્રિસ્તી
હોવા છતાં ભગવાન વૅંકટેશ્વરમાં શ્રદ્ધા ધરાવતા હોવાના એકરારનામાનું અરજીપત્રક
ભરીને જ પ્રવેશ મેળવ્યો હતો. એ જ વર્ષે મુખ્યમંત્રી વાયએસ.રાજશેખર રેડ્ડીનું હૅલિકોપ્ટર
દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. અગાઉ રાજશેખર રેડ્ડી પણ અનેકવાર તિરુપતિ દર્શને
આવતા રહ્યા હતા. વર્ષ ૨૦૧૨માં જગન ફરીને તિરુપતિના દર્શને આવ્યા ત્યારે તેમની પાસે
ફરીને અરજીપત્રક ભરાવ્યા વિના જ એમને પ્રવેશ અપાયા અંગે ભારે વિવાદ થયો હતો. જોકે કૉંગ્રેસથી
અલગ થઈને વાયએસઆર કૉંગ્રેસ સ્થાપનાર જગને એ વેળા અગાઉ પોતે અરજીપત્રક ભર્યાની વાત
કરીને ફરી એની જરૂર નહીં હોવાનું કહ્યું હતું. તેમનું કહેવું હતું કે અગાઉ પંદર
વખત હું દર્શને આવી ગયો છું. વર્ષ ૨૦૧૨માં ટીડીપીની સરકાર હતી એટલે ટીડીપી, ભાજપ અને કૉંગ્રેસ
સહિતના પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. મામલો વકર્યો અને તપાસ નિયુક્ત થઇ ત્યારે જગનના
સમર્થકોએ કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી પક્ષનાં અધ્યક્ષ બન્યા પછી ૧૯૯૮માં
તિરુપતિના દર્શને આવ્યાં ત્યારે તેમની પાસે નિર્ધારિત એકરારનામાનું અરજીપત્રક નહીં
ભરાવાયાનો વળતો પ્રહાર કરાયો હતો. જોકે શ્રીમતી ગાંધીએ પોતે પોતાના પરિવારનો વૈદિક
ધર્મ પાળતાં હોવાનું જણાવ્યું હતું.
ઓમર અબદુલ્લા તિરુપતિદર્શને
તિરુપતિના દર્શને
આવનાર વીવીઆઇપી પરિવારોમાં જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી અને વાજપેયી કૅબિનેટમાં
વિદેશ રાજ્યમંત્રી રહેલા ઓમર અબદુલ્લા અને પરિવારનો પણ સમાવેશ છે. ઓમરથી વર્ષો
પહેલાં અલગ થઇ ગયેલાં એમનાં હિંદુ પત્ની પાયલ નાથ અને તેમના બંને દીકરાઓ ઝમીર અને
ઝહીર અનેકવાર તિરુપતિનાં દર્શને આવતાં રહે છે. ઓમરનાં બહેન અને અત્યારે રાજસ્થાનના
નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટનાં પત્ની સારા પણ અબદુલ્લા પરિવાર સાથે હજુ થોડા વખત
પહેલાં જ ભગવાન વૅંકટેશ્વર સ્વામીનાં દર્શન કરવા આવ્યાં હતાં. જોકે અબદુલ્લા
પરિવાર થકી તિરુપતિ દર્શન અંગે ભાગ્યે જ કોઈ વિવાદ થયાનું જાણમાં છે.
ટીટીડીના અધ્યક્ષપદનો વિવાદ
તિરુપતિ બાલાજી
દેવસ્થાનમ ટ્રસ્ટના અધ્યક્ષપદે નિયુક્ત થનાર સત્તાપક્ષની વ્યક્તિ બિન-હિંદુ હોવાનો
વિવાદ વિપક્ષ અને હિંદુ સંગઠનો દ્વારા જગાવવામાં આવે છે. હજુ હમણાં જ સત્તારૂઢ
થયેલા રાજ્યના ખ્રિસ્તી મુખ્યમંત્રી જગન રેડ્ડીના મામા અને ભૂતપૂર્વ સાંસદ વાયવી
સુબ્બા રેડ્ડીને ટીટીડીના નવા અધ્યક્ષ નિયુક્ત કરાય તે પહેલાં જ વિવાદ ભડક્યો હતો
કે તેઓ ખ્રિસ્તી છે અને બિન-હિંદુને અધ્યક્ષ નિયુક્ત કરી શકાય નહીં. બિચારા સુબ્બા
રેડ્ડીએ પોતે ૧૦૦% હિંદુ હોવાનું જાહેર કરવું પડ્યું એટલું જ નહીં, ભાજપના સાંસદ
ડૉ.સુબ્રમણિયન સ્વામીએ પણ સુબ્બા રેડ્ડી પૂર્ણપણે હિંદુ હોવાની ગવાહી આપતાં ટિ્વટ
કરવાની જરૂર પડી હતી. આવું પહેલીવાર થયું નથી. અગાઉના સત્તારૂઢ પક્ષ ટીડીપીની સરકારના
મુખ્યમંત્રી નર ચંદ્રબાબુ નાયડુએ જયારે પી.સુધાકર યાદવને ટીટીડીના અધ્યક્ષ નિયુક્ત
કર્યા ત્યારે પણ તેઓ ખ્રિસ્તી હોવાનો હોબાળો ભાજપ અને વાયએસઆર કૉંગ્રેસ
તરફથી મચાવાયો હતો. યાદવે પણ “હું
ખ્રિસ્તી નથી” એવા ખુલાસા કરવા પડ્યા હતા. કેન્દ્રની મોદી સરકારમાંથી ટીડીપી ફારેગ
થયા પછી કેન્દ્રની સાથે જ રાજ્ય સરકારમાં પણ ભાજપ સાથે ચંદ્રબાબુના પક્ષના
છૂટાછેડા થયા હતા.એ પછી ટીટીડીના અધ્યક્ષ યાદવને ત્યાં આવકવેરાના દરોડા પણ પાડવામાં
આવ્યા હતા.
તિરુમાલામાં બિન-હિંદુ કર્મચારીઓ
નવાઈ તો એ વાતની છે
કે જે મંદિર સંકુલમાં બિન-હિંદુઓને પ્રવેશ આપવા સામે પ્રતિબંધ હોય કે લેખિત
બાંયધરી આપીને જ પ્રવેશ મેળવી શકાતો હોય એ તિરુપતિ તિરુમાલામાં દાયકાઓથી નોકરીએ
રખાયેલા ૪૪ જેટલા બિન-હિંદુ કર્મચારીઓ અંગે સંઘ પરિવાર સહિતનાં સંગઠનોએ હોબાળો
મચાવ્યા પછી તેમને અન્યત્ર ખસેડવાનો નિર્ણય સંચાલકમંડળ થકી હજુ ગયા વર્ષે જ
લેવામાં આવ્યો હતો! હિંદુ મંદિરના આમાંના કેટલાક કર્મચારીઓ પાસેથી હિંદુઓને
ખ્રિસ્તી બનાવવા માટેનું સાહિત્ય પણ કબજે કરાયું હતું.
No comments:
Post a Comment