Wednesday, 15 May 2019

Non-Reserved Certificates to Reserved Categories!

અનામતોને બિન-અનામત પ્રમાણપત્રોનો મહિમા
ડૉ.હરિ દેસાઈ
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું અને પહેલો ભોગ પાટીદાર નેતાગીરીનો લેવાયો.મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સુપ્રીમ કોર્ટના ઇન્દિરા સાહની ચૂકાદાનું રટણ કર્યા કર્યું, ૫૦ ટકાથી વધુ અનામતની ટકાવારી કરી શકાય નહીં, એવું જક્કી વલણ દાખવ્યું અને ફેસબુકે રાજીનામું મઢવું પડ્યું. ત્રણ વર્ષ કરતાં વધુ સમય પાટીદાર અનામત આંદોલન ચાલ્યું,પણ બંધારણ સુધારા માટે સહકારના વિપક્ષના આગ્રહ છતાં મચક નહીં આપનાર કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને, અસ્સલ અગાઉની કેન્દ્ર સરકારે ચૂંટણી પહેલાં જ જાટ અનામત જાહેર કરી હતી તેમજ, ૯ જાન્યુઆરી ૨૦૧૯એ સંસદમાં  બંધારણીય સુધારો કરાવીને “આર્થિક રીતે નબળા વર્ગના” લાભાર્થે અનામતના પ્રમાણને ૫૦ ટકાને વળોટી  જવાનું  પગલું ભર્યું. ૨૮ માર્ચ ૨૦૧૯ના રોજ  ગુજરાતના  સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે “આર્થિક રીતે નબળા વર્ગો માટે સીધી ભરતીમાં ૧૦% અનામતની જોગવાઈ અન્વયે રોસ્ટર રજીસ્ટરો પ્રમાણિત કરવા માટે” પરિપત્ર કરી “૫૦%ને  સ્થાને હાલની નિયત ટકાવારી” એવો સુધારો કર્યો. આ પગલું લોકપ્રિયતાના મહિમામંડન માટે હતું; કારણ ૨૩ એપ્રિલના  રોજ ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો માટે મતદાન હતું. હવે ટી.એન.શેષન જેવાં બળૂકાં વ્યક્તિત્વો ચૂંટણી પંચમાં બેસતાં નહીં હોવાથી અને  ચૂંટણી આચારસંહિતા શોભાના ગાંઠિયા  જેવી હોવાને કારણે, એની ઐસી કી તૈસી કરીને વિધિવિધાન પૂરતું પંચની મંજૂરી લઈને, નીતિવિષયક નિર્ણયો જાહેર કરવાની ફાવટ દિલ્હીશ્વરોને અને રાજ્યના સૂબોને  વર્ષોથી આવી જ ગયેલી છે.
ગુજરાત હંમેશાં અન્યો કરતાં બે ડગલાં આગળ રહે છે: ૮ મે ૨૦૧૯ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિવૃત્તમાંથી પ્રવૃત્ત થયેલા અધિક સચિવ કે.જી.વણઝારાએ અખિલ ભારતીય  આંજણા મહાસભાના પ્રમુખ અને મુખ્ય સંરક્ષક રહેલા હરિભાઈ વી.ચૌધરીની ન્યાયોચિત ભલામણ અને માંગણી સ્વીકારીને એક પરિપત્ર કર્યો. “ગુજરાત રાજ્યની કુલ ૧૪૬ જેટલી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત(એસઈબીસી કે ઓબીસી) જાતિઓમાંથી ૪૨ જેટલી જે જાતિઓ રાષ્ટ્રીય સ્તરે અન્ય પછાતો વર્ગો (ઓબીસી)માં સમાવાઈ નથી” એવી જાતિઓને ભારત સરકાર હેઠળના આર્થિક રીતે નબળા વર્ગો (ઈડબલ્યૂએસ) માટેના અનામતના લાભ માટેનું પ્રમાણપત્ર આપવા માટે ગુજરાત સરકારે આ પરિપત્ર કર્યો. હવે ગુજરાતમાં અનામતની યાદીમાં આવતી જે જાતિઓ  કેન્દ્રમાં અનામત શ્રેણીમાં નથી આવતી તો એના માટે અલગ વ્યવસ્થા કરવાથી કેટલાક નવા ગૂંચવાડા થશે. ગુજરાતમાં જયારે ચીમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે મંડળ પંચના અહેવાલની ઓબીસીમાં વર્ગીકૃત તમામ જાતિઓને અનામતનો લાભ આપવાનો નિર્ણય કરવા માટે ભારત સરકારે જણાવ્યું હતું. એ વખતે ગુજરાત સરકારે નહીં સ્વીકાર્યું એટલે ગૂંચવાડાભરી સ્થિતિ ઉત્પન્ન થઇ છે અને આવતા દિવસોમાં પણ એ મડાગાંઠો ચાલુ રહેશે. સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલે કેસ પાછો ખેંચ્યા છતાં હજુ બીજા કેસ વડી અદાલતમાં ઊભા જ છે.
દેશનાં ૧૪ રાજ્યોએ ઇન્દિરા સાહની ચૂકાદાને પગલે કેન્દ્રની સલાહ મુજબ મંડળ પંચે  જે જાતિઓને અનામત યાદીમાં મૂકી હતી એ યાદીને માન્ય કરી લીધી હતી.એનો અર્થ એ થાય કે ૨૭ % અનામતનો લાભ મેળવવા માટે કેન્દ્ર અને રાજ્યની યાદીમાં સુસંગતતા જળવાય. ગુજરાતમાં બાકી રહી ગયેલી ૨૭  અને સૌરાષ્ટ્રની મજુમદાર સમિતિની ભલામણવાળી ૯ જાતિઓનો છબીલદાસ મહેતા સરકારના સમયગાળામાં ત્રણ પ્રધાનો (સી.ડી.પટેલ, શશિકાંત લાખાણી અને લીલાધર વાઘેલા)ની સમિતિની ભલામણ ઉપરાંત તત્કાલીન વિપક્ષી નેતા કેશુભાઈ પટેલના ટેકાથી સમાવેશ કરાયો હતો.આ યાદીમાં ચૌધરી (જ્યાં તેઓ અનુસૂચિત જનજાતિના ન હોય), તેલી, મોઢ ઘાંચી, કુંભાર, પ્રજાપતિ, નવા બુદ્ધિસ્ટ, મનસુરી (મુસ્લિમ) વગેરેનો સમાવેશ હતો. હકીકતમાં અદાલતી ખટલાઓના નિવારણને અંતે છેક ૧૯૯૮માં મંડળ પંચમાં ઓબીસી તરીકે વર્ગીકૃત આ જાતિઓને અનામતનો વાસ્તવિક લાભ મળવો શરૂ થયો. એનો અર્થ એ થયો કે આ જાતિઓને તો ૫૦ વર્ષ પહેલાં મળવી જોઈતી અનામત પાંચ દાયકા પછી મળી એ મહાઅન્યાય જ લેખવો ઘટે.
દેશભરમાં ૧૦ % “આર્થિક રીતે નબળા વર્ગો” (સવર્ણો) માટે નોખી અનામત  માટે બંધારણ સુધારો કરીને એને દાખલ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પગલે અનામતની ટકાવારી ૫૦ % કરતાં વધી જય છે. કેન્દ્રના આ નિર્ણયને પડકારતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. તમિળનાડુ સહિતનાં દક્ષિણનાં રાજ્યોમાં ૬૯ % સુધીની અનામત દાયકાઓથી અમલમાં છે. એ અંગેના ખટલા પણ સુપ્રીમમાં વિચારાધીન રહ્યા હોવાને કારણે આ નવી અનામત પણ કાનૂની દાવપેચમાં અટવાતી અમલમાં રહેશે, એવું મનાય છે. વર્ષે ૮ લાખ એટલે કે મહિને રૂપિયા ૬૬,૦૦૦ કરતાં વધુ આવક ધરાવતાં “આર્થિક રીતે નબળા પરિવારોને” ઓબીસી અને આ નવી અનામતનો લાભ આપવાની બેનમૂન જોગવાઈ માટે દેશ-વિદેશમાં ચર્ચા છે. એની યોગ્યાયોગ્યતા અને બંધારણીયતાની વાતને બાજુએ મૂકીએ તો પણ કેન્દ્ર અને રાજ્યોમાં અનામત જાતિઓની યાદી સમાન જળવાય એ માટે હરિભાઈ સહિતના જૂજ સમાજોના નેતાઓ કેન્દ્રને કાનૂની રજૂઆતો કરી રહ્યા છે. ગુજરાતની જેમ જ  જે રાજ્યોમાં કેન્દ્ર અને રાજ્યમાં અનામતની અલગ અલગ યાદીઓ અમલમાં છે એ વિસંગતતા પહેલાં દૂર કરવામાં  તો જ ગનીમત. મુશ્કેલી એ છે કે કેન્દ્રમાં રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને બંધારણીય સ્વરૂપ અપાય પછી એની કામગીરી લગભગ ઠપ્પ થઇ ગઈ છે. લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવે અને નવી કેન્દ્ર સરકાર રચાય ત્યાં લગી આ દિશામાં કોઈ નક્કર કામ થવાની અપેક્ષા કરવી નિરર્થક છે. અત્યારે ગુજરાતમાં ઓબીસી અનામત શ્રેણીમાં આવતા અને ક્રીમીલેયરથી નીચેના એટલે કે મહિને ૬૬,૦૦૦ રૂપિયાથી ઓછી આવક ધરાવતા ગરીબોને “બિન-અનામત પ્રમાણપત્રો” અપાયા પછી પણ  સરકારી નોકરીઓમાં એ કેટલાં ઉપયોગી થશે, એ વિશે હજુ અનિશ્ચિતતા જ પ્રવર્તે છે.
ઈ-મેઈલ : haridesai@gmail.com


No comments:

Post a Comment