બે બેઠકો પરથી ચૂંટણી લડનારા “રણછોડરાય”
ડૉ.હરિ દેસાઈ
સામાન્ય રીતે ઉત્તર
પ્રદેશના અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સંસદસભ્ય ચૂંટાતા રહેલા કોંગ્રેસ
અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૧૭મી લોકસભાની ચૂંટણી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી
પણ લડવાનો નિર્ણય કર્યો. ૩૧ માર્ચે કોંગ્રેસના મુખ્યાલયમાંથી પૂર્વ કેન્દ્રીય
મંત્રી એ.કે.એન્ટોની અને મિડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ કરેલી આ જાહેરાતમાં
સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ના નેતાઓને કેન્દ્રનાં મંત્રી અને
ગુજરાતમાંથી હજુ ઓગસ્ટ ૨૦૧૭માં છ વર્ષ
માટે રાજ્યસભામાં ચૂંટાયેલાં સ્મૃતિ ઈરાની સામે રાહુલની અમેઠીમાંથી હાર દેખાઈ. રાહુલને
રણછોડરાય પણ કહ્યા. અગાઉ ચાંદનીચોક બેઠક પર હારેલાં ભાજપી ઉમેદવાર શ્રીમતી ઈરાની
મે ૨૦૧૪માં અમેઠીમાં કોંગ્રેસના રાહુલ સામે ય હારી ચૂક્યાં હતાં. દક્ષિણનાં ત્રણ રાજ્યો
કર્ણાટક, કેરળ અને તમિળનાડુમાંથી રાહુલ ચૂંટણી લડે એવી માંગને પગલે કોંગ્રેસ
અધ્યક્ષે આ નિર્ણય લીધો. કોંગ્રેસની પરંપરાગત વાયનાડ બેઠક કેરળ, કર્ણાટક અને
તમિલનાડુના ત્રિભેટે હોવાની વાત એન્ટોનીએ કરી હતી. પ્રશ્ન કરાયો કે “અમેઠીમાં
રાહુલની સ્થિતિ ખરાબ હોવાથી આ નવો વિકલ્પ કોંગ્રેસ શોધી રહી છે?” સુરજેવાલાએ પ્રતિપ્રશ્ન
કર્યો : “ભાજપે એ જવાબ કેમ નથી વાળ્યો કે
મોદીજી ગુજરાત છોડીને (વડોદરા લડવા ઉપરાંત ઉ.પ્ર.) કેમ ભાગ્યા હતા? એ બનારસ ગયા,
એનો મતલબ ગુજરાતમાં સ્થિતિ ખરાબ હતી?”
વડાપ્રધાન રહેલા હરદનહલ્લી
દોદેગૌડા દેવેગોવડાના શાસનકાળમાં ઓગસ્ટ ૧૯૯૬થી કોઈપણ ઉમેદવાર બેથી વધુ બેઠકો પરથી ચૂંટણી
ના જ લડી શકે, એવી કાનૂની જોગવાઈ લોકપ્રતિનિધિ ધારા,૧૯૫૧ અન્વયે અમલી બનાવાઈ હતી.
ઓગસ્ટ ૧૯૯૬ પહેલાં તો જનસંઘ-ભાજપના નેતા અને સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કે તેલુગુ ફિલ્મોના
સુપરસ્ટારમાંથી અવિભાજિત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બનેલા નંદમુરિ તારક રામારાવ
પણ ત્રણ-ત્રણ કે એથી વધુ બેઠકો પરથી ચૂંટણી લડી ચૂક્યા હતા.૧૯૫૭માં અટલજી બલરામપુરથી
જીત્યા હતા, લખનઊમાં બીજાક્રમે રહ્યા અને મથુરામાં તેમની ડિપોઝિટ જપ્ત થઇ હતી. રામારાવ
૧૯૮૫માં ગુડીવાડા, હિન્દુપુર અને નાલગૌંડા વિધાનસભા બેઠકો લડ્યા. બધી જીત્યા,પણ
હિન્દુપુર રાખી બીજી બે પરથી રાજીનામું આપ્યું હતું. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી
૧૯૭૭માં રાયબરેલી બેઠક હાર્યા પછી ૧૯૮૦માં રાયબરેલી અને મેડક (હવે તેલંગણમાં) બંને
બેઠકો જીતીને ફરી સત્તામાં આવ્યાં હતાં. ૧૯૯૧માં વાજપેયી વિદિશા અને લખનઊ લોકસભા
લડ્યા અને જીત્યા હતા. એ જ વર્ષે આડવાણી નવી દિલ્હી અને ગાંધીનગર લોકસભા લડ્યા અને
જીત્યા હતા. ૧૯૯૬માં વાજપેયી ગાંધીનગર અને લખનઊ પર જીતીને ૧૩ દિવસ માટે વડાપ્રધાન
થયા હતા. ૧૯૯૯માં સોનિયા ગાંધી બેલ્લારી અને અમેઠી લોકસભા લડ્યાં અને જીત્યાં હતાં.
૧૯૮૯માં રાજસ્થાનની સીકર અને હરિયાણાની રોહતક બેઠક જીતી નાયબ વડાપ્રધાન થયેલા
દેવીલાલ ૧૯૯૧માં આ જ સીકર અને રોહતક લોકસભા બેઠક હાર્યા એટલું જ નહીં, હરિયાણાની જીરાય
( હિસ્સાર) વિધાનસભા બેઠક પરથી પણ હાર્યા હતા. વર્ષ ૨૦૧૪માં મુલાયમસિંહ યાદવ આઝમગઢ
અને મૈનપુરી લોકસભા લડ્યા અને જીત્યા. તેમજ ૨૦૦૯માં લાલુ પ્રસાદ સારણ અને
પાટલીપુત્ર લોકસભા બેઠક લડ્યા અને જીત્યા હતા. ભારતીય લોકપ્રતિનિધિ ધારામાં તો એવી
જોગવાઈ છે કે અમુક નિર્ધારિત સમયગાળામાં વધુ બેઠકો પર ચૂંટાયેલી વ્યક્તિ એક
સિવાયની બીજી બેઠક પરથી રાજીનામું આપે નહીં તો એણે
જીતેલી બધી (હવે બંને) બેઠકો પરની તેની ચૂંટણી રદબાતલ થઇ જાય.
હમણાં સર્વોચ્ચ અદાલતમાં
વધુ એકવાર જાણીતા ધારાશાસ્ત્રી અને ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે જાહેર હિતની અરજી કરીને કોઈપણ ઉમેદવાર માત્ર બે બેઠકો
પરથી ચૂંટણી લડી શકે એ જોગવાઈ પર અંકુશ
લાવીને માત્ર એક જ બેઠક લડવાની જોગવાઈ માટે દાદ માગી હતી.ગત ૨૭ માર્ચે ન્યાયાધીશો
એસ.એ.બોબડે,એમ.એમ.શાંતાનાગોંડર તથા
એસ.અબ્દુલ નઝીરે ઉપાધ્યાયની અરજીને બે સપ્તાહ પછી એટલે કે વર્તમાન લોકસભા ચૂંટણી
માટે અરજીપત્રકો ભરવાની મુદત પતે પછી સાંભળવાનું સ્વીકાર્યું છે. જુલાઈ ૨૦૧૮માં
ઉપાધ્યાયની જ જાહેર હિતની અરજીથી મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના વડપણવાળી ખંડપીઠ
સમક્ષ બે બેઠકો પરથી એકસાથે ચૂંટણી લડવાની જોગવાઈવાળી લોકપ્રતિનિધિ ધારાની કલમ
૩૩(૭)ને રદ કરવા ઉપરાંત ગેરબંધારણીય જાહેર કરવાની દાદ માંગવામાં આવી હતી.
જોકે એ વેળા ભારત સરકારે
ઉમેદવારને બે બેઠકો પર લડવાને વ્યક્તિનો અધિકાર લેખાવતાં ઉપાધ્યાયની અરજીનો વિરોધ
કર્યો હતો. ચૂંટણી પંચે એપ્રિલ ૨૦૧૮માં પોતાની ૨૦૦૪ની ભૂમિકાને વળગી રહેતાં સર્વોચ્ચ
અદાલતને જણાવ્યું હતું કે કોઈપણ ઉમેદવારને એકસાથે બે બેઠકો પરથી લડવાની મંજૂરી
આપવામાં ના આવવી જોઈએ.બંને બેઠકો લડવાની જોગવાઈ ચાલુ રખાય અને ઉમેદવાર બંને બેઠકો
પરથી જીતે તો તેણે પેટાચૂંટણી યોજવા માટે અમુક નિર્ધારિત ખર્ચ સરકારી તિજોરીમાં
જમા કરાવવો.વર્ષ ૨૦૦૪માં ચૂંટણી પંચે વિધાનસભાની ખાલી પડનાર બેઠકની પેટાચૂંટણી
માટે પાંચ લાખ રૂપિયા અને લોકસભાની ખાલી પડનાર બેઠકની પેટાચૂંટણી ચૂંટણી માટે ૧૦
લાખ રૂપિયા જમા કરાવવા માટે સૂચવ્યું હતું, એ રકમમાં પણ યોગ્ય અને પ્રમાણસરનો વધારો કરવામાં આવે, એ બાબત સર્વોચ્ચ અદાલતમાં
રજૂ કરી હતી. જસ્ટિસ
એ.પી.શાહના વડપણવાળા દેશના કાયદા પંચે વર્ષ ૨૦૧૫માં કેન્દ્ર સરકારને સુપરત કરેલા
૨૫૫મા અહેવાલમાં પણ એવી ભલામણ કરી હતી કે કોઈપણ ઉમેદવારને એકસાથે યોજાનારી
ચૂંટણીમાં માત્ર એક જ બેઠક પરથી લડવાની છૂટ આપતી કાનૂની જોગવાઈ કરવી જોઈએ. આ
અહેવાલના અનુસંધાનમાં ચૂંટણી પંચે ડિસેમ્બર ૨૦૧૬માં ભારત સરકારને પાઠવેલી ૪૭
દરખાસ્તોમાં પણ કાનૂની રીતે ઉમેદવાર એકસમયે માત્ર એક જ બેઠક પરથી ચૂંટણી લડી શકે,
એ માટે જરૂરી કાયદાકીય સુધારાનો આગ્રહ સેવ્યો હતો. જોકે આ મામલો હજુ આવતા દિવસોમાં
પણ વ્યક્તિ સ્વાતંત્ર્ય અને નાણાકીય સંસાધનોના બગાડના વિવાદ વચ્ચે હિલોળા લેતો
રહેશે.
ઇ-મેઈલ : haridesai@gmail.com
No comments:
Post a Comment