ચૂંટણીમાં ઉમેદવારોની શૈક્ષણિક પદવીઓની
અશૈક્ષણિક ચર્ચા
ડૉ.હરિ દેસાઈ
·
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ કેમ્બ્રિજમાંથી ૧૯૯૫માં એમ.ફિલ.થયાનું સર્ટીફાય
થયા છતાં મીડિયામાં વિવાદ ચાલ્યો
·
બી.એ.પછી બારમું પાસ કેન્દ્રનાં મંત્રી સ્મૃતિ ઈરાની યેલ યુનિવર્સિટીના
પ્રમાણપત્રને ડિગ્રી ગણાવતાં રહ્યાં!
·
સોનિયા ગાંધીએ ઇટાલિયન નાગરિકતા જાળવ્યાનું આડવાણી નકારતા રહ્યા છતાં
સુષ્મા મુદ્દો ગજવતાં રહ્યાં
·
પ્રાથમિક શિક્ષક રહેલા મંત્રીઓ ચુડાસમા, રૂપાલા કે વાનાણીની મંત્રી
તરીકેની કામગીરી યશસ્વી રહી છે
ચૂંટણી લોકસભાની હોય ત્યારે ચર્ચા છેલ્લાં
પાંચ વર્ષ દમિયાન સરકારની કામગીરી અને વિપક્ષની ભૂમિકાની સક્રિયતા કે
નિષ્ક્રિયતાની થવી જોઈએ. એને બદલે ત્રણ-ત્રણ વાર સાંસદ ચૂંટાયેલા કેટલાક
ઉમેદવારોની શૈક્ષણિક પદવીઓ વિશે કેન્દ્રના કેબિનેટ પ્રધાનો પત્રકાર પરિષદો ભરીને
મીડિયામાં છવાયેલા રહે કે ટ્વીટર પર મારો ચલાવતા હોય ત્યારે તેમને દેશના ભવિષ્યની કેટલી ચિંતા છે, એ કહેવું જરા મુશ્કેલ
છે. ગુજરાતમાં એક મંત્રી બારમું ધોરણ પાસ કરે અને બીજા જ વર્ષે વડોદરાની
દુકાનમાંથી એમ.બી.એ.ની પદવી લઇ આવે. મામલો અદાલતે જાય ત્યારે આ તો રાજકીય કારણોસર
અદાલતી ખટલો દાખલ કરાયાનો તર્ક રજૂ કરીને અદાલતનો પણ સમય બરબાદ કરાયાનું વાતાવરણ
ઊભું થાય છે. તાજેતરમાં કેન્દ્રનાં મંત્રી સ્મૃતિ ઈરાનીનો ઉતરતા ક્રમમાં શૈક્ષણિક લાયકાત સાથેનાં ઉમેદવારીપત્રકો
ભરવાનો મામલો ખૂબ ચગ્યો. પહેલાં એમણે પોતે બી.એ.ની પદવી ધરાવતાં હોવાનું ઉમેદવારીપત્રકમાં
લખ્યું હતું. બીજીવાર ઉમેદવારીપત્રક ભરતાં એ બી.કોમ.પરત-૧ થયાં એવું નોંધ્યું
હતું. છેલ્લે એ બારમું પાસ લખી બેઠાં.
મીડિયાવાળા પ્રશ્ન કરે એટલે બહેનબાએ ટીવી ચેનલ પર કહ્યું કે એમ તો મારી પાસે યેલ
યુનિવર્સિટીની નેતૃત્વ અંગેની ડિગ્રી પણ છે! મામલો બિચક્યો: મોદીનામા લખનારાં મધુ કિશ્વરે
તો ટ્વીટ કર્યું કે કેન્દ્રમાં મંત્રી રહેલાં બહેનને ડિગ્રી અને સર્ટિફિકેટ
વચ્ચેનો ભેદ પણ ખબર નથી. ઓછામાં પૂરું આ બહેન તો પાછાં ડૉ.મુરલી મનોહર જોશી જેવા મહાવિદ્વાન
માનવ સંસાધન મંત્રીનાં અનુગામી રહેલાં. માનવ સંસાધન મંત્રાલયે ખુલાસો કરવો પડ્યો
કે સ્મૃતિબહેન યેલમાં છ દિવસ માટે સાંસદો સાથે નેતૃત્વ અંગેના તાલીમી કાર્યક્રમમાં
ગયાં હતાં, એ વેળા તેમને મળેલા પ્રમાણપત્રની એ વાત કરે છે; કોઈ સ્નાતક પદવીની
નહીં!
વર્ષોથી સાંસદો રહેલાઓની પદવીઓની શંકા
વાત ભાજપનાં સ્મૃતિ ઈરાનીની ડિગ્રીની હોય
અને અમેઠી બેઠક પરથી એ ફરીને કોંગ્રેસના
અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ઉમેદવારી કરવાનાં હોય ત્યારે કેન્દ્રના નાણામંત્રી અરુણ
જેટલી પત્રકાર પરિષદ ભરીને રાહુલબાબા પર તૂટી ના પડે તો જ નવાઈ. રાહુલ એમ.એ. કર્યા
વિના જ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ.ની પદવી લઇ આવ્યા હોવાની વાત કરીને
જેટલીએ જાણે કે મીર માર્યો. હકીકતમાં આજે પણ જેટલીને અર્થશાસ્ત્રના અજ્ઞાની
નાણામંત્રી ગણાવીને જાહેરમાં ટીવી ચેનલો પર ટીકા કરતા ભાજપી સાંસદ અને
અર્થશાસ્ત્રી ડૉ.સુબ્રમણિન સ્વામી વર્ષો પહેલાં રાહુલની ડિગ્રી બોગસ હોવાનો મુદ્દો
ઉઠાવી ચુક્યા હતા. એ વેળા કેમ્બ્રિજે લેખિતમાં જણાવ્યું હતું કે ૧૯૯૫માં રાહુલ
અમારે ત્યાંથી એમ.ફિલ. પદવી મેળવી ચુક્યા છે. જેટલીએ વધારાનો મુદ્દો ઉઠાવ્યો એ
એમ.એ. કર્યા વિના રાહુલે એમ.ફિલ. કર્યાનો. વાસ્તવમાં જેટલીએ કેમ્બ્રિજની
સત્તાવાર વેબસાઈટ જોવાની તસ્દી લીધી હોત
તો એમને વાંચવા મળત કે ત્યાં સ્નાતક થયેલાને અનુસ્નાતક કર્યા વિના ય એમ.ફિલ.માં
પ્રવેશ મળે છે. વળી, વાત રાહુલની ડિગ્રીએ અટકી નહીં, એવું પણ પૂછાયું કે સોનિયા
ગાંધીની ડિગ્રી કઈ? વાસ્તવમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી સોનિયા ગાંધી જ નહીં, રાહુલ
પણ ચૂંટણી જીતીને સંસદમાં બેસે છે અને
છેલ્લાં પાંચ વર્ષથી તો ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર છે તો એમાં કેબિનેટ
મંત્રી તરીકે બેસનારા જેટલી સહિતના કને તો સોનિયા અને રાહુલની શૈક્ષણિક લાયકાતની
અધિકૃત માહિતી હોવી ઘટે.જોકે એમને મીડિયાને કવાયત કરાવવાનું ફાવે અને મુખ્ય
મુદ્દાઓથી વાતને અન્યત્ર ફંગોળવાનું ફાવે એટલે આવા મુદ્દા ઉઠાવવામાં આવે. નાયબ
વડાપ્રધાન તરીકે લાલકૃષ્ણ આડવાણીએ એકથી વધુ વખત જાહેરમાં નિવેદન કર્યું હતું કે
મેં સોનિયા ગાંધીની નાગરિકતાની ફાઈલ જોઈ છે અને તેમણે ભારતની નાગરિકતા લીધી ત્યારે ઇટાલીની નાગરિકતા રાખી નથી. આમ છતાં, અત્યારનાં
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ વારંવાર એ
મુદ્દો ઉઠાવતાં રહ્યાં હતાં કે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતાની સાથે
ઇટાલીની નાગરિકતા પણ રાખી છે. કમનસીબે રાજકારણમાં આવા ગોબેલ્સ જેવા પ્રયોગો
વારંવાર ચાલતા રહે છે.
માત્ર પાંચ ચોપડી પાસ કામરાજનો પ્રભાવ
મુદ્દો શિક્ષણની લાયકાતનો હોય તો
પાકિસ્તાનમાં જેમ સ્નાતક કે ગ્રેજ્યુએશનને કોઈપણ રાજકીય ચૂંટણી લડવા માટે અનિવાર્ય
લાયકાત ગણવામાં આવે છે એવી ભારતમાં જોગવાઈ નથી. પોતાને બારમું પાસ ગણાવતાં શ્રીમતી
ઈરાની પીએચ.ડી. કે એથી વધુ લાયકાત ધરાવનારા શિક્ષણવિદોનાં બોસ રહ્યાં છે. લંડનથી
માત્ર સર્ટિફિકેટ કોર્સ કરનારાં સોનિયા ગાંધી દસ-દસ વર્ષ સુધી કેન્દ્રની યુપીએ
સરકારનાં રિમોટ લેખાતાં હતાં. સ્મૃતિબહેન અને સોનિયાબહેન બેઉ વેઈટ્રેસ રહ્યાનું
પોતે સ્વીકારી ચૂક્યાં છે. આરએસએસના સુપ્રીમો રહેલા સુદર્શનજીએ વોક-ધ-ટોકમાં જેમને
દેશનાં શ્રેષ્ઠ વડાંપ્રધાન ગણાવ્યાં હતાં એ ઇન્દિરા ગાંધી સ્નાતકની પદવી પણ
ધરાવતાં નહોતાં. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, વડાપ્રધાન પંડિત નેહરુ, નાયબ
વડાપ્રધાન સરદાર પટેલ સહિતના મહાનુભાવો બેરિસ્ટર હતા, પણ એ પછીના નેતાઓમાં અભણ
ગણાવી શકાય એવા કે.કામરાજ માત્ર પાંચ ચોપડી ભણ્યા હોવા છતાં દેશભરમાં સૌથી પ્રભાવી
કામરાજ યોજનાના જનક જ નહીં, દક્ષિણના મુખ્ય રાજ્યના શ્રેષ્ઠ મુખ્યમંત્રી પણ રહ્યા.
દેશના લાડકા (ડાર્લિંગ) વડાપ્રધાન લેખાયેલા રાજીવ ગાંધી પણ ક્યાં સ્નાતકની કોઈ
પદવી ધરાવતા હતા? નેહરુ-ગાંધી પરિવારમાં પંડિત નેહરુ પછી સૌપ્રથમ કોઈ વંશજ સ્નાતક
અને પછી એમ.ફિલ.થયો હોય તો તે રાહુલ ગાંધી. એ પછી એમના પિતરાઈ અને કાકા સંજય
ગાંધીનો દીકરો ફિરોજવરુણ ગાંધી લંડન
યુનિવર્સીટીમાંથી એમ.એ. થયો અને બહેન પ્રિયંકા એમ.એ. થઇ. દેશભરમાં ગુજરાત મોડેલની
ખૂબ ચર્ચા રહી.એના શિક્ષણ રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણી પાંચ ચોપડી ભણેલા પ્રાથમિક
શાળાના શિક્ષક હતા. વર્તમાન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પ્રાથમિક
શાળાના શિક્ષક રહ્યા અને પછી વકીલાતનું ભણ્યા. કેન્દ્રમાં મંત્રી પુરુષોત્તમ
રૂપાલા પણ પ્રાથમિક શાળાના શિક્ષક રહ્યા. જોકે આ બધા પ્રધાન તરીકે પ્રભાવી રહ્યા
છે. જાહેરજીવનમાં આવનારા નેતાઓ ગણેલા હોય એ જરૂરી છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com
No comments:
Post a Comment