Wednesday, 8 May 2019

Only Miracle can stop PM Modi: Pawar May be in Race

કોઈ ચમત્કાર નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનતાં રોકી શકે
ડૉ.હરિ દેસાઈ
·         વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર નહોતા થયા એવા મોરારજી, નરસિંહ રાવ અને ડૉ. સિંહ પીએમ બન્યા હતા
·         મૌલાના મસૂદ ગ્લોબલ ટૅરરિસ્ટ જાહેર,પણ હાફિઝ સઈદ, લખવી અને દાઉદ ઈબ્રાહીમ તો પાકમાં મોજ કરે છે
·         વર્ષ ૧૯૭૭માં અને ૨૦૦૪માં તત્કાલીન વડાંપ્રધાનો લોકસભાની ચૂંટણી ભૂંડા હાલે હાર્યાના દાખલા મોજૂદ
·         જે રાજનેતા ભણી મીટ માંડવા જેવી છે એ છે મહારાષ્ટ્રના સર્વમિત્ર એવા મજબૂત  મરાઠા નેતા શરદ પવાર

કડવાં સત્યો અને તથ્યો પ્રસ્તુત કરીને વાત રજૂ કરવાની આદત છતાં કોઈના ભણી ભક્તિભાવ કે દ્વેષભાવથી અમે ક્યારેય લખતા નથી. જોકે સત્તાસ્થાને જે કોઈ હોય, એના શાસનનું નીરક્ષીર કરવાનું અનિવાર્ય હોય જ છે. ૨૩ મે ૨૦૧૯ના રોજ ૧૭મી ભારતીય લોકસભાની ચૂંટણીનાં પરિણામ જે આવે તે, પણ એટલું નિશ્ચિત છે કે ઓછી બહુમતીએ પણ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદે આરૂઢ થતાં કોઈ રોકી શકવાની સ્થિતિમાં જણાતું નથી. મે ૨૦૧૪માં ગુજરાતના મુખ્યમંત્રી મોદી ભાજપના વડપણવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ના વડાપ્રધાનપદના ઉમેદવાર હતા. એ વેળાના એમના ઝંઝાવાતી પ્રચાર અને સોશિયલ મીડિયાના સહારા થકી જે માહોલ રચાયો હતો એવો માહોલ આજે પાંચ વર્ષના એમના શાસન પછીના સમયગાળામાં જોવા મળતો નથી; છતાં ૫૪૫ સભ્યોની લોકસભાની ૫૪૩ બેઠકોની સાત તબક્કામાં ચૂંટણી પછી ફરીને મોદીને વડાપ્રધાનપદે આવતાં ભાગ્યેજ કોઈ આડા હાથ દઈ શકવાની સ્થિતિમાં છે. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે વિપક્ષો એક છત્ર તળે આવી શક્યા નથી અને વડાપ્રધાનપદના કોઈ સર્વસંમત ઉમેદવાર નથી એટલે ભાજપનો હાથ ઉપર રહેવાના સંજોગો છે. જોકે ભૂતકાળમાં ૧૯૭૭, ૧૯૯૧ અને  ૨૦0૪માં વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર નહોતા થયા એવા મોરારજી દેસાઈ, પી.વી.નરસિંહ રાવ અને ડૉ.મનમોહન સિંહ વડાપ્રધાન બન્યાના દાખલા આપણી સામે છે.
દેશની સલામતી અને રાષ્ટ્રવાદ
વર્ષ ૨૦૧૪માં મોદીને વિપક્ષી મોરચાના વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાયા ત્યારે કૉંગ્રેસના વડપણ હેઠળના દસ વર્ષના શાસનનો અંત આણવામાં તેમને સફળતા મળી હતી. એ વખતે  ભાજપને ૨૮૨ બેઠકો અને એનડીએને ૩૩૬ બેઠકો મળી હતી. દસ વર્ષના શાસન પછી કૉંગ્રેસ માત્ર ૪૪ બેઠકોમાં જ સમેટાઈ ગઈ હતી અને એને લોકસભામાં વિપક્ષના નેતાનો હોદ્દો મેળવવા માટે જરૂરી ન્યૂનતમ ૫૫ બેઠકો નહીં મળી હોવાથી ૧૬મી લોકસભા વિપક્ષી નેતા વિહોણી હતી. ૧૭મી લોકસભાનું ચિત્ર કેવું ઉપસશે એ તો ચાલુ મહિનાને અંતે જ નક્કી થશે,પરંતુ ભાજપને ૧૭૦થી ૧૮૦ બેઠકો મળે તો પણ સાથી પક્ષોના સહારે એ બહુમતી માટે જરૂરી ૨૭૨ના આંકડાને સાકાર કરીને રાષ્ટ્રપતિ ભવન કનેથી નવી સરકાર રચવા માટે નિમંત્રણ મેળવવામાં સફળ થવાની પૂરેપૂરી શક્યતા છે. મોદીના નેતૃત્વમાં સરકાર રચાય તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજ્યસભાના સભ્ય હોવા છતાં ગાંધીનગર લોકસભા બેઠક લડ્યા હોવાથી, ગૃહમંત્રી બનવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. પુલવામા આતંકી હુમલાને પગલે પાકિસ્તાનના અંતરિયાળ બાલાકોટ વિસ્તારમાં ઍરસ્ટ્રાઈક કરાયાનો મુદ્દો ચૂંટણીમાં ખૂબ ગાજ્યો. ભારતીય સંસદથી લઈને પુલવામા સુધીના આતંકી હુમલાઓનો માસ્ટર માઈન્ડ પાકિસ્તાનનિવાસી મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદમાં આવેલી દરખાસ્તને ચીને ચાર-ચાર વાર વિટો થકી ફગાવી હતી,પરંતુ પહેલી મેના રોજ ચીને પોતાનો વિરોધ પાછો ખેંચી લેતાં જૈશ-એ-મોહમ્મદના સુપ્રીમો મૌલાના મસૂદ અઝહરને ગ્લોબલ ટૅરરિસ્ટ જાહેર કરાયાનો યશ વડાપ્રધાન મોદીની કૂટનીતિને મળ્યો. અગાઉ ગ્લોબલ ટૅરરિસ્ટ જાહેર થયેલા ત્રણ જણા એટલેકે હાફિઝ સઈદ, ઝકીઉર રહેમાન લખવી અને દાઉદ ઈબ્રાહીમ આજે પણ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે એટલે મૌલાના પર કેટલો અંકુશ આવશે, એ કહેવું મુશ્કેલ છે.  જોકે  દેશની સલામતી અને રાષ્ટ્રવાદના મુદ્દા ભાજપને જીતવા માટે મદદરૂપ થવાનાં એંધાણ છે.
૧૯૭૭માં વડાંપ્રધાન હારી ગયાં
જૂન ૧૯૭૫થી ઈમરજન્સી લાદનારાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને જાન્યુઆરી ૧૯૭૭માં તેઓ ચૂંટણી જાહેર કરે તો કૉંગ્રેસ પક્ષને ૩૪૦ બેઠકો મળશે તેવો ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈ.બી.)નો અહેવાલ એમના વિશ્વાસુ સાથી પી.એન.ધરે સુપરત કર્યો હતો. વધુ પડતા આત્મવિશ્વાસમાં આવીને, દીકરા સંજય ગાંધીના વિરોધ વચ્ચે, એમણે ચૂંટણી જાહેર તો કરી,પણ વિપક્ષી મોરચો ૨૯૫ બેઠકો જીતી ગયો એટલું જ નહીં, કૉંગ્રેસને માત્ર ૧૫૪ બેઠકો મળી અને ખુદ વડાંપ્રધાન શ્રીમતી ગાંધી અને એમના સાંસદ-પુત્ર સંજય ગાંધી અનુક્રમે રાયબરેલી અને અમેઠીની બેઠકો પરથી હારી ગયાં. માર્ચ ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકારના મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા. છેલ્લી ઘડીએ ઇન્દિરા સરકારમાંથી રાજીનામું આપનારા જગજીવન રામ અને ભાલોદના ચૌધરી ચરણ સિંહ બંને મોરારજી સરકારમાં નાયબ વડાપ્રધાન હતા.  જોકે એ વખતે કૉંગ્રેસ ઉત્તરનાં રાજ્યોમાં લગભગ સાફ થઇ ગઈ પણ દક્ષિણનાં રાજ્યોમાં પ્રજા અને સાથી પક્ષોએ એને વ્યાપક જનસમર્થન આપ્યું હતું. સ્વયં ઇન્દિરાજીએ લોકસભામાં પ્રવેશ મેળવવા માટે કર્ણાટકની ચિકમંગલૂર બેઠક પરથી પેટા ચૂંટણી લડીને વિજયી થવું પડ્યું હતું. મોરારજી અને ચૌધરી ચરણ સિંહ વચ્ચેના ખટરાગને પગલે જનતા પાર્ટીની સરકાર મુદત પહેલાં જ વિદાય થઇ અને ચરણસિંહ કૉંગ્રેસના ટેકે વડાપ્રધાન બન્યા હતા. વર્ષ ૧૯૮૦ની લોકસભા ચૂંટણીમાં શ્રીમતી ગાંધીની કૉંગ્રેસ ૩૭૪ બેઠકોની ભારે બહુમતી સાથે દેશમાં ફરી સત્તારૂઢ થઇ હતી.
વાજપેયીનું “ઇન્ડિયા શાઈનિંગ”  ભપ્પ
ત્રણ-ત્રણ વાર વડાપ્રધાન થનારા ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીએ પોતાના લાડકા સાથી પ્રમોદ મહાજનના આગ્રહને કારણે મે ૨૦૦૪માં છ મહિના વહેલી લોકસભાની ચૂંટણી યોજીને “ઇન્ડિયા શાઈનિંગ”ના સહારે  અને સદગત  વડાપ્રધાન રાજીવ ગાંધીનાં પત્ની સોનિયા ગાંધીના ઇટાલિયન ગોત્રને મુદ્દે ચૂંટણી જીતવાની કોશિશ કરી ત્યારે પ્રજાએ તેમને જાકારો આપ્યો હતો.૧૪૫ બેઠકો સાથેની કૉંગ્રેસના સમર્થક મોરચા કને ૨૧૮ બેઠકો થઇ અને ભાજપની ૧૩૮ બેઠકો સાથે તેના મોરચાની કુલ ૧૮૫ બેઠકો થતાં ડૉ.મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા હતા. વર્ષ ૨૦૦૯માં વાજપેયીના નાયબ વડાપ્રધાન રહેલા લાલકૃષ્ણ આડવાણીને વડાપ્રધાનપદ માટે આગળ કરીને ભાજપ અને મિત્રપક્ષોએ ચૂંટણી લડી ત્યારે પણ કૉંગ્રેસને ૨૦૬ અને તેના મોરચાને  ૨૬૨ બેઠકો મળી એટલે અમુક પક્ષોના, મુલાયમસિંહ યાદવ, માયાવતી, લાલુપ્રસાદ અને દેવેગૌડાના પક્ષના, બહારથી ટેકા થકી ડૉ.મનમોહન સિંહ ફરી વડાપ્રધાન બન્યા હતા.
વર્ષ ૨૦૧૯નું નિરાળું ચિત્ર
વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન મોદીના સાથી પક્ષો હતા એ બધા આ વખતની ચૂંટણીમાં અકબંધ રહ્યા નથી.જોકે એમના મોરચામાં અને કૉંગ્રેસના નેતૃત્વવાળા મોરચામાં આયારામ ગયારામની પરંપરા ચાલી છે.અગાઉ કૉંગ્રેસના મોરચામાં જે હતા એ ૨૦૧૪માં ભાજપી મોરચામાં આવ્યા હતા. પ્રાદેશિક પક્ષો પોતાનાં હિત સાધવા માટે દિલ્હીશ્વર સાથે જવાનું પસંદ કરીને “જિસકે તડ મેં લડ્ડૂ ઉસકે તડ મેં હમ” જેવી અવસ્થામાં રહી  મંત્રીપદ પાકાં કરી લે છે. બિહારના રામવિલાસ પાસવાન કેન્દ્રમાં જેની સત્તા હોય તેમાં મંત્રી રહેવાનું ગોઠવી લે છે. બિહારના જ મુખ્યમંત્રી નીતીશ કુમારના જેડી(યુ)નું અગાઉની વિધાનસભા ચૂંટણીમાં લાલુના આરજેડી સાથે જોડાણ હતું,પણ પાછળથી એમણે ભાજપ સાથે ઘર માંડ્યું છે. તમિળનાડુમાં દ્રમુક અને અન્નાદ્રમુક વરફરતાં કૉંગ્રેસ અને ભાજપ સાથે જોડાણ કરતા રહ્યા છે. આ વખતે ભાજપનું જોડાણ અન્નાદ્રમુક સાથે છે. દ્રમુક કૉંગ્રેસ સાથે છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી  અને ટીડીપીના સુપ્રીમો નર ચંદ્રબાબુ નાયડુ મોદીના જોડાણમાં હતા, પણ હવે નથી. તેલંગણના મુખ્યમંત્રી અને ટીઆરએસના સુપ્રીમો કે. ચંદ્રશેખર રાવ ભાજપ સાથે નથી અને છતાં છે. ક્યારેક વાજપેયી સરકારમાં મંત્રી રહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજી આજે મોદી મોરચાનાં કટ્ટર રાજકીય શત્રુ છે. ઓડિશામાં ૨૦૦૯ સુધી ભાજપ સાથે રાજ કરનારા બિજુ જનતા દળના સુપ્રીમો અને છેલ્લાં ૧૯ વર્ષથી મુખ્યમંત્રી નવીન પટનાયક ભાજપ અને કૉંગ્રેસ બેઉથી દૂર છે,પણ જરૂર પડે તો મોદીને સરકાર રચવામાં મદદ કરી શકે.
ઉત્તર પ્રદેશમાં ભાજપને ફટકો
ઉત્તર પ્રદેશમાં ૮૦ લોકસભા બેઠકોમાંથી ૨૦૧૪માં મોદી મોરચા કને ૭૩ હતી. આ વખતે માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના જોડાણથી ભાજપને ભારે નુકસાનની શક્યતા ખરી. અહીં કૉંગ્રેસ અલગ લડે છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં બહેન પ્રિયંકા ગાંધી-વાડરા પક્ષનાં મહામંત્રી બન્યા પછી કૉંગ્રેસને ફાયદો કરાવી શકવાની સ્થિતિમાં ખરાં. જોકે માયાવતી સામે ચાલુ ચૂંટણીએ નોંધાતા જતા સીબીઆઈ ખટલા જોતાં સરકાર રચવામાં એ મોદીને મદદ કરે એવું પણ બને.પંજાબ અને હરિયાણા અનુક્રમે કૉંગ્રેસ અને ભાજપને પક્ષે રહે એવું લાગે છે. કર્ણાટકમાં દેવેગૌડાના પુત્ર કુમારસ્વામીની સરકાર કૉંગ્રેસ સાથે હજુ અકબંધ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણી પછી કૉંગ્રેસ સરકારો રચાઈ એટલે ૨૦૧૪ની જેમ અહીં ભાજપનો વટ જળવાય એવી સ્થિતિ નથી. મોદી-શાહના વતન રાજ્ય ગુજરાતમાં પણ ૨૬ લોકસભા બેઠકોમાંથી ૨૦૧૪ની જેમ તમામ બેઠકો જીતવાની સ્થિતિમાં ભાજપ નથી.
મોદી અને પવાર બેઉ બાહુબળિયા
સૌથી વધુ મીટ મંડાઈ છે મહારાષ્ટ્ર પર. ૪૮ બેઠકોના આ રાજ્યમાં પણ ભાજપ-શિવસેના યુતિ શક્ય તો બની છે,પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભાજપ સામે શિવસેનાએ જે રીતે સાથી હોવા છતાં વિપક્ષની ભૂમિકા ભજવી છે એ જોતાં જો કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદ પવાર વડાપ્રધાનપદની રેસમાં ઝૂકાવે તો શિવસેના ભાજપથી ફારગતી લેવાના મૂડમાં ખરી.પવાર પોતાને વડાપ્રધાનપદના ઉમેદવાર ગણાવતા નથી,પરંતુ વિપક્ષી મોરચામાં સર્વસ્વીકૃત નામ કોઈ ઉપસે તો એ પવારનું જ હોઈ શકે. વડાપ્રધાનપદ માટે મોદી લોકસભામાં જરૂરી સંખ્યાબળ ભેગું કરવામાં નિષ્ફળ રહે તેવા સંજોગોમાં પવાર સોગઠી મારી શકે. એમની રાજકીય કારકિર્દીમાં આ છેલ્લી તક વિરોધીઓને પણ સાથે બેસાડી શકવા સક્ષમ શરદરાવ માટે છે. એમણે છેલ્લે ચંદ્રબાબુ નાયડુ, માયાવતી અને મમતાનાં નામ આગળ કર્યાં છે.રાહુલ પોતે વડાપ્રધાનપદના ઉમેદવાર નહીં હોવાનું ગાઈવગાડીને  કહે છે. એટલે કોઈ ચમત્કાર થાય તો મોદીની સામે વડાપ્રધાનપદના મજબૂત ઉમેદવાર શરદ પવાર જ ઉપસે. સહકારમહર્ષિ વસંતદાદા પાટીલની પીઠમાં છરો ભોંકીને સંસ્થા કૉંગ્રેસી, જનસંઘી, સમાજવાદી અને શેકાપવાળાને સાથે લઈને દેશના સૌથી યુવાન મુખ્યમંત્રી થનારા શરદ પવાર અનેકવાર  કેન્દ્રમાં મંત્રી રહ્યા છે અને અનેકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ બન્યા છે. પવારમાં સર્વમિત્રના, સદગત ઉપરાષ્ટ્રપતિ અને રાજસ્થાનના મુખ્યમંત્રી રહેલા ભૈરોંસિંહ શેખાવત અને સદગત વડાપ્રધાન ચંદ્રશેખર જેવા, ગુણ જરૂર છે.  મોદી અને પવાર બેઉ બાહુબળિયા જંગમાં હોય ત્યારે પવાર કેવી સોગઠી મારે એ તો ૨૩ મે ૨૦૧૯ના રોજ પરિણામો બહાર આવે પછી જ સમજાય.
ઇ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment