Wednesday, 20 March 2019

Forgotten Gand Old Man of India, Thakkarbapa


આધુનિક ભારતના નિર્માતા એવા લોહાણા સપૂત ઠક્કરબાપાની ૧૫૦મી જયંતી
ડૉ.હરિ દેસાઈ
·          મુંબઈ છોડી પંચમહાલ દાહોદ-ઝાલોદ વિસ્તારના શોષિત-પછાત આદિવાસીઓની સેવામાં જોતરાવાનું પણ શતાબ્દી વર્ષ
·         સત્તાધીશો થકી વિસારે પડાયેલા ને વંચિતોના દિલમાં વસતા બાપા જેવા મહાપુરુષને સ્મરવાનો ગુર્જર ભારતીનો  ઉપક્રમ
·         ભાવનગરમાં જન્મેલા ગાંધીજનનાં સેવાકાર્યો થકી કન્યાકુમારીથી હરિદ્વાર અને સિંધથી આસામ સુધીની ધરતી પાવન
·         જીવનમાં બે વાર લાંચ લીધાની અને  જુવાનીના કાળમાં બેએક વાર વ્યભિચારનો દોષ જાહેરમાં કબૂલવાની હિંમત

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (૨ ઓક્ટોબર ૧૮૬૯-૩૦ જાન્યુઆરી ૧૯૪૮)ની ૧૫૦મી જયંતીની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના વર્ષ ૨૦૧૯ દરમિયાન ગાંધીવિચાર અને ચિંતન વિશે ભારે ગાજવીજ ચાલતી રહેવાની. એના ઉપક્રમો માટે અબજોનાં બજેટ કેન્દ્ર અને રાજ્યોની વિવિધ સરકારોએ ફાળવ્યાં છે.સંયોગવશાત્ મહાત્માથી છ મહિના મોટાં એમનાં ધર્મપત્ની અને આખું આયખું ગાંધીમાર્ગને અનુસરવામાં ખરચી નાંખનારાં પૂજ્ય કસ્તુરબા (૧૧ એપ્રિલ ૧૮૬૯-૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪)ની પણ ૧૫૦મી જયંતીનું આ વર્ષ છે.ગાંધીસંસ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ તો બા અને બાપુની સાર્ધશતાબ્દી નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને ગોષ્ઠીઓ યોજે છે. સત્ય એ જ ઈશ્વર અને હિંદુ-મુસ્લિમ એકતાના આગ્રહી મહાત્માના આદર્શોની વાતો ખૂબ સંભળાય છે,પણ એના અનુસરણના દુકાળના વાતાવરણમાં એક સાચા ગાંધીજન તેમજ  આદિવાસી,દલિત અને સમગ્રપણે પછાતોના કે વંચિતોના મસીહા એવા ગાંધી-સરદારના ગુજરાતના જ દધીચિ એવા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એટલે કે ઠક્કરબાપા (૨૯ નવેમ્બર ૧૮૬૯-૧૯ જાન્યુઆરી ૧૯૫૧)ની પણ ૧૫૦મી જયંતીનું આ વર્ષ હોવા છતાં જાણે કે એમને સાવ વિસારે પડાયા છે.
લોહાણા મહાપુરુષનો સેવાયજ્ઞ
ભાવનગરના ઘોઘારી લોહાણા પરિવારમાં જન્મેલા, ભણતર અને વ્યવસાયે ઇજનેર એવા ઠક્કરબાપાએ કંઇકકેટલાંય રજવાડાં અને બ્રિટિશ સરકારમાં ઇજનેર તરીકે નોકરી કરીને છેલ્લે મુંબઈ પાલિકાની નોકરી ફેબ્રુઆરી ૧૯૧૪માં છોડી જનસેવાને જ પોતાનો ધર્મ લેખ્યો. મુંબઈના સફાઈ કામદારોની સહકારી મંડળી રચીને સેવાકીય પ્રવૃત્તિ કરનારા ઠક્કરબાપા પુણેના  “ભારત સેવક સમાજ (સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી)”ના માધ્યમથી અને ગાંધીજીના માર્ગદર્શનમાં કચ્છથી લઈને ઓડિશાના દુષ્કાળગ્રસ્તોને માટે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહ્યા હતા. એમને ૧૯૧૯થી મુંબઈ છોડીને પંચમહાલ જિલ્લાના દાહોદ અને ઝાલોદ વિસ્તારના શોષિત અને પછાત આદિવાસીઓની સેવામાં જોતરવાનું પુણ્યકામ દાહોદના સુખદેવકાકા (ત્રિવેદી)એ કર્યું. એ ઘટનાનું પણ અત્યારે શતાબ્દી વર્ષ ચાલે છે.
આદિવાસી-દલિતના સાચા ઉદ્ધારક
ઠક્કરબાપા બંધારણસભાના સક્રિય સભ્ય પણ રહ્યા. આજે આદિવાસીઓ, દલિતો કે પછાતો અનામત સહિતની જે વિશેષ બંધારણીય સુવિધાઓ થકી વિકાસ સાધી શક્યા છે એમાં એમનું મસમોટું યોગદાન છે. સત્તાધીશો થકી લગભગ વિસારે પડાયેલા છતાં વંચિતોના દિલમાં વસતા આવા ત્યાગી પુરુષને સ્મરવાનો ઉપક્રમ દાહોદના ગુર્જર ભારતી ટ્રસ્ટ નામક શિક્ષણસંકુલના સૂત્રધાર ગોપાલભાઈ ધાનકા અને સાથીઓએ યોજ્યો. એ વિચારગોષ્ઠીમાં સહભાગી થવાનું સદભાગ્ય હમણાં પ્રાપ્ત થયું. આજે પણ આદિવાસી ક્ષેત્રમાં ઠક્કરબાપા હાજરાહજૂર હોય એવી અનુભૂતિ થયા વિના રહી નહીં. ઠક્કરબાપાએ ૧૯૨૨માં સ્થાપેલા ભીલ સેવા મંડળના યોગદાનની સુવાસ ચોમેર પ્રસરેલી છે. સંસ્થાના વર્તમાન ૯૧ વર્ષીય પ્રમુખ નરસિંહભાઈ હઠીલાએ કાન્તિલાલ મ.શાહલિખિત ગ્રંથ “ઠક્કરબાપા”નું સાર્ધશતાબ્દી નિમિત્તે પુનઃ પ્રકાશન કરાવીને બાપા પ્રત્યેના ઋણને ફેડવાનો યોગ્ય પ્રયાસ કર્યો છે.ભીલ સેવા મંડળનાં જ ઇલાબહેન દેસાઈ (ઝાલોદ) તેમ જ સંસ્થાના પ્રમુખ અને સાંસદ રહેલા સ્વ. જાલજીભાઈ ડીંડોડના પુત્ર અને ગુજરાત સરકારમાં ટોચના હોદ્દે રહીને નિવૃત્ત થયેલા સ્વજન દિનેશ ડીંડોડ સહિતના આદરાંજલિ માટે ઉમટેલા ભણેલાગણેલા વિશાળ સમુદાયને નિહાળીને બાપાએ વાવેલું સાર્થક થયાનું અનુભવાયું. ઠક્કરબાપાએ માત્ર આદિવાસીઓને જાગૃત અને શિક્ષણ  માટે ભીલ સેવા મંડળની સ્થાપના કરી એટલું જ નહીં, દલિતોદ્ધારનું કામ કરવા માટે તેમણે અંત્યજ સેવામંડળની પણ સ્થાપના કરી.તેઓ ૧૯૩૨થી જીવનના અંત સુધી હરિજન સેવક સંઘના મંત્રી પણ રહ્યા. એ યુગમાં ગુજરાતના ત્રણ પનોતા પુત્રોમાં ગાંધીજી, સરદાર પટેલ અને ઠક્કરબાપાનું નામ એકીસાથે લેવાતું રહ્યું છે.

વતન ભાવનગરમાં ય અપરિચિત !
ઠક્કરબાપા વર્ષમાં નવ મહિના પ્રવાસ કરનાર અને માત્ર ત્રણ મહિના મુખ્યાલયમાં રહેનારા ખરા અર્થમાં પ્રવાસી સેવક અને આધુનિક ભારતના નિર્માતાઓમાં સામેલ હતા. કન્યાકુમારીથી હરિદ્વાર અને સિંધથી આસામ સુધીની ધરતી એમનાં સેવાકાર્યો થકી પાવન થયાનું કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. અંગતજીવનમાં ત્યાગી એવા ઠક્કરબાપા સમગ્ર સમાજ માટે આખું આયખું સમર્પિત કરીને દુન્યવી ભોમકાને ૮૧ વર્ષની વયે છોડી ગયા. એમના અંતિમ દિવસ સુધી દેશ આખાના વંચિતોની ખેવના ધરાવતા રહ્યા. સૌરાષ્ટ્રની ૨૯ પછાત કોમોના વિકાસ માટે પણ સાથીઓ અને શાસકોને શીખભલામણ કરતા ગયા હતા. ભાવનગરના સાંસદ રહેલા સ્વજન રાજેન્દ્રસિંહ રાણા સહિતના અનેકોને અમે ઠક્કરબાપાના પરિવારજનોની ભાળ કરાવવા વિનંતી કરી, પરંતુ કમનસીબે ભાગ્યેજ કોઈ એમના ભાઈઓના વંશજો વિશે પણ કોઈ માહિતી ઉપલબ્ધ કરાવી શક્યા. રાષ્ટ્રીય વ્યક્તિત્વો વિશે આપણે કેટલા ઉદાસીન છીએ, એનો અંદાજ બાબત પરથી આવે છે.બાપાના જીવકોરબહેન સાથેના પહેલા લગ્નથી એમને પુત્ર હતો, પણ માત્ર વર્ષની વયે સ્વર્ગે સિધાવ્યો હતો. પત્નીના નિધન પછી એમનાં માતુશ્રીના આગ્રહથી બીજું લગ્ન ગણાત્રા પરિવારનાં દિવાળીબહેન સાથે કર્યું તો ખરું, પણ ઝાઝું ટક્યું નહીં. પિતા વિઠ્ઠલદાસ અને માતા મૂળીબાનાં સંતાનોમાં પરમાનંદ,અમૃતલાલ,મગનલાલ,મણિલાલ ડૉ.કેશવલાલ અને નારાયણજી ઉપરાંત જડીબહેનનો સમાવેશ હતો. પરમાનંદભાઈના પુત્ર કપિલભાઈ ઠક્કર થકી સમાજનો બાપાના પરિવાર  સાથે  પરિચય-સેતુ ટક્યો.
લાંચ અને વ્યભિચારનું પ્રાયશ્ચિત
બંધારણસભામાં ચર્ચા ઠક્કરબાપાના ગહન અભ્યાસ અને વંચિતોના કલ્યાણ માટેની ખેવનાનો  પરિચય કરાવે છે. પંચમહાલમાં ૧૨ વર્ષ રહેલા બાપાએ પ્રદેશની છેલ્લી મુલાકાત સપ્ટેમ્બર ૧૯૪૯માં લીધી. સૌને જાગૃત કરતાં બાપુજી એટલે કે મહાત્મા ગાંધીનું કામ યાદ રાખીને સ્વરાજને ટકાવવાની તેમ હિંદુ-મુસ્લિમ એકતા જાળવવાની સલાહ આપતા ગયા. ચૂંટણીઓમાં સજાગ રહેવા, સ્ત્રી-પુરુષ સમાનતા તેમજ સ્વાર્થી તેમ કાળાબજાર કરનારાઓને ડામવાની  શીખ ગૂંજે બંધાવતા ગયા હતા. દિલ્હીની કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં વડાપ્રધાન પંડિત નેહરુ, નાયબ વડાપ્રધાન સરદાર પટેલ, રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સહિતના મહાનુભાવોએ ઠક્કરબાપાનાં ૮૦ વર્ષ નિમિત્તે યોજેલા અભિવાદનમાં બાપાએ જે શબ્દો કહ્યા હતા કહેવા માટે સિંહનું કાળજું જોઈએ: “ખરું પૂછો તો મારું સ્થાન દિલ્હી જેવા આલીશાન નગરમાં નથી, પણ જંગલોમાં અને ગરીબોની ઝૂંપડીમાં છે. હું તો પામર પ્રાણી છું...મેં જીવનમાં બે વાર લાંચ લીધી છે. મારી જુવાનીના કાળમાં બેએક વાર વ્યભિચારનો દોષ પણ કર્યો છે.” દંભની દુનિયામાં આવી કબૂલાત ગાંધી કે ઠક્કરબાપા આપી  શકે, બીજાનું ગજું નહીં.
રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુની અંજલિ
”૧૯૩૨ના સપ્ટેમ્બરમાં મહાત્મા ગાંધી યરવડા જેલમાં હરિજન-પ્રશ્ન અંગે ઉપવાસ કરતા હતા એ ચિંતાની ઘડીઓમાં સૌ એવો કોઈક રસ્તો કાઢવા માગતા હતા જેથી હરિજનોનું હિત અને તેમના હકો સચવાય તથા મહાત્માજી ઉપવાસ છોડે.તે વખતે ઠક્કરબાપાએ હરિજનોના હિતમાં જે કામ કર્યું તે ચિરસ્મરણીય રહેશે. ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે ઠક્કરબાપાએ વિકટમાં વિકટ સ્થળોએ જઈને આદિવાસીઓની સ્થિતિની તપાસ કરી અને એમના તથા હરિજનોના હકોના રક્ષણ માટે બંધારણમાં જરૂરી કલમો દાખલ કરાવી,” એવું બંધારણ સભાના અધ્યક્ષ અને પહેલા રાષ્ટ્રપતિ રહેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ નોંધે ત્યારે એથી વિશેષ કઈ અંજલિ હોઈ શકે?       ઇ-મેઈલ : haridesai@gmail.com

1 comment:

  1. Great blog! i actually love however it's straightforward on my eyes and therefore the info area unit well written. i'm curious however i'd be notified whenever a brand new post has been created. I actually have signed to your rss feed that extremely ought to do the trick! Have a pleasant day! panseva

    ReplyDelete