પાકિસ્તાનમાં હિંદુ તરુણીઓના અપહરણનો વિવાદ
ડૉ.હરિ દેસાઈ
હમણાં
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે હિંદુ તરુણીઓના અપહરણ અને તેમને ઇસ્લામ અંગીકાર કરાવીને મુસ્લિમ યુવકો સાથે
નિકાહ પઢાવવાની ઘટના દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે વિવાદનું નિમિત્ત બની છે.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનમાંના ભારતીય દૂતાવાસ કનેથી આ સંદર્ભે અહેવાલ
માંગ્યો ત્યાં લગી તો બરાબર હતું, પણ એમણે આ વાતને ટ્વીટર પર જગજાહેર કરી એટલે વાત
વણસી. પાકિસ્તાની મંત્રી ફવ્હાદ ચૌધરીએ સુષ્માના વલણને તેમના દેશની આંતરિક
બાબતોમાં દખલ ગણાવી એટલું જ નહીં, પાકિસ્તાન એ કંઈ નરેન્દ્ર મોદીનું ભારત નહીં
હોવા સુધી વાતનું વતેસર થયું. જ્યાં સુધી સુષ્મા સ્વરાજ પાકિસ્તાનના નાગરિકોને સ્વાસ્થ્ય
સેવા માટેની એમની અરજમાં મદદરૂપ થવા કે અન્ય વિનંતીઓ બાબત ટ્વીટર પર સંવાદ કરે
ત્યાં સુધી તો ઠીક હતું, પણ આવી સંવેદનશીલ બાબતમાં એમના દેશની આંતરિક બાબતોમાં
દખલગીરી જેવા મુદ્દા ઊઠે ત્યારે ટ્વીટ કરવાથી તેમણે અળગા રહેવાની જરૂર હતી. ક્યાંક
લક્ષ્મણરેખા લંઘાય ત્યારે બંને પક્ષે વિવેક ચૂકાય એવું બને. એટલે જ હજુ હમણાં જ
પ્રયાગરાજના અર્ધકુંભમાં સ્નાન કરવા આવેલા પાકિસ્તાની સત્તાપક્ષના સાંસદ ડૉ.રમેશ
કુમાર વાંકવાણીએ પણ નિવેદન કર્યું કે ભારતીય વિદેશમંત્રી અમારી (પાકની) આંતરિક
બાબતોમાં દખલ ના કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતનાં પ્રધાનોને તંગદિલી હળવી
કરવાના મિશન સાથે એ મળ્યા હતા. ડૉ.વાંકવાણી પાકિસ્તાન હિંદુ કાઉન્સિલના સંસ્થાપક
અને મુખ્ય સંરક્ષક છે. હજુ ગયા વર્ષ સુધી મિયાં નવાઝ શરીફના સત્તાપક્ષ પાકિસ્તાન
મુસ્લિમ લીગ (નવાઝ)ના સાંસદ રહેલા રમેશ કુમારે વડાપ્રધાન ઇમરાન ખાનના પક્ષ તેહરિક-ઇ-ઇન્સાફમાં
જોડાવાનું પસંદ કર્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સરકાર બળજબરીથી કરાવાતાં
ધર્મપરિવર્તન કાયમ માટે રોકવાનો કાયદો કરવા જઈ રહી છે.
પાકિસ્તાનમાં હિંદુઓનું ધર્મપરિવર્તન અને અપહરણ
એ કાયમી સમસ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ રહેલા આચાર્ય કૃપાલાનીએ તો તેમની
આત્મકથામાં નોંધેલું છે કે તેમના બે ભાઈએ ઇસ્લામ કબૂલ્યો હતો. બ્રિટિશ ઇન્ડિયાના
ભાગલાને પગલે પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન (અત્યારનું બાંગલાદેશ)માં
હિંદુઓ અત્યાચારનો ભોગ બનતા રહ્યા છે. આને કારણે હવેના પાકિસ્તાનમાંથી દર
વર્ષે ૫,૦૦૦ જેટલાં હિંદુ પોતાનો દેશ છોડી
જતાં હોવાનું સ્વયં ડૉ. વાંકવાણીએ સંસદમાં કહ્યું હતું. એ સંદર્ભે પાકિસ્તાની
અખબારોમાં તેમણે લેખો પણ લખ્યા છે. ત્રસ્ત પાકિસ્તાની હિંદુઓ ધર્મયાત્રાના નામે
મહદઅંશે ભારત આવી રહી પડે
છે, પણ ભારતમાં પણ વર્ષો સુધી તેમને નાગરિકતા મળતી નથી. થોડા વખત પહેલાં કેન્દ્રના
ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજુએ પાકિસ્તાની ગાયક અદનાન સામીને નાગરિકતા આપી ત્યારે
અમદાવાદ સહિત ભારતના વિવિધ વિસ્તારોમાં વર્ષોથી વસતા અને પાકિસ્તાનથી ભાગી આવેલા
હિંદુઓના સંગઠને વડાપ્રધાન મોદીને રજૂઆત કરી હતી કે અમે હિંદુઓ પાકિસ્તાનમાં
અત્યાચારનો ભોગ બનતાં ભારત ભાગી આવ્યાને વર્ષો થયાં છતાં નાગરિકતાથી વંચિત છીએ અને
તમે એક પાકિસ્તાની મુસ્લિમને નાગરિકતા આપો છો; એ સામે વિરોધ નોંધાવીએ છીએ.
ભારતમાં પણ “લવ જેહાદ”ના મુદ્દે ધર્મપરિવર્તન કરાવાઈ
રહ્યાનો મામલો ગૂંજે છે. કેરળની પુખ્ત
વયની યુવતી અને તબીબી શાખાની વિદ્યાર્થીની
હાદીયાનું પ્રકરણ સુપ્રીમ કોર્ટ સુધી ગયું. ઇસ્લામ કબૂલ કરીને શફી જહાં
સાથેના તેના લગ્નને ૮ માર્ચ ૨૦૧૮ના રોજ સુપ્રીમના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા
અને ન્યાયમૂર્તિઓ અજય ખાનવિલકર તથા ધનંજય ચંદ્રચુડે માન્ય રાખ્યું હતું. હમણાં જ
સત્તારૂઢ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) અને આરએસએસના પ્રચારક રામલાલનાં
ભત્રીજી શ્રેયા ગુપ્તાનાં એક મુસ્લિમ યુવક ફૈઝાન કરીમ સાથે લગ્ન નિમિત્તે યોજાયેલા રિશેપ્શનમાં રાજ્યપાલ રામ નાઈક,
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહિતના
મહાનુભાવો ઉમટ્યા હતા. પ્રાચીન મૌર્ય સામ્રાજ્યના રાજવી ચંદ્રગુપ્ત મૌર્યનાં ગ્રીક
રાજકુમારી હેલેના સાથેનાં લગ્ન અને મુઘલ
બાદશાહ અકબરનાં રાજપુતાનાના રાજપૂત રાજાની રાજકુમારી જોધાબાઈ સાથેનાં લગ્ન કે ધ્રાંગધ્રાના
પાટવીકુંવર સોધસાલજી શત્રુજિતદેવનાં પાલનપુરના નવાબના પરિવારનાં શાહજાદી શાહનૂર
બેગમ સાથેના લગ્નથી લઈને અત્યાર લગી વિવિધ
ધર્મોના પરિવારો લગ્નસંબંધે જોડતા રહ્યા છે. જોકે હિંદુ-મુસ્લિમ એકતાના કાયમ
આગ્રહી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના પુત્ર મણિલાલને તેના બાર વર્ષના
પ્રણય પછી પણ ફાતિમા ગુલ સાથે લગ્ન
કરવામાં અવરોધ સર્જ્યા હતા.
કુલ ૯૬.૨૮ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા મુસ્લિમ
રાષ્ટ્ર પાકિસ્તાનની વર્ષ ૨૦૧૭ની વસ્તી ગણતરી મુજબ, તેની ૨૦૭,૭૭૪,૫૨૦ જેટલી
વસ્તીમાં માત્ર ૪૦ લાખ જેટલાં જ હિંદુ છે. હિંદુ કાઉન્સિલ આ આંકડો ૮૦ લાખનો આપે
છે. જોકે પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભા (નેશનલ અસેમ્બલી) અને પ્રાંતિક
ધારાસભાઓમાં અમુક બેઠકો લઘુમતી કે બિન-મુસ્લિમો માટે અનામત રાખવામાં આવે છે. હિંદુ, ખ્રિસ્તી, શીખ, એહમદિયા સહિતના લઘુમતી
કોમોના લોકોને દુય્યમ દરજ્જાના નાગરિક લેખવાની પરંપરા જોવા મળે છે. એમાં પણ ખાસ
કરીને ઉજળિયાત હિંદુ (કાસ્ટ હિંદુઝ) અને દલિત (શિડ્યુલ્ડ કાસ્ટ્સ) વચ્ચે વહેરોવંચો
રખાય છે. પાકિસ્તાનમાં દલિત મહિલા સેનેટ કે નેશનલ અસેમ્બલીની સભ્ય બને ત્યારે
હિંદુ મહિલાને સાંસદ બનાવાયાનો હરખ ભારતમાં કરવામાં આવે છે, પણ પાકિસ્તાનમાં તો
વસ્તી ગણતરીમાં પણ સવર્ણ અને દલિતની અલગ ગણતરી થાય છે. ભારતમાં આઝાદી પહેલાં હિંદુ
અને દલિત અલગ લેખાતા હતા,પણ પાકિસ્તાનમાં આજે પણ એ પરંપરા અકબંધ છે.પાકિસ્તાનની
કુલ વસ્તીમાં ધાર્મિક લઘુમતીઓમાં ૧.૫૯ ટકા ખિસ્તી, ૧.૬૦ ટકા હિંદુ, ૦.૨૨ ટકા
કાદીયાણી (એહમદિયા), ૦.૨૫ ટકા શિડ્યુલ્ડ
કાસ્ટ્સ અને ૦.૦૭ ટકા અન્ય હોવાનું વર્ષ ૨૦૧૭ની વસ્તી ગણતરીના સત્તાવાર આંકડા
દર્શાવે છે. આવા સંજોગોમાં ભારત સરકારે પાકિસ્તાન અલગ દેશ છે એ વાતને સ્વીકારીને
ત્યાંના હિંદુ કે અન્ય નાગરિકોના માનવ અધિકારોની વાત યોગ્ય મંચ પર રજૂ કરવી ઘટે,અન્યથા એ બૂમરેંગ
થાય. ઇ-મેઈલ : haridesai@gmail.com
No comments:
Post a Comment