મહાત્મા ગાંધી ભગાઓ, હિટલર પઢાઓ
ડૉ.હરિ દેસાઈ
દેશની વર્તમાન સરકારને પાંચ વર્ષે જ્ઞાન લાધ્યું કે કેરળના ત્રાવણકોર
રજવાડામાં પછાત ગણાતી શનાર (નાડર) જાતિની
મહિલાઓને કમરથી ઉપરના ભાગને ખુલ્લો રાખવાની કુપ્રથા ક્યારેક અસ્તિત્વમાં હતી અને
ખ્રિસ્તી મિશનરીઓના પ્રભાવને પરિણામે નાડર સમાજની મહિલાઓ સીવેલાં બ્લાઉઝ પહેરતી થયાનું
ના ભણાવાય. રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન ઔર પ્રશિક્ષણ પરિષદ (એનસીઈઆરટી)ના નવમા
ધોરણના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં આ વર્ષ
૨૦૦૫થી ભણાવાય છે. નવાઈ એ વાતની છે કે છેક ૧૮૨૨ની સ્થિતિ અને ઘટનાક્રમનો ઈતિહાસ
રજૂ કરનારા એક વાક્યને માટે આખું “ક્લોથિંગ: અ સોશિયલ હિસ્ટ્રી” પ્રકરણ કાઢી
નાંખવાનો આદેશ નીકળ્યો છે. કુલ ૧૭૭
પાનાંના આ પાઠ્યપુસ્તકમાંથી “રહસ્યમય કારણોસર” ત્રણ પ્રકરણનાં ૭૦ પાનાની
સામગ્રીને નહીં ભણાવવાનું ફરમાવાયું છે. રદ
કરવામાં આવેલાં બીજાં બે પ્રકરણ “હિસ્ટ્રી એન્ડ સ્પોર્ટ્સ : ધ સ્ટોરી ઓફ ક્રિકેટ”
અને “પીસન્ટ એન્ડ ફાર્મર્સ” છે. આશ્ચર્ય એ વાતનું છે કે કેન્દ્રની વર્તમાન સરકાર આ
પાઠ્યપુસ્તકને યથાવત રીતે ત્રણથી વધુ આવૃત્તિ પ્રકાશિત કરાવીને દેશભરનાં કરોડો
વિદ્યાર્થીઓને ભણાવતી રહી છે. જોકે વર્ષ ૨૦૧૭થી શરૂ થયેલા શૈક્ષણિક વર્ષથી
એનસીઈઆરટીએ તેનાં ૧૮૨ પાઠ્યપુસ્તકોમાં ૧,૩૩૪ સુધારાવધારા કે માહિતીને તાજી કરીને
ઉમેરણ કરવાની કાર્યવાહી કરી છે.
દેશભરમાં કેન્દ્રીય બોર્ડ જ નહીં, અગાઉ ઉત્તર પ્રદેશ અને હરિયાણા અને હવે તો
ગુજરાત સહિતનાં રાજ્યોમાં આંશિક કે
સંપૂર્ણપણે વિવિધ રાજ્ય સરકારોનાં બોર્ડ થકી પણ ભણાવાતાં પાઠ્યપુસ્તકોના બોજને
વર્ષ ૨૦૨૧ સુધીમાં ૫૦ ટકા ઘટાડી દેવાના લોકપ્રિય નિર્ણય લેવાયો છે.માનવસંસાધન
પ્રધાન અને એનસીઈઆરટીની સામાન્ય પરિષદના અધ્યક્ષ પ્રકાશ જાવડેકરે હજુ જાન્યુઆરી ૨૦૧૯માં જ જાહેર
કર્યું હતું કે આ વર્ષે એટલે કે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ભણતરના બોજમાં ૧૫
ટકાનો કાપ મુકાયો છે.ગત વર્ષે ૬ કરોડ જેટલાં પાઠ્યપુસ્તક છાપનાર એનસીઇઆરટી આ વર્ષે
૮ કરોડ પાઠ્યપુસ્તક છાપીને તેમની ઉપલબ્ધતા સંતોષજનક રહે તેવી વ્યવસ્થા કરવા માંગે
છે. નામથી તો એનસીઈઆરટી સ્વાયત્ત સંસ્થા મનાય છે,પણ સત્તાધારી પક્ષના સમર્થક મનાતા
શિક્ષણવિદોનું ચલણ એમાં રહેતું હોય છે. સંઘ પરિવારના દીનાનાથ મિશ્રાને
પાઠ્યપુસ્તકો સામે ભારે વાંધો રહ્યો છે. બંધારણના મુખ્ય ઘડવૈયા ડૉ.ભીમરાવ
આંબેડકરના કાર્ટૂનને પાઠ્યપુસ્તકમાં સમાવવા બદલ મુખ્ય સંપાદકો યોગેન્દ્ર યાદવ અને
સુહાસ પળશીકરે રાજીનામું આપવું પડ્યું હતું એટલું જ નહીં માફી પણ માગવી પડી હતી.
ક્યારેક મરાઠા શાસકોનો ઈતિહાસ સમાવાયો નહીં હોવા ઉપરાંત નેતાજી સુભાષચંદ્ર બોઝના
ભોગે “ખલનાયક” મોહમ્મદઅલી ઝીણાને મહત્વ અપાયાની ફરિયાદો પણ ઉઠતી રહી છે. ભગતસિંહને
અંગ્રેજો આતંકવાદી ગણાવતા હતા, એવો શબ્દપ્રયોગ થતાં લેખકો જ નહીં, સત્તારૂઢ
કોંગ્રેસ ભગતસિંહને આતંકવાદી ગણાવતી હોવાનો ભારે ઉહાપોહ પણ મચ્યો હતો.વર્તમાન
કેન્દ્ર સરકારે ગુજરાતનાં ૨૦૦૨નાં “મુસ્લિમ વિરોધી રમખાણો” તેમ જ વડાપ્રધાન રહેલા
અટલ બિહારી વાજપેયીની તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને “રાજધર્મ”ની શીખના
સંદર્ભો પાઠ્યપુસ્તકમાંથી દૂર કર્યા હતા.
તાજેતરમાં નવમા ધોરણના ઇતિહાસના પુસ્તકમાંનાં કુલ આઠ પ્રકરણમાંથી ત્રણ પ્રકરણ કાઢી નાંખવાના આદેશ
પછી એ પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરતાં આઘાતજનક તારણ મળે છે: સાતમું પ્રકરણ “હિસ્ટ્રી
એન્ડ સ્પોર્ટ્સ”નાં વીસ પાનાંમાં અંગ્રેજોની રમત ક્રિકેટની સચિત્ર વૈશ્વિક માહિતી
સાથે જ ભારતનાં હિમાલય નજીકનાં ગામડાંમાં ૧૮૯૪માં રમાતી ક્રિકેટની રમતની વાતથી
લઈને ૧૮૮૬માં ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી સૌપ્રથમ ભારતીય ક્રિકેટ ટીમ પારસીઓની હતી
એ વિગતો તસવીર સાથે અહીં પ્રસ્તુત છે. રામચંદ્ર ગુહાલિખિત “કાસ્ટ એન્ડ ક્રિકેટ”માં
દલિત ક્રિકેટરોની વાત રજૂ કરી છે કે ચયનકર્તાઓના ભેદભાવભર્યા વલણ છતાં ૧૯૨૩માં
વિઠ્ઠલે હિંદુઓની ટીમના કેપ્ટન તરીકેનું સ્થાન મેળવ્યું અને યુરોપિયનોને હરાવ્યા
પણ હતા! આ જ પ્રકરણમાં ક્રિકેટપ્રેમી મહાત્મા
ગાંધી અને ઉપનિવેશવાદી ભારતના દિવસોમાં ક્રીડા અંગે “અક્ષરદેહ” (CWMG)માંથી ટાંકવામાં આવેલા ગાંધીજીના ૧૯૧૫, ૧૯૨૬ અને ૧૯૨૭ના
વિચારોનો સમાવેશ પણ છે. આ બધાથી વિદ્યાર્થીને વંચિત રખાશે. રદ કરાયેલા વીસ પાનાંના
છઠ્ઠા પ્રકરણ “પીસન્ટ એન્ડ ફાર્મર્સ”માં યુરોપ અને અમેરિકાની ખેતીવાડીના વિકાસના
ઘટનાક્રમ સાથે જ ભારતમાં ચા અને અફીણના વાવેતર અને ઉત્પાદન-નિકાસની ઐતિહાસિક
માહિતી છે.
આઠમા પ્રકરણ “ક્લોથિંગ: અ સોશિયલ હિસ્ટ્રી”માં ૨૦ પાનાંમાંથી માત્ર એક જ પાનું
ત્રાવણકોરની એ કુપ્રથાના પ્રચલન અને એ સામેના વિરોધના ઇતિહાસનું વર્ણન કરનારું
છે.બાકીનાં પાનાંમાં દેશ અને દુનિયામાં પોશાક અંગેની રસપ્રદ માહિતી છે.એમાં ખાદી
અને સ્વદેશી પોશાક ઉપરાંત મહાત્મા ગાંધીનો પોશાક સુટેડ–બુટેડમાંથી માત્ર પોતડી લગી
કઈ રીતે બદલાતો ગયો અને ગાંધી ટોપી તેમ જ રાષ્ટ્રીય પોશાક કઈ રીતે વિકસ્યો એની
સતસવીર પાંચ પાનાંની માહિતી નહીં ભણાવવાનું ફરમાવવા પાછળનું રહસ્ય સમજાય તેવું
નથી.એક બાજુ, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તેમ જ
વડાપ્રધાન મોદી સહિતનાની ઉચ્ચસ્તરીય રાષ્ટ્રીય સમિતિના નેજા હેઠળ ગાંધીજીની ૧૫૦મી
જયંતીની ઉજવણી થઇ રહી છે ત્યારે જ રાષ્ટ્રપિતાને આ પાઠ્યપુસ્તકમાંથી રુખસદ અપાય
છે. વાત આટલે અટકતી નથી, ફ્રેંચ ક્રાંતિ,
યુરોપમાં સમાજવાદ અને રશિયન ક્રાંતિ ઉપરાંત નાઝીવાદ અને હિટલરના ઉદયનાં પ્રકરણો
વાસી થયા છતાં ભણાવવાનો આદેશ છે! નવાઈ એ વાતની છે કે ઝારના શાસન, રશિયન ક્રાંતિ
અને લેનિન-સ્ટાલિનના શાસનની વિગતોનાં ૨૪ પાનાંમાં ક્યાંય ૧૯૯૧માં મિખાઈલ
ગોર્બાચોફના ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રોઈકા થકી યુએસએસઆર તૂટીને અનેક દેશોમાં
વિભાજીત થયાનો સાદો ઉલ્લેખ સુદ્ધાં કરાયો નથી. આનાથી ઉલટું, નાઝીવાદ, એડોલ્ફ
હિટલરના ઉદય અને એના અપપ્રચારના તંત્ર તથા માનવતા વિરોધી અધમ કૃત્યો ઉપરાંત
મહાત્મા ગાંધીએ હિટલરને લખેલા બે પત્રો સહિતની વિશદ માહિતી અનેક તસવીરો સાથે ૨૫
પાનાંમાં પથરાઈને પડી છે. આને ભણાવવાનું
ઓછું કરવા કે ટાળવાનું સુચવાયું નથી. આને સમયની બલિહારી જ લેખવી પડે.
ઇ-મેઈલ : haridesai@gmail.com
No comments:
Post a Comment